રાજકીયકરણ (politicisation) : રાજકારણ અંગે સભાન અને સક્રિય બનવાની પ્રક્રિયા. જ્યારે લોકો રાજકારણ પ્રત્યે માહિતગાર અને સભાન હોય; જાગરુકતા અને અમુક માત્રામાં સક્રિયતા ધરાવતા હોય ત્યારે તેમનું રાજકીયકરણ થયું છે એમ કહી શકાય. રાજકીય સત્તાની આસપાસ ચાલતી પ્રવૃત્તિને, સામાન્ય રીતે રાજકારણ તરીકે ઓળખવામાં આવે છે. રાજકારણ, તેના વિશાળ અર્થમાં, વિવિધ કક્ષાએ મનુષ્યના વૈયક્તિક અને સામૂહિક જીવનનાં લગભગ બધાં પાસાંઓને, વધતે-ઓછે અંશે, એક યા બીજી રીતે સ્પર્શે છે, પ્રભાવિત કરે છે. અનેક કારણોસર રાજકારણે મનુષ્યના સાંપ્રત જીવનમાં અત્યંત મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ઍરિસ્ટૉટલે મનુષ્યને ‘રાજકીય પ્રાણી’ કહ્યો છે. પણ એનો અર્થ એવો થતો નથી કે સમાજમાં રહેતા બધા મનુષ્યો, બધા સમય માટે, રાજકારણ પ્રત્યે માહિતગાર, સભાન કે જાગરૂક હોય છે અને સમાજમાં અવિરત ચાલતા સત્તાસંઘર્ષમાં પરોવાયેલા હોય છે.
રાજકીય પ્રથામાં નિરંતર ચાલતી વિવિધ રાજકીય પ્રક્રિયાઓને સમજાવવાનો અને તેનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ રાજ્યશાસ્ત્રીઓ કરતા રહે છે. તેઓ સમાજનું, મુખ્યત્વે બે સ્તરોમાં, વિભાજન કરે છે : અરાજકીય સ્તર અને રાજકીય સ્તર. જોકે, આવું વિભાજન સૈદ્ધાંતિક અને ક્યારેક મનસ્વી પણ હોય, એવું બને; કારણ કે વ્યવહારમાં એવી સ્પષ્ટ ભેદરેખા દોરવી મુશ્કેલ છે. રૉબર્ટ દહલ નામના રાજ્યશાસ્ત્રીએ રાજકીય સ્તરના પણ મુખ્ય બે પેટાવિભાગો પાડ્યા છે : સત્તાકાંક્ષીઓ અને સત્તાધારકો. એમની વચ્ચે સતત સત્તા માટેનો સંઘર્ષ ચાલતો રહે છે અને તેઓ એ સંઘર્ષમાં સમર્થન મેળવવા માટે રાજકીય અને અરાજકીય સ્તર પર આધાર રાખતા હોય છે. આ માટે સત્તાકાંક્ષીઓ અને સત્તાધારકો રાજકારણ પ્રત્યે, સામાન્ય રીતે, ઉદાસીન એવા ‘અરાજકીય સ્તરે’ રહેલા લોકોને રાજકારણ પ્રત્યે માહિતગાર, સભાન અને જાગરૂક કરવાનું કામ કરે છે અને ‘રાજકીય સ્તર’ના ભાગ બનાવે છે, આ પ્રક્રિયાને ‘રાજકીયકરણ’ કહેવામાં આવે છે.
લોકશાહી દેશોમાં ચૂંટણીઓના સમયગાળા દરમિયાન ‘રાજકીયકરણ’ની માત્રામાં વધારો થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો, સામાન્ય રીતે, રાજકારણ પ્રત્યે ઉદાસીન રહેતા લોકો(અરાજકીય સ્તર)ને રાજકીય મુદ્દાઓ વિશે માહિતગાર, સભાન અને જાગ્રત કરવાનો પ્રયાસ કરે છે અને એમને પોતાની તરફ વાળવાનો પ્રયાસ કરે છે. ચૂંટણીઓ સિવાયના સમયમાં પણ રાજકીય પક્ષો તેમજ વિવિધ હિતજૂથો, દાબજૂથો જુદા જુદા મુદ્દાઓ પરત્વે લાગતાવળગતા સમૂહોને માહિતગાર અને સભાન કરવાનો પ્રયાસ કરતાં હોય છે. સંચાર માધ્યમો પણ આ ભૂમિકા ભજવતાં હોય છે. આ રીતે પણ સમાજમાં ‘રાજકીયકરણ’ની પ્રક્રિયા સતત, પણ પ્રમાણમાં ઓછી તીવ્રતાથી, ચાલતી રહે છે.
રાજકીય સ્તરમાં પ્રવેશેલા (બીજા શબ્દોમાં રાજકીયકૃત થયેલા) લોકો, ક્યારેક, કોઈ કારણસર, રાજકીય રીતે ઉદાસીન પણ બને છે. રાજકારણમાં એમનો રસ ઘટી જાય છે અને અરાજકીય સ્તરમાં પાછા વળે છે. જો આવું લાંબો સમય ચાલુ રહે તો તેમનું અરાજકીયકરણ થયું એમ કહી શકાય.
દિનેશ શુક્લ