મુત્સદ્દીગીરી

February, 2002

મુત્સદ્દીગીરી : સ્વતંત્ર રાજ્યની ઓળખનું તથા અન્ય રાજ્યો સાથેના સંબંધોનું સંચાલન કરવા માટેનું રાષ્ટ્રીય નીતિનું મહત્વનું સાધન. ઑક્સફર્ડ કોશ મંત્રણાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સંબંધોનું સંચાલન કરતી એક પદ્ધતિ તરીકે તેનો પરિચય કરાવે છે. પ્રાચીન સમયમાં ગડીબંધ દસ્તાવેજ માટે ‘diplous’ શબ્દ ઉપયોગમાં લેવાતો, જેના પરથી ‘diplomacy’ શબ્દ પ્રચલિત બન્યો. પ્રારંભે તે માત્ર રાજ્યના વિશિષ્ટ દસ્તાવેજો માટે પ્રયોજાતો.

એક અભિપ્રાય અનુસાર પાષાણયુગથી માંડીને માનવવિકાસના વિવિધ યુગોમાં મુત્સદ્દીગીરી પ્રવર્તી છે. અલબત, પ્રત્યેક યુગમાં તેનાં સ્વરૂપો જુદાં જુદાં રહ્યાં છે. પરંતુ એક બાબત નિશ્ચિત હતી કે મતભેદોના ઉકેલ માટે તેનો ઉપયોગ થતો હતો. પ્રારંભે તેમાં મંત્રણાઓ કરવાનો માર્ગ અખત્યાર થતો, મંત્રણાઓ નિષ્ફળ નીવડે તો લવાદ-પ્રથાનો ઉપયોગ થતો અને તે પણ નિષ્ફળ જાય તો અંતિમ ઉપાય તરીકે યુદ્ધ દ્વારા પ્રશ્નોની પતાવટ થતી; પરંતુ મુત્સદ્દીઓની કુનેહ જ તેમાં હતી કે યુદ્ધને અસંભવિત ગણી ખાળી રાખવું અને મંત્રણા કે લવાદ દ્વારા સમસ્યાઓ ઉકેલવી.

પ્રાચીન ભારતીય રાજ્ય-વ્યવસ્થામાં ગુપ્તચર વિભાગની ભૂમિકા મહત્વની રહી છે. જે રાજ્ય પાસે કાબેલ ગુપ્તચર કે જાસૂસ-વિભાગ હોય તેની સુરક્ષા જળવાઈ રહેતી. આ ગુપ્તચર-વિભાગની પ્રારંભિક કાર્યવહીમાં મુત્સદ્દીગીરીનો સમાવેશ થતો હતો, જે દૂત-વિદ્યા તરીકે જાણીતી હતી.

અન્ય રાજ્ય સાથે સંબંધો સ્થાપવાનું કાર્ય રાજદૂતનું ગણાતું હતું. દૂત કુલીન, ચારિત્ર્યશીલ, વાક્પટુ અને ચતુર હોય તથા સંદેશો અક્ષરશ: તે જ સ્વરૂપમાં પહોંચાડવાની શક્તિવાળો તેમજ પ્રબળ સ્મરણશક્તિ ધરાવતો હોય એ જરૂરી લેખાતું હતું. દૂતનું પદ ભારે જવાબદારીભર્યું ગણાતું હતું અને તે શત્રુરાજ્યમાં પણ અવધ્ય લેખાતો હતો.

મુત્સદ્દીગીરીનો પ્રયોગ પ્રાચીન ગ્રીક નગરરાજ્યમાં થતો ખરો, પરંતુ તેની ઉપયોગિતા સીમિત હતી. રોમન સામ્રાજ્યમાં પણ તેનો સીમિત ઉપયોગ જોવા મળે છે. બાઝેન્ટાઇન અને ઇટાલીમાં 12મી અને 13મી સદીમાં એલચી કચેરીઓ હતી. 17મી સદીમાં એલચીઓ ઈશ્વરના વારસદારો કે દેવદૂત ગણાતા હતા અને અત્યંત સન્માનનીય સ્થાન ધરાવતા હતા. 1648ની વેસ્ટફૉલયાની સંધિથી રાષ્ટ્ર-રાજ્ય પ્રથાના આરંભ સાથે મુત્સદ્દીગીરીની પદ્ધતિ મજબૂત બની. મુત્સદ્દીગીરી વિશે પહેલો ગ્રંથ રચનાર અબ્રાહમ દ વિકફૉર્ટ (Wicquefort) હતો, જેણે ‘The Ambassador and His Functions’ ગ્રંથ 1682માં પ્રગટ કર્યો. તેમાં તેણે એલચીને ‘માનનીય જાસૂસ’ (the honourable spy) કહ્યો છે. 17મી સદીથી વિદેશો ખાતે કાયમી પ્રતિનિધિ–એલચી મોકલવાનો શિરસ્તો સ્થાયી બન્યો અને મુત્સદ્દીગીરી માન્ય વ્યવસાય બની.

આધુનિક અર્થમાં આ શબ્દપ્રયોગ 1796માં એડ્મંડ બર્ક દ્વારા કરવામાં આવ્યો. મુત્સદ્દીગીરીનું સંચાલન કરનાર મુખ્ય વ્યક્તિ એલચી છે, જેની નિમણૂક શાસક દ્વારા કરવામાં આવે છે. તે શાસકનો અત્યંત નિકટવર્તી, વિશ્વાસુ અને વફાદાર સાથી હોય છે. એલચી એક એવો પ્રામાણિક માણસ હોય છે, જેણે દેશને ખાતર વિદેશોમાં જૂઠું બોલવાની કામગીરી કરવાની હોય છે. 18મી સદીથી મુત્સદ્દીગીરીનો વ્યવસાય વ્યાપક અને પ્રચલિત બન્યો. એલચીઓ વિદેશોમાં સાર્વભૌમત્વની અભિવ્યક્તિનું નક્કર સ્વરૂપ લેખાયા. આ સદીના અંતિમ દશકોમાં ઔદ્યોગિક ક્રાંતિ, અમેરિકાની ક્રાંતિ અને ફ્રેંચ ક્રાંતિને કારણે મુત્સદ્દીગીરી માટે વિશાળ અને વ્યાપક ક્ષેત્ર ઊભું થયું. લોકોની સત્તા પર ભાર મુકાતાં લોકશાહી મુત્સદ્દીગીરીનો પ્રારંભ થયો, એટલે કે શાસકોના સ્થાને રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ અભિવ્યક્ત થવા લાગ્યું. મુત્સદ્દીગીરી અંગેનાં ધારા-ધોરણો અને નિયમો ચોકસાઈભર્યાં બન્યાં. આ સંદર્ભે વિયેના કૉંગ્રેસનું પ્રદાન મહત્વનું હતું. અમેરિકાની કૉંગ્રેસ (ધારાસભા) દ્વારા મુત્સદ્દીગીરી અંગે ઘડાયેલા નિયમો વ્યવહારમાં લગભગ તમામ દેશોએ સ્વીકાર્યા છે.

મુત્સદ્દીગીરી મુખ્યત્વે ચાર કાર્યો કરે છે :

(1) પ્રતિનિધિત્વનું કાર્ય કરીને તે અન્ય દેશોમાં પોતાના દેશની સાચી છબી ઉપસાવવા અને તે વિશેની સમજ વધારવા પ્રયાસ કરે છે. (2) વિદેશોમાં રાજકીય મંત્રણાઓ હાથ ધરે છે. (3) માહિતીની આપ-લે દ્વારા રાજકીય સંબંધોને અદ્યતન રાખે છે અને (4) વિદેશોમાં રાજ્યનાં અને તેનાં નાગરિકોનાં હિતોનું રક્ષણ કરે છે. મુત્સદ્દીગીરીની શાંતિ-સમયની અને યુદ્ધ-સમયની ભૂમિકાઓ અલગ અલગ હોય છે.

19મી સદીમાં નૂતન મુત્સદ્દીગીરીનો પ્રારંભ થયો, જેમાં સત્તાની સમતુલાના સિદ્ધાંતનો ભારે પ્રભાવ હતો. રાષ્ટ્રો વચ્ચે એકંદરે રમતના નિયમોનું પાલન થતું અને રાષ્ટ્રો પરસ્પરને સમજવાનો પ્રયાસ કરતાં હતાં; પરંતુ 20મી સદીના પ્રારંભે દેશો વચ્ચે ગુપ્ત કરારો થવા લાગ્યા; દા.ત., 1904માં બ્રિટન અને ફ્રાંસ વચ્ચે ‘Ententi Cordiale’નો કરાર થયો. આ સ્તરે વૈયક્તિક મુત્સદ્દીગીરીની શરૂઆત થઈ. રાષ્ટ્રો વચ્ચેના સંબંધો અને એલચીઓને બાજુ પર રાખી રાજકીય નેતાઓ સ્વયં નિર્ણયો લેવા લાગ્યા અને આ નિર્ણયોને આધારે દેશના અન્ય દેશો સાથેના ભાવિ સંબંધો નક્કી થવા લાગ્યા. આ તબક્કે મુત્સદ્દીગીરીના સ્વરૂપમાં ભારે મોટું પરિવર્તન આવ્યું અને એલચીઓ માત્ર મંત્રણાની ભૂમિકા ઘડનાર પ્રતિનિધિ બની રહ્યા.

વીસમી સદીના અંતિમ દાયકાઓમાં વાર્તાલાપનાં સાધનો અને સંચાર-માધ્યમોના ભારે વિકાસને કારણે મુત્સદ્દીગીરીની પ્રભાવકતા સીમિત બની છે, કારણ સંચાર-માધ્યમોના વિકાસને કારણે રાજ્યોના વડાઓ સીધી મંત્રણાઓ કરી શકે છે. આથી દેશના એલચી જેવા પ્રતિનિધિઓએ શેષ મર્યાદિત ભૂમિકા ભજવવાની રહે છે. આમ મુત્સદ્દીગીરીની શૈલીમાં જબરું પરિવર્તન આવ્યું છે. મુત્સદ્દીગીરીએ હવે વૈશ્વિક સ્તરે કામ કરવાનું હોય છે અને તે આંતરરાષ્ટ્રીય સમાજની દિશામાં આગળ વધી રહી છે.

રક્ષા મ. વ્યાસ