રાજપૂતાના : આજના રાજસ્થાન રાજ્યને સમાવી લેતો જૂનાં રજવાડાંનો સમગ્ર વિસ્તાર. ‘રાજપૂતાના’ શબ્દનો અર્થ થાય છે રજપૂતોની ભૂમિ. રાજપૂતાનાનો વિસ્તાર ત્યારે 3,43,328 ચોકિમી. જેટલો હતો. તેના બે મુખ્ય વિભાગો પડતા હતા : (i) અરવલ્લી હારમાળાથી વાયવ્ય તરફનો રેતાળ અને બિનઉપજાઉ વિભાગ, તેમાં થરના રણનો પણ સમાવેશ થઈ જતો હતો; (ii) અરવલ્લીથી અગ્નિ તરફનો ઊંચાણવાળો અને ફળદ્રૂપ વિભાગ. રાજપૂતાનાનો આ સમગ્ર વિસ્તાર ભારતનાં ઉત્તર તરફનાં મેદાનો અને દ્વીપકલ્પીય ભારત વચ્ચે આવેલો છે. તે ટેકરીઓ અને ઉચ્ચપ્રદેશોથી બનેલો છે.
એ વખતે રાજપૂતાનામાં જુદા જુદા વર્ગનાં 23 રજવાડાં તથા અન્ય જાગીરો હતાં, તેમાં અજમેર-મારવાડના બ્રિટિશ હકૂમતના પ્રદેશનો પણ સમાવેશ થતો હતો. અહીંના મોટાભાગના રાજવીઓ/શાસકો રજપૂતો હતા. તેઓ ભારતભરના ઐતિહાસિક ગણાયેલા પ્રદેશોના યુદ્ધનિપુણ વીરો હતા. તેઓ સાતમી સદીમાં આ પ્રદેશમાં આવેલા. અહીંનાં મોટાં રજવાડાંમાં જોધપુર, જેસલમેર, બીકાનેર, જયપુર અને ઉદયપુરનો સમાવેશ થતો હતો.
1947માં આ બધાં રજવાડાંને ક્રમે ક્રમે સ્વતંત્ર ભારતમાં ભેળવી દેવામાં આવ્યાં. તેમાંથી વહીવટી સરળતા માટે રાજસ્થાનનું રાજ્ય રચવામાં આવ્યું છે. રાજપૂતાનાનો પૂર્વતરફી કેટલોક ભાગ મધ્યપ્રદેશમાં અને દક્ષિણતરફી કેટલોક ભાગ ગુજરાતમાં મૂકવામાં આવ્યો છે.
ગિરીશભાઈ પંડ્યા