રાજનારાયણ (જ. 1917, મોતીકોટ, ઉત્તરપ્રદેશ; અ. 30 ડિસેમ્બર, 1986, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી. પિતા અનંત પ્રસાદ સિંઘ. કૉલેજ-શિક્ષણ લઈ સ્નાતક અને કાયદાના સ્નાતક બન્યા. શિક્ષણ દરમિયાન સમાજવાદી વિચારોથી આકર્ષાયા અને સમાજવાદી પક્ષના સભ્ય બન્યા. ત્યારબાદ રાજકીય જીવનના વિવિધ તબક્કે જનતા પક્ષ અને ભારતીય લોકદળમાં પણ જોડાયા.
1966થી ’72ના ગાળામાં રાજ્યસભાના અને 1974થી ’77 તેમજ 1977થી ’79ના ગાળામાં લોકસભાના સભ્ય રહ્યા. સાંસદ તરીકે પ્રજાના પ્રશ્ર્નોના તેઓ બોલકા પ્રતિનિધિ બની રહ્યા. 1977માં જનતા પક્ષની સરકાર કેન્દ્રમાં રચાઈ ત્યારે તેમણે જાહેર સ્વાસ્થ્ય-મંત્રીનું પદ શોભાવેલું.
વૈચારિક રીતે તેઓ રામમનોહર લોહિયાના અનુયાયી હતા. કટોકટી સમયે ભારતના તે સમયનાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી વિરુદ્ધ સક્રિય અભિયાન ચલાવી જેલયાત્રા વેઠેલી. 1977ની સામાન્ય ચૂંટણીમાં પ્રતાપગઢ જિલ્લાના રાયબરેલી મતવિસ્તારમાંથી ચૂંટણીમાં ઊભા રહ્યા અને પ્રતિસ્પર્ધી ઇન્દિરા ગાંધીને પરાજિત કરી ચૂંટાઈ આવ્યા તે ભારતના ઇતિહાસની એક નોંધપાત્ર ઘટના હતી.
સીધુંસાદું જીવન જીવનાર આ નેતા શિષ્ટ જીવનના ખ્યાલોથી દૂર હતા. કુસ્તીનો તેમને શોખ હતો. વિશિષ્ટ ખ્યાલો અને રજૂઆતને કારણે સાંસદ તરીકે તેમનું સ્થાન વિશિષ્ટ હતું.
રક્ષા મ. વ્યાસ