રાતાં ચૂસિયાં : કપાસના પાકને નુકસાન કરતી જીવાત. આ જીવાતનો સમાવેશ અર્ધપક્ષ (Hemiptera) શ્રેણીના પાયરોકોરેડી કુળમાં કરવામાં આવેલ છે. તેનું વૈજ્ઞાનિક નામ ડિસડર્કસ સિંગ્યુલેટસ (Dysdercus cingulatus Fab.) છે. ભારતના કપાસ ઉગાડતા લગભગ દરેક પ્રદેશમાં તેમની હાજરી જોવા મળે છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ રાજ્યોમાં તેના ઉપદ્રવથી કપાસના પાકમાં સારા એવા પ્રમાણમાં નુકસાન થતું નોંધાયેલ છે. ગુજરાતમાં કપાસના પાકમાં ગૌણ જીવાત તરીકે તેની ગણના થાય છે. કપાસ ઉપરાંત ભીંડા, અંબાડી, હોલિહોક, ઘઉં, મકાઈ, બાજરી, આકડો, જાસૂદ, શીમળો અને એરંડા જેવી વનસ્પતિ પર પણ જોવા મળે છે. પુખ્ત ચૂસિયાં ચળકતા રાતા રંગના, નળાકાર અને લગભગ 12 મિમી. જેટલાં લાંબાં હોય છે. તેની આંખો, શૃંગિકા, પ્રથમ જોડ પાંખનો છેડાનો ભાગ અને પીઠ પાછળનો વક્ષનો ભાગ કાળા રંગનાં હોય છે. ઉદરપ્રદેશ અને વક્ષના નીચેના ભાગે સફેદ પટ્ટા હોય છે. માદા ચળકતા પીળા રંગનાં ગોળાકાર 100થી 130 જેટલાં ઈંડાં સમૂહમાં છોડની નજીક જમીનની તિરાડોમાં, જમીન ઉપર કે ખરી પડેલાં પાનના ઢગલામાં મૂકે છે. ઈંડા-અવસ્થા 4થી 7 દિવસની હોય છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળેલાં બચ્ચાં આછા રતાશ પડતા રંગનાં હોય છે, જે શરૂઆતમાં સમૂહમાં રહેતાં હોય છે. બચ્ચાં સહેજ મોટાં થતાં ચળકતા લાલ રંગનાં અને પાંખો વગરનાં હોય છે. તેના ઉદરપ્રદેશની મધ્યમાં કાળા રંગનાં અને ઉદરપ્રદેશની બંને બાજુએ સફેદ રંગનાં ટપકાંની હાર જોવા મળે છે. આવાં બચ્ચાં 5થી 6 વખત કાંચળી ઉતારી 26થી 89 દિવસમાં પુખ્ત અવસ્થા ધારણ કરે છે. તેની 6થી 8 અઠવાડિયાંમાં એક પેઢી પૂર્ણ થતી હોય છે. સામાન્ય રીતે 40 %થી વધુ ભેજ અને 21થી 35° સે. તાપમાન આ કીટકને વધુ માફક આવે છે. શિયાળામાં પુખ્ત કીટક સુષુપ્ત અવસ્થામાંથી પસાર થાય છે.

બચ્ચાં અને પુખ્ત એમ બંને અવસ્થાની જીવાત છોડમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. શરૂઆતમાં તે પાનમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. ખાસ કરીને તે કપાસનાં વિકાસ પામતાં લીલાં જીંડવાંમાંથી રસ ચૂસે છે, જેથી જીંડવાં ફાટી જાય છે. ઇયળોથી નુકસાન પામેલાં કપાસનાં ફાટેલાં જીંડવાંમાંથી પણ તે રસ ચૂસે છે. તેના પરિણામે કપાસિયા અને રૂની ગુણવત્તા ઘટે છે. આ જીવાત ચગદાય છે, ત્યારે તેના શરીરમાંથી નીકળતા રસને કારણે તથા હગારને લીધે રૂની ગુણવત્તામાં ઘટાડો થાય છે. ઉપદ્રવિત કપાસનાં બીજ વાવવાલાયક રહેતાં નથી. વળી તેમાંથી નીકળતા તેલની ટકાવારીમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત આ જીવાતથી નુકસાન પામેલ જીંડવાં પરનાં કાણાં મારફતે અમુક પ્રકારના જીવાણુ જીંડવામાં દાખલ થાય છે, જે રૂની ગુણવત્તા બગાડે છે. આ કીટકનાં બચ્ચાં શરૂઆતમાં ટોળાંબંધ રહેતાં હોવાથી તેને કેરોસીનવાળા પાણીમાં ખંખેરી તેનો નાશ કરવો એ સહેલું પડે છે. વધારે ઉપદ્રવ જણાય તો મિથાઇલ પેરાથિયોન 2 % અથવા ક્વીનાલફોસ 1.5 % અથવા એન્ડોસલ્ફાન 4 %, ભૂકારૂપ દવા 25 કિલો / હેક્ટર પ્રમાણે છંટકાવ કરવાથી તેનું અસરકારક રીતે નિયંત્રણ થાય છે. ઍન્ટિલોચસ કોકબેર્ટી અને હાર્પેકટર કોસ્ટાલિસ નામના કીટક રાતાં ચૂસિયાંનાં પરભક્ષી તરીકે નોંધાયેલા છે. આ ઉપરાંત વિવિધ જાતનાં કીટભક્ષી પક્ષીઓ પણ ખેતરમાં રાતાં ચૂસિયાંને વીણીને ખાઈ જાય છે અને આમ કુદરતી રીતે તેમનું નિયંત્રણ થતું હોય છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ