રાજકુમારી અમૃતકૌર (જ. 2 ફેબ્રુઆરી 1889, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 6 ફેબ્રુઆરી 1964, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની, મહિલા-નેત્રી અને ભારતનાં પ્રથમ અને મહિલા સ્વાસ્થ્ય-મંત્રી. તેઓ કપૂરથલાના રાજવી કુટુંબનાં સભ્ય હતાં. પિતા હરનામસિંહને સાત પુત્રો અને આ એક-માત્ર પુત્રી હતાં. રાજા હરનામસિંહે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો અને તેઓ ‘પવિત્ર અને શુદ્ધ’ ખ્રિસ્તી તરીકે જાણીતા હતા. ગોપાળ કૃષ્ણ ગોખલે સાથે તેમને ઘનિષ્ઠ મૈત્રી હતી. આથી રાજકુમારીને બાળપણથી સેવા અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર સાંપડ્યા. ગોખલે સાથેના પરિચયને કારણે તેઓ ગાંધીજીની નજીક પહોંચ્યાં અને તેમના અહિંસા, ભારતની સ્વતંત્રતા અને મહિલા-ઉત્કર્ષના વિચારોથી આકર્ષાયાં અને આ કાર્યોને જ તેમણે પોતાનો જીવનધર્મ બનાવ્યો.

તેમણે પ્રારંભિક અને કૉલેજશિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું. ત્યાં શિક્ષણ ઉપરાંત રમતગમતને માટે ઘણો સમય ફાળવતાં અને ટેનિસનાં સારાં ખેલાડી બન્યાં અને ઘણી ઉત્કૃષ્ટ રમત ખેલી ચંદ્રકો પણ મેળવ્યા. તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી હાંસલ કરી ભારત પાછાં આવ્યાં.

રાજકુમારી અમૃતકૌર

યુવાવયે ગાંધીજીનાં કાર્યોમાં ઊંડો રસ દાખવી તેમાં જોડાયાં. સર્વધર્મસમભાવની ગાંધી-વિભાવનાને ધર્મ ગણી તે અનુસાર પોતાનું આચરણ ઘડવા તેઓ પ્રયત્નશીલ રહ્યાં. તેઓ જીવનભર શાકાહારી રહ્યાં અને તેમણે સાદગીપૂર્ણ જીવનનો આગ્રહ રાખ્યો. જીવનના અંત સુધી તેમણે ગાંધી-અનુયાયી બની કાર્યો કર્યાં. પ્રારંભે લગાતાર 16 વર્ષ સુધી ગાંધીજીનાં મંત્રી તરીકે કાર્ય કરવા ઉપરાંત મહિલા-ઉત્કર્ષ અને શિક્ષણની પ્રવૃત્તિઓમાં તેમણે સવિશેષ રસ લીધો. ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ(1927)નાં તેઓ સ્થાપક સભ્ય હતાં અને 1938માં તેનાં પ્રમુખ ચૂંટાયેલાં. તેઓ બ્રિટિશ શાસન દરમિયાન એડવાઇઝરી બૉર્ડ ઑવ્ એજ્યુકેશનના સભ્યપદે નિમાયેલાં પ્રથમ મહિલા હતાં. 1942માં ‘હિંદ છોડો’ની લડતમાં ભાગ લેવા તેમણે આ હોદ્દા પરથી રાજીનામું આપેલું. 1945માં લંડન ખાતે અને 1946માં પૅરિસ ખાતે યોજાયેલી યુનેસ્કોની બેઠકોમાં તેઓ ભારતીય પ્રતિનિધિમંડળનાં સભ્ય તરીકે હાજર રહ્યાં હતાં.

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાઈને તેમણે મીઠાના સત્યાગ્રહ અને ‘હિંદ છોડો’ લડતોમાં ભાગ લીધો અને કારાવાસ વેઠ્યો. મતાધિકાર અંગેના સરકારના કોમી ચુકાદાની તેમણે આકરી ટીકા કરી, જે બાબતે તેમની પર કામ ચલાવવામાં આવેલું.

વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેઓ મહિલા-ઉત્કર્ષ અને હરિજનોદ્ધારનાં કાર્યો વીસર્યાં નહોતાં. બાળલગ્નો અને પડદાપ્રથાનો વિરોધ કરવા ઉપરાંત મહિલા-કેળવણી પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. મહિલાઓને શિક્ષિત કરવાથી જ તેમનો સાચો ઉત્કર્ષ કરી શકાય એવો અભિપ્રાય તેઓ ધરાવતાં હતાં.

સ્વતંત્ર ભારતનાં પહેલા સ્વાસ્થ્ય-મંત્રી તરીકે તેમણે 1947થી 1957ના એક દસકા સુધી કામગીરી બજાવેલી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનિઝેશનના ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તેમણે કર્યું હતું અને 1950માં આ સંસ્થાની એસેમ્બલીનાં પ્રમુખ નિમાયાં હતાં. 1951-52નાં વર્ષોમાં તેમણે સંવહન મંત્રાલયનો હવાલો પણ સંભાળ્યો હતો અને 1957માં રાજ્યસભાનાં સભ્ય રહેલાં. આંતરરાષ્ટ્રીય રેડ ક્રૉસ અને લીગ ઑવ્ રેડ ક્રૉસ સોસાયટીનાં અધ્યક્ષ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. આ ઉપરાંત સેંટ જૉન ઍમ્બ્યુલન્સ બ્રિગેડનાં મુખ્ય કમિશનર, ઇંડિયન કાઉન્સિલ ઑવ્ ચાઇલ્ડ વેલ્ફેર, ટ્યુબરક્યુલોસિસ ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયા, ગાંધી મેમૉરિયલ ફંડ વગેરે સંસ્થાઓનાં મહત્વનાં પદો પર તેમણે કામગીરી બજાવી હતી. વધુમાં એક સારા ખેલાડીના નાતે નૅશનલ સ્પૉટર્સ ક્લબ અને ઑલ ઇન્ડિયા લૉન ટેનિસ ઍસોસિયેશનનાં પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી. ભારતના પ્રારંભિક રાજકીય જીવનમાં તેમણે સન્માનનીય સ્થાન હાંસલ કર્યું હતું. તેમની ઇચ્છાનુસાર તેમના મૃતદેહને દફનાવવાને બદલે તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

રક્ષા મ. વ્યાસ