રાતી ભરતી : સમુદ્ર-મહાસાગર, સરોવર, જળાશય કે નદીમાં ક્યારેક જોવા મળતાં રાતા કે કથ્થાઈ રંગનાં પાણી માટેનો શબ્દપ્રયોગ. પાણીમાં દેખાતો આવો રંગ એકાએક લાખોની સંખ્યામાં વધી જતા સૂક્ષ્મજીવાણુઓને કારણે હોય છે. આ રંગ અમુક કલાકોથી માંડીને ઘણા મહિનાઓ સુધી રહેતો હોય છે. દુનિયાના જળજથ્થાઓના મોટાભાગના વિસ્તારોમાં આવી રાતી ભરતી જોવા મળતી હોય છે.

રાતા રંગની ભરતીવાળાં પાણી સામાન્ય રીતે તો નુકસાનકારક હોતાં નથી, તેમ છતાં કોઈ કોઈ જગાએ માછલીઓ કે બીજાં જળચર પ્રાણીઓ તેનાથી મૃત્યુ પામતાં હોય છે. મૃત્યુ પામેલાં પ્રાણીઓના દેહ જળસપાટી પર તરતા રહે છે અથવા તો મોટી સંખ્યામાં કાંઠા તરફ ખેંચાઈ આવીને એકત્રિત થાય છે. તેમના સડવાથી તે વિસ્તાર ગંધાઈ ઊઠે છે. રાતી ભરતીમાંના સૂક્ષ્મજીવાણુઓને ખાતી કવચી માછલીઓ અન્યને ખાવા માટે ઝેરી બની રહેતી હોય છે. નુકસાનકારક ગણાતી રાતી ભરતી ડાયનોફ્લૅગેલેટ્સ (dinoflagellates) નામના એકકોષી જીવોની ઘણી ઉપજાતિઓને કારણે ઉદભવે છે. અમુક ડાયનોફ્લૅગેલેટ્સ ઝેર પેદા કરે છે. તેનાથી માછલીઓ પણ મૃત્યુ પામે છે અથવા લકવાગ્રસ્ત બની રહે છે, કારણ કે આ જીવાણુઓ પાણીમાં રહેલો લગભગ બધો જ ઑક્સિજન વાપરી નાખે છે એટલે તે ઉપલબ્ધ ન થવાથી માછલીઓ મૃત્યુ પામે છે.

પાણીનો રંગ રાતો બનાવતા આ ડાયનોફ્લૅગેલેટ્સ આટલી મોટી સંખ્યામાં શાથી વૃદ્ધિ પામે છે તે વિજ્ઞાનીઓ પણ હજી પૂરેપૂરું સમજી શક્યા નથી; પરંતુ જ્યારે પોષણયુક્ત ખોરાક, જરૂરી સૂર્યપ્રકાશ, તાપમાન, જળપ્રવાહો તેમજ પાણીમાંના અન્ય સંજોગો અનુકૂળ બની રહે ત્યારે આ જીવાણુઓ પાણીમાં વિપુલ પ્રમાણમાં તૈયાર થતા હોવાનું મનાય છે. બીજાં કોઈ જળચર પ્રાણીઓ ડાયનોફ્લૅગેલેટ્સને મળતો દરિયાઈ ખોરાક જો વાપરી નાખે તો તેમની સંખ્યા ઘટી જાય છે; પરંતુ જ્યારે તેમની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોય ત્યારે જળનો રંગ રાતો કે કથ્થાઈ બની રહે છે.

ગિરીશભાઈ પંડ્યા