મૂર્તિરાવ, અક્કિહેબ્બાલુ નરસિંહ (જ. 16 જૂન 1900, અક્કિહેબાલુ, મંડ્યા જિલ્લો, કર્ણાટક; અ. 23 ઑગસ્ટ 2003) : કન્નડમાં નિબંધ-સ્વરૂપના પ્રણેતા. તેમને તેમની કૃતિ ‘ચિત્રગલુ-પત્રગલુ’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
તેમણે વૅસ્લેયન મિશન હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે દરમિયાન બીજી ભાષા તરીકે ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો અને મૉલિયેરનાં પ્રહસનોએ તેમનું મન જીતી લીધું. મહારાજા કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય અને ભાષા સાથે બી. એ. તથા એમ. એ.ની પદવી મેળવી. પછી મૈસૂર યુનિવર્સિટીમાં જોડાયા અને અંગ્રેજીના શ્રેષ્ઠ અધ્યાપક તરીકે નામના મેળવી અને 1955માં નિવૃત્ત થયા.
ત્યારપછી મૈસૂર રાજ્યના ભાષા અને સંસ્કૃતિ વિભાગના નિયામક નિમાયા. તેઓ કન્નડ સાહિત્ય પરિષદના પ્રમુખ પણ હતા. થોડો વખત તેમણે મૈસૂર બ્રૉડકાસ્ટિંગ સ્ટેશનના વડા તરીકે પણ કામગીરી કરી. તેઓ સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિના સભ્ય હતા. તેમણે પશ્ચિમના દેશોનો વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો.
તેમણે સૉક્રેટિસના અવસાનની વાર્તાના અનુવાદથી લેખનકાર્યનો પ્રારંભ કર્યો. મૉલિયેરના ‘તારતૂફ’ પરથી તેમણે ‘આષાઢાભૂતિ’ (1931)ની રચના કરીને ક્ધનડ નાટકમાં નવું ક્ષેત્ર ખુલ્લું કર્યું. ‘હગલુગાનાસુગલુ’ (1937); ‘આલેયુવા માના’, ‘મિનુગુ મિન્ચુ’ (1962) તેમના મુખ્ય નિબંધસંગ્રહો છે. તેમાં નિબંધરચનાના તેમના કૌશલ્યની પ્રતીતિ થાય છે. તેમના અન્ય નિબંધસંગ્રહોમાં ‘વિમર્શાત્મક પ્રબંધગલુ’ (વિવેચનાત્મક નિબંધો, 1982), ‘સાહિત્ય મટ્ટુ સત્ય’ (સાહિત્ય અને સત્ય, 1982) ઉલ્લેખનીય છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ચિત્ર-ગલુ-પત્રગલુ’ (‘ચિત્રો અને પત્ર’, 1978)માં 1920થી 1930નાં વર્ષોમાં તેમના કૉલેજના દિવસો તથા અધ્યાપનકાર્યકાળનાં મહાનુભાવો સાથેનાં સંસ્મરણો આબેહૂબ વર્ણન તથા જીવંત ચિત્રણ રૂપે રજૂ કરવામાં આવ્યાં છે. તેમાં આત્મસભાનતાનો સહેજ પણ અંશ વ્યક્ત થયો નથી. તેમના લખાણમાં બહુવિધ વિગત સહિત યથાર્થ અને વિસ્તૃત માહિતી આલેખાઈ છે. તેમની શૈલી પણ રસાળ અને વાસ્તવલક્ષી રહી છે.
બળદેવભાઈ કનીજિયા