મૂળા : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Raphanus sativus Linn. (સં. મૂલક; હિં. મૂલી; બં. મૂલા; ગુ., મ. મૂળા; તે., ત., ક. મલા, મુલંગી; અં. રૅડિશ) છે.

બાહ્ય લક્ષણો : તે એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ રોમિલ શાકીય વનસ્પતિ છે અને સફેદ કે ચળકતું રંગીન, ત્રાકાકાર, કંદિલ સોટીમૂળ (tap root) ધરાવે છે. તેનું ભારતમાં બધે જ વાવેતર થાય છે. હિમાલય અને બીજા પહાડી પ્રદેશોમાં 3,000 મી.ની ઊંચાઈ સુધી ઉગાડવામાં આવે છે. પ્રકાંડ સાદું બિંબ જેવું નાનું કે શાખિત, ટટ્ટાર, 20 સેમી.થી 100 સેમી. ઊંચું હોય છે. તલસ્થ પર્ણો લાંબાં, વીણાકાર, પિચ્છાકાર (pinnate) કે પક્ષવત્ નિદર (pinnatisect) અને દંતુર હોય છે. સ્તંભીય (cauline) પર્ણો સાદાં અને રેખીય હોય છે. પુષ્પો અગ્રસ્થ, લાંબી કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં, સામાન્યત: સફેદ કે નીલવર્ણી (liliac) હોય છે અને જાંબલી શિરાઓ ધરાવે છે. ફળ કૂટપટિક (siliqua), ફૂલેલું, 25 મિમી.થી 90 મિમી. લાંબું હોય છે અને લાંબી અણીદાર ચાંચ ધરાવે છે. જવલ્લે જ અનિયમિતપણે ખાંચોવાળાં હોય છે. બીજ 2થી 8, ગોળ, પીળાં કે બદામી હોય છે.

મૂળા(Raphanus sativus)ના વિવિધ પ્રકારો

મૂળાની જાતો : દુનિયાના વિવિધ પ્રદેશોમાં ઉગાડાતી મૂળાની જાતોને મોટા ભાગના વિજ્ઞાનીઓ એક જાતિ  R. sativus Linn. હેઠળ મૂકે છે. કેટલાક તેને R. raphanistrum Linn. sensu ampliore હેઠળ ઉપજાતિ તરીકે મૂકે છે. કેટલાક વિજ્ઞાનીઓ R. sativusને બાહ્યાકારકીય (morphological) અને પરિસ્થિતિવિદ્યાકીય (ecological) સંદર્ભમાં મૂળાની જાતોમાં રહેલા સ્પષ્ટ તફાવતોને આધારે એકથી વધારે જાતિઓમાં વિભાજિત કરે છે. યુરોપીય અને જાપાની જાતો તદ્દન ભિન્ન છે; જ્યારે ભારતીય જાતો મધ્યમ પ્રકારની હોય છે. આમ, જાપાનના દરિયાકિનારાના અને પડોશી પ્રદેશોમાં ઊગતી મૂળાની વન્યજાતો તથા જાપાનના સાકુરાજીમા ટાપુમાં થતી સલગમ આકારની મહાકાય મૂળાની જાતને R. raphanistroides (Makino) Sinsk.માં સમાવવામાં આવી છે. ભારતીય પ્રકારોને R. indicus Sinsk.માં અને યુરોપીય પ્રકારોને માત્ર R. sativus Linn. sensu stricto હેઠળ મૂકવામાં આવ્યા છે. R.caudatus Linn. (રેટ-ટેઇલ રેડિશ) ભારતીય પ્રકારો સાથે ગાઢ રીતે સંબંધિત છે. પરંતુ તેનું ઉષ્ણકટિબંધમાં વધારે વિતરણ થયેલું છે.

યુરોપીય મૂળાની જાતો સીધે સીધી અથવા સંકરણ દ્વારા R. maritimus Smith, R. landra Moretti અને R. rostratus DC. જેવી કેટલીક વન્ય જાતિઓમાંથી ઉદભવી હોવાનું મનાય છે. આ બધી જાતિઓ ભૂમધ્યસમુદ્રીય પ્રદેશમાં વન્ય સ્વરૂપે મળી આવે છે. જાપાની મૂળાની જાતો R. sativus f. raphanistroides Makino syn. R. raphanistroides Sinskમાંથી ઉત્પન્ન થઈ હોવાની માન્યતા છે. તેઓ જાપાનના દરિયાકિનારાના પ્રદેશોમાં થાય છે. ભારતીય મૂળાની જાતો (રેટ-ટેઇલ રેડિશ સહિત) વર્તમાન વિતરણના વિસ્તારમાં ઉદભવી હોવાનું માનવામાં આવે છે; પરંતુ તેમના પૂર્વાનુમાનિત (presumed) પૂર્વજો લુપ્ત થઈ ગયા છે.

મૂળો તેના કદ, આકાર, રંગ, વાવણી પછી તેનો પરિપક્વતા માટેનો સમય અને ખાદ્ય ગુણવત્તાની ર્દષ્ટિએ વિસ્તૃત સ્વરૂપકીય વિવિધતાઓ દર્શાવે છે. જાતિ અને ઉપજાતિઓનાં સંકરણો ઉપરાંત ગાઢપણે સંબંધિત પ્રજાતિ Brassica  સાથે આંતરપ્રજાતીય (intergeneric) સંકરણો મોટી સંખ્યામાં યોજાયાં છે. Raphanas પ્રજાતિની ‘sativus’ જાતિ સહિત બધી જાતિઓમાં રંગસૂત્રો (chromosomes)ની સંખ્યા, 2n=18 છે. મૂળાની વ્યાપારિક લગભગ બધી જાતો સ્વ-અસંગત (self-incompatible) છે. R. Sativusનું R. raphistrum સાથે સરળતાથી સંકરણ થઈ શકે છે. આંતરપ્રજાતીય સંકરણના કિસ્સામાં Brassica oleracea (કોબીજ અને બ્રસેલ્સ સ્પ્રાઉટ) અને મૂળાનું માતૃક વનસ્પતિ તરીકે કરવામાં આવતું સંકરણ સફળ છે; પરંતુ પૈતૃક વનસ્પતિ તરીકેનું સંકરણ નિષ્ફળ છે. મૂળા સાથે સંકરણ કરાવવામાં આવતી Brassicaની બીજી જાતિઓમાં B. carinatal (ઍબિસિનિયન મસ્ટાર્ડ), B. Chinensis (ચાઇનીઝ કોબીજ) અને B. rapa (સલગમ)નો સમાવેશ થાય છે. પરંતુ તેના સંકરોમાં વિવિધ માત્રાઓમાં વંધ્યત્વ જોવા મળે છે.

મૂળાની સ્થાનિક (indigenous) અને પ્રવેશિત (introduced) જાતોના ઘણા પ્રકારો છે. સ્થાનિક પ્રકારો સામાન્ય રીતે શંકુ આકારનાં સફેદ મૂળ ધરાવે છે. તેની લંબાઈ 25 સેમી. થી 40 સેમી. જેટલી હોય છે અને પ્રવેશિત યુરોપિયન પ્રકારો કરતાં વધારે તીખા હોય છે. યુરોપિયન પ્રકારો લાલ, જાંબલી કે સિંદૂરી લાલ રંગના હોય છે. ઉત્તર પ્રદેશના જોનપુરી કે નેવારી પ્રકારના મૂળા ખૂબ મોટા હોય છે અને 75 સેમી.થી 90 સેમી.ની લંબાઈ, 50 સેમી.થી 60 સેમી. ઘેરાવો અને 5 કિગ્રા.થી 15 કિગ્રા. વજન ધરાવે છે. આ મહાકાય જાત ખારા પાણીના વિસ્તારવાળી માત્ર સિંચિત ભૂમિમાં સફળતાપૂર્વક થાય છે, પરંતુ અન્ય ભૂમિ ઉપર ઉગાડતાં તે આ કદ પ્રાપ્ત કરતી નથી. ‘બારામાસી’ સ્થાનિક પ્રકાર આખા વર્ષ દરમિયાન ઉગાડી શકાય છે. ‘પુસા દેશી વ્હાઇટ’ સુધારેલી સ્થાનિક જાત છે. ‘જાપાનીઝ વ્હાઇટ’, ‘40 ડેઝ’, ‘ચાઇના રોઝ’, ‘ચાઇનીઝ પિંક’ અને ‘મિયા શિગે’ કેટલાક એશિયાઈ પ્રવેશિત પ્રકારો છે; જ્યારે ‘ફ્રેંચ બ્રેકફાસ્ટ’, ‘પર્પલ ટૉપ વ્હાઇટ’, ‘સ્કારલેટ ગ્લોબ’, ‘વ્હાઇટ ઇસિકલ’, ‘રૅપિડ રેડ રાઉન્ડ’, ‘વુડ્ઝ લાગ ફ્રેમ’ અને ‘પૅરિઅર’ કેટલાક યુરોપિયન પ્રવેશિત પ્રકારો છે.

‘પુસાચેતકી’, ‘પુસા દેશી’ અને ‘જાપાનીઝ વ્હાઇટ’ નર વંધ્ય કૃષિજાતવંશ (cultivar lines) છે અને તેનું કોઈ પણ સારી સંયોજક જાત સાથે સંકર બીજના ઉત્પાદન માટે સંકરણ થઈ શકે છે.

‘સ્કાર્લેટ રેડ’ કૃષિજાતનાં બીજ વધારે મોટાં (વજન 5 મિગ્રા. કરતાં વધારે) હોય છે. તેઓ નાનાં બીજ કરતાં વધારે અંકુરણ દર્શાવે છે.

‘જાપાનીઝ’ જાતમાં હિમાચલ પ્રદેશની રેતાળ ગોરાડુ જમીનની સપાટીથી 20 સેમી. નીચે 100 કિગ્રા. નાઇટ્રૉજન/ હેક્ટર આપતાં બીજનું વધારે ઉત્પાદન (12.87 ક્વિન્ટલ/ હેક્ટર) થાય છે. છોડની ઊંચાઈમાં વધારો (101.5 સેમી.) થાય છે તથા 14 શાખાઓ / છોડ અને 375 શિંગ / છોડ ઉત્પન્ન થાય છે.

Brassica campestris નું મૂળા સાથે સંકરણ કરાવતાં ઘાસચારા (fodder)નો સારો પાક ઉદભવે છે. પાંચ વસ્તીઓમાં સમૂહવરણ (mass selection) દ્વારા સૂત્રકૃમિ (Heterodera schachtii, beet cyst nematode)નો પ્રતિરોધ કરતી જાત પ્રાપ્ત કરી શકાય છે.

આબોહવા : મૂળો ઠંડી ઋતુનો પાક હોવા છતાં કેટલાક સ્થાનિક પ્રકારો સમગ્ર વર્ષ દરમિયાન વાવી શકાય છે. દક્ષિણ ભારતમાં મૂળો આખા વર્ષ દરમિયાન ઉગાડવામાં આવે છે. સ્થાનિક પ્રકારો માટે ઉત્તરનાં મેદાનોમાં વાવવાનો સમય ઑગસ્ટથી જાન્યુઆરી સુધીનો અને યુરોપિયન પ્રકારો માટે સપ્ટેમ્બરથી માર્ચ સુધીનો છે. પહાડી પ્રદેશોમાં માર્ચથી જુલાઈ સુધીના ગાળામાં મૂળાનું વાવેતર કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં વાવેતરનો સૌથી અનુકૂળ સમય પહાડી પ્રદેશોમાં એપ્રિલથી જૂન અને મેદાનોમાં ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીનો છે.

જમીન : મૂળો બધા જ પ્રકારની ભૂમિમાં ઊગી શકતો હોવા છતાં ફળદ્રૂપ, ભભરુ (friable) રેતાળ ગોરાડુ ભૂમિ પસંદ કરવામાં આવે છે. ભારે માટી(heavy soil)માં મૂળના આકારનો વિકાસ બરાબર થતો નથી. શીતળ ભેજયુક્ત કાંપવાળી કે કાંપ-પંક(silty loam)ભૂમિ ઉનાળુ પાક માટે સારાં પરિણામ આપે છે.

ખાતર : ભૂમિને સારું કોહવાટ પામેલું ફાર્મયાર્ડ ખાતર 40 ટન/ હેક્ટરની માત્રાએ આપવામાં આવે છે. આ ઉપરાંત 375 કિગ્રા. નાઇટ્રોજન અને 12.5 કિગ્રા. ફૉસ્ફરસ પ્રતિ હેક્ટર આપવામાં આવે છે. મૂળાના પ્રકાર અને રોપણ માટેના અંતરને આધારે 7 કિગ્રા.થી 10 કિગ્રા. બીજ પ્રતિ હેક્ટરે વાવવામાં આવે છે. બીજાંકુરણ 3 થી 4 દિવસમાં થાય છે. પ્રત્યારોપણ (transplantation) પૂર્વે ક્યારીઓમાં તેના રોપા તૈયાર કરવામાં આવે છે. 2થી 3 પર્ણો ધરાવતા મજબૂત અને તંદુરસ્ત રોપાઓનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. મૂળાની ખેતી માટે ખેતરમાં 3 મી. થી 4.5 મી. લાંબા અને 1.5થી 1.8 મી. પહોળા પાળા તૈયાર કરવામાં આવે છે, અને દરેક પાળામાં મૂળાનાં બીજ પુંખીને વાવવામાં આવે છે. બીજી એક પદ્ધતિમાં 45 સેમી.ના અંતરે હરોળમાં વાવણી કરવામાં આવે છે. ઋતુ પર આધાર રાખીને વાવેતર પછી દર 5થી 10 દિવસે સિંચાઈ કરવામાં આવે છે. વૃદ્ધિ-ઋતુ દરમિયાન એક કે બે વાર અપતૃણોને કાઢી નાખવામાં આવે છે. બીજને વાવતાં પહેલાં 20 પી. પી. એમ. NAA(નૅફ્થેલિન એસેટિક ઍસિડ)ની ચિકિત્સા આપવાથી ખાદ્ય મૂળનું ઉત્પાદન વધે છે. 10 પી. પી. એમ. જિબ્રેલિક ઍસિડની બીજચિકિત્સા 6 કલાક માટે આપતાં મૂળાની લંબાઈ, વજન અને કુલ ઉત્પાદનમાં વધારો થાય છે. મૂળા પછી મકાઈનો પાક લેવામાં આવે તો મકાઈના ઉત્પાદન પર હાનિકારક અસર પહોંચે છે.

જેતૂન તેલ (oliveoil) જેવા તેલનું પ્રક્રમણ (processing) કરતી મિલમાંથી છોડવામાં આવતા નકામા પાણીમાં મૂળા ઉગાડી શકાય છે.  નકામા પાણીને હાઇડ્રોજન પેરૉક્સાઇડ ચિકિત્સા આપ્યા પછી 30 દિવસ રહેવા દઈ તેને પિયત આપવામાં આવે છે; જેમાં મૂળો, સૂર્યમૂખી, જવ, વટાણા, બીટ, લેટિસ વગેરે રેતાળ અને માટીવાળી જમીનમાં વાવી શકાય છે. તેવી જમીનમાં થતું પાકનું ઉત્પાદન સામાન્ય પાણીમાં થતા ઉત્પાદન જેટલું હોય છે. મૂળો, બીટ અને કોબીજને ખાસ કરીને હરિતગૃહ (greehouse)ની પરિસ્થિતિમાં ઉગાડવામાં આવે ત્યારે તેમનું વલણ નાઇટ્રેટ એકત્રીકરણનું હોય છે.

મૂળા અને મોગરીના રોગો : પરોપજીવી સૂક્ષ્મજીવોના આક્રમણને લીધે મૂળા તથા મોગરીના પાકને થતા રોગો. મૂળો આમ તો આખા વર્ષ દરમિયાન થાય છે; પરંતુ ઑગસ્ટથી જાન્યુઆરીનો સમય તેના માટેની ઉત્તમ ઋતુ છે. તે ઋતુને અનુલક્ષીને મૂળાની જુદી જુદી જાતો ઉગાડવામાં આવે છે. તેમાં મૂળાનો સફેદ ગેરુનો રોગ (Albugo candida) નામની ફૂગથી થાય છે; જ્યારે પાનનાં ટપકાંનો રોગ  (Alternaria brassicae) નામની ફૂગથી થાય છે. ધરુમૃત્યુના રોગ માટે  (Pythium aphanidermatum) નામની ફૂગ કારણભૂત છે. પાનનો તળછારાનો રોગ  (Peronospora parasitica) નામની ફૂગથી પેદા થાય છે.  (Macrophomina phaseolii) ફૂગથી મૂળ અને ડાળીના કોહવારાના રોગ નિર્માણ થાય છે. કંદનો પોચો સડો  (Erwinia caratovora) નામના બૅક્ટેરિયાથી થાય છે.

સફેદ ગેરુનો રોગ : મૂળા અને શક્કરિયામાં સફેદ ગેરુનો રોગ Albugo candida નામની ફૂગથી થાય છે.

આ રોગમાં પાન અને ડાળી ઉપર ફૂગનું આક્રમણ થતાં આ ભાગમાં ખરબચડા ગેરુ જેવા સફેદ ડાઘા થતા હોય છે. આ ડાઘાઓ એકથી 2 મિમી. વ્યાસના અને ઊપસેલા હોય છે. ઘણી વાર આ ટપકાંઓ વૃદ્ધિ પામી એકબીજાં સાથે મળી જઈ અનિયમિત આકારનું વધુ પ્રમાણમાં ઊપસેલું સફેદ ધાબું બનાવે છે. પરિણામે ડાઘાની ઉપરની સપાટી સહેલાઈથી તૂટી જવાથી તેમાંથી સફેદ પાઉડર જેવા બીજાણુઓ બહાર આવે છે. આ રોગના ચેપની શરૂઆત પાનની નીચેની બાજુએથી થાય છે. સમય જતાં તે છોડના અન્ય ભાગ પર પણ ફેલાય છે અને છોડનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે અને તે બેડોળ લાગે છે. શક્કરિયાં જેવા પાકમાં વેલાની વૃદ્ધિ અટકે છે અને તે વિકૃત સ્વરૂપ ધારણ કરે છે. આ વિકૃતિ ફૂલના ભાગોમાં વિશેષ જોવા મળે છે. આ રોગનો ભોગ બનેલા ભાગો ઓળખવા પણ મુશ્કેલ થઈ જાય છે. ફૂલની પાંખડી નીલકણોવાળી લીલી થઈ જાય છે. આવાં ફૂલોમાં બીજ બેસતાં નથી. સફેદ ગેરુના રોગથી મૂળાની વૃદ્ધિ અટકી જાય છે. પરિણામે તેના ઉત્પાદનમાં 5 % થી 50 % જેટલો ઘટાડો થાય છે.

આ રોગના નિયંત્રણ માટેનાં પગલાં : (1) આ પરોપજીવી ફૂગનો ફેલાવો છોડના બધા ભાગો પર થતો હોવાથી રોગનિયંત્રણ કરવું આર્થિક રીતે પોષાતું નથી. તેથી રોગની શરૂઆત જણાતાં તુરત જ રોગગ્રસ્ત છોડો ઉપાડી, બાળીને તેમનો નાશ કરી દેવો ઇચ્છનીય છે; (2) વળી આ રોગનો પ્રતિકાર કરવાની ક્ષમતાવાળી જાતોની જ વાવણી કરવી ઇષ્ટ છે.

(2) પાનનાં ટપકાંનો રોગ : આ રોગ Alterharis brassicae નામની ફૂગથી થાય છે. છોડ પર ફૂગનો ચેપ લાગતાં પાન ઉપર પાણીપોચા જખમો થાય છે. તેની વૃદ્ધિ થતાં પાન ઉપર પીળી ક્ધિાારીવાળાં ભૂખરા કે લીલા-કાળા રંગનાં ટપકાં થાય છે. આ ટપકાં રોગની વૃદ્ધિ થતાં ઘેરા અને આછા ભૂખરા રંગવાળાં અનેક ગોળાકાર વર્તુળોમાં ફેરવાય છે. આવાં ટપકાં મોટાં થઈને એકબીજાં સાથે મળી જતાં તેઓ પાનનો ઝાળ કે સુકારો કરે છે. આવાં ઘેરાં ભૂખરાં કે કાળાં સુકાયેલાં પાન સમય જતાં ખરી પડે છે. શરૂઆતમાં બીજ અથવા જમીનમાં રહેલા છોડના રોગિષ્ઠ અવશેષોમાં આવેલા બીજાણુઓ ચેપ લગાડે છે. વળી પ્રાથમિક ચેપવાળાં ટપકાંમાં ફૂગના બીજાણુઓ પેદા થતાં પવન મારફતે ફેલાઈને તે છોડને અથવા અન્ય છોડને દ્વિતીયક ચેપ (secondary infection) લાગુ પાડે છે.

આ રોગના નિયંત્રણ માટેનાં પગલાં : (1) રોગમુક્ત વિસ્તારમાંથી બીજ મેળવી તેના પર પારાયુક્ત ફૂગનાશકનો પટ આપી તેની વાવણી કરાય તે જરૂરી છે; (2) ખેતરમાં રોગ જણાય ત્યારે મેન્કોઝેબ અથવા કાર્બાન્ડાઝીમ દવાનો છંટકાવ કરવો હિતાવહ છે.

3. ધરુમૃત્યુ : આ રોગ Pythium aphanidermatum નામની ફૂગથી થાય છે. આ ફૂગ જમીનજન્ય છે અને તે ઊગતા છોડના બીજાંકુરણમાં આક્રમણ કરી થડવાળા ભાગમાં રોગ ઉપજાવે છે. પરિણામે છોડ ઊગતાની સાથે થડ પાસેથી પાણીપોચો થઈ ઢળી પડે છે. નબળી નિતારશક્તિવાળી અથવા તો પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીનમાં આ રોગ વિશેષ નુકસાન કરે છે. આ રોગનો ફેલાવો રોગિષ્ઠ છોડની આસપાસના છોડ ઉપર વર્તુલાકારે થતાં થતાં વલયસ્વરૂપ ધારણ કરે છે. મૃત્યુ પામેલા છોડનું વલય દિવસે દિવસે ઝડપથી વધતું જાય છે. જો રોગને અટકાવવાનાં પગલાં લેવામાં ન આવે તો ખેતરમાં બધા છોડો મૃત્યુ પામે છે. આકાશ વાદળછાયું હોય, ઝરમર વરસાદ પડતો હોય અને ખેતરમાં પાણી ભરાઈ રહે તો આ રોગની તીવ્રતા વધે છે.

આ રોગના નિયંત્રણ માટેનાં પગલાં : (1) એક જ ખેતરમાં મૂળાનો પાક દર વર્ષે ન લેવાય એ જરૂરી છે. (2) સારા નિતારવાળા, વરસાદનું પાણી ભરાઈ ન રહે તેવા ખેતરમાં, પાળા બનાવીને આ પાક લેવાય એ ઇચ્છનીય છે; (3) આ રોગનાં લક્ષણો જણાય કે તુરત જ 3 % બોર્ડો મિશ્રણ અથવા રીડોમિલ ફૂગનાશકનું પ્રવાહી દ્રાવણ ચાસમાં રેડવું હિતાવહ છે.

4. મૂળાનો તળછારો (અથવા પિંછછારો) : આ તળછારો Peronospora parasitica નામની ફૂગથી થાય છે.

આ રોગમાં છોડના કુમળા પાનની નીચેની સપાટી પર જખમો કરીને ફૂગ વૃદ્ધિ પામે છે. આ જખમોની ઉપરની સપાટી પર ઝાંખાં પીળાં ધાબાં નિર્માણ થાય છે; જ્યારે નીચેના આક્રમિત ભાગમાં ફૂગ સફેદ બની વૃદ્ધિ પામે છે. આ ફૂગની વૃદ્ધિ પાનની નીચેની સપાટીએ ઝડપથી ફેલાય છે અને આ વૃદ્ધિ પાનની નીચેની સપાટીને આવરી લે છે. તેના કારણે પાન ભૂખરાં પીળાં થઈને કરમાતાં સુકાઈ જાય છે. છોડ પર નવી કૂંપળો નીકળતાં તેમના ઉપર પણ આ રોગ આક્રમણ કરી પાણીપોચા જખમો પેદા કરે છે અને ત્યાં સફેદ ફૂગની વૃદ્ધિ થયેલી દેખાય છે. એથી આ કૂંપળો પણ કરમાઈને સુકાઈ જાય છે, અને પરિણામે રોગિષ્ઠ છોડ મૃત્યુ પામે છે.

આ રોગના નિયંત્રણ માટે બોર્ડોમિશ્રણ અથવા કાર્બેન્ડાઝિમ દવાનો છંટકાવ કરવામાં આવે છે. મેટાલેક્સીલ (4 ગ્રા./ કિગ્રા.)  આપવાથી રોગનું સારું નિયંત્રણ થાય છે. પાનના છંટકાવ કરતાં બીજની ચિકિત્સા વધારે અસરકારક છે.

5. મૂળ અને ડાળીનો કોહવારો : આ રોગ Macrophomina phaseolii નામની ફૂગથી થાય છે. છોડ પર ફૂગનો ચેપ લાગતાં સૌપ્રથમ પાન પીળાં પડે છે. ત્યારબાદ આ પીળાં પડેલાં પાન કરમાઈને લબડી પડે છે અને સુકાઈને ખરી પડે છે, આવા સુકાયેલા છોડનાં મૂળ અને ડાળીને ફાડીને જોવાથી તેની છાલની નીચે કાળા જલાશ્મો જોવા મળે છે. આ ભાગની પેશીઓ લબડી પડવાથી છોડ ત્યાંથી સહેલાઈથી તૂટી જાય છે.

આ ફૂગ યજમાન પાકના મૃત અવશેષોમાં પોતાનું જીવનચક્ર ચાલુ રાખે છે અને રોગના બીજાણુઓ તૈયાર કરી ત્યાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. આ રોગની ફૂગ જમીનજન્ય છે અને તેનો ચેપ વિવિધ યજમાન પાકો પર પ્રસરતો હોવાથી તેનું નિયંત્રણ કરવું મુશ્કેલ છે; જોકે જમીનમાં તાંબાયુક્ત ફૂગનાશક દવા રેડવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે.

6. કંદનો પોચો સડો : મૂળાના કંદના પોચા સડાનો રોગ Erwinia caratovora નામના બૅક્ટેરિયાથી થાય છે. તેઓ જમીનમાં, ચેપી કંદના અવશેષોમાં વાસ કરતા હોય છે. આ રોગ ખેતર કરતાં શાકભાજીની વખારમાં વધુ નુકસાન કરે છે. છોડનાં પાન અને ખાસ કરીને કંદ તથા થડમાં તે વિશેષ નુકસાન કરે છે.

આ સૂક્ષ્મજીવના ચેપથી મૂળાના ચેપગ્રસ્ત કંદનો વિસ્તાર પોચોપાણીપોચો અને અનિયમિત જખમોવાળો બની જાય છે. શરૂઆતમાં આ જખમો ઉપરની સપાટી પૂરતા મર્યાદિત હોય છે; પરંતુ તે ઝડપથી અંદરની મૃદુ પેશીઓ સુધી ફેલાય છે. રોગની શરૂઆતની અવસ્થામાં મૂળાનાં પાન લીલાં તંદુરસ્ત જણાય છે; પરંતુ સડો આખા કંદમાં ફેલાતાં છોડ સુકાઈ જાય છે. આ ચેપી કંદ મારફતે તેના બૅક્ટેરિયા અન્ય શાકભાજીમાં પ્રસરે છે અને આસપાસના બીજા કંદને પણ ચેપ લગાડે છે. આમ, ઘરમાં કે વખારમાં રાખેલા કંદને આ રોગ સવિશેષ નુકસાન કરે છે.

આ રોગના નિયંત્રણ માટેનાં પગલાં : (1) રોગિષ્ઠ કંદ ભેગા કરી બાળી નાખીને તેમનો નાશ કરવો હિતાવહ છે; (2) વળી આ રોગના જીવાણુઓ જખમો મારફતે અન્ય કંદોમાં પ્રવેશતા હોવાથી ખેડ કરતી વેળાએ કંદને જખમો ન થાય તેની કાળજી લેવી જરૂરી છે; (3) વળી મૂળા વગેરેને માર્કેટમાં લાવતાં તેમને એ રોગ ન લાગુ પડે તે જોવું જરૂરી છે; (4) વળી શીતઘરમાં કંદનો સંગ્રહ કરવાથી ત્યાં આ રોગને ફેલાતો અટકાવી શકાય છે.

પાનનો કરમાવો/ ઝાળ (leaf blight) Rhizoctonia solani દ્વારા થાય છે. તેનું ઉન્મૂલન (eradication) બૅવિસ્ટિન અને ડાઇથેન દ્વારા કરી શકાય છે. હૅપ્ટાસલ્ફેમાઇડ મૂળા પર આક્રમણ કરતી ફૂગ, Aspergillus niger અને A. flavusની વૃદ્ધિને (10-20 પી.પી.એમ. સાંદ્રતાએ) અવરોધે છે.

 ઉત્તર પ્રદેશમાં કોબીજના કાળાં વલયી ટપકાં(cabbage black ring spots)ના રોગનું વાઇરસ મૂળાને રોગ લાગુ પાડે છે.

જીવાત : રાઈને લાગુ પડતી કરવત-માખી (Athalia proxima Klug.) મૂળાની ક્યારીઓને કેટલીક વાર ખૂબ જ નુકસાન પહોંચાડે છે. લેડ આર્સેનેટ કે BHCના છંટકાવની આ કીટક-નિયંત્રણ માટે ભલામણ કરવામાં આવે છે. રાઈમધુયૂકા (Siphoceryne indobrassicae Das.) કેટલીક વાર મૂળા પર આક્રમણ કરે છે. તેના નિયંત્રણ માટે નિકોટીન સલ્ફેટ કે હેક્ઝામર BHC અથવા ગૅમૅક્સીનનો છંટકાવ કરવામાં આવે છે.

વટાણાના પાનનું સુરંગક (miner) કીટક, Phytomyza atricornis મૂળાના છોડને ખાઈ જાય છે કોબીજના મૂળની માખી (Delia radicum)ની ઇયળો મૂળા ઉપર પણ થાય છે. તેનો નાશ કરવા માટે કાર્બૉસલ્ફાન અને ક્લોર્ફેન્વીન્ફોસ ખાતર સાથે આપવામાં આવે છે.

વાવેતર બાદ 30થી 50 દિવસમાં લણણી કરવામાં આવે છે. 0.1 % મૅલિક હાઇડ્રેઝાઇડનો 6 અઠવાડિયાંના છોડ ઉપર છંટકાવ કરતાં પુષ્પનિર્માણ અવરોધાય છે અને મૂળ લણણી પછી પણ લાંબા સમય સુધી ફૂલેલાં અને ખાદ્ય રહે છે. તે વધારે મીઠાં અને ઓછાં તીખાં હોય છે. મૂળાનું ઉત્પાદન યુરોપિયન પ્રવેશિત પ્રકારો દ્વારા લગભગ 7,500 કિગ્રા., સ્થાનિક પ્રકારો દ્વારા 15,000 20,000 કિગ્રા. અને જોનપુર (ઉત્તરપ્રદેશ) દ્વારા 45,000 કિગ્રા. પ્રતિ હેક્ટર થાય છે.

રાસાયણિક બંધારણ અને ઉપયોગ : મૂળાનું રાસાયણિક બંધારણ સારણી 1માં દર્શાવવામાં આવ્યું છે. તે ઍસ્કૉર્બિક ઍસિડ(પ્રજીવક ‘સી’)નો સારો સ્રોત છે અને વિવિધ પ્રકારના ખનિજ-ક્ષારો પૂરા પાડે છે. મૂળામાં રહેલા લઘુપોષકોમાં ઍલ્યુમિનિયમ, બેરિયમ, લિથિયમ, મગેનીઝ, સિલિકોન, ટિટેનિયમ, ફ્લોરિન અને આયોડીનનો સમાવેશ થાય છે. ગુલાબી મૂળામાં સફેદ મૂળા કરતાં વધારે પ્રમાણમાં ઍસ્કૉર્બિક ઍસિડ હોય છે. મૂળામાં મુખ્ય શર્કરા તરીકે ગ્લુકોઝ જોવા મળે છે અને અલ્પ જથ્થામાં ફ્રુક્ટોઝ અને સૂક્રોઝ હોય છે. પેક્ટિન (0.3 % કૅલ્શિયમ પૅક્ટેટના સ્વરૂપમાં) અને પેન્ટોસૅન પણ હોય છે. તેમાં સ્ટાર્ચ હોતો નથી.

સારણી 1 : મૂળાનું રાસાયણિક બંધારણ

મૂળાનાં

સફેદ મૂળ

મૂળાનાં

ગુલાબી મૂળ

મૂળાનો

ઉપરનો ભાગ

મૂળાનાં

ફળ

ખાદ્ય દ્રવ્ય % 99.0 98.0 88.0
પાણી % 94.4 90.8 90.3 90.5
પ્રોટીન % 0.7 0.6 2.7 2.3
લિપિડ % 0.1 0.3 0.6 0.3
રેસા % 0.8 0.6 0.9 1.4
અન્ય કાર્બોદિત % 3.4 6.8 3.4 4.7
ખનિજ % 0.6 0.9 2.1 0.8
કૅલ્શિયમ, મિગ્રા/100 ગ્રા. 50.0 50.0 310 80
ફૉસ્ફરસ, મિગ્રા/100 ગ્રા. 22.0

(ફાઇટિન, 0)

20.0

(ફાઇટિન, 13)

60 100
લોહ, મિગ્રા/100 ગ્રા. 0.4 0.5 16.1 2.8
પ્રજીવક ‘એ’ આઇ.યુ./100 ગ્રા. 5.0 5.0 18,660 50
થાયેમિન, મિગ્રા./100 ગ્રા. 0.06 0.06 0.03 0.07
રાઇબૉફ્લેવિન, મિગ્રા./100 ગ્રા. 0.02 0.02 0.16 0.05
નિકોટિનિક ઍસિડ મિગ્રા./100 ગ્રા. 0.5 0.4 0.3 0.2
ઍસ્કૉર્બિક ઍસિડ મિગ્રા./100 ગ્રા. 15.0 17.0 103 69

મૂળામાં મળી આવેલ કાર્બનિક ઍસિડોમાં P-કાઉમેરિક, કૅફિક, ફેરુલિક, ફિનિલ પાયરુવિક, જેન્ટિસ્ટિક અને p-હાઇડ્રૉક્સિબેંઝોઇક ઍસિડ છે. કુલ ઍસિડ-દ્રવ્ય સફેદ મૂળામાં ગુલાબી મૂળા કરતાં ઓછું હોય છે.

મૂળામાં મળી આવતી તીખી સુવાસ બાષ્પશીલ તેલને કારણે છે. આ તેલનું મુખ્ય ઘટક બ્યુટાઇલ ક્રોટોનિલ આઇસોથાયૉસાયનેટ સલ્ફાઇડ છે. આધુનિક સંશોધનો મુજબ, મૂળામાં ટ્રાન્સ-4-મિથાઇલ-થાયોબ્યુટેનિલ આઇસોથાયૉસાયનેટ તીખો ઘટક છે. રંગીન મૂળાઓમાં ઍન્થોસાયનિન નામનાં રંજક દ્રવ્યો આવેલાં હોય છે. તેમનું કુદરતી રીતે ફેરુલિક કે pકાઉમેરિક ઍસિડ સાથે એસિલીકરણ (acylation) થયેલું હોય છે. લાલ મૂળામાં સાયનિડિન5, ગ્લુકોસાઇડ3, સોફોરોસાઇડ, સિંદૂરી લાલ મૂળામાં પેલાર્ગોનિડિન ડાઇગ્લાયકોસાઇડ અને જાંબલી મૂળામાં સાયનિડિન ડાઇગ્લાયકોસાઇડ હોય છે. લાલ મૂળામાં કૅટેચોલ હોય છે. મૂળાઓમાં ફ્લેવેનોલ અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે.

મૂળામાં ફૉસ્ફેટેઝ, કૅટાલેઝ, સૂક્રેઝ, એમાઇલેઝ, આલ્કોહૉલ ડિહાઇડ્રૉજિનેઝ અને પાયરુવિક કાબૉર્ક્સિલેઝ નામના ઉત્સેચકો હોય છે. તે ઉષ્માસ્થાયી (thermostable), ઍન્ટિથાયેમિનકારક અને મિથીન ધરાવે છે. તેમાં સ્ટેરૉઇડ પ્રકારના સૅપોજેનિન પણ હોય છે.

પર્ણો કૅલ્શિયમ, લોહ અને ઍસ્કૉર્બિક ઍસિડ પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે અને પ્રજીવક ‘એ’ના સૌથી સારા સ્રોત પૈકીનો એક ગણાય છે. ઑક્ઝેલિક ઍસિડ પણ વધારે પ્રમાણમાં (કુલ ઑક્ઝેલેટ 0.68 %; દ્રાવ્ય ઑક્ઝેલેટ 0.39 %) હોય છે. પર્ણોમાં સ્ટ્રૉન્શિયમ 82.9 મિગ્રા./100 ગ્રા. અને આયોડીન 19.8 માઇક્રોગ્રામ/100 ગ્રા. હોય છે.

વ્યાપારિક ધોરણે પ્રોટીનના નિષ્કર્ષણ માટે મૂળા ઉત્તમ સ્રોત છે. પર્ણ પ્રોટીનનું જૈવવૈજ્ઞાનિક મૂલ્ય 76.6 % અને પાચ્યતા ગુણાંક (digestibility coefficient) 73.5 % છે. પ્રોટીનરહિત નાઇટ્રોજનવાળા અંશમાં 22 ઍમિનોઍસિડ મળી આવ્યા છે. પ્રોટીન-ન્યૂનતામાં તેનાં પર્ણોનો ઉપયોગ થાય છે. બીજમાં રહેલું સલ્ફોરેફેન Streptococcus, Pyococcus, Pneumococcus અને Escherichia coli સામે પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દાખવે છે અને બીજાંકુરણને અવરોધ છે. બીજમાં રેફેનિન નામનું સલ્ફર ધરાવતું તેલ કેટલાક ગ્રામ-ધનાત્મક અને ગ્રામ-ઋણાત્મક બૅક્ટિરિયા સામે સક્રિય હોય છે. બીજ મેક્રોલાયસિન નામનો વિસ્તૃત વર્ણપટ (broad spectrum) પ્રતિજૈવિક (antibiotic) ધરાવે છે અને Mycobacterium tuberculosis સામે વિશિષ્ટ છે.

દ્રાવક-નિષ્કર્ષિત (solvent-extracted) બીજના ખાદ્ય નમૂનામાં શુષ્ક સ્થિતિમાં 52.5 % પ્રોટીન હોય છે અને તે લાયસિન, મિથિયોનિન, લ્યુસિન, આઇસોલ્યુસિન, ફિનિલ ઍલેનિન, થ્રિયોનિન, વેલાઇન, હિસ્ટિડિન અને આર્જિનિન નામના મહત્ત્વના ઍમિનોઍસિડ હોય છે. આમ બીજનું ખાણ વૃદ્ધિ અને જાળવણી માટે સંતોષજનક ખોરાક છે.

સંગ્રહ દરમિયાન જાપાનની જાતનાં મૂળ પીળો રંગ ધારણ કરે છે; જે β–કાર્બોલિન સંયોજન, 1-(2´પાયરોલિડિન મેથિયોન – 3´ – ઈલ) – 1, 2, 3, 4 – ટેટ્રાહાઇડ્રો – β- કાર્બોલિન – 3 – કાર્બોક્સિલિક ઍસિડને આભારી છે. જાપાનમાં મીઠાવાળાં આ મૂળા આહારમાં વિપુલ પ્રમાણમાં વપરાય છે.

‘ગાર્ડન રેડિશ’ બિંબકોષો (platelets)ના સમુચ્ચયનને સંપૂર્ણપણે અટકાવે છે. વળી, તે થ્રોમ્બોક્સેન B1 ના સંશ્લેષણ(જોકે બિંબકોષોના સમુચ્ચયનની સરખામણીમાં ઓછી આક્રમકતાથી)નો પ્રતિરોધ કરે છે. મૂળાના નિષ્કર્ષો એરેચિડોનિક ઍસિડના વિઘટનના સાયક્લૉક્સિજીનેઝ પથને પણ અવરોધે છે.

જલસંવર્ધિત (hydroponic) માધ્યમમાં ડાઇ-આયોડોટાયરોસિન સોડિયમના ક્ષાર વડે ચિકિત્સિત મૂળા હૃદય- રોગ અને ધમનીકાઠિન્ય (arteriosclerosis)નું નિયંત્રણ કરી શકે છે. મૂળ ધનાયનીય(cationic) પેરૉક્સિડેઝ C1 અને C3 તથા ઋણાયનીય(anionic) પેરૉક્સિડેઝ A1, A2, A3 અને A3n ધરાવે છે.  તે બધા ગ્લાયકોપ્રોટીન છે. સફેદ મૂળામાં રહેલા પેરૉક્સિડેઝને હાઇડ્રોજન પેરૉક્સાઇડની સાથે ચિકિત્સા આપવામાં આવે તો તેઓ ફિનૉલો / ક્લોરોફિનૉલો દ્વારા પ્રદૂષિત ઔદ્યોગિક પાણીને સંદૂષણરહિત કરે છે. મૂળા ઝિંક ફાઈટેટ (માયોઇનોસિટૉલ ક્સિહૅક્ઝાફૉસ્ફેટ)ના નિક્ષેપો ધરાવે છે. મૂળાના નિષ્કર્ષોને નાઇટ્રાઇટની ચિકિત્સા આપતાં N-નાઇટ્રોસો સંયોજનો બને છે. તેઓ વિકૃતિજન્ય (mutagenic) હોય છે.

મૂળામાં કૅફીક ઍસિડ અને ફૅરુલિક ઍસિડ હોય છે. આ ઍસિડ યકૃતપોષી (hepatotropic) અને પિત્તવર્ધી (choleratic) / પિત્તરેચક (cholagogue) ગુણધર્મો ધરાવે છે. તેઓ કોલેસ્ટૅરૉલનું પ્રમાણ ઘટાડે છે અને યકૃતના કાર્યની સુધારણા અને પિત્તરસના સ્રાવમાં સુધારણા કરે છે. મૂળો કોલાઇન અને મિથિયોનિન નોંધપાત્ર પ્રમાણમાં ધરાવે છે. કોલાઇન લિપિડનો ઝડપથી નિકાલ કરે છે અને યકૃતમાં લિપિડના થતા સંગ્રહને અટકાવે છે. તે ફૉસ્ફેટિડોના સંશ્લેષણમાં મદદ કરે છે. તેથી લિપિડનું વહન થઈ શકે છે. મિથિયોનિન કોલાઇનના સંશ્લેષણમાં સહાય કરે છે.

મૂળામાં ઍમિનોઍસિડો, ઓર્નિથિન, સિટ્રુલિન, આર્જિનિન, ગ્લુટામિક ઍસિડ અને એસ્પાર્ટિક ઍસિડ હોય છે. તેઓ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યો, રાસાયણિક વિષ અને અલ્પ પ્રમાણમાં કાર્ય કરતા યકૃત તથા અલ્પ રુધિર પરિવહનને કારણે ઉદભવતાં વિષનો નિકાલ કરી યુરિયાના એકત્રીકરણને રોકે છે.

મૂળમાં વિટામિન C અને E સારા પ્રમાણમાં હોય છે. વિટામિન C શ્વેતકણોની ગતિ અને તેમની જીવાણુરોધી (antibacterial) તથા પ્રતિરક્ષી (immunolosical) સક્રિયતાઓમાં વધારો કરે છે. વિટામિન C ઇન્ટરફેરૉનના નિર્માણમાં સહાય કરે છે; જે વાઇરસનો પ્રતિકાર કરે છે. વિટામિન E યકૃતનું  રક્ષણ કરે છે. તેથી તેનો વાઇરલ યકૃતશોથ (hepatitis)માં ઉપયોગ કરવામાં આવે છે.

બોરોન ધરાવતી બોરોન પૉલિસૅકેરાઇડ, યુરોનિક ઍસિડ અને તટસ્થ શર્કરાઓ મૂળાના મૂળના કોષોની દીવાલોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યાં છે. મૂળો સિસ અને ટ્રાન્સ – રેફેનુસેનિન જેવા વૃદ્ધિ પ્રતિરોધકો(growth inhibitors) ધરાવે છે.

મૂળાનો રસ અત્યંત તીખો, રુક્ષ અને ઉગ્ર હોય છે. સાઇટ્રિક ઍસિડ અને શર્કરા ઉમેર્યા પછી સંસાધિત (processed) કરી તેને હવાચુસ્ત બૂચ વડે શીશીમાં બંધ કરી ગરમ પાણી (900 સે.)માં 10 મિનિટ માટે રાખવામાં આવે છે. આ સંસાધિત રસ એક વર્ષ માટે રાખી શકાય છે. તે આકર્ષક પીળો રંગ અને સલ્ફરયુક્ત સુવાસ ધરાવે છે.

મૂળાનાં પર્ણોમાં કૅમ્ફેરૉલ, 4´-0 – મિથાઇલ કેમ્ફેરૉલ અને 7.4´ – ડાઇ – o – મિથાઇલ કેમ્ફેરૉલ હોય છે. કેમ્ફેરૉલ જેવા ફ્લેવોનૉઇડો રક્તકણોનું સમુચ્ચયન ધટાડે છે.

મૂળાના પર્ણો પ્રતિજૈવિક (antibiotic) સક્રિયતાનો વિસ્તૃત પટ (broad spectrum) ધરાવે છે. તે Mycobacterium tuberculosis, Streptococcus, Pneumococcus, Escherichia coli અને અન્ય ગ્રામ ધનાત્મક તથા ગ્રામ ઋણાત્મક જીવાણુ સામે પ્રતિકાર કરે છે.

પર્ણોના ઉત્સેચકોનો લિનોલેનિક ઍસિડમાંથી સીસ – 3- હૅક્ઝોનૉલના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. સીસ-3-હૅક્ઝેનૉલનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો (cosmetic) અને આહારમાં થાય છે. પર્ણો અને તેમના દંડમાંથી પ્રાપ્ત થતો ગર કાગળની બનાવટમાં જરૂરી તંતુઓ ધરાવે છે.

મૂળાનાં સુષુપ્ત બીજમાં કેસ્ટેસ્ટીરૉન, એક બ્રેસિનૉલાઇડ, 28-હોમોટીએસ્ટેરૉન અને ટીએસ્ટેરૉન જેવા વનસ્પતિ અંત:સ્રાવો હોય છે. તેઓ વૃદ્ધિની ક્રિયા ઝડપી બનાવે છે અને તણાવરોધી (antistress) સક્રિયતા ધરાવે છે.

મૂળાનાં બીજમાં લૅક્ટિનો હોય છે. બીજ કૅલ્મોડ્યુલિન વિરોધીઓ (antagonists) ધરાવે છે. ઉપરાંત તેઓ મિથાઇલથાયો અને મિથાઇલ સલ્ફિનીલ બ્યુટેનીલ સંયોજનો ધરાવે છે.

બીજમાંથી ઉત્પન્ન થતા મેદીય તેલનો ખાદ્ય હેતુઓ અને સાબુ બનાવવામાં અને દીપક (illuminant) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર સાધારણ મૂળા તીક્ષ્ણ, ઉષ્ણ, કડવા, તીખા, ગ્રાહક, અગ્નિદીપક, ગુરુ, રુચિકારક અને પાચક છે અને અર્શ, ગુલ્મ, હૃદ્-રોગ, વાયુ, કફ, જ્વર, દમ, નાસા-રોગ અને કંઠરોગનો નાશ કરે છે. કોમળ મૂળા ખારા, કડવા, ઉષ્ણ, લઘુ, રુચિકર, અગ્નિદીપક, હૃદ્ય, તીક્ષ્ણ, સારક, પાચક, મધુર, ગ્રાહક, ત્રિદોષહર અને બલકારક છે અને મૂત્રદોષ, દમ, ઉધરસ, અર્શ, ગુલ્મ, ક્ષય, નેત્રરોગ, નાભિશૂળ, કફ, વાયુ, કંઠરોગ, ત્રિદોષ, દદ્રુ, શૂળ, આમ, ઉદાવર્ત, પીનસ અને વ્રણનો નાશ કરનાર છે. જાડો મૂળો ઉષ્ણ, તીખો, રુચિકર, ગ્રાહક અને દીપક છે અને કફ, વાત, કરમ અને ગુલ્મનો નાશ કરે છે. જૂના મૂળા મુખ્યત્વે ઉષ્ણવીર્ય છે અને દાહ, પિત્ત, રક્તદોષ અને શોષનો નાશ કરે છે. પાકા મૂળા તીખા, ઉષ્ણ અને અગ્નિકારક છે. ભોજન પહેલાં ખાવાથી પિત્ત અને દાહ ઉત્પન્ન કરે છે. ભોજન સાથે ખાવાથી હિતકર અને બલકારક છે. આ મૂળા મીઠું ચોળી ખાવાથી અર્શ, શૂળ અને હૃદ્-રોગનો નાશ કરે છે. મૂળાની શિંગો અંશત: કિંચિત્ ઉષ્ણ છે અને કફ અને વાયુની નાશક છે. મૂળાનાં પુષ્પો કફ અને પિત્તનો નાશ કરે છે. સુકાયેલા મૂળા લઘુ છે અને સોજો, વિષદોષ અને ત્રિદોષનો નાશ કરનાર છે.

મૂળાનો ઉપયોગ ઊચકી, બોદારશિંગનું વિષ, પથરી, મૂળ વ્યાધિ, નળવાયુ, અર્જીણ, અમ્લપિત્ત, કરોળિયા, ગંડમાલા, ગલગંડ, વાતકફજ્વર અને મૂત્રાઘાત ઉપર થાય છે.

મૂળા, પર્ણો અને તેની શિંગોના શાકભાજી તરીકે, કચુંબર અને રાયતું બનાવવામાં અને પશુઓને ખવડાવવામાં ઉપયોગી છે. બીજનું ખાણ પ્રોટીનથી ભરપૂર હોય છે અને ખાતર તરીકે અને આઇસો-થાયૉસાયનેટ કાઢી લીધા પછી ઢોરોના ખોરાક તરીકે ઉપયોગી છે.

ભાલચન્દ્ર હાથી

બળદેવભાઈ પટેલ

સુરેશ યશરાજભાઈ પટેલ

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ