રાતાં સરસરિેયાં : સંઘરેલા અનાજને નુકસાન કરતી અગત્યની જીવાત. આ કીટકની મુખ્ય બે જાતિઓ જોવા મળે છે. ટ્રાયબોલિયમ કેસ્ટેનિયમ અને ટ્રાયબોલિયમ કન્ફ્યુઝમ, જેનો ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના ટેનેબ્રિયોનિડી કુળમાં સમાવેશ કરેલ છે. ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં તેની હાજરી જોવા મળે છે. આ કીટક સૌપ્રથમ 1797માં નોંધાયેલ. તેનું મૂળ વતન ભારત કે ઑસ્ટ્રેલિયા માનવામાં આવે છે. તેને સહેજ દખલ કરતાં ઝડપથી સરકી જતું હોવાથી તે રાતા સરસરિયા તરીકે ઓળખાય છે. પુખ્ત સરસરિયાં રાતા બદામી રંગનાં, ચપટાં, નળાકાર અને લગભગ 3 મિમી. લંબાઈનાં હોય છે. તે બહુ ઊડી શકતાં નથી. શૃંગિકા(સ્પર્શક)નો છેડો દડાકાર હોય છે. પુખ્ત કીટકનાં શીર્ષ, વક્ષ અને ઉદર એમ ત્રણેય ભાગ સ્પષ્ટ જુદા દેખાઈ આવે છે. આ જીવાતનું પ્રજનન લગભગ બારેય માસ ચાલુ રહે છે. પુખ્ત કીટક ખોરાક વગર લગભગ બે માસ સુધી જીવંત રહે છે. કેટલાક તો ખોરાક વગર ત્રણ વર્ષથી પણ વધુ સમય જીવવાની ક્ષમતા ધરાવે છે. માદા કીટક પાંચેક માસ સુધી ઈંડાં મૂકવાનું ચાલુ રાખે છે. એક માદા દરરોજ 2થી 3 ઈંડાં મૂકે છે અને પોતાના જીવનકાળ દરમિયાન કુલ 400થી 500 ઈંડાં છૂટાંછવાયાં મૂકે છે. ઈંડાં રંગે સફેદ અને ચીકણાં હોવાથી જ્યાં મૂકવામાં આવે ત્યાં લોટ કે બીજા રજકણો તેની સાથે ચોંટી જાય છે. પરિણામે આવાં ઈંડાં સહેલાઈથી શોધી શકાતાં નથી. ઈંડાં-અવસ્થા 5થી 12 દિવસની હોય છે. ઇયળ તેના 4 અઠવાડિયાંના જીવનકાળ દરમિયાન લગભગ 7થી 8 વખત નિર્મોચન કરી (કાંચળી ઉતારી) પુખ્ત બને છે.
ખોરાક અને વાતાવરણનાં તાપમાન પ્રમાણે આ અવસ્થામાં ફેરફાર જોવા મળે છે. ઇયળ અને પુખ્ત એમ બંને અવસ્થામાં આ જીવાત નુકસાન કરે છે. તે મોટે ભાગે તૂટેલા અથવા અન્ય જીવાતો દ્વારા નુકસાન પામેલા દાણામાં જ ઉપદ્રવ કરે છે. રાતું સરસરિયું કદી આખા દાણાને નુકસાન કરી શકતું નથી, પરંતુ કોઈક વખત આખા દાણામાંથી બીજાંકુરનો પોચો ભાગ ખાઈને નુકસાન કરતું જોવા મળે છે. મોટાભાગે તેનો ઉપદ્રવ સોજી, મેંદો, લોટ, મ્યુઝિયમના સંગ્રહેલ નમૂનાઓ, સૂકાં ફળ તેમજ અનાજ દળવાની ઘંટીઓમાં જોવા મળે છે. અનાજ દળવાની ઘંટીઓમાં તેની વસ્તી મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેના ઉપદ્રવે લોટ પીળો પડી જાય છે અને બટાઈ ગયો હોય તેવી વાસ આવે છે. ઇયળ આછા સફેદ રંગની, પીળા રંગની છાંટવાળી, વાળ જેવી પાતળી, નળાકાર અને આશરે 4થી 5 મિમી. જેટલી લાંબી હોય છે. તેના શરીરના છેલ્લા ભાગ પર ચીપિયા જેવો વધારાનો ભાગ હોય છે. આવી ઇયળ અવસ્થા પૂર્ણ થતાં પુખ્ત ઇયળ અનાજની સપાટી પર જ કોશેટો બનાવે છે. આ કોશેટા-અવસ્થા 6થી 9 દિવસની હોય છે. આ જીવાત 6 અઠવાડિયાંમાં એક પેઢી પૂર્ણ કરે છે; પરંતુ ઉનાળા કરતાં શિયાળામાં આ સમયગાળો લાંબો હોય છે.
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
પરબતભાઈ ખી. બોરડ