મૅકમિલન, ઍડ્વિન મૅટિસન (McMillan, Edwin Mattison) (જ. 18 સપ્ટેમ્બર 1907, રિડૉન્ડો બીચ, કૅલિફૉર્નિયા; અ. 7 સપ્ટેમ્બર 1991, અલ સેરિટો, કૅલિફૉર્નિયા) : નૅપ્ચૂનિયમના શોધક અને 1951ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પારિતોષિક વિજેતા યુ.એસ.ના ભૌતિકવિજ્ઞાની. તેમણે શરૂઆતનું શિક્ષણ પૅસેડીના(કૅલિફૉર્નિયા)માં લીધેલું. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી બી.એસસી.ની, તે પછીના વર્ષે એમ.એસસી.ની તથા 1932માં પ્રિન્સટન યુનિવર્સિટીની પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી હતી. તે જ વર્ષે તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાં નૅશનલ રિસર્ચ ફેલો તરીકે જોડાયા. 1935માં ત્યાંની રેડિયેશન લૅબોરેટરીમાં ઇન્સ્ટ્રક્ટર, 1936માં આસિસ્ટન્ટ પ્રોફેસર, 1941માં ઍસોસિયેટ પ્રોફેસર અને 1946માં પ્રોફેસર બન્યા હતા. 1958માં તેઓ લૉરેન્સ રેડિયેશન લૅબોરેટરીના ડિરેક્ટર નિમાયા હતા. 1973માં નિવૃત્ત થયા ત્યાં સુધી ત્યાં જ રહ્યા હતા.
1930ના દશકના પાછલા ભાગમાં તેઓ મુખ્યત્વે નાભિકીય (nuclear) પ્રક્રિયાઓ અને નાભિકીય કણોને પ્રવેગિત કરનાર સાઇક્લોટ્રૉનની ડિઝાઇન તૈયાર કરવામાં રોકાયા હતા. 1940માં મેકમિલન અને એબલસને દર્શાવ્યું કે જ્યારે યુરેનિયમ ઉપર ન્યૂટ્રૉન કણોનો મારો ચલાવવામાં આવે છે ત્યારે એક નાભિકીય પ્રક્રિયા એવી જોવામાં આવે છે કે જેમાં નવું તત્વ ઉત્પન્ન થાય છે. આ રીતે યુરેનિયમ કરતાં ભારે તત્વની પ્રથમ શોધ થઈ. નેપ્ચૂન ગ્રહ ઉપરથી તેને નેપ્ચૂનિયમ (Np) નામ આપવામાં આવ્યું. નાભિકીય પ્રક્રિયાઓ નીચે પ્રમાણે થાય છે.
નેપ્ચૂનિયમ પણ વિકિરણધર્મી (radioactive) હોવાથી મૅકમિલને જણાવ્યું કે તે β-ક્ષય પામીને નવું તત્વ (પ્લુટૉનિયમ) ઉત્પન્ન કરી શકે. પણ 1940માં વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ રડાર અને સોનાર અંગેના સંશોધન તરફ વળ્યા તેમજ પ્રથમ પરમાણુ બૉંબ ઉપર પણ કાર્ય કર્યું; જ્યારે અનુયુરેનિયમ (transuranium) તત્વોનો અભ્યાસ સીબૉર્ગ વગેરેએ સફળતાપૂર્વક કર્યો.
1940ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં લૉરેન્સના સાયક્લોટ્રૉનની કામગીરી(performance)ની મર્યાદા આવી ગઈ હતી. 1945માં મૅકમિલને રશિયન વૈજ્ઞાનિક વ્લાડિમિર વેક્સલરથી સ્વતંત્ર રીતે આનો ઉપાય શોધ્યો અને નવા પ્રવેગક માટે સિન્ક્રોસાયક્લોટ્રૉન શબ્દ પ્રયોજ્યો. આ ઉપકરણ સાયક્લોટ્રૉન કરતાં 40ગણું વધુ શક્તિશાળી હતું.
મૅકમિલન અને સીબૉર્ગને અનુયુરેનિયમ તત્વોની શોધ માટે 1951ના વર્ષ માટેનું રસાયણશાસ્ત્ર વિષયનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
1954થી 1958 દરમિયાન તેઓ યુ.એસ. ઍટમિક ઍનર્જી કમિશનની જનરલ એડવાઇઝરી કમિટીના સભ્ય હતા. 1960થી 1966 દરમિયાન તેઓ ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યોર ઍન્ડ એપ્લાઇડ ફિઝિક્સના હાઇ ઍનર્જી ફિઝિક્સ કમિશનના સભ્યપદે રહ્યા હતા. તેઓ નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝના પણ સભ્ય હતા તથા 1968થી 1971 સુધી તેના ચૅરમૅન તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. 1963માં તેમને વૅક્સલર સાથે ‘ઍટમ્સ ફૉર પીસ’ પુરસ્કાર પણ મળ્યો હતો.
તેઓ કેટલીક અગ્રણી સંસ્થાઓના ફેલો હતા, તેમજ તેમને કેટલીક વિદ્વત્સંસ્થાઓ તરફથી ડૉક્ટરેટની માનદ પદવી પણ એનાયત કરવામાં આવી હતી.
જ. પો. ત્રિવેદી