રાજપ્રાસાદ : રાજાનું અધિકૃત નિવાસ-ભવન. નીતિસારમાં શુક્રાચાર્યે રાજપ્રાસાદના નિર્માણ અંગે જે વિગતો આપી છે તેમાં એ એક મજલાથી માંડીને 125 મજલા ધરાવતું હોય. તેનું તલ (તેનો પ્લાન) અષ્ટકોણ કે પદ્માકાર હોય, મધ્યમાં રાજસભા, આસપાસ આવાસખંડો, પ્રાંગણમાં સરોવર, કૂવા અને જલયંત્ર(ફુવારા)ની રચના કરેલી હોય તેવું વર્ણન મળે છે. વસ્તુત: રાજપ્રાસાદ એક દૃઢ દુર્ગથી ઘેરાયેલો રહેતો. એમાં ચારેય દિશામાં ચાર પ્રવેશદ્વાર રહેતાં. એમાં શયનખંડો, બેઠકખંડો, રસોઈખંડ, ભોજનકક્ષ, સ્નાનાગાર, દાસનિવાસ, ભંડાર, ઘંટીઘર, પાયખાનું, અશ્વશાળા ઉપરાંત શસ્ત્રાગાર, રક્ષકનિવાસ, વ્યાયામશાળા અને અધ્યયનખંડ પણ રખાતાં. સભાભવનને સંલગ્ન દફતરભંડાર રખાતો. રાજભવન બે કે ત્રણ મજલાનું કરાતું અને તેને સુંદર, સુઘડ અને દર્શનીય રખાતું. રાજભવનમાં ચિત્રશાળા, સંગીતશાળા અને નાટ્યમંડપો કરાતાં. ચિત્રશાળાની દીવાલો ભિત્તિચિત્રોથી શણગારાતી. સંગીતશાળા તેમજ નાટ્યમંડપમાં સ્તંભાવલિઓની રચના કરાતી. નાટ્યમંડપની રંગભૂમિ જમીનતલથી થોડી ઊંચી રખાતી; અને ત્રણેય દિશાઓમાંથી પ્રેક્ષકોને દર્શનીય રહેતી. રંગભૂમિની પાછળના ભાગમાં નેપથ્યગૃહની રચના કરવામાં આવતી. વાલ્મીકિ રામાયણ(સુંદરકાંડ)માં રાવણના રાજભવનમાં લતાગૃહ, ક્રીડાગૃહ, વિલાસગૃહ, રાત્રિવિહારગૃહ, દિનવિહારગૃહ વગેરે દિનચર્યાને અનુરૂપ અલગ અલગ ગૃહોની રચના હોવાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ‘નીતિસાર’ અનુસાર મંત્રીઓ, રાજસભાસદો અને અન્ય અધિકારીઓનાં ભવનો રાજભવનથી સહેજ દૂર ઉત્તર કે પૂર્વ દિશામાં કરવામાં આવતાં.

વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં પ્રાસાદલક્ષણ નામના અધ્યાયમાં રાજપ્રાસાદના નિર્માણને લગતી ચર્ચા મળે છે. વિદેશી પ્રવાસીઓ, ખાસ કરીને મેગૅસ્થેનીઝ, ફાહ્યાન અને યુઅન શ્વાંગ પાટલિપુત્રના રાજપ્રાસાદનું વર્ણન કરેલું છે. પુરાતત્વખાતાએ પાટલિપુત્ર પાસે કુમરહાર ગામની નિકટમાં એ મહેલના અવશેષો શોધી કાઢ્યા છે. મેગૅસ્થેનીઝે લખ્યું છે કે આ મહેલ એટલો ભવ્ય હતો કે તેની આગળ સુસા અને મધ્ય એશિયા અને પશ્ચિમ એશિયાના અન્ય મહેલો ફિક્કા લાગતા હતા. એ રાજમહેલ લાકડાનો બનેલો હતો અને અત્યારે તો નષ્ટપ્રાય થઈ ગયો છે. પાછળથી અશોકે નગરમાં પથ્થરનો એક મહેલ બંધાવ્યો હતો. તે મહેલ પણ નષ્ટ થઈ ગયો છે; પરંતુ પાંચમી સદીના પ્રારંભમાં ફાહ્યાન પાટલિપુત્ર આવ્યો ત્યારે એ મહેલ આબાદ હતો. એ મહેલને જોઈને તે ભારે વિસ્મય પામ્યો હતો અને તે મનુષ્યોનું ન હોતાં અસુરોનું સર્જન હોય તેમ તેને લાગ્યું હતું. યુઅન શ્વાંગે સાતમી સદીના પૂર્વાર્ધમાં આ મહેલને ધ્વસ્ત થયેલો જોયો હતો. અવશેષો પરથી જણાય છે કે આ મહેલની રચના ઈરાનના પર્સિપોલીસ અને હખામની રાજાઓના મહેલોને આધારે થઈ હતી. જોકે તેના પાષાણ-સ્તંભો પરની શિરાવટીઓ પર ઘંટાકારને બદલે પદ્માકાર કરવામાં આવ્યા હતા.

ભારતીય મહેલોનું બાંધકામ અપવાદોને બાદ કરતાં મુખ્યત્વે કાષ્ઠનિર્મિત હોઈ તેના પ્રાચીન નમૂના નષ્ટ થઈ ગયા છે. જોકે અમરાવતીનાં શિલ્પો અને અજંટાનાં ચિત્રોમાં આલેખાયેલા મહેલો પરથી ગુપ્ત કાલના મહેલોનો ખ્યાલ આવે છે. તે પરથી જણાય છે કે તે મહેલો મુખ્યત્વે બે મજલાના અને સ્તંભયુક્ત ખંડોથી સંકળાયેલા હતા. તેનો ત્રિકોણાકાર મહોરો અલંકૃત કરાતો. સ્તંભો, મદલો અને શિરાવટીઓ પર સુશોભનશિલ્પો કરાતાં. મહેલોની દીવાલો અને મહોરાં ચિત્રો અને રંગના સમાયોજનથી સજાવવામાં આવતાં. આ પ્રકારના કાષ્ઠનિર્મિત મહેલો આજે પણ મ્યાનમાર, થાઇલૅન્ડ, કમ્પુચિયા, ચીન, જાપાન, કોરિયા અને ઇન્ડોનેશિયામાં જોવામાં આવે છે.

મધ્યકાલમાં પ્રાચીન સ્વરૂપ જાળવીને ઈંટ અને પથ્થરનાં બાંધકામવાળા મહેલો બન્યા, પરંતુ તેમાંના ઘણાખરા નષ્ટ થયા છે. ઈસુની ચૌદમી સદી પછીનાં પ્રસિદ્ધ રાજભવનોમાં ગ્વાલિયરના રાજા માનસિંહ (1486-1518), ઓરછા અને દતિયાના રાજા વીરસિંહે કરાવેલા પ્રાસાદો; જયપુર, જોધપુર અને ઉદયપુરના મહેલો; નાગપુર નરેશનો પ્રાસાદ; ટીપુ સુલતાનનો મૈસૂરનો રાજમહેલ વગેરે ભારતીય રાજપ્રાસાદના સરસ નમૂના ગણાય છે. ફતેહપુર સિકરી, આગ્રા અને દિલ્હીનાં મુઘલ રાજભવનોમાં તુર્કી, ઈરાની અને તુરાની સાથે ભારતીય શૈલીના સ્થાપત્યનો સમન્વય વરતાય છે. બ્રિટિશકાલમાં પશ્ચિમના પ્રભાવ નીચે યુરોપીય શૈલી અને ભારતીય શૈલીના મિશ્રણરૂપ સુંદર મહેલો બન્યા; તેમાં મોરબી, વાંકાનેર અને વડોદરાના રાજમહેલોનો ખાસ ઉલ્લેખ કરી શકાય.

પ્રવીણચંદ્ર પરીખ