રાજકીય ચિંતન : રાજ્યશાસ્ત્રના આધારરૂપ પાયાની  મૂળભૂત વિચારણા. વ્યક્તિ અને તેની આસપાસના જગતને સમજવાની મથામણ માનવજાત કરતી રહી છે. તે સાથે માનવરચિત સંસ્થાઓ સમાજ, રાજ્ય અને તે સંદર્ભમાં સમગ્ર વિશ્વને સમજવાનો અને જોડવાનો સતત પ્રયાસ પરાપૂર્વથી માનવો કરતા રહ્યા છે. રાજ્ય અને તેના પરિવેશને સમજવાના પરાપૂર્વથી ચાલતા આ અવિરત પ્રયાસો આપણને રાજકીય ચિંતન ભણી દોરી જાય છે.

રાજ્ય અને સરકાર, શાસકો અને પ્રજા, તેમનું સ્થાન, સ્વરૂપ, કાર્યો, હેતુઓ તથા પ્રેરક બળો વિશે યુગોથી મનન-ચિંતન ચાલ્યાં છે. ઉત્તમ, શ્રેષ્ઠ, સર્વોચ્ચ રાજકીય પદ્ધતિની ખોજ માનવ હરહંમેશ કરતો રહ્યો છે. તેની આ ખોજે તેને રાજકીય ચિંતનની દિશામાં પ્રેર્યો છે. આથી આવું રાજકીય ચિંતન મુખ્યત્વે સૈદ્ધાંતિક અને ધોરણલક્ષી (normative) રહ્યું છે. રાજકીય આદર્શ કયો ? રાજકારણમાં શું હોવું જોઈએ ?  રાજ્યની સત્તા અને સરકારનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ કેવું હોય ? સમગ્ર રાજ્ય, રાજકીય સંસ્થાઓ તથા આજ અને આવતી કાલની શાસનવ્યવસ્થા કેવાં હોવાં જોઈશે ? – આ અને આવા બધા પ્રશ્ર્નો તે વિચારે છે. તેની આ ખોજ દરમિયાન અનેક વિકલ્પો વિચારાયા, ચકાસાયા, અનુભવમાં મુકાયા અને તિલાંજલિ પણ પામ્યા. આ મથામણમાંથી રાજકીય ચિંતન આરંભાયું અને અવિરતપણે વિકસ્યું.

આ રાજકીય ચિંતન મુખ્યત્વે ત્રણ પાસાં ધરાવે છે : એક, તે સાર્વત્રિક અને અખિલાઈયુક્ત દિશામાં જવા કોશિશ કરે છે; બીજું, ઇતિહાસના અભ્યાસના આધારે ભૂતકાળની વિટંબણાઓ અને મર્યાદા ઓળંગી નવી ક્ષમતાઓ મેળવવાની દિશામાં જવા તે ઉત્સુક હોય છે; ત્રીજું, તે ઘટના, હકીકતો અને શાસનવ્યવસ્થાનું વિભાવનાત્મક પૃથક્કરણ કરી ધારણાઓ બાંધી, ધારણાસમૂહ (વિચારધારા) રચે છે; જૂની વિચારધારા અપ્રતીતિકર લાગતાં નવી વિચારધારા રચે છે. વિચારધારાઓની આ ઘડભાંજમાંથી વળી અન્ય નવી વિચારધારાઓ આકાર પામે છે.

આ બધાંને અંતે મનુષ્ય અને સમાજ માટે સાચું શું ? સારું શું ?  એ પ્રશ્ર્ને યોગ્યાયોગ્ય નક્કી કરવાનો પ્રયત્ન રાજકીય ચિંતનમાં થતો હોય છે. શું, કેમ, ક્યાં અને ક્યારે બને છે તેની ચર્ચા સાથે શું હોવું જોઈએ તેનો વિચાર તેમાં સામેલ હોય છે. સૈદ્ધાંતિક અને દાર્શનિક વિગતો પર ભાર મૂકી બૌદ્ધિક શિસ્તના માળખા સાથે તેને ગોઠવવાનો પ્રયાસ કરી રાજ્યશાસ્ત્રને માટે ચિંતનનો સૈદ્ધાંતિક પાયો તે રચી આપે છે.

રાજકીય ચિંતનનો પ્રારંભ ઇજિપ્ત, મેસોપોટેમિયા, સિંધુ ખીણની સંસ્કૃતિ અને ચીન જેવી અતિ પ્રાચીન સંસ્કૃતિઓ સુધી ખોળી શકાય. હમુરાબીના કાયદાઓ, કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર’, મહાન અશોકનું શાસન અને તેના શિલાલેખો કે ક્ન્ફ્યૂશિયસનું ચિંતન આ સંદર્ભને વ્યક્ત કરે છે. પરંતુ આવા ચિંતનની પદ્ધતિસરની વિચારણા મુખ્યત્વે ગ્રીસના ચિંતકોએ કરી. ગ્રીક ચિંતકો અને સવિશેષપણે ઍરિસ્ટોટલ રાજ્યશાસ્ત્રને ‘સર્વોચ્ચ વિજ્ઞાન’ (Master Science) માનતા હતા. રાજ્યશાસ્ત્ર અંગેની અમૂર્ત ધારણાઓ બાંધી તેની પૃથક્કરણાત્મક ચર્ચા તેઓ કરતા. આવો સૌપ્રથમ અને પદ્ધતિસરનો પ્રયાસ પ્લેટો અને ઍરિસ્ટોટલની રચનાઓમાં થયેલો જોવા મળે છે. ઈ. પૂ.ની ચોથી સદીમાં પ્લેટોએ ‘રિપબ્લિક’ ગ્રંથ રચ્યો, જે માત્ર રાજ્યશાસ્ત્ર પરનો ગ્રંથ ન હોવા છતાં તેમાં પાયાના રાજકીય ચિંતનને અભિવ્યક્ત કર્યું. આદર્શ રાજ્ય વિશે મૂળભૂત વિચારણા કરી ‘સદગુણ જ્ઞાન છે’ એમ કહી સદાચારી ચિંતક વિદ્વાન કે પંડિત હોય અને રાજ્યની નિર્ણાયક સત્તા તેની પાસે રહે તેમ કહી ચિંતક શાસક બને તેમ જણાવ્યું. પ્લેટોએ આમ દાર્શનિક રાજાના શાસનનું સમર્થન કર્યું. આદર્શ રાજ્યમાં દાર્શનિક રાજા પાયાનું તત્વ છે એમ તેઓ માનતા. આ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર બીજા ચિંતક ઍરિસ્ટોટલ હતા. તેમણે 180 જેટલાં વિવિધ ગ્રીક રાજ્યોનાં પદ્ધતિસરનાં અભ્યાસ, તુલના અને પૃથક્કરણ કર્યાં, જેને આધારે રાજ્ય, તેના પ્રકારો અને તેમનાં વર્ગીકરણ રજૂ કર્યાં. તેમાં સરકારના પ્રકારોની ચર્ચા પણ આવરી લીધી તેમજ ક્રાંતિઓ, તેમનાં કારણો અને તેમને રોકવાના ઉપાયોનું ચિંતન કર્યું. આ અભ્યાસો દ્વારા કાયદાનું શાસન અને ન્યાયના સિદ્ધાંતો જેવી મૂળભૂત વિભાવનાઓ તેમણે વ્યક્ત કરી, આનુભવિક (empirical) અભ્યાસો પર ભાર મૂક્યો અને સરકારની સત્તાનો નીતિના ખ્યાલ સાથે મેળ બેસાડ્યો. આ વિશદ વિચારણાને કારણે ઍરિસ્ટોટલ રાજ્યશાસ્ત્રના પિતા ગણાયા અને તેમનો ‘પૉલિટિક્સ’ ગ્રંથ આધારભૂત ગ્રંથ ગણાયો.

કાયદાનું સમગ્ર શાસ્ત્ર અને તે અંગેના પાયાના વિચારો રોમન સામ્રાજ્યમાં વિકસ્યાં; જેમાં સિસેરોનું પ્રદાન નોંધપાત્ર હતું. તેમણે કાયદો, તેનો ઉદભવ અને કાયદાના શાસન જેવા ન્યાયના પાયાના ખ્યાલોની વિચારણા રજૂ કરી અને રાજ્યના અસ્તિત્વ માટેના અનિવાર્ય સાધન લેખે કાયદાની પ્રતિષ્ઠા કરી. નાનકડાં ગ્રીક નગરરાજ્યોને સ્થાને વ્યક્તિ અને વ્યાપક સામ્રાજ્યના સંદર્ભમાં કંઈક અલગ રીતે વિચારવાની આવદૃશ્યકતા ઊભી થતાં રાજકીય ચિંતનનું સ્વરૂપ આ નવા સંદર્ભમાં વ્યાપક બન્યું. સિસેરોએ ‘ધ રિપબ્લિકા ઍન્ડ લૉઝ’માં કાયદાશાસ્ત્રના સાર્વભૌમત્વના સંદર્ભમાં ઝીણવટભરી રજૂઆત કરી.

ઑગસ્ટાઇને ‘સિટી ઑવ્ ગૉડ’માં ચર્ચ અને રાજ્યોના સંબંધોની છણાવટ કરી. આ ચર્ચામાં સરકારની ભૂમિકાનું પાસું સવિસ્તર ચર્ચાર્યું. 13મી સદીમાં ટૉમસ એક્વિનાસે ઍરિસ્ટૉટલના સિદ્ધાંતો વિસ્તારી, વિકસાવી ખ્રિસ્તી ધાર્મિક ખ્યાલોને અનુરૂપ ગોઠવ્યા. વ્યક્તિના અમુક અધિકાર પર ભાર મૂક્યો અને બંધારણવાદનો આધાર રચ્યો. જૉન ઑવ્ સૅલિસબરી જેવા ચિંતકોએ ધર્મ અને રાજકારણનો અનુબંધ જોડ્યો, જેના પગલે ક્રમશ: પોપશાહી અને ધાર્મિક સત્તાનું વર્ચસ્ વધ્યાં.

15મી સદીમાં નવજાગૃતિના કાળમાં ધાર્મિક-રાજકીય વિચારો પડકારાયા. તર્કબદ્ધ અને બુદ્ધિગામી વિચારણાઓએ સ્થાન પ્રાપ્ત કરતાં રાજકીય ચિંતનને નવું પરિમાણ પ્રાપ્ત થયું. આ નવું પરિમાણ હતું ધર્મથી રાજકીય ચિંતનની અલગતાનું. રાજકીય ચિંતનના બિનસાંપ્રદાયિકીકરણનો આરંભ મૅકિયાવેલીથી થયેલો ગણી શકાય. તેમણે ધર્મથી મુક્ત એવાં રાજ્યોના સ્વતંત્ર અસ્તિત્વની વાત કરી તદ્દન નવી જ દિશા ચીંધી. આદર્શવાદ કે નીતિમત્તાના ખ્યાલો બાજુ પર મૂકી રાજકારણને ધર્મની અસરથી મુક્ત કરવાનો તેમણે પ્રયાસ કર્યો. ‘ધ પ્રિન્સ’ ગ્રંથમાં તેમણે નીતિનિરપેક્ષ રાજકારણની અને શક્તિશાળી રાજ્યની કલ્પનાની – બંનેના સંમિશ્રણની વાત કરી રાજ્યના અસ્તિત્વ માટે આ સંમિશ્રણને આવદૃશ્યક ગણાવ્યું. વાસ્તવિકતાની નક્કર ભૂમિકા પર રાજકીય સંસ્થાઓને તોળવાનો તેમનો પ્રયાસ સરાહનીય હતો. આ વિચારો સાથે રાજકીય ચિંતનમાં વાસ્તવદર્શિતા પ્રવેશી.

હૉબ્સે પ્રત્યેક વ્યક્તિ દ્વારા કરારથી લોકસંમતિ પર રચાયેલા અને ધર્મથી પર એવા શક્તિશાળી રાજ્યની રચનાની વાત કરી. ભૌતિક સાર્વભૌમત્વની વિભાવના વિસ્તરવા લાગી અને દેવળની અબાધિત સત્તા પડકાર પામી. રાજકીય ચિંતનની ઉદારમતવાદી વિચારધારાનાં બીજ રોપાયાં. ડાલ્ટન જેવાનાં વૈજ્ઞાનિક સંશોધનોથી વ્યક્તિને પાયાનો એકમ ગણતા વિચારો પરિપુષ્ટ બનવા લાગ્યા. એથી વ્યક્તિ અને સત્તા વચ્ચેના સંબંધો ગોઠવવાની મથામણ શરૂ થઈ. કાયદો એ માત્ર સત્તાનું પ્રતીક છે તે કરતાં સ્વાતંત્ર્યને જાળવવાના સાધન તરીકે સ્વીકૃતિ પામ્યો. મૉન્ટેસ્કે કહ્યું, સ્વાતંત્ર્ય એટલે કાયદા અનુસારનું વર્તન. આમ નવાં દૃષ્ટિબિંદુઓનો ઉઘાડ થવા લાગ્યો.

લૉક અને રૂસો જેવા વિચારકો સુખી કુદરતી અવસ્થાનો ચિતાર આપી પ્રજાકીય સાર્વભૌમત્વની વાત કરવા સાથે રાજ્ય પાસે અમર્યાદ સત્તા નથી તેવા મૂળભૂત વિચારોનું ચણતર કરે છે. સંપત્તિ માનવના સ્વપરિશ્રમનું ફળ છે અને તેથી સંપત્તિના અધિકારને મૂળભૂત મહત્વનો અધિકાર ગણી લૉક જેવા વિચારકો માન્ય રાખે છે. સંપત્તિ દ્વારા વિકાસનો માર્ગ દર્શાવી તે આર્થિક સલામતી અને વિકાસની વિચારણાને વેગ પૂરો પાડે છે. બેન્થામ, જૉન સ્ટુઅર્ટ મિલ, હર્બર્ટ સ્પેન્સર, ટૉમસ હિલ ગ્રીન જેવા વિચારકો એક યા બીજી રીતે સરકાર લોકોને જવાબદાર હોય તેવા વિચારોને ઉત્તેજન પૂરું પાડી રાજ્યની સીમિત સત્તાને પુરસ્કારે છે. આ વિચારો દ્વારા માનવ અને માનવતા પોતે જ એક પરમ મૂલ્ય બની સ્થાપિત થવા લાગે છે. માનવ બુદ્ધિપ્રધાન અને મૂળભૂત રીતે સારો હોવાથી જીવન, સ્વાતંત્ર્ય અને સંપત્તિના પ્રકૃતિદત્ત અદેય અધિકારો ધરાવતો હોવાથી ‘ઓછામાં ઓછું શાસન કરે તે ઉત્તમ સરકાર’નો વિચાર વ્યાપક અને સ્વીકૃત બને છે. અહીં અલ્પ સત્તા અને મહત્તમ સ્વાતંત્ર્ય સમન્વય પામ્યાં છે.

આ વ્યક્તિલક્ષી પાયો યુરોપને આર્થિક વિકાસ અને અનિયંત્રણવાદ(laissez-faire)ની દિશામાં દોરે છે. સ્વતંત્રતાનો અતિરેક સર્જાતો ગયો અને બીજી તરફ આર્થિક વિકાસ સાથે સમાજના મોટા વર્ગના શોષણની સ્થિતિ વિકસતી ગઈ. ઔદ્યોગિક ક્રાંતિ, વ્યાપક અને જથ્થાબંધ ઉત્પાદન, નવી વૈજ્ઞાનિક શોધોએ સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિવર્તનો આણ્યાં. ઉત્પાદન, સમૃદ્ધિ અને સુખ વધવા લાગ્યાં તેમ શોષણ પણ વધવા લાગ્યું. પરિણામે સ્વતંત્રતાના ઉદારમતવાદી પાયાનો વિરોધ કરતી અને સામાજિક પ્રશ્ર્નોને તથા શોષણ વિરુદ્ધની સ્થિતિને અગ્રતા આપતી અને સમાનતા ઝંખતી પ્રારંભિક સમાજવાદી વિચારધારા આકાર લેવા લાગી. સંત સિમોન, ચાર્લ્સ ફુરિયે અને રૉબર્ટ ઓવનની ત્રિપુટી દ્વારા સમાજવાદી વિચારોનો પ્રારંભ થયો. આ ત્રિપુટીને એવી સામાજિક વ્યવસ્થા અભિપ્રેત હતી કે જે આમ આદમીનાં સુખ અને કલ્યાણની વૃદ્ધિ પર ભાર મૂકતી હોય. વધુમાં તેઓ વિકાસને નામે મૂડીવાદ તરફ દોરી ગયેલી શોષણખોર વ્યવસ્થાની નાબૂદી ઇચ્છતા હતા. આ વિચારો માર્કસની નજરે યુટોપિયન – કાલ્પનિક હતા. આવા કાલ્પનિક સમાજવાદી વિચારોને મૂળભૂત રીતે સ્વીકારી અન્યાય અને શોષણને સદંતર નામશેષ કરે તેવા વૈજ્ઞાનિક સમાજવાદનો તેમણે પાયો નાંખ્યો. શ્રમજીવી ક્રાંતિ દ્વારા વર્ગવિહીન અને રાજકીય સત્તાવિહીન સમાજની રચના માર્કસને અભિપ્રેત હતી. ઓગણીસમી સદીમાં માર્કસ-એન્જલ્સના આ વિચારો ઉપરાંત ક્રમશ: કાયદા દ્વારા સમાજવાદ હાંસલ કરવા માંગતા ફેબિયન સમાજવાદીઓ, જર્મનીના ઉત્ક્રાંતિવાદી સમાજવાદીઓ, શ્રમસંઘો દ્વારા વ્યવસ્થા માંગતા શ્રમસંઘવાદીઓ, રાજ્યને ગૌણ સ્થાને મૂકતા મહાજન સમાજવાદીઓ – એમ વિવિધ શાખા-પ્રશાખાનો સમાજવાદ વિસ્તર્યો. ભારતીય સંદર્ભમાં ગાંધી-પ્રણીત લોકશાહી સમાજવાદ અને આફ્રિકાના સંદર્ભમાં એનક્રુમા અને જૂલિયસ ન્યરેરેનો આફ્રિકાઈ સમાજવાદ નવોદિત દેશોના પટ પર રચાવા લાગ્યા. લેનિન, ટ્રૉટ્સ્કી સ્ટાલિન, માર્શલ ટીટો અને માઓએ તેમાં અંશત: ફેરફાર કરી તેને સામ્યવાદમાં પરિવર્તિત કર્યો અને શ્રમજીવીઓ દ્વારા ક્રાંતિકારી રાજ્ય અથવા કામદારોની સરમુખત્યારશાહી સુધી વિસ્તાર્યો. ચીનમાં તેણે માઓવાદના નવા વાઘા સજ્યા તો કાસ્ટ્રો અને ચે ગ્યુએરા સામ્યવાદને સત્તા હાંસલ કરવાના માર્ગ રૂપે રજૂ કરે છે. આમ વિવિધ દેશોને અનુરૂપ, સ્થાનીય પરિવેશનો ટેકો ધરાવતું વિવિધ પ્રકારનું સામ્યવાદી સ્વરૂપ ઘડાય છે.

બીજી તરફ બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના અંત સાથે, ચીનના ઉદય સાથે, યુરોપના વિકાસ સાથે વિવિધ સ્વરૂપના સામ્યવાદ વાસ્તવિક બનવા લાગ્યા તેમ વીસમી સદીના અંતિમ દસકામાં સામ્યવાદી વિચારોમાં ભંગાણ પણ સર્જાવા લાગ્યાં. 1991માં સોવિયત સંઘના વિઘટનથી અને ચીનની સામ્યવાદને જાકારો આપવાની નીતિથી આ પ્રક્રિયા પૂરી થઈ.

બીજા વિશ્વયુદ્ધ પછીના અરસામાં કેટલાક નવા વિચારો પણ ઉદભવ્યા. માનવતાને લક્ષ્ય ગણી સમાનતા સાથે સ્વતંત્રતાને પણ એટલી જ મહત્વની માની વ્યક્તિ માટે બંનેને અનિવાર્ય ગણી તેમનો સ્વીકાર કરવાની વાત માનવેન્દ્રનાથ રૉયે કરી અને નવમાનવવાદનું ચિંતન સ્ફુટ કરી આપ્યું. ગાંધીજી સત્ય અને અહિંસાને જીવનદૃષ્ટિ ગણી રાજ્યના સંદર્ભમાં પણ તેનો ઉપયોગ કરવાની હિમાયત કરે છે. પ્રત્યેક વ્યક્તિ ફરજ-પ્રણીત સ્વધર્મ બજાવે તેમ દર્શાવી ન્યાયી સમાજ અને સર્વોદયી સમાજને વ્યવસ્થાનો પાયો ગણી નૂતન વ્યવસ્થા રચવાની હિમાયત કરે છે.

આમ રાજકીય ચિંતન સ્વતંત્રતાથી માંડીને સત્તા સુધીનાં બે આત્યંતિક બિંદુઓ વચ્ચે વિવિધ રાહે ચાલ્યું; વિવિધ માનવપ્રતિભાઓથી દોરવાયું; સત્તા અને સ્વતંત્રતાનાં વિવિધ મિશ્રણો ધરાવતા વિચારપ્રવાહો એમાંથી નીપજ્યા; પરંતુ પરમ ધ્યેયપ્રાપ્તિની દૃષ્ટિએ આ બધી વિચારધારાઓ પ્રયોગોના સ્થાને રહી અને તમામના કલ્યાણનો ઉચ્ચતમ આદર્શ એકવીસમી સદીના આરંભે પણ અપરિપૂર્ણ રહ્યો છે.

રક્ષા મ. વ્યાસ