મૂસા સુહાગ (સોહાગ)

February, 2002

મૂસા સુહાગ (સોહાગ) (ઈ. સ.ની 15મી–16મી સદી) : અમદાવાદમાં સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના સમયમાં થયેલા પીર. જેમ સ્ત્રી પોતાના સ્વામીની સેવા કરે છે, તે રીતે મનુષ્યે અલ્લાહ પર દિલોજાનથી ફિદા રહેવું જોઈએ એમ તેઓ માનતા. તેથી તેઓ હંમેશાં સૌભાગ્યવતી સ્ત્રી પહેરે એવાં કપડાં પહેરતા હતા. અમદાવાદમાં થોડાં વરસ દુકાળ પડ્યો ત્યારે સુલતાન મહમૂદ બેગડાએ તેમને વરસાદ માટે અલ્લાહ પાસે દુઆ કરવા વિનંતી કરી. તેમણે સાબરમતીના રેતાળ પટમાં, સુલતાન અને માનવમેદની વચ્ચે દુઆ કરી અને વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર કૅમ્પના રસ્તે જતાં રેલવે ક્રૉસિંગ પાસે હઝરત મૂસા સુહાગનો રોજો આવેલો છે. એને ફરતો કોટ અને પ્રવેશદ્વાર છે. આ દરગાહમાં હઝરત મૂસાની કબર ઉપરાંત બીજી ચાર કબર છે.

આ પીર સ્ત્રીના વેશમાં રહેતા, તેથી ઘણુંખરું મહિલાઓ તેમની માનતાઓ માને છે અને પુત્રપ્રાપ્તિ માટે દુઆ માગે છે. મસ્જિદના કોટમાં આવેલા ચંપાના ઝાડ પર, સંતાનપ્રાપ્તિની ઇચ્છાવાળા શ્રદ્ધાળુઓ વૃક્ષની ડાળીએ બંગડીઓ ભરાવે છે. આ પીરના અનુયાયી ફકીરો અગાઉ તેમના પીરને અનુસરીને મહિલાનાં વસ્ત્રો ધારણ કરતા હતા; પરંતુ હવે તેમાં સુધારો કરીને પુરુષોનાં વસ્ત્રો પહેરે છે. તેઓ જીવનભર અપરિણીત રહે છે. આ જમાતના અનુયાયીઓની સંખ્યા ઘટતી જાય છે.

જયકુમાર ર. શુક્લ