મૂળભૂત અધિકારો

February, 2002

મૂળભૂત અધિકારો : નાગરિકોના મૂળભૂત સ્વાતંત્ર્યને વર્ણવતી બંધારણીય જોગવાઈઓ.

મૂળભૂત અધિકારોની વિભાવનાનો વિકાસ : આ પૃથ્વીપટ પર ચૈતન્યશક્તિ ધરાવતા પ્રત્યેક મનુષ્યપિંડને કેટલીક કુદરતી શક્તિઓ મળેલી છે. તેનો વિકાસ સહજ અને સ્વાભાવિક ક્રમમાં થતો હોય છે. તેને દાબવાનો કે ડામવાનો પ્રયત્ન એ મનુષ્યના વ્યક્તિત્વના વિકાસનો વધ કરવા સમાન થઈ પડે. માનવની અંતર્નિહિત આ શક્તિઓને ધીમે ધીમે સભાન બુદ્ધિથી સમજી તેમને વ્યવસ્થિત કરી સમાજના એક અંગરૂપ રાજ્યસંસ્થા દ્વારા સંચાલિત કરવી એ સંસ્કૃત સમાજની એક બુદ્ધિપૂત વ્યવસ્થા ગણાય. કુદરત યા પ્રકૃતિ આ અધિકારોનું મૂળભૂત સર્જક બળ છે એવી પાયાની વિચારણા સિસેરોએ કરી અને જણાવ્યું કે કુદરતે મનુષ્યને બુદ્ધિશક્તિ આપી છે, જેને બળે તે યોગ્ય સિદ્ધાંતો પર પોતાનું જીવન ઘડે.

રાજકીય સંસ્થાઓના વિવિધ સ્વરૂપવિકાસ સાથે, ધર્મ અને રીતરિવાજોના પરિવર્તન સાથે, મન અને ચેતનાની સભાનતાના તેમજ જ્ઞાન અને વિજ્ઞાનની વિસ્તરતી જતી ક્ષિતિજો સાથેના વ્યક્તિ, સમાજ અને રાજ્યના ત્રિમુખી સંબંધોની જાગૃતિના વિકાસ સાથે મૂળભૂત અધિકારો અને ફરજોની બુદ્ધિનિષ્ઠ વિચારણા વિકસતી અને પરિવર્તન પામતી ગઈ. વિવિધ દેશ-કાળમાં આ પરિવર્તન થતું જ રહ્યું છે અને થતું રહેવાનું છે, કારણ કે માનવજીવન ચેતનવંત અને વિકાસશીલ છે. આમ, પરિવર્તન પામવાની સાથે સાથે કેટલાક મૂળભૂત કુદરતી કાયદાઓનું અસ્તિત્વ તો મનુષ્યજીવનના આદિથી અંત સુધી રહેવાનું જ.

સત્તરમી સદીના મધ્યમાં રાજ્યની સત્તા ને જોહુકમીનો દોર એટલો ઉન્મત્ત હતો કે પ્રજાના અધિકારોનું અસ્તિત્વ ક્રૂર રીતે કે તિરસ્કારપૂર્વક અવગણાયું અને તેના પ્રત્યાઘાત રૂપે વ્યક્તિના અધિકારનો ક્રાંતિકારી ખ્યાલ તીવ્રપણે વ્યાપક બનતો ગયો. મિલ્ટન, ક્રૉમવેલ, ટૉમસ પેઇન અને રૂસો જેવા વિચાર-પુરુષોએ મનુષ્ય કુદરતી અધિકારો ધરાવે છે એવો વિચાર પ્રતિષ્ઠિત કર્યો. રાજ્યનું કાર્ય એવા અધિકારોને કાનૂની સ્વરૂપ આપવાનું છે. ટૉમસ પેઇને ‘રાઇટ્સ ઑવ્ મૅન’માં માણસને જન્મથી પ્રાપ્ત અધિકારોની વિગતે સ્પષ્ટતા કરી. બ્રિટને રક્તવિહીન ક્રાંતિને અંતે પાર્લમેન્ટના કાયદા-સ્વરૂપે 1689માં ‘બિલ ઑવ્ રાઇટ્સ’ મંજૂર રાખી માનવ-સ્વાતંત્ર્યને ગરિમા બક્ષી. અઢારમી સદીમાં અમેરિકાના સ્વાતંત્ર્ય-વિગ્રહમાં મનુષ્યજીવનની સ્વાધીનતા અને સુખના અભેદ્ય અને અવિનાશી હકોને રાજ્યે મૂર્ત કરવા જોઈએ એવી ઘોષણા ઊઠી. તે ઘોષણા(declaration)ના શબ્દો આ પ્રમાણે છે : ‘અમે એ સ્વયંસિદ્ધ સત્યને સ્વીકારીએ છીએ કે તમામ મનુષ્યો જન્મથી સમાન છે. સર્જકે તેમને કેટલાક અધિકારો બક્ષ્યા છે; જેમાં જીવન, સ્વાતંત્ર્ય અને સુખની પ્રાપ્તિના અધિકારો સમાવિષ્ટ છે. આ અધિકારોની સિદ્ધિ અર્થે શાસિતોની સંમતિથી ઉચિત સત્તા પ્રાપ્ત કરીને સરકારો રચાય છે. આ હેતુઓની પરિપૂર્તિ અર્થે જ્યારે કોઈ પણ સરકાર વિનાશક બને ત્યારે પ્રજાને એ અધિકાર છે કે તેવી સરકારને નાબૂદ કરે યા બદલી નાંખે.’ આ ઘોષણા દ્વારા જગતની સકળ માનવજાતના અધિકારોને વાચા મળી એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

અધિકારનો વિચાર કરીએ છીએ તેની સાથે જ સમાજ અને રાજ્યનો સંબંધ અભિપ્રેત છે. સમાજ અને રાજ્ય વિનાના જગતમાં અધિકાર વિશે કશું વિચારવાનું જ રહેતું નથી. આનો અર્થ એ જ કે વિકાસાર્થે જે સ્વાતંત્ર્યનો વિચાર આપણે કરીએ છીએ તે સમાજ અને રાજ્યના સંદર્ભમાં વિચારવાનું સ્વાતંત્ર્ય છે. અર્થાત્ સમાજના લિખિત કે અલિખિત નૈતિક નિયમો અને રાજ્યની સત્તાઓના સંવાદમાં રહીને વ્યક્તિ જુદા જુદા દેશકાળમાં કેટકેટલા, કેવા કેવા અને કઈ કઈ રીતે મૂળભૂત અધિકારો ભોગવી શકે તેનો વિચાર આવશ્યક છે.

રાજ્યશાસનની વિવિધ પદ્ધતિઓમાં માત્ર લોકશાહી શાસનપદ્ધતિ જ અધિકારો અંગેની ઉપર્યુક્ત વિભાવના માન્ય રાખે છે. તે સ્વતંત્રતાને શાસનનું કેન્દ્રબિંદુ ગણે છે. આ સંદર્ભમાં લોકશાહી વ્યક્તિના સ્વાતંત્ર્યને એક પરમ વિભાવના તરીકે સ્વીકારે છે અને મૂળભૂત અધિકારો થકી તેને ચરિતાર્થ કરવા પ્રયાસ કરે છે. લોકશાહી સિવાયની અન્ય શાસનપદ્ધતિઓ અધિકારોના અસ્તિત્વની વિભાવના સ્વીકારતી જ નથી. તેથી ત્યાં મૂળભૂત અધિકારોનો પ્રશ્ન જ અસ્થાને ગણાય.

લોકશાહી પદ્ધતિમાં કેન્દ્રસ્થાને નાગરિક હોવાથી નાગરિકત્વના પૂર્ણ વિકાસની વ્યવસ્થા પ્રત્યેક બંધારણમાં સમાવિષ્ટ હોય છે. નાગરિકના આ પૂર્ણ વિકાસની જોગવાઈઓને મૂળભૂત અધિકારો તરીકે ઓળખવામાં આવે છે. મૂળભૂત અધિકારો નાગરિકોને વિવિધ પ્રકારનું સ્વાતંત્ર્ય બક્ષે છે, જેથી રુકાવટ વિના નાગરિકના વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે અને એ રીતે એકંદરે સમાજની પ્રગતિમાં નાગરિક પોતાનું યોગદાન આપી શકે. આ અંગે પાયાની સમજ એ છે કે મૂળભૂત અધિકારોનો ઉપયોગ વૈયક્તિક કે સમાજના હિતને અનુલક્ષીને થવો જોઈએ. અન્યને નુકસાન પહોંચાડે તે રીતે અધિકારોનો ભોગવટો થઈ શકે નહિ. લોકશાહી દેશોનાં બંધારણોમાં, નાગરિકોને આપવામાં આવતા મૂળભૂત અધિકારોના રક્ષણની જોગવાઈ પણ કરવામાં આવી હોય છે. રાજ્ય પોતે પણ મૂળભૂત અધિકારો પર તરાપ મારી શકતું નથી. મૂળભૂત અધિકારો અનુલ્લંઘનીય હોય છે. નાગરિક કે સરકાર મૂળભૂત અધિકારોની જોગવાઈઓનો ભંગ કરી શકતાં નથી. આથી જ લોકશાહી સિવાયની અન્ય રાજકીય પદ્ધતિઓ નાગરિકોને મૂળભૂત અધિકારો આપતી હોતી નથી અથવા માત્ર નામના અધિકાર આપતી હોય છે.

વળી મૂળભૂત અધિકારો ન્યાય્ય (justiciable) હોય છે. એટલે તેનો ભંગ ન કરી શકાય. જો અધિકારોનો ભંગ થાય તો અદાલત આ અંગે સરકાર કે  નાગરિકને શિક્ષા કરી શકે યા નિર્ણય બદલવાની ફરજ પાડી શકે. મૂળભૂત અધિકારોની વિભાવના સાર્વત્રિક (universal) હોવા છતાં અધિકારોની યાદીમાં દેશ કે પરિસ્થિતિ અનુસાર વૈવિધ્ય હોઈ શકે છે. ઉદાહરણ તરીકે કામ કરવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે, પરંતુ કોઈ પણ લોકશાહી દેશે તેને બંધારણમાં સ્થાન આપ્યું નથી. વળી સામ્યવાદી દેશો અન્ય મૂળભૂત અધિકારો બાબતે  વિવાદાસ્પદ વલણ ધરાવે છે, પરંતુ વ્યક્તિના કામ કરવાના અધિકારને માન્યતા બક્ષે છે.

અધિકારપત્ર (bill of rights) : અધિકારપત્ર એ મૂળભૂત અધિકારોની કાયદેસરની યાદી છે, જે પ્રત્યેક લોકશાહી દેશના બંધારણમાં સમાવાયેલી હોય છે. આથી મૂળભૂત અધિકારોને રક્ષણનું કવચ સાંપડે છે. આ યાદીમાંના અધિકારો પ્રત્યેક નાગરિક – પછી તે બહુમતી, લઘુમતી કે ઇતર કોમનો હોય તો પણ – સમાન રીતે ભોગવી શકે છે. આ અધિકારો લોકશાહી નાગરિકને જન્મગત રીતે પ્રાપ્ત થતા હોય છે. સામાન્યતયા અધિકારપત્ર લેખિત દસ્તાવેજ સ્વરૂપે હોય છે. બ્રિટન જેવો દેશ જે અલેખિત બંધારણ ધરાવે છે તે પણ ‘બિલ ઑવ્ રાઇટ્સ’નો દસ્તાવેજ લેખિત સ્વરૂપમાં ધરાવે છે. રક્તવિહીન ક્રાંતિને અંતે 1889માં પાર્લમેન્ટના કાયદાના સ્વરૂપે આ ‘બિલ ઑવ્ રાઇટ્સ’ મંજૂરી પામ્યું હતું. અધિકારો અંગેનું આ લેખિતપણું સરકારી સત્તાઓની સંભવિત તરાપ ઉપર મુકાયેલો અંકુશ છે. બીજું, અધિકારો લેખિત હોય ત્યારે અદાલતી અર્થઘટનની કે સમીક્ષાની સરળતા પેદા થાય છે. વળી, ધારાસભા કે કારોબારી તેમાં મનસ્વી ફેરફાર કરી શકતી નથી.

ફ્રાંસે 1789માં ‘ડેક્લેરેશન ઑવ્ ધ રાઇટ્સ ઑવ્ મૅન ઍન્ડ ધ સિટિઝન’ દ્વારા સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવનાં મૂળભૂત સ્વાતંત્ર્યોની વાત કરી. આ ઘોષણાપત્ર દ્વારા પરોક્ષ રીતે ધર્મના સ્વાતંત્ર્યની, વાણી-સ્વાતંત્ર્યની, લેખન-સ્વાતંત્ર્યની અને વૈયક્તિક સલામતીની બાંહેધરી આપવામાં આવી. આ બધી બાબતો આગળ જતાં ફ્રેંચ પ્રજાસત્તાક બંધારણોમાં ક્રમશ: ઉમેરી લેવાઈ.

અમેરિકાના બંધારણના મૂળ દસ્તાવેજમાં સ્પષ્ટ રૂપે, મૂળભૂત અધિકારો રજૂ થયા ન હતા. અધિકારોને બિલ ઑવ્ રાઇટ્સના સ્વરૂપે 1791થી અમલમાં મૂકવામાં આવ્યા. આ સમગ્ર બિલ ઑવ્ રાઇટ્સ પ્રથમ દસ બંધારણીય સુધારા સ્વરૂપે બંધારણમાં આમેજ કરવામાં આવ્યું. આ બંધારણ વ્યક્તિ-સ્વાતંત્ર્યનાં વિવિધ પાસાં અંગે ખાતરી પૂરી પાડે છે.

ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો બંધારણના ત્રીજા ભાગમાં વિસ્તૃત રીતે અભિવ્યક્તિ પામ્યા છે. આ અધિકારો ન્યાય્ય છે એટલે કે તેને અંગેની કોઈ પણ ફરિયાદ વિરુદ્ધ અદાલતમાં કેસ કરી શકાય છે તેમજ સંસદ બંધારણમાં સુધારો કરીને જ તેમાં ફેરફાર કરી શકે છે. જોકે અધિકારો પર વાજબી મર્યાદાઓ મૂકવાની જોગવાઈ પણ તેમાં સામેલ છે. અલબત્ત, ‘વાજબીપણું’ નક્કી કરવાની સત્તા માત્ર અદાલતને જ આપવામાં આવી છે. આ સંદર્ભમાં ભારતીય બંધારણની એક વિશેષતા છે કે તેમાં 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો પણ આમેજ કરવામાં આવી. બંધારણની કલમ 51–Aમાં આ ફરજોનો સમાવેશ કરાયો છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ 10 ડિસેમ્બર 1948ના રોજ ‘યુનિવર્સલ ડેક્લૅરેશન ઑવ્ હ્યૂમન રાઇટ્સ’ સ્વીકારીને માનવીય ગૌરવને અને અધિકારોને સાર્વત્રિક રૂપે રજૂ કરવા પ્રયાસ કર્યો. જીવન, સ્વતંત્રતા અને સલામતીના અધિકારોની વાત તેમાં વણી લેવામાં આવી છે.

મૂળભૂત અધિકારો સ્પષ્ટ અને સર્વગ્રાહી બને તે માટે તેમનો સમાવેશ જે તે લોકશાહી દેશોનાં બંધારણોમાં કરવામાં આવે છે. સામાન્યતયા લિંગ, જાતિ કે ધર્મના ભેદભાવ વિના આ અધિકારો નાગરિકને પ્રાપ્ય હોય છે, આથી તેમને ‘નાગરિક અધિકારો’ રૂપે પણ ઓળખી શકાય. તેમાં મુખ્યત્વે (1) જીવન જીવવાના અધિકાર, (2) સ્વતંત્રતાના અધિકાર અને (3) સમાનતાના અધિકારનો (વિશેષ વિગતો માટે જુઓ : નાગરિક અધિકારો) સમાવેશ થાય છે.

આજના માહિતીપ્રધાન યુગમાં હકીકતો, ઘટનાઓ અંગે જાણકારી ધરાવવી અને તેનો યોગ્ય કે સમુચિત ઉપયોગ કરવો આવશ્યક હોય છે. નાગરિકો આ કામગીરી ઉચિત રીતે કરી શકે તે માટે બંધારણીય ઇલાજનો અધિકાર લોકશાહી દેશોના નાગરિકોને આપવામાં આવે છે. આ અધિકાર અન્વયે નાગરિક સત્તાવાળાઓનાં કે સરકારનાં ગેરકાનૂની કૃત્યો, પગલાં કે નિર્ણયોને પડકારી શકે છે. ન્યાયતંત્ર સમગ્ર ઘટનાની બારીકાઈભરી તપાસ કર્યા બાદ જે ચુકાદો આપે તે બંને પક્ષોને બંધનકર્તા રહે છે. જો સત્તાવાળાઓનું પગલું કે નિર્ણય નાગરિકના અધિકાર વિરુદ્ધ હોય તો સરકારે અંશત: કે પૂર્ણતયા પોતાનો નિર્ણય પાછો ખેંચી લેવો પડે છે. આમ નાગરિકનો અધિકાર સત્તાવાળાઓથી પણ સર્વોચ્ચ હોય છે. આથી જ બંધારણીય ઇલાજનો અધિકાર મૂળભૂત અધિકારોમાં પણ ‘મૂળભૂત’ ગણાય છે.

આપતકાલીન પરિસ્થિતિમાં મૂળભૂત અધિકારો : રાબેતા મુજબના શાંતિના સમયમાં મૂળભૂત અધિકારોની સ્થિતિ સર્વસાધારણ (normal) હોય છે તેમજ રાજ્યનું કોઈ વિશેષ નિયંત્રણ હોતું નથી. નાગરિક સ્વયં નાગરિકતા, સામાજિક ઉચ્ચ વ્યવહાર અને પ્રજાકીય ગૌરવનાં સર્વસ્વીકૃત ધોરણોથી અધિકારો ભોગવતો હોય છે; પરંતુ અધિકારોના રક્ષણનો ખરો પ્રશ્ન ઊભો થાય છે યુદ્ધ જેવી અતિગંભીર કટોકટીના સમયમાં. યુદ્ધસમય દરમિયાન કાયદો અત્યંત આગળ નીકળી જાય છે અને અનેક અવાજોથી બોલે છે. એથી સામાન્ય નાગરિક ગૂંચવણ અનુભવે છે.

ગંભીર રાષ્ટ્રીય કટોકટીમાં રાજ્ય અને તેનાં હિતો જ સર્વોપરી હોય છે અને નાગરિકની વ્યક્તિગત સ્વાતંત્ર્યની કલ્પનાઓએ રાજ્યની સર્વોપરી જરૂરિયાતને માર્ગ આપવો જ પડે છે. આધુનિક યુદ્ધ સંપૂર્ણ યુદ્ધ છે. એમાં સૈનિકો જેટલો જ નાગરિકોનો સહકાર આવશ્યક છે. યુદ્ધ-સમયમાં નાગરિક જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓનું ધ્યાન રાજ્યના અમલની નીતિ અને નિયંત્રણો પર હોય છે; આથી યુદ્ધ–સમય દરમિયાન નાગરિક સ્વાતંત્ર્ય પરનાં નિયમનો ઘણાં જ કડક અને વિશાળ હોય છે.

અમેરિકામાં યુદ્ધ જેવા કટોકટીના સમયમાં વ્યક્તિગત નાગરિકોના અધિકાર છીનવી ન શકાય એવો બંધારણીય પ્રબંધ કરવામાં આવ્યો છે; આમ છતાં પણ ગંભીર ભય અને કટોકટીના સમયે રાજ્યનાં હિત અને સલામતી માટે બંધારણીય હક્કો પર ન્યાયતંત્ર ધ્યાન આપે છે અને મર્યાદિત અર્થઘટન કરી રાજ્યની સત્તા વિકસાવવાનો પ્રયત્ન કરે છે.

ઇંગ્લૅન્ડમાં પ્રથમ વિશ્વયુદ્ધ (1914થી 1918) સમયે રાષ્ટ્રીય કટોકટીનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે ‘ડિફેન્સ રેગ્યુલેશન’થી નાગરિકના અધિકારો અને સ્વતંત્રતા પર પાંચ વર્ષ સુધી કાપ મુકાયો હતો અને યુદ્ધ પૂરું થયું કે તુરત એ નિયમનો રદ કરવામાં આવ્યાં. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધ (1939–45) સમયે ‘ઇમરજન્સી પાવર્સ ઍક્ટ’થી કારોબારીને સત્તાઓ સોંપાઈ તેમજ અધિકારો મોકૂફ રાખવામાં આવ્યા.

ભારતમાં રાષ્ટ્રપ્રમુખ કટોકટી (બાહ્ય, આંતરિક કે આર્થિક – એમ ત્રણ પ્રકારની કટોકટીઓનો નિર્દેશ બંધારણમાં છે) જાહેર કરે તે સાથે જ 19મી કલમ અનુસાર મળતા અધિકારો તરત જ છીનવાઈ જાય છે. રાષ્ટ્રપ્રમુખ અમુક અથવા તમામ અધિકારોને સમગ્ર રીતે મોકૂફ રાખી શકે છે; પરંતુ જેમ બને તેમ જલદીથી આ નિર્ણયો સંસદ સમક્ષ તેની જાણ માટે રજૂ કરવાના હોય છે અને બે મહિના દરમિયાન સંસદની મંજૂરી લેવી આવશ્યક હોય છે.

આમ કટોકટી જેવી પરિસ્થિતિઓમાં અધિકારો પર સરકારની તરાપ આવે છે. નાગરિક-સ્વાતંત્ર્યનું આ દૂષણ હોય તોપણ તે અનિવાર્ય લેખાય છે, કારણ રાજ્યના – વ્યાપક રીતે વિચારતાં પ્રજા તરીકેના વ્યક્તિઓના પોતાના જ – વિશાળ હિતમાં નાગરિક પોતાની સ્વતંત્રતા કામચલાઉ સમય માટે રાજ્યને ચરણે ધરે છે. આપત્તિમાંથી બચી જઈને ભાવિને વધુ વિકાસશીલ બનાવવા આવાં નિયંત્રણો સહી લેવાની એક ફરજ નાગરિક અદા કરે છે. આમ, અધિકારો સાથે ફરજની એક કડી જોડાઈ જાય છે.

નૂતન અધિકારો : બીજા વિશ્વયુદ્ધ પછી નવોદિત દેશોમાંના કેટલાક દેશોએ લોકશાહી શાસનપદ્ધતિનો સ્વીકાર કર્યો તે સાથે આર્થિક વિકાસની ઝંખના અને પ્રયાસોને કારણે નવાં પડકારો અને વિભાવનાઓ પેદા થયાં છે. વિકસેલા દેશોમાં એશિયાવાસીઓ અને આફ્રિકાવાસીઓ નાગરિકત્વ પ્રાપ્ત કરવા લાગ્યા છે. આથી પ્રજાનું બહુવાંશિક અને બહુસાંસ્કૃતિક સ્વરૂપ ઘડાય અને સ્થાયી થાય તે રીતે અધિકારો પ્રયોજવાની વિચારણા આ અંગેની સૌથી અદ્યતન બાબત છે. વિકસેલા અને વિકસતા – બંને વર્ગના દેશો માને છે કે એકવીસમી સદીમાં જાતીય અને વાંશિક બહુલતા કે વૈવિધ્યનો સ્વીકાર કરવા સાથે રાષ્ટ્રીય એકતાનું સર્જન કરવાની પ્રક્રિયા મહામુશ્કેલ છે. નાગરિકને અધિકારો આપવા સાથે રાષ્ટ્રીય એકતાને સાંકળી રાખવાનું કામ દિનપ્રતિદિન કપરું બનતું જાય છે. અધિકારોની પ્રશિષ્ટ વિભાવનાને, વિશેષે તેમાંની સ્વાતંત્ર્યની વિભાવનાને, અલ્પ માત્રામાં મર્યાદિત કરવાની જરૂર ઊભી થઈ છે. અધિકારો દ્વારા પ્રાપ્ત થતા સ્વાતંત્ર્યને આર્થિક ખ્યાલોની સાથે ગોઠવીને તેને નવા સંદર્ભમાં વિચારીશું તો જ અધિકાર-સ્વાતંત્ર્ય અને આર્થિક વિકાસનો મેળ સાધી શકાશે. આમ અધિકારોને આર્થિક વિકાસના સંદર્ભમાં અને વાંશિક વૈવિધ્યના સંદર્ભમાં નવેસરથી વિચારવાની આવશ્યકતા છે.

રક્ષા મ. વ્યાસ