મૅકમેહૉન, વિલિયમ (સર) (જ. 23 ફેબ્રુઆરી 1908, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 31 માર્ચ 1988, સિડની, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના રાજકારણી તથા વડાપ્રધાન (1971–72). તેમણે સિડની યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને સૉલિસિટર તરીકેની લાયકાત અને સજ્જતા કેળવી તેમણે તે ક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં સેવા આપ્યા પછી તેઓ લિબરલ પાર્ટીમાં સક્રિય બન્યા અને 1949માં તેઓ ત્યાંની પ્રતિનિધિ-સભામાં ચૂંટાયા. સર રૉબર્ટ મૅન્ઝિસ હૅરોલ્ડ હૉલ્ટ તથા જૉન ગૉર્ટનના વહીવટી તંત્રમાં તેમણે અનેક જવાબદારીપૂર્ણ પદ-સ્થાન સંભાળ્યાં. 1971માં જૉન ગૉર્ટનની વિશ્વાસ-મતમાં હાર થવાથી તેમણે વડાપ્રધાનપદ સંભાળ્યું. તે પછીના વર્ષે લિબરલ પક્ષ સાર્વત્રિક ચૂંટણીમાં હારી ગયો; પરંતુ 1977 સુધી તે પક્ષનું નેતૃત્વ તેઓ સંભાળતા રહ્યા.

1977માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.

મહેશ ચોકસી