મૅકમેહૉન રેખા : ભારતની ઉત્તર-પૂર્વ(ઈશાન)માં આશરે 1,500 કિમી.ની સરહદ દર્શાવતી રેખા. ઈ. સ. 1914માં ભરવામાં આવેલી સિમલા પરિષદમાં બ્રિટન, ચીન અને તિબેટના પ્રતિનિધિઓએ ભારતની ઈશાન દિશામાં આવેલ સીમાની રેખા નક્કી કરી હતી. 1640માં મૉંગોલોએ દલાઈ લામાને તિબેટનો હક્ક આપ્યો હતો. ત્યારબાદ મંચુઓએ ચીન અને તિબેટ પર પ્રભુત્વ સ્થાપ્યું. તિબેટ ભારતની ઉત્તર સરહદે આવેલું હોવાથી, સીમા-સંઘર્ષનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે ચીન સાથે કરાર કરવા બ્રિટિશ અધિકારી લૉર્ડ કર્ઝને 1903માં ‘યંગ હસબન્ડ મિશન’ ચીનમાં મોકલ્યું હતું. પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.

મૅકમેહૉન રેખા દર્શાવતો નકશો

બ્રિટને ફરીથી 1912માં ચીનને તિબેટ અંગે આવેદનપત્ર મોકલ્યું; તેનો હકારાત્મક ઉત્તર મળ્યો. 1913માં 7 ઑગસ્ટે ચીને તેના સર્વાધિકારી નુઆન્શેનને ભારત મોકલ્યા. ત્રિપક્ષી મંત્રણા થઈ, પરંતુ ચીનને સંતોષ થયો નહિ. બે માસ પછી સિમલામાં ફરી વાર પરિષદ મળી, જેમાં ચીન તિબેટનો રાજકીય દરજ્જો નક્કી કરવા માંગતું હતું, જ્યારે બ્રિટનને ભારત-તિબેટ-ચીનના સીમાનિર્ધારણમાં રસ હતો. આથી ત્યાં કોઈ સમાધાન થઈ શક્યું નહિ. 1914માં ફરી વાર દિલ્હી ખાતે પરિષદ ગોઠવાઈ, તેમાં ચીનનો કોઈ પ્રતિનિધિ હાજર ન રહ્યો તેમજ વિરોધ પણ નોંધાવ્યો નહિ; આથી બ્રિટિશરોએ ચીન-તિબેટ સીમાંકન માટે રાજકીય વિભાગના મંત્રી સર આર્થર હેન્રી મૅકમેહૉનની નિમણૂક કરી. 13 ઑક્ટોબર, 1914ના રોજ ભારત-તિબેટ (લાલ રેખાથી) તેમજ આંતર-તિબેટ અને બાહ્ય તિબેટને (ભૂરી રેખાથી) વિભાજિત કરતા સરહદી નકશાઓ પર બંને દેશોના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કરીને તેની સ્વીકૃતિ આપી; પરંતુ બે તિબેટ વિભાગોને જુદી પાડતી સીમારેખા ચીનને સ્વીકાર્ય ન હોવાથી તેના પ્રતિનિધિ લોએન શાસ્ત્રે હસ્તાક્ષર કર્યા નહિ.

ભુતાનની પૂર્વેથી શરૂ કરીને ભારત-તિબેટ-મ્યાનમાર(તત્કાલીન બ્રહ્મદેશ)ના ત્રિભેટા સુધીની, સરહદ 1″:8 માઈલના પ્રમાણમાપ ધરાવતા નકશાઓ દ્વારા આલેખવામાં આવી છે. આ અગાઉ 25 માર્ચ, 1914ના રોજ તિબેટના પ્રતિનિધિએ મૅકમેહૉનને પત્ર દ્વારા જણાવ્યું હતું કે ‘લાલ રેખાથી દર્શાવાયેલી સીમા સાથે હું સંમત થાઉં છું.’ આમ સર્વપ્રથમ વાર ‘મૅકમેહૉન રેખા’ અસ્તિત્વમાં આવી. બ્રિટિશ પ્રતિનિધિ સર હેન્રી મૅકમેહૉન(1892–1949)ના નામ પરથી આ સરહદરેખાને ઉપર્યુક્ત નામ આપવામાં આવ્યું હતું.

1911થી 1913 સુધી મૅકમેહૉન અને કૅપ્ટન બેઇન દ્વારા સીમાવર્તી પ્રદેશની વિસ્તૃત મોજણી કરવામાં આવી હતી, જેમાં આ રેખા ઇન્દ્રાવતી અને બ્રહ્મપુત્રના ઉત્તરના જળવહન ઢોળાવને અનુસરે છે. સીમારેખા 6,430 મીટર ઊંચાઈએથી ટુ લુન્ધા અને મેતલા કા યોંગ ઘાટથી શરૂ કરીને ભુતાનની સરહદ સુધી જતી પર્વતમાળાના વિસ્તારને અનુસરે છે.

ભારત અને ચીન વચ્ચેની પારંપરિક સીમા આ રીતે સિમલા કરાર કરીને સ્વીકારવામાં આવી હતી. સર્વે ઑવ્ ઇન્ડિયાના નકશાઓમાં ભારતની નિશ્ચિત સીમા તરીકે 1930થી તે દર્શાવવામાં આવી છે.

ચીનના લશ્કરે તિબેટ કબજે કર્યું, ત્યાં બળવો દબાવી દીધો અને દલાઈ લામા પોતાના અનુયાયીઓ સહિત ભારતમાં રાજકીય આશ્રય મેળવ્યો. 1956માં ચાઉ-એન-લાઇ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ રેખા અંગે તેમણે કોઈ વિરોધ કર્યો ન હતો; પરંતુ 1959 પછી ભારત અને ચીન વચ્ચે મૅકમેહૉન રેખા ઝઘડાનું કારણ બની. સરહદ વિશેની ચર્ચાઓ દરમિયાન 1960માં અને તે પછી, ચીને ‘ગેરકાયદે’ મૅકમેહૉન રેખા એવો ઉલ્લેખ કરીને તેની દક્ષિણના વિશાળ વિસ્તારો પર દાવો કર્યો. ભારત-ચીન સંઘર્ષ દરમિયાન 1962માં ચીનના લશ્કરે તેમાંના ઘણા પ્રદેશો કબજે કર્યા. હાલના અરુણાચલ પ્રદેશમાં ભારતનું શાસનતંત્ર પાછળથી સ્થાપવામાં આવ્યું અને કુદરતી, ઐતિહાસિક તથા પારંપરિક સીમા તરીકે મૅકમેહૉન રેખાનો ભારતનો દાવો મક્કમપણે રજૂ કરવામાં આવ્યો. 1980–90ના દાયકાઓમાં ભારત અને ચીનના સંબંધોમાં સુધારો થયો. બંને દેશોના અધિકારીઓ વાસ્તવિક અંકુશરેખા નક્કી કરવા વખતોવખત મળ્યા. ત્યારબાદ સપ્ટેમ્બર, 1993ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન નરસિંહરાવ અને ચીનના વડાપ્રધાન લિ પેન્ગે વાસ્તવિક અંકુશરેખા પર શાંતિ જાળવવાના કરાર કર્યા.

જયકુમાર ર. શુક્લ

નીતિન કોઠારી