મૂળ

વાહક પેશીધારી વનસ્પતિઓનું સ્થાપન અને શોષણ કરતું ભૂમિગત અંગ. તે પ્રકાશની વિરુદ્ધ અને ગુરુત્વાકર્ષણ અને પાણીની દિશા તરફ વૃદ્ધિ પામતો વનસ્પતિ-અક્ષ છે અને સામાન્યત: ભ્રૂણમૂળ(radicle)માંથી ઉત્પન્ન થાય છે.

બીજને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થતાં સુષુપ્તાવસ્થામાં રહેલો ભ્રૂણ (embryo) સક્રિય બને છે. તેના નીચેના છેડા તરફ આવેલું ભ્રૂણમૂળ જમીનમાં પ્રાથમિક મૂળ (primary root) તરીકે વિકાસ સાધે છે અને તેના પર પાર્શ્વીય મૂળો અને ઉપમૂળો ઉત્પન્ન કરી વનસ્પતિનું મજબૂત રીતે સ્થાપન કરે છે. તે કોઈક વાર કલિકાઓ ધરાવે છે; પરંતુ તેના ઉપર કદી પણ ગાંઠ અને આંતરગાંઠ, પર્ણો કે પુષ્પો ઉદભવતાં નથી. મૂલાગ્ર (root tip) દ્વારા મૂળની લંબવૃદ્ધિ થાય છે. તે 0.1 મિમી.થી 1.0નો વ્યાસ અને 1 સેમી.થી 10 સેમી. લંબાઈ ધરાવે છે. તેની આંતરિક રચનામાં (1) વર્ધી-પ્રદેશ, (2) વિસ્તરણ-પ્રદેશ, (3) શોષક-પ્રદેશ અને (4) વાહક-પ્રદેશ જોવા મળે છે. [જુઓ આકૃતિ 1(અ)].

(1) વર્ધીપ્રદેશ : તે મૂળની વૃદ્ધિ માટે જવાબદાર છે અને મૂળના સૌથી અગ્રભાગમાં આવેલો હોય છે. તેમાં આવેલા કોષો વર્ધનશીલ (meristematic) હોય છે અને સતત વિભાજન પામી નવા કોષોનું નિર્માણ કરે છે અને મૂળને જમીનમાં ઊંડેની તરફ ધકેલે છે. જમીનમાં ઊંડે ઊતરતાં માટીના કણોથી નુકસાન ન થાય તે માટે તેની ફરતે ઘણા સ્તરોનું બનેલું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે. તેને મૂળ-ટોપી (root cap) કહે છે. મૂળ-ટોપીના કોષો શ્લેષ્મી પદાર્થનો સ્રાવ કરી સખત જમીનના કણો વચ્ચે માર્ગ કરવામાં અને ઘર્ષણનો અવરોધ કરવામાં મદદરૂપ થાય છે. કેવડામાં આ મૂળ-ટોપી સ્પષ્ટ રીતે જોઈ શકાય તેટલી મોટી હોય છે. જલજ વનસ્પતિના મૂળને સ્થાપનનું કાર્ય કરવાનું હોતું નથી. તે અંગૂઠી જેવું શિથિલ આવરણ ધરાવે છે. તેને મૂળગોહ (root pocket) કહે છે.

આકૃતિ 1 : (અ) મૂળમાં જોવા મળતા ચાર વિવિધ પ્રદેશો. (આ) વડની વડવાઈ અને કેવડાના મૂળમાં મૂળ-ટોપી. (ઇ) જળશૃંખલામાં મૂળગોહ

(2) વિસ્તરણપ્રદેશ : વર્ધી-પ્રદેશની ઉપર આવેલા ભાગને વિસ્તરણ-પ્રદેશ કહે છે. આ પ્રદેશના કોષો લંબ-વૃદ્ધિ કરતા હોવાથી તેઓ લાંબા હોય છે.

(3) શોષકપ્રદેશ : તે વિસ્તરણ-પ્રદેશની ઉપર આવેલો પ્રદેશ છે. આ પ્રદેશમાં આવેલા અધિસ્તરીય (epidermal) કોષોમાંથી પાતળા, નલિકાકાર અને લાંબા એકકોષીય પ્રવર્ધો ઉદભવે છે. તેમને મૂળરોમ કહે છે. તેઓ ભૂમિકણો સાથે ગાઢ સંપર્કમાં રહી પાણી અને ખનિજ-દ્રાવ્ય પદાર્થોનું અભિશોષણ કરે છે અને તેમને વનસ્પતિના વિવિધ ભાગો તરફ મોકલે છે.

(4) વાહકપ્રદેશ : શોષક-પ્રદેશની ઉપરના પ્રદેશને વાહક-પ્રદેશ કહે છે. આ પ્રદેશમાં મૂળરોમ જોવા મળતા નથી; અને તેમાં આવેલા બધા જ કોષો વિવિધ પ્રકારની પેશીઓમાં વિભેદન પામેલા હોય છે. આ પ્રદેશમાં વાહક-પેશીતંત્રનો વિકાસ થયેલો હોવાથી તે મૂળ દ્વારા શોષાયેલાં વિવિધ દ્રવ્યોનું પ્રકાંડ તરફ વહન કરે છે. આ પ્રદેશમાંથી મૂળની જરૂરિયાત પ્રમાણે પાર્શ્વીય મૂળો ઉદભવે છે. તેમની ઉત્પત્તિ અંતર્જાત (endogenous) હોય છે.

આકૃતિ 2 : (અ) સ્થાનિક સોટીમય મૂળતંત્ર; (આ) તંતુમય મૂળતંત્ર

મૂળતંત્ર : મૂળ તેનાં પાર્શ્વીય મૂળો અને ઉપમૂળો સાથે મળી મૂળતંત્રની રચના કરે છે. ધતૂરો, કપાસ, સૂર્યમુખી અને લીમડા જેવી દ્વિદળી (dicotyledonous) વનસ્પતિઓમાં સામાન્ય રીતે ભ્રૂણમૂળમાંથી ઉદભવતા પ્રાથમિક મૂળ ઉપર અગ્રાભિવર્ધીક્રમ(acropetal)માં પાર્શ્વીય મૂળો અને ઉપમૂળો ઉત્પન્ન થાય છે, એટલે કે ઉપરની તરફનાં પાર્શ્વીય મૂળો લાંબાં અને નીચેની તરફ જતાં તેઓ ક્રમશ: નાનાં બનતાં જાય છે. આ પ્રકારના મૂળતંત્રને સ્થાનિક સોટીમય મૂળતંત્ર (tap root system) કહે છે. ચોખા, મકાઈ, ઘાસ અને ડુંગળી જેવી એકદળી (monocotyledonous) વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ અલ્પવિકસિત અને હંગામી હોય છે. તેથી તેની ઉપર આવેલા અધરાક્ષ(hypocotyl)ના ભાગમાંથી અસંખ્ય તાંતણા જેવાં અસ્થાનિક (adventitious) મૂળો ઉદભવે છે. આ પ્રકારને તંતુમય મૂળતંત્ર (fibrous root system) કહે છે.

મૂળ દ્વારા વનસ્પતિનું સ્થાપન થાય છે. આ કાર્ય તેનું યાંત્રિક (mechanical) કાર્ય ગણાય છે. જમીનમાંથી પાણી અને ખનિજ-ક્ષારોનું અભિશોષણ અને તેમનું વહન એ મૂળનાં દેહધાર્મિક (physiological) કાર્યો છે. આ કાર્યોને મૂળનાં સામાન્ય (general) કાર્યો કહે છે. આ સિવાય પણ તે અન્ય કાર્યો કરે તો તેને વિશિષ્ટ (special) કાર્યો કહે છે. આવાં વિશિષ્ટ કાર્યો કરવા માટે મૂળ તેની રચનામાં વિવિધ રૂપાંતરો (modifications) કરે છે; જે આ પ્રમાણે છે :

(1) ખોરાકસંગ્રહ : દ્વિવર્ષાયુ (biennial) કે બહુવર્ષાયુ (perennial) વનસ્પતિઓમાં પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવા તેનાં હવાઈ (aerial) અંગોએ તૈયાર કરેલો વધારાનો ખોરાક અને અન્ય ઉપયોગી પદાર્થોનો સંગ્રહ મૂળમાં થાય છે; જેથી મૂળ વિવિધ આકારો ધારણ કરે છે; દા.ત., ત્રાકાકાર (મૂળો), શંકુઆકાર (ગાજર), ભ્રમરાકાર (સલગમ, બીટ), સરળ સાકંદ (simple tuberous) મૂળ (શક્કરિયું), ગુચ્છાકાર સાકંદ (fasciculated tuberous) મૂળ (શતાવરી, ડહાલિયા), પંજાકાર (palmate) સાકંદ મૂળ (સાલમ), ગ્રંથિમય મૂળ (આંબાહળદર, curcuma amada), મણકામય (moniliform) મૂળ (ઘાસ), વલયિત (annulated) મૂળ (ઇપિકાક).

આવાં સંચિત પોષક તત્વોવાળાં મૂળોનો મનુષ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બીટમાં શર્કરા પુષ્કળ પ્રમાણમાં હોવાથી તેમાંથી ખાંડ મેળવવામાં આવે છે.

આકૃતિ 3 : ખોરાકસંગ્રહી મૂળ – (અ) મૂળો, (આ) ગાજર, (ઇ) સલગમ, (ઈ) શક્કરિયું, (ઉ) ડહાલિયા, (ઊ) સાલમ, (ઋ) આંબાહળદર, (ઍ) ઘાસ,  (ઐ) ઇપિકાક

(2) આધાર : વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરતાં મૂળનાં ત્રણ પ્રકારનાં વિશિષ્ટ રૂપાંતરો જોવા મળે છે.

(અ) સ્તંભમૂળ (prop roots) : વડ જેવાં વૃક્ષોની વજનદાર શાખાઓ સમક્ષિતિજ વૃદ્ધિ પામતી હોય છે. આ શાખાઓ ગુરુત્વાકર્ષણબળને લઈને તૂટી ન જાય તે માટે તેની શાખામાંથી મૂળ-ટોપી ધરાવતાં અસ્થાનિક મૂળ (વડવાઈ) ઉદભવી જમીન તરફ વિકાસ પામે છે અને જમીનમાં પ્રવેશી સ્તંભ જેવી રચનામાં પરિણમે છે. આ મૂળ થડ જેવાં જ દેખાતાં હોય છે. ભારતમાં આવેલા ત્રણ સૌથી મોટા વડમાં નર્મદાના કિનારે આવેલા કબીરવડનો સમાવેશ થાય છે. કૉલકાતામાં આવેલા ભારતીય વનસ્પતિઉદ્યાનમાં આવેલો વડ 2800થી વધારે સ્તંભમૂળ ધરાવે છે અને લગભગ 200થી વધારે વર્ષ જૂનો છે.

(આ) અવલંબન (stilt) મૂળ : મકાઈ, શેરડી અને કેવડા જેવી વનસ્પતિઓના પ્રકાંડની તલપ્રદેશની ગાંઠોમાંથી તંબૂના દોરડાની જેમ ચારે તરફ ત્રાંસાં અસ્થાનિક મૂળો ઉદભવે છે અને જમીનમાં પ્રવેશે છે; જેથી પ્રકાંડને ટટ્ટાર રહેવા માટેનો આધાર મળે છે.

આકૃતિ 4 : મૂળ : (અ) વડનાં સ્તંભમૂળ, (આ) કેવડો અને મકાઈનાં અવલંબનમૂળ, (ઇ) નાગરવેલનાં શ્લેષી મૂળ

(ઇ) શ્લેષી (clinging) મૂળ : કેટલીક વનસ્પતિઓનાં પ્રકાંડ અશક્ત હોવાથી હવામાં ટટ્ટાર રહી શકતાં નથી. તેમને સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળે તે માટે આધાર સાથે ચોંટી રહેવા વિશિષ્ટ પ્રકારનાં સ્પર્શસંવેદી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે. આ મૂળ આધાર તરફના ભાગમાંથી શ્લેષ્મી પદાર્થનો સ્રાવ કરી આધારની સાથે ચોંટે છે. આ પ્રકારનાં મૂળને શ્લેષી કે આરોહી મૂળ કહે છે. નાગરવેલ (Piper betle), વસંતવેલ (Bignonia), તિલોત્તમા (Tecoma) અને વડવેલ(Ficus repens)માં આ પ્રકારનાં મૂળ હોય છે.

આકૃતિ 5 : પોડોસ્ટેમોનનાં પ્રકાશસંશ્લેષી મૂળ

(3) પ્રકાશસંશ્લેષણ : ગળો જેવી વળવેલ અને શિંગોડાં અને કાનવેલ અથવા જળકુંભી (Eichhornia) જેવી જલવનસ્પતિઓનાં મૂળ ક્લોરોફિલ ધારણ કરી લીલાં બને છે અને પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે. ગળો વળવેલ હોવાથી તેની વૃદ્ધિનો દર ઊંચો હોય છે અને પર્ણો નાનાં, હૃદયાકાર અને સંખ્યામાં ઓછાં હોવાથી પ્રકાશસંશ્લેષણના કાર્યની પૂર્તિ કરવા માટે પર્ણની સામેની બાજુએ લીલાં, પાતળાં, લટકતાં અસ્થાનિક મૂળો ઉદભવે છે, જે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે. ચેરાપુંજીમાં થતી પોડોસ્ટેમોન નામની વનસ્પતિ ખડક ઉપર થાય છે. તેનાં મૂળ ખડકમાં પ્રવેશી શકતાં નથી. તેઓ લીલાં અને પ્રકાશસંશ્લેષી હોય છે અને અલ્પજીવી પ્રરોહનું નિર્માણ કરે છે. તેઓ ચપટાં અને સુકાય (thallus) જેવાં બને છે. અને આધારતલ સાથે સ્થાપનાંગો વડે ચોંટીને રહે છે.

આકૃતિ 6 : (અ) અને (આ) તીવારનાં શ્વસન મૂળ

(4) શ્વસન : તીવાર (Avicennia) અને કાંડેલ (Rhizophora) જેવી ચેર (mangrove) વનસ્પતિઓ દરિયાકિનારે ક્ષારયુક્ત કાદવકીચડવાળી જમીનમાં ઊગે છે. આવી જમીનની ઑક્સિજનની ધારણશક્તિ નહિવત્ હોવાથી તેમનાં પાર્શ્વીય મૂળોમાંથી ઉદભવતાં ઉપમૂળો અભૂવર્તિત્વ (negative geotropism) દાખવી જમીનની બહાર હવામાં ખીલાની જેમ વૃદ્ધિ પામે છે. તેમને શ્વસનમૂળ (pneumatophore) કહે છે. આ મૂળો ઉપર અસંખ્ય હવાછિદ્રો (lenticels) આવેલાં હોય છે. આ હવાછિદ્રોની મદદથી તે વાતવિનિમયની ક્રિયા કરે છે અને તેથી મૂળને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળી રહે છે.

(5) પ્લવન મૂળ (floating roots) : ઓનેગ્રેસી કુળની Jussiaea repens જેવી જલજ વનસ્પતિઓમાં ગાંઠ ઉપર ખાસ પ્રકારનાં અસ્થાનિક મૂળ ઉદભવે છે, જે સામાન્ય તંતુમૂળોથી જુદા પ્રકારનાં હોય છે. તેઓ ફૂલેલાં અને વાદળી-સર્દશ પોચાં હોય છે. તેઓ વનસ્પતિને તરતી રાખે છે.

આકૃતિ 7 : Jussiaea nepensનાં પ્લવન મૂળ

(6) સહજીવન (symbiosis) : કેટલીક વનસ્પતિઓ અન્ય વનસ્પતિ સાથે ગાઢપણે સંપર્કમાં રહી એકસાથે જીવે છે, ત્યારે બંનેને કે બેમાંથી એકને લાભ થાય છે. તેને સહજીવન કહે છે. આવા પ્રકારના સહજીવનથી વનસ્પતિની મૂળની રચનામાં રૂપાંતર થાય છે.

આકૃતિ 8 : ઑર્કિડનાં ભેજશોષક અને શ્લેષી મૂળ

(અ) ભેજશોષક મૂળ : ઑર્કિડ જેવી પરરોહી (epiphytic) વનસ્પતિ વૃક્ષોની શાખા ઉપર જમીનથી ઘણે ઊંચે ઊગે છે. તેમનો જમીન સાથે કોઈ સંપર્ક હોતો નથી. આ વનસ્પતિ યજમાન વનસ્પતિ ઉપર માત્ર આધાર જ લે છે. તે આભાસી કંદ (pseudobulb) પ્રકારના પ્રકાંડમાંથી એક કરતાં વધારે પ્રકારનાં મૂળ ઉત્પન્ન કરે છે; તે પૈકી હવામાં લટકતાં, જાડાં અશાખિત કે અલ્પશાખિત, બદામી કે લીલાશપડતા રંગનાં અસ્થાનિક મૂળ બહુસ્તરીય મૂલાધિસ્તર (multilayered epiblema) ધરાવે છે. તેના કોષોને વેલામેન પેશી કહે છે. તે કોષો બહુકોણીય, જાડી દીવાલવાળા અને સ્યુબેરિનનું જાલાકાર સ્થૂલન ધરાવતા હોય છે અને વાદળીસર્દશ હોવાથી કેશાકર્ષણ દ્વારા હવામાંના ભેજનું શોષણ કરે છે. ઑર્કિડની કેટલીક જાતિઓમાં આ મૂળ લીલાં બની પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે. બાકીનાં પાતળાં, યજમાન વનસ્પતિ સાથે ચોંટેલાં મૂળ ઑર્કિડને સ્થાપિત કરવાનું કાર્ય કરે છે.

આકૃતિ 9 : પરોપજીવી અને યજમાનમાંથી પસાર થતો છેદ

આ પ્રકારના બે સજીવોના સહજીવનને સહભોજિતા (commensalism) કહે છે; જેમાં એક સજીવને આ પ્રકારના સહજીવનથી લાભ પ્રાપ્ત થાય છે, જ્યારે બીજા સજીવને કોઈ લાભ કે નુકસાન થતું નથી.

(આ) ચૂષક મૂળ (sucking roots or haustoria) : વાંદો આંબાના વૃક્ષ ઉપર થતી લીલાં પર્ણો ધરાવતી વનસ્પતિ છે. તે આંબાની શાખામાં નાનાં અસ્થાનિક મૂળો મોકલે છે. આ મૂળ બંને વનસ્પતિઓની વાહક પેશીઓને જોડે છે. તેને ચૂષકમૂળ કહે છે, જે યજમાન વનસ્પતિમાંથી માત્ર પાણી અને ખનિજદ્રવ્યોનું શોષણ કરે છે. વાંદો લીલાં પર્ણોની મદદથી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરી ખોરાક બનાવે છે. આમ, વાંદો અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે.

આકૃતિ 10 : (અ) અમરવેલ, (આ) રાતો આગિયો, (ઇ) રેફ્લેશિયા

અમરવેલ (cuscuta reflexa) પર્ણવિહીન પીળા રંગની વળવેલ છે. તેને જમીન સાથે સંપર્ક ધરાવતાં મૂળ પણ હોતાં નથી. આ વેલ યજમાન વનસ્પતિની વાહક-પેશીઓમાં ચૂષક-મૂળો મોકલે છે; જે કાર્બનિક પોષક તત્વો પાણી અને ખનિજ-દ્રવ્યોનું શોષણ કરે છે, આમ, અમરવેલ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે. તમાકુ અને કોબીજના ખેતરમાં થતો રાતો આગિયો (Orobanche) નામની વનસ્પતિ યજમાનના મૂળ ઉપર થતી સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે. રેફ્લેશિયા દુનિયામાં સૌથી મોટું–એક મીટર વ્યાસવાળું પુષ્પ ધરાવતી મૂળ પરોપજીવી વનસ્પતિ છે.

(ઇ) સહકારાત્મક સહજીવન : વાલ, વટાણા અને મગફળી જેવી શિંબીકુળની વનસ્પતિઓ તેમનાં મુખ્ય અને પાર્શ્વીય મૂળો ઉપર બદામી રંગની ગાંઠો જેવી રચનાઓ ધરાવે છે. આ રચનાઓને મૂળગંડિકા (root nodules) કહે છે. આ મૂળગંડિકામાં Rhizobium નામના બૅક્ટેરિયા વસવાટ ધરાવે છે. આ બૅક્ટેરિયા યજમાન વનસ્પતિમાંથી કાર્બનિક પોષકદ્રવ્યો મેળવે છે. તે જમીનમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું સ્થાયીકરણ એમોનિયમના ક્ષારોમાં કરે છે, જેથી યજમાન વનસ્પતિને સક્રિય સ્વરૂપમાં નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે. આમ, અહીં બંને સજીવો પરસ્પર લાભદાયી સહજીવન ગુજારે છે. આ પ્રકારનું સહજીવન સહકારાત્મક ગણાય છે. સાયકસનાં પ્રવાલમૂળમાં એનાબિના નામની નીલહરિત લીલ વસવાટ ધરાવે છે. તે પણ જમીનમાંના મુક્ત નાઇટ્રોજનનું સ્થાયીકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. ગેલ (myrica) અને ઍલ્ડર (Alnus) નાઇટ્રોજનનું સ્થાયીકરણ કરતી અશિંબી (nonleguminosus) વનસ્પતિઓ છે. તેઓ ઍક્ટિનોમાયસેટિસ પ્રકારની ફૂગ દ્વારા મૂળગંડિકાઓ રચે છે.

આકૃતિ 11 : (અ) શિંબી વનસ્પતિની મૂળગંડિકાઓ; (આ) મૂળગંડિકામાંથી પસાર થતો છેદ

કેટલીક ફૂગની કવકજાલ મૂલાગ્રમાં પ્રવેશી વૃદ્ધિ સાધે છે અને કવકમૂલ (micorrhiza) નામની રચના બનાવે છે. યજમાન વનસ્પતિ પાંસુક (humus) ધરાવતી ભૂમિમાં થાય છે. કવકજાલ મૂળની ફરતે આવરણ રચે છે. કવકમૂલ દ્વારા ખનિજ-દ્રવ્યોનું શોષણ થાય છે. તેના બદલામાં યજમાન વનસ્પતિ ફૂગને કાર્બનિક પોષક દ્રવ્યો પૂરાં પાડે છે.

આકૃતિ 12 : પાઇનસનું કવકમૂલ

(7) પ્રજનન : પરવળ (Trichosanthes dioica) અને શક્કરિયામાં મૂળ ઉપર અસ્થાનિક કલિકાઓ ઉદભવે છે. આ કલિકાઓ વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. પોડોસ્ટેમેસી કુળની વનસ્પતિઓ મૂળ દ્વારા પ્રસર્જન કરે છે. આવાં મૂળને પ્રજનનમૂળ કહે છે.

આકૃતિ 13 : શક્કરિયામાં અસ્થાનિક કલિકાઓ

અર્કજ્વર (Utricularia), વૉલ્ફિયા, લૅમ્ના, Epipogium જેવી કેટલીક જલજ વનસ્પતિઓમાં મૂળ હોતાં નથી.

બળદેવભાઈ પટેલ