રાજ્યશાસ્ત્ર
રાજ્ય, તેની સંસ્થાઓ, સત્તામાળખું, સત્તાનું કેન્દ્ર અને રાજકીય જીવનનો પદ્ધતિસરનો અભ્યાસ. માનવના સામાજિક જીવનના ભાગ રૂપે રાજકીય જીવનનો આરંભ થાય છે. કુટુંબ જેવા પ્રાથમિક સંગઠનમાંથી કાળક્રમે ગામ, નગર અને રાજ્ય વિકસ્યાં. મૂળે ગ્રીક ભાષામાં નગર માટે પ્રયોજાતા ‘પૉલિસ’ (Polis) શબ્દ પરથી ‘પોલિટિક્સ’ શબ્દ આવ્યો. આથી વ્યુત્પત્તિના સંદર્ભે રાજ્યશાસ્ત્ર નગરને સ્પર્શતી બાબતો અંગેનું શાસ્ત્ર કહેવાય. પ્રારંભે નગરના સંચાલન માટે તેના સંચાલકો શાસકોને સત્તા આપવામાં આવી. આ સત્તાનો ઉપયોગ નિયમોના આધારે થાય તે ઇચ્છનીય જણાતાં રાજ્ય, સત્તા અને કાયદાની વિભાવનાઓ વિકસી અને તે રાજ્યશાસ્ત્રના ક્ષેત્રમાં સમાવેશ પામી.
ઉદભવ અને વિકાસ : પ્રાચીન યુગમાં ગ્રીક ચિંતકોએ નગરરાજ્યને કેન્દ્રીય સંસ્થા ગણી તેના વિશે ઊંડું ચિંતન કર્યું. સૉક્રેટીસ, પ્લેટો અને ઍરિસ્ટોટલની ચિંતક ત્રિપુટીએ આ સંબંધે મૂળભૂત પ્રદાન કર્યું. પ્લેટોનો ‘રિપબ્લિક’ ગ્રંથ ઈ. પૂ.ની ચોથી સદીમાં રચાયો અને તેમણે દાર્શનિક કે ચિંતક શાસક બને તે અંગેની તાર્કિક વિચારણા રજૂ કરી. ઍરિસ્ટોટલે 180 જેટલાં બંધારણોના અભ્યાસને આધારે ‘પૉલિટિક્સ’ ગ્રંથની રચના કરી અને રાજ્યશાસ્ત્રનું પાયાનું ચિંતન સ્ફુટ કરી આપી રાજ્યશાસ્ત્રને ‘સર્વોચ્ચ વિજ્ઞાન’ (master science) તરીકે ઓળખાવ્યું. તેમના મંતવ્ય મુજબ અન્ય તમામ શાસ્ત્રો રાજ્યશાસ્ત્ર પર આધાર રાખે છે. રાજ્ય આર્થિક, સાંસ્કૃતિક, નૈતિક એમ સમાજનાં વિવિધ અંગોને વ્યાપક રીતે આવરી લે છે તથા તેમની વચ્ચેના કાર્યકારણ સંબંધોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. આથી તે ‘સર્વોચ્ચ વિજ્ઞાન’ કહેવાય છે.
આ ગ્રીક ચિંતન વ્યક્તિ, સમાજ અને રાજ્યના તાણાવાણાનું વ્યવસ્થિત વણાટ રચીને રાજ્યશાસ્ત્રને વ્યાપક અને વિસ્તૃત અર્થ આપે છે. આમ કરતાં રાજ્ય, નિયમો, સ્વતંત્રતા વગેરે જેવી પાયાની વિભાવનાઓનું તે સહજ પોત બાંધે છે.
ઐતિહાસિક ક્રમે ગ્રીસ પછી આવનાર પ્રાચીન રોમ નાનું રાજ્ય હતું પણ રોમન સામ્રાજ્ય ઘણું વિશાળ હતું. વિશાળકાય સામ્રાજ્યને ટકાવવા મજબૂત વહીવટી તંત્ર અને નિયમો આવશ્યક હતાં. રોમન ચિંતકોએ આ દિશામાં કાયદો અને કાયદાશાસ્ત્રની છણાવટ કરી નોંધપાત્ર પ્રદાન કર્યું. સ્વાભાવિક છે કે કાયદાની આવી ચર્ચાએ સત્તાને કેન્દ્રીય મહત્ત્વ આપ્યું. પરિણામે શાસન, શાસકની સત્તા, કાયદો અને કાયદાના સંબંધો રાજ્યશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ બન્યા. આ સમયગાળા દરમિયાન સૌથી અગત્યની વિભાવના તરીકે કાયદાની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ અને કાયદાના શાસન જેવા પાયાના ખ્યાલો વિકસ્યા.
સામંતશાહી યુગ દરમિયાન રાજાશાહીની એકહથ્થું સત્તાઓને વેગ મળ્યો અને ધર્મનું વર્ચસ્ વ્યાપક બનવા લાગ્યું. પરંતુ પંદરમી સદીમાં નવજાગૃતિ કાળમાં ધાર્મિક-રાજકીય વિચારોને પડકારવામાં આવ્યા. વિવિધ ક્ષેત્રે તર્કબદ્ધ, બુદ્ધિલક્ષી નવા રાજકીય વિચારોની હવા પ્રસરી, જેમાં સૌથી મહત્ત્વની બાબત રાજકીય બિનસાંપ્રદાયીકરણના નવા વિચારો હતા. મૅકિયાવેલી જેવા વિચારકોએ ધર્મ અને રાજકારણને અલગ પાડી રાજ્યોના સ્વતંત્ર અસ્તિત્વની તથા નીતિનિરપેક્ષ રાજકારણની વાત કરી. રાજ્ય અને રાજકારણ વાસ્તવિકતાની નક્કર ભૂમિકા ગ્રહણ કરવા લાગ્યાં. રાજ્યની સર્વશક્તિમાન સંસ્થા તરીકેની ઉપાસના આકાર લેવા લાગી. મૅકિયાવેલીએ ‘રાજ્ય’ શબ્દને તેના સાંપ્રત અર્થમાં પ્રથમ વાર પ્રયોજ્યો.
લૉકે પ્રજાકીય સાર્વભૌમત્વની અને રૂસોએ પ્રજાની ઇચ્છાથી રચાતા સર્વજનસંકલ્પની વિભાવનાઓ વિકસાવી. પ્રજા અને સર્વજનસંકલ્પને સાર્વભૌમ દર્શાવી સમાજની સર્વોચ્ચ સત્તાની સ્થાપના કરી. બિસ્માર્કે રાષ્ટ્રીય ઐક્યને કેન્દ્રીય સ્થાન આપ્યું.
આદર્શવાદના પિતા ગણાતા ઇમૅન્યુઅલ કાન્ટે રાજ્ય દ્વારા વિશ્વરાજ્યની વાત કરી. ફિખ્તે, હેગલ, ટૉમસ હિલ ગ્રીન, ટ્રીટસ્કે દ્વારા આદર્શવાદનું ઘડતર થયું જેણે રાજ્યને નૈતિક સંસ્થા તરીકે સ્થાપી અને વ્યક્તિના પૂર્ણ નૈતિક વિકાસની વાતને પ્રોત્સાહન આપ્યું. રાજ્યને જ અંતિમ ધ્યેય ગણી તે ભૂલભરેલું હોઈ જ ન શકે તેમ જણાવ્યું. આમ રાજ્યને શ્રેષ્ઠ માની વ્યક્તિએ કોઈ પણ ભોગે તેને સ્વીકારી લેવું જોઈએ. રાજ્યની આ એક આત્યંતિક ભૂમિકાની અભિવ્યક્તિ ફાસીવાદ-નાઝીવાદને વિકસવા માટેની ભૂમિકા બને છે અને ‘‘સઘળું રાજ્યમાં જ, રાજ્ય વિરુદ્ધ કશું નહિ, રાજ્ય બહાર કશું નહિ’’ની દિશામાં દોરે છે.
ગૉડવિન, થૉરો અને પ્રુધો જેવા વિચારકોએ તદ્દન અલગ રાહ સ્વીકારી આત્યંતિક રજૂઆત કરી. આ વિચારકોએ રાજ્યનો જ અસ્વીકાર કરી અરાજકતાવાદની હિમાયત કરી. તેમણે રાજ્યવિહીન સમાજને ઉત્તમ સમાજ તરીકે ઓળખાવ્યો.
આ વિચારોના પ્રતિકાર રૂપે વ્યક્તિને સ્વાયત્ત અને પાયાનો એકમ ગણતી ઉદારમતવાદી વિચારધારાએ પણ વ્યવસ્થિત આકાર ધારણ કર્યો. તેણે માનવલક્ષી અભિગમનો પુરસ્કાર કરી વ્યક્તિસ્વાતંત્ર્યની વિવિધ સ્વરૂપે ખેવના કરી રાજ્યના મનસ્વી અભિગમ વિરુદ્ધ માતબર પડકાર ઊભો કર્યો. બ્રૂનોએ ‘‘માનવી જ દૈવી છે’’ એવા સૂત્રનું પ્રતિપાદન કર્યું; જેમાં ગૅલિલિયો, કૉપરનિકસ જેવા વિચારકોનાં વૈજ્ઞાનિક નિરીક્ષણોએ પ્રાણ પૂર્યા. નવજાગૃતિના આંદોલન સાથે સ્વતંત્રતાના આ ખ્યાલો વધુ વિકસ્યા. રાજ્ય ઉપરાંત રાષ્ટ્રીય રાજ્યનો વિશિષ્ટ પ્રવાહ તેમાં ઉમેરાયો. કાયદો, તેનો ઉદભવ અને વિકાસ જેવા મૂળભૂત પ્રશ્ર્નો ઊભા કરી કાયદાને સમ્યક્ તર્ક (right reason) તરીકે વિચારવામાં આવ્યો. સંસદીય સાર્વભૌમત્વનો પુરસ્કાર કરી લૉકે ઉદારમતવાદનો પાયો નાંખ્યો તેમજ મૂળભૂત અધિકારોની વિભાવનાને ઘાટ આપ્યો.
આ વિચારણાને વધુ સૂક્ષ્મ બનાવતા આનંદ અને પીડા, સુખદુ:ખ જેવા બે જ પાયાના ખ્યાલોથી દોરવાઈ વ્યક્તિ વર્તે છે તેમ કહી બૅન્થામે ઉપયોગિતાવાદી વિચારધારા રજૂ કરી. જેમ્સ મિલ, જૉન સ્ટુઅર્ટ મિલ, જૉન ઑસ્ટિન, હર્બર્ટ સ્પેન્સર, ટૉમસ હિલ ગ્રીન જેવા વિચારકોએ આ વિચારોને પોતાની રીતે સમર્થન પૂરું પાડ્યું. રાજ્યને સુખોમાં વધારો કરનાર અને દુ:ખો ઘટાડનાર સાધન તરીકે રજૂ કરે છે, જેમાંથી બહુસમુદાયવાદ આકાર પામે છે અને એકકેન્દ્રી સાર્વભૌમત્વને પડકારવામાં આવે છે. ઑટો ગીર્ખે, અર્નેસ્ટ બાર્કર, હેરૉલ્ડ લાસ્કી આવાં જ કારણોસર રાજ્યની અબાધિત સત્તાને માન્ય રાખતા નથી. આ વિચારસમૂહ વ્યક્તિવાદને સમર્થન પૂરું પાડી ‘રાજ્યને અનિવાર્ય અનિષ્ટ’ તરીકે સ્વીકારી વધુમાં વધુ વ્યક્તિસ્વાતંત્ર્યની હિમાયત કરે છે.
સ્વતંત્રતાનો અતિરેક આર્થિક વિકાસ સહિતના શોષણની દિશા પકડે છે ત્યારે આ શોષણ પણ વિચારકોને ખટકે છે અને તેની સામે અવાજ ઊઠે છે. સંત સિમોન, ફુરિયે અને રૉબર્ટ ઓવેન પ્રારંભિક સમાજવાદીઓ રૂપે ગરીબી અને શોષણને નાબૂદ કરવાની વાત કરે છે, તો માર્કસ અને એન્જલ્સ વૈજ્ઞાનિક સમાજવાદનો પાયો નાંખી વિશ્વવ્યાપી જનઆંદોલનને આકાર આપવામાં નિમિત્ત બને છે. એથી સમૂહને પ્રાધાન્ય આપતી અને વ્યક્તિને સમૂહના પૂરક અંગ રૂપે મૂલવતી સમાજવાદી વિચારધારા વિકસે છે. પછીનાં વર્ષોમાં તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણને બે સ્પષ્ટ વિચારધારાઓમાં વહેંચી રાજકીય ધ્રુવીકરણની પ્રક્રિયાને જલદ બનાવે છે.
રાજકીય દર્શનની આ વિવિધ વિચારધારાઓ રાજ્યને અને તેની સાથે સંબંધિત સંસ્થાઓને સ્પષ્ટ કરી તેની રૂપરેખા બાંધે છે. રાજ્યશાસ્ત્રને વ્યાપક અને સર્વગ્રાહી બનાવે છે. વિવિધ રાજકીય સંસ્થાઓનાં સારાંનરસાં પાસાં અને તેમની તુલના આ શાસ્ત્ર આવરી લે છે. રાજકીય વાસ્તવિકતાઓને ઐતિહાસિક, દાર્શનિક, સંસ્થાકીય, અનુભવમૂલક, વર્તનલક્ષી – એમ વિવિધ અભિગમો દ્વારા તપાસી, ચકાસી રાજકીય પૃથક્કરણને વધુ તલસ્પર્શી બનાવે છે.
રાજ્યશાસ્ત્ર પશ્ચિમમાં વિકસ્યું તે પહેલાં પૂર્વના દેશોમાં પણ લોકપ્રિયતા ધરાવતું હતું. ચીન, ઇજિપ્ત અને ભારતે આ દિશામાં ઊંડું ચિંતન કર્યું હતું. ગ્રીસ કરતાં પણ સદીઓ પૂર્વે આ પ્રાચીન દેશો પાસે નિજી રાજકીય વિચારો હતા. આ દેશોમાં રાજાશાહી રાજ્ય અને સરકારના સ્વરૂપમાં અસ્તિત્વમાં હતી. ભારતીય સંદર્ભમાં ‘રાજધર્મ’ શબ્દ રાજકારણ અને રાજ્યશાસ્ત્રનો અભ્યાસ સૂચવતો હતો. વધુમાં ‘દંડનીતિ’ અને ‘નીતિશાસ્ત્ર’ જેવા શબ્દપ્રયોગો રાજ્યશાસ્ત્રના સંદર્ભમાં પ્રચલિત હતા. મહાભારત ધાર્મિક ગ્રંથ હોવા સાથે રાજનીતિની વિગતપ્રચુર ચર્ચાને આવરી લે છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર રાજનીતિ, વ્યવહારવાદ અને જાહેર વહીવટને વિસ્તારથી સ્પષ્ટ કરે છે. આમ પ્રાચીન ભારત રાજનીતિને વિશિષ્ટ દૃષ્ટિબિંદુથી તપાસે છે.
ભારતના મધ્યયુગમાં રાજાશાહી ઉપરાંત સત્તાના વિકેન્દ્રીકરણની પ્રક્રિયા ચાલુ હતી અને મુખ્યત્વે સ્થાનિક પંચાયત સ્વરૂપે રાજકારણ અને વહીવટ ચાલતાં હતાં. બ્રિટિશ શાસનના આગમન સુધી આ પરંપરાગત રાજકીય સંસ્થાઓ ટકી રહી પરંતુ તે પછીના બે સૈકા બ્રિટિશ શાસન પ્રસર્યું અને સારામાઠા અનુભવો થકી ચાલુ રહ્યું. ત્યારબાદ સ્વાતંત્ર્ય-આંદોલન આરંભાયું, જેમાં રાજકીય સિદ્ધાંત અને વ્યવહારે નૈતિક રાજકીય વિચારોનું નવું જ સમીકરણ પેદા કર્યું. નૈતિકતાના નૂતન સંદર્ભ સહિત તેમાં રાજકારણનો વિચાર કરવામાં આવ્યો.
આમ સમયની લાંબી મજલ અને દર્શનની કસોટીએ ચડ્યા બાદ લોકો પર સર્વોપરિ સત્તા દ્વારા શાસન ચલાવતા એકમ તરીકે રાજ્ય પ્રસ્થાપિત થાય છે. રાજયની સર્વોપરિ સત્તા સાર્વભૌમત્વની ઓળખ પામી સ્થિર બને છે અને રાજ્ય એટલે બળ, રાજ્ય એટલે સંમતિ એવી વિભાવના ગ્રાહ્ય બને છે. આથી રાજ્યશાસ્ત્રના વિષયવસ્તુ તરીકે રાજ્યની વિભાવના ઉપરાંત તેની ઉત્પત્તિ, કાર્યો, સાર્વભૌમ સત્તા તેનું સ્વરૂપ અને મર્યાદાઓ, સ્વતંત્રતા-સમાનતા, કાયદો, સરકારનાં સ્વરૂપો વગેરેના સૈદ્ધાંતિક ચિંતન અને વ્યવહારને આવરી લેવામાં આવે છે. સમાજના વિવિધ તબક્કે આવેલાં પરિવર્તનોએ રાજ્યના મૂળભૂત સ્વરૂપમાં ફેરફારો આણ્યા છે જે પણ રાજ્યશાસ્ત્રના અભ્યાસનું વિષયવસ્તુ છે.
પરંપરાગત રાજ્યશાસ્ત્રની મર્યાદાઓ : વીસમી સદી સુધીનું રાજ્યશાસ્ત્ર પરંપરાગત રહ્યું. તેનો નવો સંદર્ભ અને નવું રૂપ આપવાનું કાર્ય કર્યું સમાજશાસ્ત્રી મૅક્સવેબરે તથા અન્ય વિચારકોએ જેમાં પરંપરાગત રાજ્યશાસ્ત્રની અધૂરપોને સ્થાને કેટલાક વિચારો તેમણે નવા સ્વરૂપે પ્રયોજ્યા. પરંપરાગત રાજ્યશાસ્ત્રની મર્યાદાઓ આથી છતી થઈ, તે નીચે મુજબ છે :
(1) તેમાં વિચારસરણીને પ્રાધાન્ય આપવામાં આવ્યું. મૂલ્યો, સિદ્ધાંતો, આદર્શો અને નીતિમત્તા પર ભાર મૂકવામાં આવતો. આમ તેમાં ચિંતનનો વિશેષ પ્રભાવ રહેતો.
(2) પરંપરાગત રાજ્યશાસ્ત્ર સંકીર્ણ હતું. તેનો અભ્યાસ મુખ્યત્વે યુરોપ પૂરતો સીમિત હતો. બિનપશ્ચિમી દેશોની રાજકીય પદ્ધતિઓ રાજ્યશાસ્ત્રના અભ્યાસ કે તુલનામાં સમાવેશ પામતી નહોતી.
(3) પરંપરાગત રાજ્યશાસ્ત્રનો અભિગમ વસ્તુલક્ષી (configurative) હતો, જેમાં બંધારણો કે અન્ય બંધારણીય સંસ્થાઓનો માત્ર બાહ્ય અભ્યાસ કરવામાં આવતો. બંધારણના આધારે રાજકીય પ્રથાઓને વિચારવામાં આવતી પણ બંધારણની સફળતા કે નિષ્ફળતાનાં કારણોનો વિચાર ભાગ્યે જ થતો. મતલબ કે રાજકીય એકમોના બાહ્ય સ્વરૂપનો અભ્યાસ વિશેષ થતો પરંતુ તેના આંતરિક સ્વરૂપનો ઝાઝો વિચાર થતો નહિ.
(4) પરંપરાગત રાજ્યશાસ્ત્રની અભ્યાસપદ્ધતિ ઔપચારિક હતી. રાજકીય એકમો કેવી રીતે ચાલવા જોઈએ તેની વાત થતી પણ જે રીતે ચાલતા હતા તેનો અભ્યાસ ભાગ્યે જ થતો. ઉદાહરણ તરીકે રાજકીય પક્ષોના સિદ્ધાંતોનો વિચાર કરવામાં આવતો, પરંતુ આ પક્ષો જે રીતે કામ કરતા હતા તે રીત વિશે વિચાર થતો નહિ.
આમ માનવવર્તન અને સમાજના વર્તનમાં આવેલાં પરિવર્તનો કે બદલાવને સમજાવવામાં પરંપરાગત રાજકારણ સરિયામ નિષ્ફળ ગયું હતું. વળી લૅટિન અમેરિકા, મધ્ય પૂર્વ કે એશિયા-આફ્રિકાના દેશોના અભ્યાસને પરંપરાગત રાજકારણમાં સ્થાન જ મળ્યું નહોતું. આ મર્યાદા નિવારવાનો પ્રયાસ વર્તનલક્ષી (behavioural) રાજ્યશાસ્ત્ર દ્વારા થયો.
ઉપર્યુક્ત મર્યાદાઓને કારણે વીસમી સદીના પ્રારંભિક દાયકાઓમાં રાજ્યશાસ્ત્રનો અભ્યાસ નવી દિશા હાંસલ કરે છે. ગ્રેહામ વૉલેસે ‘હ્યૂમન નેચર ઇન પૉલિટિક્સ’ (1908) દ્વારા રાજ્યશાસ્ત્રને મનોવૈજ્ઞાનિક સંદર્ભ પૂરો પાડ્યો. રાજ્ય અને રાજકીય બાબતોનો અભ્યાસ ધોરણમૂલક (normative) અને ઔપચારિક હતો તેને સ્થાને વર્તન અને વ્યવહારના સંદર્ભમાં તેનો અભ્યાસ કરવાનો પ્રશસ્ય પ્રયાસ ગ્રેહામ વૉલેસથી આરંભાયો. તે પછી આર્થર બૅન્ટલી, ચાર્લ્સ મેરિયમ અને હેરોલ્ડ લાસવેલ જેવા વિચારકોએ નવી વિભાવનાઓનું પ્રદાન કર્યું અને રાજકીય વર્તન-વ્યવહાર પર ભાર મૂકતો ‘વર્તનલક્ષી અભિગમ’ (behavioural approach) પ્રચલિત બન્યો. તેમાં વ્યક્તિ અને તેના રાજકીય વર્તનનો અભ્યાસ જરૂરી લેખાયો, રાજ્યશાસ્ત્રને આનુભવિક અને વૈજ્ઞાનિક બનાવવા પર ભાર મુકાયો. વધુમાં આ વર્તનલક્ષી અભિગમને કારણે યુરોપ સિવાયના ઇતર દેશોની રાજકીય પદ્ધતિનો અભ્યાસ આરંભાય છે. આર્થર બૅન્ટલીએ ‘ધ પ્રોસેસ ઑવ્ ગવર્નમેન્ટ’માં સામાજિક માળખા પર ભાર મૂક્યો અને સામાજિક અસરો દ્વારા માનવવર્તનને સમજવાની વાત કરી. આ ક્ષેત્રે વિશેષ મહત્ત્વનું પ્રદાન હતું શિકાગો યુનિવર્સિટીના ઉત્તમ કોટિના પ્રાધ્યાપકોનું. વર્તનલક્ષી રાજકારણના ખ્યાલોને આકાર આપવામાં ડેવિડ એપ્ટર, ડેવિડ ઇસ્ટન જેવા પ્રાધ્યાપકોએ નવાં સીમાચિહ્નો આંબ્યાં.
રાજ્યશાસ્ત્રનું અભ્યાસક્ષેત્ર : રાજ્યશાસ્ત્રના અભ્યાસનો આરંભ ઍરિસ્ટોટલથી થાય છે. તેમણે રાજ્યશાસ્ત્રની સ્થાપના સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે કરી. નગરરાજ્ય(Polis)ની પ્રવૃત્તિઓ તરીકે તેમણે રાજ્યશાસ્ત્રનું અર્થઘટન કરી કુટુંબ જેવા નાનામાં નાના એકમથી પ્રારંભ કરી રાજ્યબંધારણ સુધીનાં વિવિધ સ્વરૂપોની રાજકીય છણાવટ કરી. ઍરિસ્ટૉટલથી માંડીને અદ્યતન યુગના વિચારકો સુધી સૌએ એક મૂળભૂત હકીકત માન્ય રાખી છે કે માનવ સામાજિક સંગઠનોમાં રહેવાનું પસંદ કરે છે.
સમાજજીવનની પૂર્વશરત અન્ય વ્યક્તિઓ સાથેના સહજીવનની છે, જેમાં પરસ્પરનો સહકાર આપી અનુકૂળ બની માનવી જીવન વ્યતીત કરે છે. આ સહજીવન માટે નિયમો હોય છે, જેમાં પરસ્પરનાં અધિકાર અને ફરજો સ્વીકારી જીવન જીવવાનું હોય છે. આમ રાજ્યશાસ્ત્રનો આરંભ નિયમબદ્ધતાથી થાય છે.
આથી ફ્રેન્ચ વિદ્વાન બ્લુનશલી રાજ્યની વ્યાખ્યા આપતાં જણાવે છે કે ‘‘રાજ્યશાસ્ત્ર વૈજ્ઞાનિક અર્થમાં રાજ્ય અંગે નિસબત ધરાવે છે.’’ સ્ટીફન લીકૉકના મતે ‘‘રાજ્યશાસ્ત્ર સરકાર સાથે નિસબત ધરાવે છે.’’ લાસ્કી, ગેટલ અને ગીલક્રિસ્ટ જેવા વિચારકો રાજ્યશાસ્ત્રને રાજ્ય અને સરકાર બંનેનો અભ્યાસ કરતા શાસ્ત્ર તરીકે ઓળખાવે છે. આ અર્થ ક્રમશ: સર્વસ્વીકૃત બન્યો. જોકે રાજ્ય અમૂર્ત સંસ્થા છે અને તેનો અનુભવ માત્ર સરકાર થકી થતો હોય છે. આમ રાજ્ય એટલે શું ? તેનો ઉદભવ કેવી રીતે થયો ? સરકાર અને તેનો ઉદભવ, સારું રાજ્ય અને સારી સરકાર, રાજ્યની સત્તા, કાયદો અને કાયદાપાલન, સ્વતંત્રતા અને સમાનતા, રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા, રાજ્ય અને સમાજ, એક તંત્ર અને સમવાય તંત્ર, રાજ્ય-વહીવટ અને આંતરરાષ્ટ્રીય સંબંધો જેવી બહુવિધ પ્રવૃત્તિઓ રાજ્યશાસ્ત્રમાં સમાવેશ પામે છે. રાજ્ય અને તેની પ્રવૃત્તિઓનો અભ્યાસ રાજ્યશાસ્ત્રનો કેન્દ્રીય વિષય છે.
નગરરાજ્યથી આરંભીને આજના રાજ્યનાં મહાકાય સ્વરૂપો સુધીના વિકાસમાં રાજ્ય વિવિધ તબક્કાઓમાંથી પસાર થયું છે. આ વિકાસનું હાર્દ રાજયની સત્તા છે જેને શાસ્ત્રીય ઢબે સાર્વભૌમ સત્તા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યની રચના વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ દ્વારા થાય છે. ફાઇનરના મતે રાજ્યનું હાર્દ ‘દ્બાણપૂર્વકની તેની સત્તાના ઇજારા’માં રહેલું છે, જે રાજ્યની સંસ્થાને અનિવાર્ય બનાવે છે.
રાજકારણ અને રાજ્યશાસ્ત્ર : પરિવર્તન પામતી વિભાવના : રાજ્યનું ક્ષેત્ર વ્યાપક છે. સમાજની કોઈ પણ વ્યક્તિ, પ્રવૃત્તિ, સંસ્થા કે જૂથ રાજ્યથી દૂર કે રાજ્યની બહાર રહીને કાર્ય કરી શકે તેમ નથી. આ વ્યાપકતા રાજ્યની વિશિષ્ટતા છે. રાજ્યની આ વિશિષ્ટતા સમય અને સંજોગો અનુસાર નવાં રૂપ ધારણ કરે છે. આથી રાજ્યશાસ્ત્રનાં સ્વરૂપ, વ્યાખ્યા અને અભ્યાસક્ષેત્રમાં ભારે બદલાવ આવ્યો છે. ગ્રીસ અને ભારત જેવા પ્રાચીન સમયના સમાજોમાં રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર પરસ્પર ગાઢ રીતે સંકળાયેલાં હતાં. પરંતુ ઍરિસ્ટોટલ જેવા વ્યવહારવાદી વિચારકોએ નૈતિક આચારવિચારથી સ્વતંત્ર એવા રાજ્યશાસ્ત્રનો વિચાર રજૂ કર્યો. રાજ્યશાસ્ત્રને સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે તેમણે પ્રસ્થાપિત કરી અને તેથી ઍરિસ્ટોટલ રાજ્યશાસ્ત્રના પિતા તરીકે જાણીતા છે.
મધ્યકાલીન યુગમાં રાજ્યશાસ્ત્ર ધર્મથી અભિન્ન મનાતું. રાજા ઈશ્વરનો અંશ હતો, ઈશ્વરનો પ્રતિનિધિ હતો અને તેથી તેની સત્તા અમર્યાદ અને અબાધિત હતી. આથી તે પ્રજાને નહિ પણ ઈશ્વરને ઉત્તરદાયી હતો.
નવજાગૃતિ કાળ પછી મૅકિયાવેલીના ચિંતનથી રાજ્ય અને તેના વ્યવહારો ધર્મ અને નીતિથી અલગ અને સ્વાયત્ત બન્યા. હૉબ્સ રાજાશાહીનો સમર્થક હોવા છતાં તેણે મૅકિયાવેલીના ચિંતનમાં સૂર પુરાવ્યો. આમ રાજ્યશાસ્ત્રનું સ્વતંત્ર શાસ્ત્ર તરીકેનું કાઠું ઘડાયું.
રાજ્યશાસ્ત્રની પાયાની વિભાવના રૂપે રાજ્ય અને તેની ઉત્પત્તિ, તેની સર્વોચ્ચ સત્તા, સાર્વભૌમત્વ, તેનાં કાર્યો, તેનું સ્વરૂપ, વ્યાપ, મર્યાદાઓ, કાયદો, સ્વતંત્રતા, સમાનતા, સરકારનાં સ્વરૂપો આ તમામ સૈદ્ધાંતિક ચિંતન આ શાસ્ત્રમાં સમાવેશ પામે છે. આ બધું છતાં વિવિધ સમયે રાજ્યશાસ્ત્રનાં કેટલાંક વિશિષ્ટ પાસાં ઉજાગર થતાં રહે છે. ઉદારમતવાદ અને કલ્યાણરાજ્યની વિભાવનાને કારણે રાજ્ય દ્વારા આપવામાં આવતા સ્વાતંત્ર્ય અને મૂળભૂત અધિકારો પર ભાર મુકાયો. કાર્લ માર્કસે આર્થિક પરિબળોના સંદર્ભમાં રાજ્યશાસ્ત્રમાં પાયાનું પરિવર્તન આણ્યું. આ દાયકાઓ દરમિયાન રાજ્યશાસ્ત્રનો અભ્યાસ ધોરણમૂલક અને ઔપચારિક બની ગયો હતો.
વ્યવહાર અને રાજ્યના વર્તનના સંદર્ભમાં રાજ્ય અને રાજકીય બાબતોનો અભ્યાસ કરવાનો નવો પ્રયાસ વીસમી સદીના પ્રારંભના દસકાઓમાં થયો. રાજકીય વર્તન અને વ્યવહાર પરના ભારને કારણે તે વર્તનલક્ષી અભિગમ તરીકે જાણીતો બન્યો. રાજ્યશાસ્ત્રને આનુભવિક અને વૈજ્ઞાનિક બનાવવા પર વર્તનવાદ ભાર મૂકે છે. અમેરિકાના અગ્રણી ચિંતકોએ આ વર્તનલક્ષી અભિગમને દોરવણી અને દિશા આપ્યાં. આ અભિગમની અધૂરપો 1950થી સ્પષ્ટ થવા લાગી અને 1970ના દાયકામાં ‘‘ઉત્તરવર્તનલક્ષી’ (Post behavioural approach) અભિગમ વિકસ્યો. આ અભિગમો ‘‘આધુનિકતાવાદી’’ (modernism) લેખાયા અને 1980 પછી ‘‘ઉત્તર આધુનિકતાવાદી’’ (Post-modernism) અભિગમો પણ વિકસ્યા. આમ ‘‘ઉત્તર આધુનિકતાવાદ’’ સુધીની લાંબી મજલમાં રાજ્યશાસ્ત્રની વિભાવનાઓમાં પરિવર્તનો આવ્યાં છે.
આ બધાં કારણોસર રાજ્યશાસ્ત્રનું કાર્યક્ષેત્ર વ્યાપક બન્યું છે, જેમાં રાજ્ય ફરજિયાત અને દબાણપૂર્વકનું સત્તાક્ષેત્ર ધરાવે છે. એટલે કે રાજ્યના નિયમોનું ગમે કે ન ગમે તોપણ અનિચ્છાએ પણ પાલન કરવું પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો સત્તાનો કાયદેસર ઉપયોગ કરવાનો ઇજારો માત્ર રાજ્ય પાસે જ છે. એનો અર્થ એ કે વ્યક્તિ ચાહે તોપણ રાજ્યના ક્ષેત્રમાંથી કે રાજકારણના પ્રભાવમાંથી બાકાત રહી શકે તેમ નથી.
રાજકીય પ્રવૃત્તિ : સામુદાયિક જીવન જીવતો માણસ સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક, ધાર્મિક એમ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. આવી પ્રત્યેક પ્રવૃત્તિનું અલાયદું મહત્ત્વ છે. અહીં રાજકીય પ્રવૃત્તિનાં વિવિધ પાસાંની વિચારણા કરવા પ્રસ્તુત છે :
રાજકીય પ્રવૃત્તિ રાજ્ય સાથે સંકળાયેલી અને તેની સાથે ગાઢ સંબંધ ધરાવતી પ્રવૃત્તિ હોવાથી અન્ય પ્રવૃત્તિઓ કરતાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ રાજકીય પ્રવૃત્તિની સાથે સમાજના સત્તાતંત્રોનો વિચાર કરવો પણ જરૂરી છે. રાજકીય પ્રવૃત્તિઓનું ફલક અતિશયમાં મોટું હોય છે. નાની ઘટના, પ્રસંગ કે બનાવ યા કોઈ વ્યક્તિગત પ્રસંગ ક્યારે બિનરાજકીય પ્રવૃત્તિમાંથી રાજકીય પ્રવૃત્તિ બની જાય છે તેનો અંદાજ આંકવો મુશ્કેલ હોય છે. આથી રાજકીય પ્રવૃત્તિ ક્યારે સર્જાય છે તે તથા રાજકીય અને બિનરાજકીય પ્રવૃત્તિ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરવી આવશ્યક છે.
સમાજની કોઈ પણ પ્રવૃત્તિ ક્યારે રાજકીય પ્રવૃત્તિ બને છે તેને સમજવા આ ત્રણ કારણો ઉપયોગી બનશે : એક, સમાજનાં વિવિધ, હરીફ અને પ્રતિસ્પર્ધી જૂથો જ્યારે પોતાના દાવાઓમાં કે વિવાદમાં રાજ્યની દરમિયાનગીરી ઇચ્છે કે તેને આવકારે ત્યારે તે રાજકીય પ્રવૃત્તિ બને છે. ઉદાહરણ તરીકે વેતનવધારો માંગતા શ્રમિકો હડતાળ પર જાય અને પોતાના પ્રશ્ર્નનો ઉકેલ લાવવા શ્રમમંત્રાલયની મદદ લે ત્યારે તે પ્રવૃત્તિ ઔદ્યોગિક કે આર્થિક મટી રાજકીય પ્રવૃત્તિ બને છે.
બીજું, રાજ્ય પોતે જ લીધેલ નિર્ણયમાં જ્યારે પરિવર્તન કરે છે ત્યારે પણ તે રાજકીય પ્રવૃત્તિના ક્ષેત્રમાં પ્રવેશી જાય છે. સામાન્યતયા રાજ્યના નિર્ણયો અંતિમ, આખરી અને બંધનકર્તા હોય છે, પરંતુ સંજોગોવશાત્ નવો નિર્ણય લેવાય ત્યારે તેવી ઘટના રાજકીય પ્રવૃત્તિ બને છે. દૃદૃષ્ટાંત રૂપે દારૂબંધી ધારો ગુજરાતમાં પ્રવર્તે છે; પરંતુ કોઈ પણ કારણસર આ ધારામાં ફેરફાર કરવાની કે રદ કરવાની માંગ ઊઠે ત્યારે તે રાજકીય પ્રવૃત્તિ બને છે.
ત્રીજું, રાજ્યની સત્તા અંતિમ અને આખરી હોય છે તેથી રાજ્યના કોઈક બાબત પરત્વેના નિર્ણયમાં જૂથો, હિતો કે વ્યક્તિઓ પ્રભાવ પાડવા પ્રયત્ન કરે તો તેવી ઘટના રાજકીય પ્રવૃત્તિ બની જાય છે. દૃષ્ટાંત તરીકે સરકાર ફી-વધારો જાહેર કરવાની હોય તે માહિતી વિવિધ વર્તુળોમાં પહોંચે તો તેઓ ફી-વધારો નાબૂદ થાય યા તો નજીવો હોય એવા પ્રયાસો કરે તો તે પ્રયાસો રાજકીય પ્રવૃત્તિમાં ફેરવાઈ જાય છે.
આમ રાજ્યની દરમિયાનગીરી થાય, રાજ્યે લીધેલ નિર્ણયોમાં પરિવર્તન આવે ત્યારે અને રાજ્ય દ્વારા લેવાનારા નિર્ણય પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન થાય ત્યારે તેવી બાબત કે ઘટના રાજકીય પ્રવૃત્તિ બને છે.
રાજકીય અને બિનરાજકીય પ્રવૃત્તિઓ વચ્ચેની ભેદરેખા અતિશય નાજુક અને બારીક છે. વળી આ પ્રવૃત્તિઓ વચ્ચેની સીમારેખા ઝડપથી ઓળંગાઈ જાય છે. વાસ્તવમાં સમાજની કોઈ પણ પ્રવૃત્તિ રાજકીય પ્રવૃત્તિ બનવાની ક્ષમતા ધરાવે છે.
ઉપર્યુક્ત સંદર્ભમાં રાજકીય પ્રવૃત્તિને વ્યાખ્યાબદ્ધ કરતાં તો કહી શકાય કે ‘‘રાજકીય પ્રવૃત્તિ રાજકારણ તેમજ સત્તાતંત્રોની નિર્ણયપ્રક્રિયા સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંબંધ ધરાવે છે. સમાજના સત્તાતંત્રની આસપાસ આકાર લેતી માનવીય જૂથવર્તનની પ્રક્રિયા એટલે રાજકીય પ્રવૃત્તિ.’’ રાજકારણના વર્તનલક્ષી અભિગમમાં માનવવર્તનનો અભ્યાસ થતો હોવાથી રાજકીય પ્રવૃત્તિઓ અને તે દ્વારા ચાલતું રાજકારણ સમજવું આવશ્યક અને અનિવાર્ય બને છે. આ રાજકીય પ્રવૃત્તિ (1) સર્વસ્પર્શી હોય છે; (2) માનવીય જૂથવર્તનની પ્રક્રિયા છે અને (3) સત્તા, સત્તાતંત્રો અને તેની આસપાસ આકાર લેતી પ્રવૃત્તિઓ છે.
સમાજ વ્યવસ્થા વગર ટકી શકતો નથી. આ વ્યવસ્થા ટકાવવા સત્તાની જરૂર પડે છે જે રાજકીય જીવનનું અનિવાર્ય તંત્ર છે. આથી વ્યવસ્થા ટકાવવા દરેક સમાજ સત્તાનું સર્જન અને તેનો સ્વીકાર કરે છે; તેને કારણે આ સત્તા ધરાવનાર તંત્રો ત્રણ કાર્યો અનિવાર્ય રીતે કરે છે. તેમાં : (1) કાયદો અને વ્યવસ્થાની જાળવણી, (2) સમાજનાં મૂલ્યોનો સ્વીકાર અને અમલ; જરૂર પડે તો તાકાત દ્વારા પણ અને (3) અથડાતાં હિતોની બંધનકર્તા ફાળવણીનો સમાવેશ થાય છે.
(1) કાયદો અને વ્યવસ્થાની જાળવણી : રાજ્ય, સરકાર કે વહીવટી તંત્ર જેવાં સત્તાતંત્રો આ કામગીરી બજાવે છે. સમાજમાં અનેકવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ કે હિતો પરસ્પરના સંઘર્ષમાં આવ્યા વિના વિવિધ કાર્યો કરી શકે તે માટે કાયદા ઘડવાનું, તેનો અમલ કરાવવાનું કે વ્યવસ્થા જાળવવાનું કાર્ય આ સત્તાતંત્રો કરે છે.
(2) સમાજનાં મૂલ્યોનો સ્વીકાર અને અમલ : સમાજનાં મૂલ્યોને કાયદા દ્વારા સ્વીકારીને સત્તાતંત્ર પ્રજા પાસે તેનો અમલ કરાવે છે. બીજી બાજુ સરકારને આવશ્યક જણાતાં મૂલ્યોનો વિરોધ થાય છતાં સત્તાનો ઉપયોગ કરી નવાં મૂલ્યો સ્વીકારવાની પ્રજાને ફરજ પાડે છે. ઉદાહરણ તરીકે અસ્પૃશ્યતાની નાબૂદી કે અનામત પ્રથા. આમ સત્તાતંત્ર સમાજનાં મૂલ્યોની જાળવણી કરે છે તેમજ તેનું સંરક્ષણ કે સંવર્ધન કરે છે.
(3) અથડાતાં હિતો અંગેના બંધનકર્તા ચુકાદા : સમાજમાં અનેક પ્રતિસ્પર્ધી હિતો અને દાવાઓ ચાલ્યાં કરે છે. તેમની વચ્ચે વારંવાર અથડામણ થવાનો પણ સંભવ રહે છે. આવાં અથડાતાં હિતો અંગે રાજ્ય ચુકાદો આપે છે, ન્યાય તોળે છે તેમજ તેનો આવો ચુકાદો કે ફાળવણી તમામ પક્ષોને બંધનકર્તા રહે છે. આવું કાર્ય માત્ર ન્યાયતંત્ર જ નહિ પણ ઘણી વાર વહીવટી કે પોલીસતંત્ર પણ કરે છે. દૃષ્ટાંત તરીકે કોઈ જાહેર હૉસ્પિટલ અને તેના કર્મચારીઓ વચ્ચે ગેરવર્તનના પ્રશ્ર્ને મડાગાંઠ પડી છે, એથી બંને વચ્ચે સંઘર્ષ ઊભો થયો છે. આ સંઘર્ષની બાબતમાં રાજ્યનું વહીવટી તંત્ર કોઈ નિર્ણય કે ચુકાદો આપે તો તે બંને પક્ષોને બંધનકર્તા રહે છે. આમ રાજ્ય કે સમાજની સંસ્થા વચ્ચે ઘર્ષણ થાય ત્યારે ન્યાયતંત્ર ઉપરાંત રાજ્યના અન્ય ઘટકો અથડાતાં હિતો વચ્ચે બંધનકર્તા ચુકાદા આપે છે.
રાજ્ય પાસે સર્વવ્યાપી, સર્વદેશીય અને ફરજિયાત બંધનકારી ક્ષેત્રાધિકાર છે. બળનો પ્રયોગ કરવાની કાનૂનપુર:સરની છૂટ માત્ર તેને જ છે. તેનું આ કાર્ય સમાજની અન્ય સંસ્થાઓથી તેને અલગ પાડી, વિશિષ્ટતા અર્પે છે, કારણ તે સત્તા કે બળ વાપરવાનો ઇજારો, એકાધિપત્ય ધરાવે છે. વ્યક્તિ પાસે રાજ્યની આ ઇજારાશાહીનો સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ अ, કે क રાજ્ય વિના માનવ જીવી શકે તેમ નથી.
આ પરિસ્થિતિમાં માનવ પાસે એકમાત્ર વિકલ્પ એ રહે છે કે રાજકારણ પર પોતાનો પ્રભાવ પાડવો. જૂથ, સમૂહ કે સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃત્તિની અસર રાજ્ય પર પાડવાનો પ્રયત્ન થાય છે. રાજકીય પ્રવૃત્તિ એ દૃષ્ટિએ સમાજનાં સત્તાકેન્દ્રો પર પ્રભાવ પાડવા યા સત્તા જમાવવા મથતાં મૂલ્યો, આદર્શો કે હિતની દૃષ્ટિએ થતી માનવવર્તણૂકની પ્રક્રિયા છે. આ રીતે સત્તાનું કેન્દ્ર, સત્તાપ્રાપ્તિની ઇચ્છા અને સત્તાની અસમાન વહેંચણીને કારણે રાજકીય પ્રવૃત્તિ ને રાજકારણ સતત ગતિશીલ રહે છે.
આ કારણોને લીધે સમાજની વિવિધ સંસ્થાઓ – મંજૂરમંડળો, યુનિવર્સિટી, વિદ્યાર્થીમંડળો કે વ્યાપારી સંગઠનો સત્તા મેળવવા અને સત્તા ન મળે તો સત્તા પર પ્રભાવ પાડવા ઉત્સુક હોય છે. અહીં મહત્ત્વની એક બાબત અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે કે રાજ્ય સત્તાનો ઇજારો ધરાવે છે અને રાજ્યની સત્તા માત્ર કોઈ એક કેન્દ્રમાં નહિ પણ અનેક કેન્દ્રોમાં રહેતી હોય છે. આથી વિવિધ મંડળો સત્તાનાં કેન્દ્રો પર પ્રભુત્વ કે પકડ જમાવવાની મથામણ કરે છે. બીજું કે આ સત્તાનું વિતરણ અસમાન રીતે થયેલું હોય છે. કેટલાક એકમો પાસે અલ્પ સત્તા, કેટલાક પાસે અતિસત્તા તો કેટલાક એકમો સત્તાવિહીન હોય છે. આમ (1) સત્તાતંત્રોની હાજરી, (2) સત્તા મેળવવાની ઇચ્છા, (3) સત્તાનું અસમાન વિતરણ અને (4) બિનરાજકીય પ્રવૃત્તિ રાજકીય પ્રવૃત્તિમાં રૂપાંતર પામવાની ક્ષમતાને કારણે રાજકીય સંઘર્ષ સતત ચાલતો રહે છે. આવાં કારણોને લીધે લાસવેલના મતે ‘‘રાજકારણ એ સત્તાનાં સર્જન અને સહભાગિતાનો અભ્યાસ છે.’’
રાજકીય સંઘર્ષ : કોઈ પણ સમાજમાં સત્તાનાં કેન્દ્રો મર્યાદિત હોય છે અને આ સત્તાનાં કેન્દ્રો હસ્તગત કરવાની કે સત્તા મેળવવાની ઇચ્છા રાખનાર ઘણાં હોય છે. આથી સત્તા મેળવવાનો સંઘર્ષ અવિરત ચાલે છે. આમ હોવાથી રૉબર્ટ દહાલના મતે રાજકીય સમાજના ચાર વર્ગો પડે છે : 1. સત્તાશીલ વર્ગ, 2. સત્તાકાંક્ષી વર્ગ, 3. રાજકીય સ્તર વર્ગ અને 4. અરાજકીય સ્તર વર્ગ.
- સત્તાશીલ વર્ગ : દહાલે રાજકીય સમાજને પિરામિડ આકારનો કલ્પ્યો છે, જેમાં સૌથી ટોચ પર સત્તાશીલ વર્ગ હોય છે. સત્તાના સંચાલનમાં આ વર્ગ કેન્દ્રીય ભાગ ભજવે છે, સત્તા પર ટકી રહેવા તે અનેકવિધ માર્ગો અજમાવે છે. સત્તા પર રહેનાર આ વર્ગ અન્ય તમામ વર્ગો કરતાં કદમાં નાનો હોય છે. દેશની કૅબિનેટના સભ્યો કે મંત્રીઓ આ વર્ગમાં આવતાં જૂથો છે.
- સત્તાકાંક્ષી વર્ગ : આ વર્ગમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ પાસે ખરેખર સત્તા નથી પણ તેમના તમામ પ્રયાસ સત્તા મેળવવાના છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ સત્તા મેળવવાની સ્પર્ધામાં સૌથી આગળ છે, સત્તા મેળવવા અતિઉત્સુક હોય છે. આ વર્ગનું ઉત્તમ ઉદાહરણ વિરોધપક્ષના સભ્યો છે.
આ વર્ગ સત્તાશીલ વર્ગ કરતાં મોટો હોય છે.
- રાજકીય સ્તર વર્ગ : આ એવો વર્ગ છે જેને રાજકીય દ્વિધા, રાજકીય ક્રિયા-પ્રક્રિયા, રાજકીય બનાવો કે રાજકીય નિર્ણયોમાં રસ છે. રાજકારણમાં કેમ અને શું ચાલે છે તે અંગે તેઓ વિચાર અને અભ્યાસ કરે છે, અભિપ્રાય ધરાવે છે. આમ સત્તાના રાજકારણનો પરિચય અને તે અંગે ઉત્સુકતા તેનામાં હોય છે. ચૂંટણીમાં મતદાન કરનાર કે સરકારી નીતિઓની ચર્ચા કરનાર લોકો આ વર્ગના સભ્યો છે. ક્રિકેટના પ્રેક્ષકવર્ગની જેમ આ વર્ગ રાજકીય જીવનનો પ્રેક્ષકવર્ગ છે.
આ વર્ગની લાક્ષણિકતા એ છે કે રાજકીય સમજ છતાં તેઓ સક્રિય રાજકારણથી દૂર રહેવાનું વલણ ધરાવે છે. કદની દૃષ્ટિએ આ વર્ગ ઘણો મોટો અને વ્યાપક હોય છે. જો તેઓ સક્રિય બને તો તેઓ આ વર્ગ છોડી સત્તાકાંક્ષી વર્ગમાં પ્રવેશે છે.
- અરાજકીય સ્તર વર્ગ : આ વર્ગમાં સમાતા સભ્યોને રાજકારણ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ પ્રકારનો સંબંધ કે રસ હોતો નથી. રાજકારણમાં શું, કેમ, ક્યારે અને શા માટે ચાલે છે તે અંગે તેઓ તદ્દન નિર્લેપભાવ ધરાવે છે, તે અંગે નરી ઉપેક્ષાવૃત્તિ સેવે છે. આ વર્ગ કોઈ પણ સમાજમાં સાવ નાનો હોય છે. કદાચ વિકસિત દેશોમાં આવો વર્ગ નહીંવત્ હોય કે તેને શોધવો પડે તેમ બને.
આ ચાર વર્ગો સ્થગિત હોતા નથી પરંતુ એમાં સતત ફેરબદલી, પરિવર્તન કે આવનજાવન થયા કરે છે, જેને ઉદ્યુક્તીકરણ (mobilization) તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ગો વચ્ચે રાજકીયીકરણ, ભાગીદારી, ભરતી, બિનરાજકીયીકરણ અને અલિપ્તીકરણ જેવી પ્રક્રિયાઓ, વિવિધ વર્ગો વચ્ચેની આવનજાવનને પ્રેરે છે. આથી આ વર્ગો વચ્ચે તરલતા રહે છે.
રાજકીય સંઘર્ષ આ ચાર વર્ગોમાં ચાલ્યા કરે છે, પરંતુ આ સંઘર્ષનાં ઉત્તેજક પરિબળો જુદાં જુદાં હોય છે. પરિણામે કેટલોક વર્ગ સત્તાને માટે સક્રિય બને છે તો કેટલોક નિષ્ક્રિય. આ સંઘર્ષનાં ઉત્તેજક પરિબળો ત્રણ હોય છે :
(1) સત્તા : સત્તા પોતે જ એક એવું પરિબળ છે જે પ્રબળ આકર્ષણ ધરાવે છે; વિવિધ સમૂહો અને વ્યક્તિઓ સત્તા પ્રાપ્ત કરવા ઉત્સુક હોય છે. જેમ લોખંડ લોહચુંબકની તરફ આકર્ષાય છે તેમ ઘણી વાર કશાય ધ્યેય કે કારણ વિના લોકો સત્તા તરફ આકર્ષાઈ તેને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હોય છે.
(2) મૂલ્યો અને આદર્શો : મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા કે શ્રદ્ધા વ્યક્તિઓને સત્તા અને રાજકારણ તરફ આકર્ષે છે. આવા નાગરિકો સત્તાની મદદ દ્વારા નવાં મૂલ્યો સ્થાપિત કરીને સમાજનો વિકાસ અને પ્રગતિ થાય એવી શુદ્ધ ઇચ્છાથી ખેંચાઈ સત્તા માટે સંઘર્ષ કરે છે. દૃષ્ટાંત તરીકે સત્ય અને અહિંસાનાં મૂલ્યોથી ગાંધીજી રાજકારણ તરફ ખેંચાયા અને મૂલ્યનિષ્ઠ રાજકારણને કારણે તેઓ રાજકારણમાં સક્રિય બન્યા. આ રીતે મૂલ્યો પણ રાજકીય સંઘર્ષને ઉત્તેજન પૂરું પાડે છે.
(3) હિતો : હિતો સત્તાના સંઘર્ષને ધારદાર બનાવતું પ્રબળ કારણ છે. સત્તા પ્રાપ્ત કરીને તેના દ્વારા સામાજિક, આર્થિક કે રાજકીય લાભ યા હિત સાધવાની ઇચ્છા ઘણી વ્યક્તિઓ સેવે છે; દા.ત., પંચાયત-સભ્ય બની જમીનના ઝઘડાનો ઉકેલ પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ ગ્રામસભાનો સભ્ય કરે તો તે હિતો માટેના સંઘર્ષનું ઉદાહરણ છે.
આ ચર્ચા પરથી ફલિત થાય છે કે રાજકારણમાં સતત સંઘર્ષ ચાલે છે. આ નિષ્કર્ષ સાચો હોવા છતાં અધૂરો છે, સિક્કાની એક જ બાજુ તે દર્શાવે છે. રાજકારણ સંઘર્ષ વગરનું ન હોઈ શકે તેમ તે સંમતિ વગરનું પણ ન હોઈ શકે. સિક્કાની બીજી બાજુ, રાજકારણનું બીજું પાસું સૂચવે છે કે રાજકારણ સર્વસંમતિનું હોય છે. સર્વસંમતિના પાયા નીચે સંઘર્ષ ચાલે છે. બીજા શબ્દોમાં સર્વસંમતિના માળખામાં ચાલતો સંઘર્ષ એટલે રાજકારણ. રાજકારણમાં સંઘર્ષ અને સર્વસંમતિ સાથે સાથે ચાલે છે. ઉદાહરણ તરીકે દેશનું બંધારણ કે દેશની સરકાર હોવી જોઈએ તે બાબત અંગે સર્વસંમતિ પ્રવર્તતી હોય પણ સરકારમાં કયો પક્ષ શાસન ચલાવે તે બાબત પરત્વે મતભેદ હોવાથી સંઘર્ષ ઊભો થાય છે. કાયદાની આવશ્યકતા અંગે સર્વસંમતિ હોય પણ કેવા કાયદા આવશ્યક છે તે અંગે સંઘર્ષ હોય. આમ પ્રત્યેક રાજ્યપ્રથામાં પાયાની અને મૂળભૂત બાબતો અંગે સર્વસંમતિ પ્રવર્તતી હોવા છતાં તેની વિગતો અંગે સંઘર્ષ પ્રવર્તતો જોવા મળે. આ રીતે સર્વસંમતિના માળખાની અંદર સંઘર્ષ ચાલ્યા કરે છે. આ સંઘર્ષ ઇચ્છનીય અને સ્વાભાવિક માનવામાં આવે છે, કારણ કે એથી રાજકારણને જીવંતતા પ્રાપ્ત થાય છે. આવો સંઘર્ષ જ રાજકારણનું લક્ષણ છે. આથી રાજકારણ એ અંકુશિત, સીમિત અને નિયમિત સંઘર્ષ છે. અમુક ચોક્કસ પ્રકારનાં બંધનો, મર્યાદાઓ અને નિયમોની વચ્ચે રહીને ચાલતો સંઘર્ષ છે. રાજકારણના સ્વરૂપની વિશિષ્ટતા એ છે કે સંઘર્ષ અને સર્વસંમતિના દ્વન્દ્વને ચાલવા દે છે. સંઘર્ષ અને સર્વસંમતિની આ પ્રક્રિયા રાજકીય પદ્ધતિનું હાર્દ છે. આમાંની કોઈ પણ એક પ્રક્રિયાને અંકુશિત કે મર્યાદિત કરવાનો પ્રયાસ રાજકારણને જોખમી બનાવે છે.
રક્ષા મ. વ્યાસ