રાધા (રાધિકા) : શ્રીકૃષ્ણની પ્રેયસી અને કૃષ્ણલીલામાં ભાગ લેનાર ગોપીવિશેષ.

વૈષ્ણવ ધર્મમાં, ખાસ કરીને ભાગવત સંપ્રદાયમાં મહત્વનું સ્થાન ધરાવનારા અને વસુદેવપુત્ર શ્રીકૃષ્ણની સાથે બાલલીલાઓમાં રાધા કેન્દ્રસ્થાને રહેલાં છે. રાધાના ઉલ્લેખો પ્રાચીન લોકસાહિત્યમાં ત્રીજીથી પાંચમી સદીના ગ્રંથોમાં ઉપલબ્ધ છે; પરંતુ મહાભારત અને અષ્ટાદશ પુરાણો પૈકી પ્રાચીન પુરાણોમાં રાધાનો ઉલ્લેખ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે ને તે પણ પ્રાય: ઉત્તરકાલના પ્રક્ષિપ્ત શ્ર્લોકોમાં.

‘રાધાકૃષ્ણ’ આ બે શબ્દો ‘સીતારામ’ની જેમ ભારતીય પરિભાષામાં ખૂબ જ જાણીતા છે. ‘સીતારામ’ વિશે તો મહાભારતના ‘આરણ્યકપર્વ’માં જોવા મળતા ‘રામોપાખ્યાન’માં અને વાલ્મીકિ ઋષિએ રચેલા ગણાતા ‘રામાયણ’માં જાણીતા છે. જે ઈ. પૂ. બીજી-ત્રીજી સદીથી પૂર્વના ગ્રંથો છે, પરંતુ ‘રાધાકૃષ્ણ’ આઠમી સદી સુધીમાં રચાયેલાં પુરાણોમાં જોવા મળતા નથી. આઠમી સદી સુધીમાં જેનો ઉત્તર સમય છે તેવા ‘ભાગવત મહાપુરાણ’ના દશમ સ્કંધાંતર્ગત રાસપંચાધ્યાયીમાં अनयासधितो नूनं भगवान् हरिरीश्वरः (10) એવું શ્ર્લોકાર્ધ મળે છે, જેનો શબ્દાર્થ એ છે કે જે એક ગોપીને કૃષ્ણ પોતાની સાથે લઈ ગયેલા તેણે કૃષ્ણરૂપ ‘ભગવાન-હરિ-ઈશ્વરની આરાધના કરી હતી.’ અહીં કોઈ કોઈ વિદ્વાનો आशवितोને બદલે राधितः राधायुवतः એવો સંકેત હોવાનું સમર્થન કરે છે, જે ભાગવતના કર્તાને અભીષ્ટ નથી. ‘ભાગવત’ની પ્રસિદ્ધ થયેલી અનેક ટીકાઓમાં આને સમર્થન મળતું નથી. વાસ્તવમાં બીજી-ત્રીજી સદી આસપાસ રચાયેલી ‘ગાથા સપ્તશતી’(પ્રાકૃત ભાષાની)માં राही શબ્દ મળે છે અને છઠ્ઠી સદી આસપાસના, જોધપુર પાસેના મંડોરમાંથી મળેલા શિલાલેખમાં ‘રાધા’ શબ્દ નોંધાયેલો છે. પ્રથમ વાર આઠમી સદી પછી રચાયેલાં મુખ્યત્વે ‘પદ્મપુરાણ’, ‘બ્રહ્મવૈવર્તપુરાણ, (બારમીથી અઢારમી સદી વચ્ચે)’ અને ‘ગર્ગસંહિતા’માં વિસ્તારથી ‘કૃષ્ણ’ સાથે ‘રાધા’ની ક્રીડા વિશે જોવા મળે છે. ઈ. પૂ. ત્રીજી સદી આસપાસના કવિ ભાસના એક સંસ્કૃત નાટક ‘બાલચરિત’માં બાલકૃષ્ણ અને ચારેક નાની બાળાઓને (બાલ)-રમત રમતાં બતાવ્યાં છે. એ પછી ઈ. સ.ની પહેલી સદી આસપાસ રચાયેલાં ‘મહાભારત’ના ખિલ પર્વ (19મા) ‘હરિવંશ’માં પ્રથમ વાર બાલકૃષ્ણ અને ગોપીઓનું ‘ચક્રવાલ’ નૃત્ત જોવા મળે છે. એ પછી ચોથી-પાંચમી સદી આસપાસના ‘વિષ્ણુપુરાણ’માં પ્રથમ વાર ‘રાસ’ શબ્દ કૃષ્ણની ગોપીઓ સાથેની ક્રીડા માટે વપરાયેલો છે. એનો જ વિસ્તાર આઠમી સદી આસપાસમાં રચાયેલા ‘ભાગવત મહાપુરાણ’માં છે. વાસ્તવમાં ‘રાધા’ વિશે પછીનાં પુરાણોમાં માત્ર કવિકલ્પના છે.

રાધાનું વ્યવસ્થિત અને વિસ્તૃત ચરિત તથા માહાત્મ્ય પુરાણોમાં પહેલવહેલું ‘બ્રહ્મવૈવર્તપુરાણ’માં આપેલું છે. એના પ્રથમ ખંડમાં ગોલોકમાં વિરાજિત દૈવી દ્વિભુજ શ્રીકૃષ્ણ તથા એમની સાથે રાસ ખેલતાં દૈવી રાધાનું નિરૂપણ છે. દ્વિતીય ખંડમાં રાધાનો આવિર્ભાવ તથા મહિમા નિરૂપાયો છે. વળી રાધા તથા કૃષ્ણનો માનવ રૂપે પૃથ્વી પર થયેલો જન્મ, તેઓનો મિલાપ તથા વિયોગ અને તેઓનું ગોલોકમાં પુનરાગમન ઇત્યાદિ નિરૂપાયાં છે. તૃતીય ખંડમાં શ્રીકૃષ્ણના માહાત્મ્યમાં રાધાના માહાત્મ્યનો સવિશેષ સમાવેશ થયેલો છે. ચતુર્થ ખંડમાં શ્રીકૃષ્ણનું ચરિત વિગતવાર નિરૂપાયું છે. તેમાં અ. 15માં રાધા-કૃષ્ણનું મિલન, તેઓનો વિવાહ અને તેઓના નિત્ય ગુપ્ત સમાગમનો વૃત્તાંત આવે છે. અ. 17માં રાધાનો જન્મ, એમનાં સોળ નામો, એમનું સ્તોત્ર નિરૂપીને અ. 52-53માં રાધાદિ ગોપીઓ સાથે શ્રીકૃષ્ણે ખેલેલી રાસલીલા તથા પ્રણયલીલાનો વૃત્તાંત આપેલો છે. ચતુર્થ ખંડના ઉત્તરાર્ધમાં રાધાને ઉદ્ધવ દ્વારા સાંત્વન તથા રાધાનો ઉદ્ધવને ઉપદેશ, રાધા-યશોદા-સંવાદ, રાધાનું સિદ્ધાશ્રમગમન, શાપવશાત્ થયેલ 100 વર્ષના વિયોગ પછી રાધા-કૃષ્ણનું પુનર્મિલન અને રાધાનું ગોલોકગમન ઇત્યાદિ પ્રસંગો નિરૂપાયા છે. વર્તમાન ‘બ્રહ્મવૈવર્તપુરાણ’ની ઉત્પત્તિ બંગાળમાં રાધા-મહિમાની અભિવૃદ્ધિ પછી પંદરમી-સોળમી સદી સુધીમાં થઈ જણાય છે.

ઉત્તરકાલીન પુરાણોમાં ‘ભવિષ્ય પુરાણ’માં રાધા-કૃષ્ણનો મહિમા દર્શાવાયો છે. ‘નારદપુરાણ’માં પણ રાધાનો મહિમા દર્શાવાયો છે. ઉપપુરાણો પૈકી ઉત્તરકાલીન ‘આદિ-પુરાણ’માં શ્રીકૃષ્ણની રાસલીલાના નિરૂપણમાં રાધાનું અગ્રિમ સ્થાન દર્શાવ્યું છે. ‘દેવી ભાગવત’(અગિયારમી-બારમી સદી)માં પણ રાધાના દૈવી તેમજ માનુષ સ્વરૂપનું વર્ણન છે.

ગોલોકમાંનાં દૈવી રાધા વિશે ‘બ્રહ્મવૈવર્તપુરાણ’માં એમ જણાવ્યું છે કે ગોલોકમાં દૈવી શ્રીકૃષ્ણે ગોપો તથા ગોપીઓને સર્જી, રાસ-મંડળમાં જતાં પોતાના વામપાર્શ્ર્વમાંથી રાધાને પ્રકટ કરી.

‘બ્રહ્મવૈવર્તપુરાણ’માં ‘રાધા’ નામનું તાત્પર્ય જુદા જુદા સંદર્ભમાં જુદી જુદી રીતે દર્શાવ્યું છે. વસ્તુત: ‘રાધા’ શબ્દની ઉત્પત્તિ रा + धा કે र + आ + ध् + आ એવા ઘટકોના સંયોજન પરથી ઘટાવવા કરતાં राध् ધાતુ પરથી સાધવામાં આવે એ વધુ તર્કયુક્ત છે.

રાધાના રમણીય દેહનું મનોહર શબ્દચિત્ર ‘બ્રહ્મવૈવર્તપુરાણ’માં આલેખવામાં આવ્યું છે. એના બ્રહ્મખંડમાં દૈવી રાધાનાં અંગો, વસ્ત્રો અને અલંકારોનું તાદૃશ નિરૂપણ છે. રાધાના સ્વરૂપનું આવું રુચિર નિરૂપણ એ પુરાણના કૃષ્ણજન્મખંડમાં પણ છે. બ્રહ્મખંડમાં રાધાના આવાસનું વિગતવાર અને વિસ્તૃત નિરૂપણ છે. ‘બ્રહ્મવૈવર્તપુરાણ’માં દૈવી રાધાનો રથ, એ રાધામાંથી ઉત્પન્ન થયેલી ગોપીઓ, રાધાની સખીઓ, રાધાની કૃષ્ણભક્તિ, કૃષ્ણની રાધા-પ્રીતિ, રાસમંડળનાં રાસેશ્વરી તરીકે તેમજ શ્રીકૃષ્ણનાં અનન્ય પ્રિયતમા તરીકે રાધાનો મહિમા, રાધાને શ્રીદામાનો શાપ, રાધાનું માનુષ સ્વરૂપે ભૂલોકગમન તથા ગોલોકમાં પ્રત્યાગમન, રાધાની ગોલોકમાં શાશ્વત સ્થિતિ ઇત્યાદિનું સુરેખ આલેખન છે.

શ્રીદામા(સુદામા)ના શાપથી રાધા માનુષ રૂપે પૃથ્વી પર અવતર્યાં. ગોકુલના વૃષભાનુ નામે ગોપ એમના પિતા હતા ને એમનાં પત્ની કલાવતી (કે કીર્તિદા) રાધાનાં માતા હતાં. રાધાનો જન્મ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો. આથી એ દિવસ ‘રાધા-જન્માષ્ટમી’ (રાધાષ્ટમી) કહેવાય છે. પૌરાણિક વિભાવના અનુસાર રાધાનો જન્મ માનુષી પ્રક્રિયા દ્વારા નહિ પણ વાયુ દ્વારા અલૌકિક રીતે થયો હતો. આથી એમનો ‘અયોનિજા’ તરીકે પણ ઉલ્લેખ થયો છે. રાધાને 12 વર્ષ પૂરાં થયાં ત્યારે પિતા વૃષભાનુએ તેમનો વિવાહ રાયણ વૈદૃશ્ય સાથે કર્યો હતો, પરંતુ રાધાએ ત્યાં પોતાના સ્થાને પોતાની છાયા મૂકી હતી ને પોતે તો અવિવાહિત જ રહ્યાં. આ માન્યતા કૃષ્ણે પરકીયા સાથે પ્રણય કર્યો હોવાના લોકાપવાદના નિવારણ માટે પ્રયોજાઈ લાગે છે; પરંતુ ગૌડ સંપ્રદાયમાં તો પત્ની કરતાં પ્રિયતમાના પ્રેમને વધુ ઉત્કટ માનવામાં આવ્યો છે. રાધાના જન્મ પછી 14 વર્ષે શ્રીકૃષ્ણે મથુરામાં વસુદેવ-દેવકીને ત્યાં જન્મ લીધો. બાલકૃષ્ણ સાથે રાધાનું પ્રથમ મિલન ભાંડીર વનમાં થયું હતું. બ્રહ્માએ ગુપ્ત રીતે રાધા સાથે કૃષ્ણનો વિવાહવિધિ કર્યો ને પછી રોજ રાતે રાધા ગુપ્ત રીતે કૃષ્ણ પાસે જઈ પ્રણયલીલા ખેલતાં હતાં.

નંદ આદિ ગોપોએ ગોકુલથી વૃંદાવન સ્થળાંતર કર્યું ત્યારે વૃષભાનુ પણ સકુટુંબ એમાં સામેલ થયા. કાલિય-દ્રહ-મજ્જન પ્રસંગે રાધાને તીવ્ર ચિંતા થઈ હતી. ગોપીવસ્ત્ર-હરણ-પ્રસંગે રાધાએ અજબ ધૈર્ય ધર્યું હતું. વૃંદાવનમાં વસંત ઋતુ બેસતાં રાધા-કૃષ્ણે મનોહર રાસલીલા ખેલી હતી ને ચિરકાલ પ્રણયલીલા માણી હતી.

રાધાને અનેક સખીઓ હતી. એમાં આઠ મુખ્ય ગણાય છે : લલિતા, કલાવતી, મધુમતી, વિશાખા, શ્યામલા, શૈલ્યા, વૃંદા અને શ્રીધરા.

શ્રીકૃષ્ણના જન્મનો મુખ્ય હેતુ તો અસુરોના ઉપદ્રવથી પૃથ્વીનો ભાર હળવો કરવાનો હતો. આથી દેવોની વિનંતી થતાં તેઓ અક્રૂર સાથે વૃંદાવનથી મથુરા જવા તૈયાર થયા, ત્યારે કૃષ્ણે રાધાને બોધ આપી વિરહવ્યથા સહન કરવા તૈયાર કરેલાં. મથુરામાં મામા કંસનો વધ કરી કૃષ્ણ ત્યાં રહ્યા, ત્યારે તેમણે નંદ દ્વારા રાધાને તથા યશોદાને સાંત્વન અપાવેલું. પછી કૃષ્ણે ઉદ્ધવને ગોકુલ-વૃંદાવન મોકલી રાધાની ખબર કઢાવી ત્યારે રાધાને સાંત્વન આપતાં ઉદ્ધવ રાધાના અનન્ય ભક્તિભાવથી પ્રભાવિત થયા હતા.

શ્રીકૃષ્ણે વિદ્યોપાર્જન કરી, મથુરા તજી દ્વારકા વસાવી, રુક્મિણી આદિ અનેક પત્નીઓ સાથે વિવાહ કર્યો ને અનેક ઉપદ્રવકારીઓનો નાશ કર્યો ને કરાવ્યો. આ લાંબા કાળ દરમિયાન શ્રીદામાના શાપ અનુસાર રાધા-કૃષ્ણે એકસો વર્ષના ચિરવિરહની વ્યથા વેઠી. શાપનો અવધિ પૂરો થતાં સિદ્ધાશ્રમમાં રાધા અને કૃષ્ણનું પુનર્મિલન થયું. વૃંદાવનમાં આવેલા એ તીર્થક્ષેત્રમાં દ્વારકાથી કૃષ્ણ અને ગોકુલથી નંદ આવેલા. અહીં સોળ શણગાર સજેલાં રાધા અને કૃષ્ણનું પુનર્મિલન થયું. કૃષ્ણની પ્રેરણાથી વ્રજવાસીઓ ગોલોક ગયા. રાધા-કૃષ્ણે અહીં લાંબો સમય સહવિહાર કર્યો. કૃષ્ણની આજ્ઞાથી રાધા પણ રથમાં બેસી ગોલોક ગયાં. થોડા સમય બાદ કૃષ્ણ પણ સ્વધામ પધાર્યા.

પુરાણોમાં રાધાનો અપાર મહિમા ગાયો છે. પદ્મપુરાણ મુજબ રાજા વૃષભાનુને યજ્ઞ માટે ભૂમિ સાફ કરતાં ભૂમિની કન્યા તરીકે રાધા પ્રાપ્ત થયેલાં. રાધાએ શ્રીકૃષ્ણ માટે સમાજની રૂઢિઓનું ઉલ્લંઘન કરેલું. રાધાની ભક્તિ નિમ્બાર્ક, વલ્લભ, રાધાવલ્લભ અને સખીસંપ્રદાય – એ ચારેયમાં નિરૂપાઈ છે. કાર્તિકી પૂર્ણિમાએ રાધાની આરાધના કરાય છે. પુરાણોમાં ‘રાધા’ નામનું માહાત્મ્ય દર્શાવ્યું છે. રાધાનાં નામો, વ્રતો, મંત્રો, ધ્યાન, પૂજાવિધાન, સ્તોત્રો, કવચો ઇત્યાદિ વિગતવાર નિરૂપાયાં છે. વૃંદાવનમાં રાધા સાથે સંલગ્ન એવાં રાધાકુંડ, બરસાના (વૃષભાનુનું સ્થાન), કુંજગલી, માનગલી, બંસીવટ, રાસમંડળ, રમણરેતી, શૃંગારઘાટ, સેવાકુંજ, નિધિવન, માનસરોવર જેવાં અનેક તીર્થસ્થાનો આવેલાં છે.

ભારતની અર્વાચીન પ્રાદેશિક ભાષાઓના સાહિત્યમાં રાધા વિશે અનેક રુચિર કૃતિઓ સર્જાઈ છે. વૃંદાવન આદિ સ્થળોએ રાધાનાં અનેક મંદિરો બંધાયાં છે. ભક્તિમાં, સાહિત્યમાં – ગીતોમાં, રૂપકોમાં, મંદિરો અને મૂર્તિઓમાં તેમજ ચિત્રોમાં રાધાનો મહિમા ઠેકઠેકાણે નજરે પડે છે. ગુજરાતીમાં પણ રાધા-વિષયક કેટલુંક સાહિત્ય મળે છે.

કે. કા. શાસ્ત્રી

ઉમાબહેન ઈ. દેવાશ્રયી