રાજપુર : (1) ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું વતન. ‘અંગુત્તર નિકાય’ ગ્રંથમાં જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું કામ્બોજ નામનું રાજ્ય આવેલું હતું. વાયવ્ય સરહદ પ્રાંતના હજારા જિલ્લા સહિત રાજોરી અથવા પ્રાચીન રાજપુરનો તે રાજ્યમાં સમાવેશ થતો હતો. રાજપુર કામ્બોજ જાતિના લોકોનું વતન હતું. સાતમી સદીમાં ચીની પ્રવાસી યુઅન શ્વાંગે તેના પ્રવાસવર્ણનમાં રાજપુરનો ઉલ્લેખ કર્યો છે. તેના જણાવ્યા મુજબ રાજપુર પુંચની દક્ષિણ કે અગ્નિ દિશામાં આવેલું હતું.

(2) કોંકણ પ્રદેશની દક્ષિણે, ભારતના પશ્ચિમ કિનારે આવેલા સમુદ્રનું બંદર. તે તરફ ચોલ અને ડાભોલ બંદરો પણ હતાં. ત્યાંથી ઉત્તમ પ્રકારનું રંગીન સુતરાઉ કાપડ, મરી વગેરે રાતા સમુદ્ર તથા ઈરાનના અખાત તરફના દેશોમાં નિકાસ થતાં હતાં. શિવાજીએ સલામતી માટે આ બંદરોની કિલ્લેબંધી કરીને રક્ષણ વધુ મજબૂત બનાવવાની યોજના ઘડી હતી. મુઘલ શહેનશાહ ઔરંગઝેબના શાહજાદા અકબરે રાજપુરમાં એક વહાણ ભાડે કર્યું અને ફેબ્રુઆરી, 1687માં ઈરાન જવા રવાના થયો હતો. જાન્યુઆરી, 1688માં તે ઇસ્ફહાનમાં ઈરાનના દરબારમાં પહોંચ્યો હતો.

જયકુમાર ર. શુક્લ