મુતનબ્બી (જ. 915, કૂફા, ઇરાક; અ. 23 સપ્ટેમ્બર 965) : અરબી ભાષાના સર્વોત્તમ કવિ. તેમને તેમના જીવન દરમિયાન ધર્મવિરોધી વલણોને લઈને વખોડવામાં આવ્યા હતા. તેમની કવિતા છેલ્લાં 1,000 વર્ષથી વખણાતી રહી છે. તેમની ઉપર નબી (ઈશ્વરના દૂત અથવા પયગંબર) હોવાનો જુઠ્ઠો દાવો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો; આમ છતાં તેમની કવિતાના સાહિત્યિક ગુણોને લઈને ધર્મનું શિક્ષણ આપતી ઇસ્લામી સંસ્થાઓ(મદરેસાઓ)ના અભ્યાસક્રમમાં તેને કાયમી સ્થાન મળ્યું છે. તેમનું નામ તો અબુ-અલ-તય્યબ અહમદ હતું, પરંતુ ‘નબી’ હોવાના તેમના ભ્રમને લઈને તેમનું ઉપનામ ‘મુતનબ્બી’ પડી ગયું હતું. તે વખતે અરબી સભ્યતા અને સંસ્કૃતિ તથા અરબી ભાષા અને સાહિત્ય સમૃદ્ધિના શિખરે પહોંચી ગયાં હતાં. ખાસ કરીને મુલ્કે શામ(Syria)નો પ્રદેશ વિચારસ્વાતંત્ર્ય તથા શિક્ષણપ્રસારની બાબતમાં ઘણો આગળ હતો. મુતનબ્બીએ નાનપણમાં કૂફાથી સીરિયા જઈને અરબી ભાષા તથા સાહિત્યનો ઉચ્ચ અને ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ કવિઓ તથા વિદ્વાનોને મળતા ત્યારે તેમનાં યાદશક્તિ, જ્ઞાન તથા સાહિત્યિક પરિપક્વતાથી અનેક લોકો પ્રભાવિત થતા હતા. અરબી એક સમૃદ્ધ અને વિકસિત ભાષા હતી અને તેનું શબ્દભંડોળ વિપુલ હતું, મુતનબ્બી અરબી શબ્દોનું આશ્ચર્યજનક જ્ઞાન ધરાવતા હતા. કવિતા-કલા અને શબ્દજ્ઞાનની બાબતમાં તેમના સમયમાં તેમનો કોઈ હરીફ ન હતો. તેમને શરૂઆતમાં ઇબ્નુસ સિરાજ, અબુલ હસન ઇખ્ફશ, અબૂ બક્ર મુહમ્મદ દુરૈદ અને અબૂ અલી અલફારસી જેવા અરબી કવિઓ, સાહિત્યકારો તથા વિદ્વાનોની સોબત પ્રાપ્ત થઈ હતી. જ્યારે તેઓ બની કલ્બ નામના કબીલા સાથે રહેતા હતા ત્યારે ગામડાના અભણ લોકો તેમની કવિતાને પવિત્ર કુરાનની વાણી સમજતા હતા અને તેમને નબી તરીકે બિરદાવતા હતા. મુતનબ્બીમાં તેથી અભિમાન આવ્યું. તેમણે પોતે પયગંબરસાહેબ(સ. અ. વ.)ના પિતરાઈ ભાઈ, જમાઈ અને ચોથા પવિત્ર ખલીફા હજરત અલી(રદિ.)ના કુટુંબીજન – અલવી – હોવાનો અને પછી ‘નબી’ હોવાનો પણ દાવો આગળ ધર્યો હતો; પરિણામે હિમ્સના અમીર લૂલૂએ તેમની વિરુદ્ધ પગલાં ભરીને તેમને લાંબા સમય સુધી કારાવાસમાં રાખ્યા અને છેવટે પ્રાયશ્ચિત્ત કરતાં તેમને છોડવામાં આવ્યા. મુતનબ્બીને 948માં સૈફુદ્દૌલા જેવા આશ્રયદાતા મળ્યા અને તેમની પ્રશંસામાં તેમણે કસીદા-કાવ્યો લખ્યાં. તે ઉપરાંત સીરિયાના અન્ય અમીરોની પણ તેમણે પ્રશંસા કરી છે. વળી ઇબ્ને મલેક નામના એક યહૂદી અમીરની પ્રશંસામાં કાવ્ય લખવાની ના પાડતાં તેમને કેદ પણ કરવામાં આવ્યા હતા. તેમણે મિસર (Egypt) પહોંચી કાફૂર ઇખ્શીદી માટે પણ કાવ્યરચનાઓ કરી હતી. 961માં તેઓ ઈરાનના ફાર્સ પ્રાંતમાં ગયા અને ત્યાંના રાજવી ઇઝદુદ્દૌલા દૈલમીના પ્રશંસક બન્યા. અહીંયાં દૈલમીના માણસો સાથે અણબનાવ થયો અને તેથી છેવટે ત્યાંથી ઇરાક પાછા ફરતાં ફાતિક ઇબ્ન અબૂ જહલ અસદી નામના માણસે પોતાની બહેન ઉમ્મ ઝુબ્બાની મુતનબ્બીએ વગોવણી કરી છે એવો આરોપ મૂકીને તેમનો પીછો કર્યો અને બગદાદ નજીક તેમની તથા તેમના દીકરાની હત્યા કરી નાંખી. મુતનબ્બી ઘણા સ્વકેન્દ્રી, અભિમાની અને કંજૂસ હતા. તેમના ચારિત્ર્યની અનેક મર્યાદાઓ છતાં તેમની કવિતા એવી ઉત્કૃષ્ટ વિચારસંપત્તિ અને કલાત્મકતા ધરાવે છે કે અત્યાર સુધી મુતનબ્બીના કાવ્યસંગ્રહ–દીવાન–ઉપર 40 જેટલાં ભાષ્યો લખાઈ ચૂક્યાં છે અને તેના અનુવાદ પૂર્વીય ભાષાઓ ઉપરાંત પશ્ચિમની ફ્રેંચ તથા લૅટિન ભાષાઓમાં પણ થયા છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી