રાજકીય આદર્શ વિભાવના (Utopia) : આદર્શ રાજ્યનો પરિચય કરાવતી કાલ્પનિક વિભાવના. આદર્શ રાજ્ય કે સમાજ વિશેના વિચારો માનવ ઇતિહાસના વિવિધ તબક્કે અભિવ્યક્તિ પામ્યા છે. આ અંગેની સર્વસાધારણ કલ્પના એવી છે કે આદર્શ રાજ્યમાં દુ:ખ નથી, સંઘર્ષ નથી, સર્વ ચીજોની છત છે. બધું જ સામુદાયિક માલિકીનું છે. માનવતાવાદથી અતિરિક્ત કશુંક એવું આદર્શ, ઉત્તમ કે શ્રેષ્ઠ હશે જ્યાં સુખ જ સુખ પ્રવર્તમાન હોય. સુંદર કે રમ્ય રાજ્યનું આવું સોણલું, આદર્શ સામાજિક પરિસ્થિતિ ધરાવતું રાજ્ય યુટોપિયામાં અભિપ્રેત છે.
સંત ટૉમસ મૂરે તેમના લૅટિન ગ્રંથને ‘યુટોપિયા’ (1516) શીર્ષક આપ્યું; ત્યારથી આ શબ્દ ઉપર્યુક્ત અર્થમાં પ્રચલિત બન્યો. આ ગ્રંથનો અંગ્રેજી અનુવાદ 1551માં પ્રકાશિત થયો, જે મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે. મૂરે કલ્પેલા આદર્શ રાજ્યની વિભાવના તેમાં રજૂ થઈ, જે પાશ્ર્ચાત્ય જગતમાં અત્યંત લોકપ્રિય નીવડેલી. ત્યારથી આદર્શ રાજ્ય અંગેની વિભાવના માટે ‘યુટોપિયા’ શબ્દનો ઉપયોગ પ્રચલિત બન્યો. વિદ્વાનોના મતે આ ગ્રંથ તે યુગના ભ્રષ્ટાચાર વિરુદ્ધનો વ્યંગ હોવા સાથે સ્વર્ગીય રાજ્યની કલ્પના પૂરી પાડે છે. અભ્યાસીઓ મૂરની આ આદર્શ કલ્પનાને સામ્યવાદની પૂર્વયોજના (blueprint) રૂપે પણ ઓળખાવે છે.
વિવિધ રાજકીય-સામાજિક વિચારકોને ઇતિહાસના પ્રત્યેક તબક્કે સામાજિક દૂષણો, અન્યાય, સંઘર્ષ અને ભેદભાવ કઠતાં રહ્યાં છે. એથી તેમણે દ્રષ્ટા તરીકે કોઈક પ્રકારનું આર્ષદર્શન કર્યું, તેમાંથી તેમની આદર્શ રાજ્યની વિભાવના ઘડાઈ. કાલ્પનિક આદર્શ રાજ્ય કેવું હશે અથવા કેવું હોવું જોઈએ તે વિચારોને રજૂ કરતા અન્ય ઘણા ગ્રંથો છે. તેમાં સૌપ્રથમ સ્થાને ઈ. પૂ.ની 4થી સદીમાં રચાયેલ પ્લેટોના ‘રિપબ્લિક’ ગ્રંથને મૂકી શકાય. આ ગ્રંથમાં પ્લેટોએ રાજા તત્વજ્ઞાની હોવો જોઈએ અથવા તત્વજ્ઞાનીને રાજા બનાવવો જોઈએ એવી કલ્પના સાથે આદર્શ રાજ્યની રચનાની વિગતો સ્પષ્ટ કરી છે.
સંત ઑગસ્ટાઇનના 5મી સદીમાં પ્રકાશિત થયેલ ગ્રંથ ‘સિટી ઑવ્ ગૉડ’માં આદર્શ રાજ્ય અંગેની સૈદ્ધાંતિક ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચાથી યુરોપના મધ્યયુગનું આર્ષદર્શન પ્રભાવિત થયું હતું. નવજાગૃતિકાળમાં પણ આદર્શ રાજ્ય અંગેની મથામણ ચાલુ રહી. ફ્રાન્કોઝ રિબેલેઝનું ‘એબી ઑવ્ થેલેમી ઇન ગારગન્તુઆ’ (1532), ટોમાસો કૅમ્પનેલાનું ‘ધ સિટી ઑવ્ સન’ (1623), ફ્રાન્સિસ બેકનનું ‘ધ ન્યૂ એટલાન્ટિસ’ (1627), જેમ્સ હેરિંગ્ટનનું ‘ઓસિયાના’ (1656) આ પ્રકારના મહત્વના ગ્રંથો હતા. 17મી સદીના રાજકીય-ધાર્મિક આદર્શોમાં અંગ્રેજ તત્વચિંતકો અને પ્રયોગશીલ રાજકીય ચિંતકોમાં પણ આ અંગેના વિચારો જોવા મળે છે.
18મી સદીના પ્રબુદ્ધતાના યુગમાં આદર્શ રાજ્યની કલ્પનાઓ ફરીને અભિવ્યક્તિ પામી. ઝ્યાં ઝાક રૂસોએ ‘સામાજિક કરાર’ની ચર્ચા કરતાં, પૂર્વપ્રારંભિક યુગ સુવર્ણયુગ હતો એવી કલ્પના રજૂ કરી. એ ઉપરાંત આદિ સમાજવાદીઓએ ‘યુટોપિયન સમાજવાદ’ની કલ્પના વ્યક્ત કરી. આ આદિ સમાજવાદીઓમાં સંત સિમોન, ચાર્લ્સ ફુરિયે અને રૉબર્ટ ઓવનનો સમાવેશ કરી શકાય; જેમણે સમાજવાદ સાથેના આદર્શ રાજ્યનું ચિત્ર ખડું કર્યું; એટલું જ નહિ, પરંતુ અંગ્રેજ સમાજવાદી ચિંતક રૉબર્ટ ઓવને આવો સમાજ રચવાના પ્રશસ્ય પ્રયાસો ઇંગ્લૅન્ડ ખાતે કર્યા અને તેના પુત્ર રૉબર્ટ દાલે ઓવને અમેરિકામાં નવતર આદર્શ સમાજ રચવા પ્રયાસો કર્યા.
માર્કસ અને એન્જલ્સે આ સમાજવાદી વિચારોનો અભ્યાસ કર્યો ત્યારે તેમને લાગ્યું કે આવી સમાજરચના માત્ર કલ્પનામાં જ શક્ય છે અને આ ત્રણેય વિચારકોને તેમણે ‘યુટોપિયન સમાજવાદ’ની કક્ષામાં મૂક્યા. માર્કસ-એન્જલ્સની આ અંગે એવી સમજ હતી કે સમાજવ્યવસ્થાના વૈજ્ઞાનિક નિયમો સમજ્યા વિના કાલ્પનિક સમાજવાદીઓ સ્વપ્નની દુનિયામાં સરી પડે છે અને કલ્પનાનું રમ્ય રાજ્ય રચે છે.
આદર્શ રાજ્યની કલ્પનાની આ વિભાવનાઓ રોમાંચક હતી અને સાહિત્યિક સ્વરૂપ ધરાવતા લોકપ્રિય ગ્રંથોમાં તે અભિવ્યક્તિ થઈ. ઇંગ્લૅન્ડમાં સૅમ્યુઅલ બટલરનું ‘ઍરવ્હોન’ (1872), એડ્વર્ડ બેલ્લામીનું ‘લુકિંગ બૅકવર્ડ’ (1888), વિલિયમ મૉરિસનું ‘ન્યૂઝ ફ્રૉમ નોવ્હેર’ (1891) અને એચ. જી. વેલ્સનું ‘અ મૉડર્ન યુટોપિયા’ આવી નોંધપાત્ર કૃતિઓ હતી. અમેરિકાના આર્થિક આદર્શવાદ પર તેની પ્રચંડ અસર હતી. ઑસ્ટ્રિયન વિચારક થિયૉડૉર હર્ઝટકાનું ‘ફેઇલલૅન્ડ’ (1890) પણ આવી સાહિત્યિક કૃતિ હતી. 20મી સદીમાં પાશ્ર્ચાત્ય જગતમાં આવા સાહિત્યિક આદર્શવાદની રચનાઓમાં પ્રચંડ વેગ આવ્યો અને માતબર સાહિત્ય રચાયું. આ સાહિત્યિક રચનાઓએ અશક્ય અને અવ્યવહારુ આર્ષદર્શનનું પરિમાણ તો પ્રયોજ્યું, પરંતુ તેમાં વૈજ્ઞાનિક કલ્પનાઓનું ઉમેરણ થયું; જેમાં આલ્ડસ હક્સલી જેવાની ‘ધ બ્રેવ ન્યૂ વર્લ્ડ’ (1932) જેવી કૃતિઓ ઉલ્લેખનીય રહી. એચ. જી. વેલ્સની ‘ટાઇમ-ટ્રાવેલર’, ઓલાફ સ્ટાપેલડનનું ‘લાસ્ટ ઍન્ડ ફર્સ્ટ મૅન’ કૃતિઓ મહત્વની હતી. આ આદર્શવાદી કૃતિઓમાં વ્યવહારુતાનો ભાગ્યે જ વિચાર કરાયો છે. વળી તેમાં વૈજ્ઞાનિક કલ્પનો સાથે મુખ્યત: પ્રેરણાદાયી કે આદર્શલક્ષી સ્વરૂપો પ્રયોજવામાં આવ્યાં છે.
સામાજિક સંદર્ભમાં જર્મન દાર્શનિક પરંપરામાં કાન્ટ, હેગલ અને ફિખ્તેના વિચારોમાં પણ આદર્શ રાજ્યની કલ્પના રજૂ થઈ છે. વિશ્વના સર્જક અને સંચાલક બળની અભિવ્યક્તિ રાજ્ય દ્વારા થાય છે, તેમ માની તેઓ રાજ્યને ટોચનું સ્થાન આપે છે. શ્રેષ્ઠતમને પ્રસ્ફુટિત કરતી સંસ્થા રાજ્ય છે અને તે ઈશ્વરની લગોલગ છે તેવું મંતવ્ય તેઓ વ્યક્ત કરે છે. આ વિચારકોએ વ્યક્તિને રાજ્યની આજ્ઞા અનુસાર વર્તવાની ફરજ પાડી મુક્તિના સન્માર્ગે લઈ જવાનો તર્ક રજૂ કર્યો છે. આ જર્મન ચિંતકો રાજ્યને સર્વોચ્ચ, પરમ, નિયતિવાદી સ્વરૂપે રજૂ કરીને છેવટે રાજ્યના મનસ્વી શાસનની વિભાવનામાં સરી પડે છે.
19મી સદીમાં માર્કસના સમાજવાદના ઉદય અને વિકાસ સાથે કાલ્પનિક સમાજવાદની વિચારણા તરોતાજા વિચારો સાથે નવા યુગમાં પ્રવેશી. માર્કસ દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, ઇતિહાસનું ભૌતિકવાદી અર્થઘટન, અધિશેષ મૂલ્યના સિદ્ધાંત અને વર્ગસંઘર્ષના સિદ્ધાંતના ચાર તબક્કાઓ પછી વાત તો આદર્શની જ કરે છે. મૂડીવાદી સમાજવ્યવસ્થા સુધારી શકાય તેમ ન હોવાથી હિંસા દ્વારા તેને ઉથલાવી, સમાજની નવરચનાની વાત કરતી વેળા તે આદર્શમાં સરી જાય છે. તેમનો શ્રમજીવી ક્રાંતિ પછીનો સમાજ વર્ગવિહીન અને રાજ્ય રાજકીય સત્તાવિહીન સમાજ છે, ત્યાં રાજ્ય અદૃશ્ય થઈ ગયું હશે. આવા આદર્શ સમાજમાં વહેંચણી થશે ત્યારે ‘પ્રત્યેકને પોતાની શક્તિ અનુસાર, પ્રત્યેકને પોતાની જરૂરિયાત અનુસાર’ મળશે. અલબત્ત, માર્કસની આ આગાહી પરિણામદાયી નીવડી નહિ અને તેમનો સમાજવાદ પણ આદર્શ કે કલ્પના બની રહ્યો.
1950 પછી રાજ્ય અંગેનો આ કલ્પનાવાદ પુનર્જીવિત થયો. ગ્લેન નેગલી અને જે. એમ. પૅટ્રિકનું ‘ધ ક્વેસ્ટ ફૉર યુટોપિયા’ (1952), વી. એલ. પેરિંગ્ટનનું ‘અમેરિકન ડ્રીમ્સ’ (1964), લેવિસ મમ્ફર્ડનું ‘ધ સ્ટૉરી ઑવ્ યુટોપિયાઝ’ (1966), માર્ક હૉલોવેનું ‘હેવન્સ ઑન અર્થ’ (1966) આ ક્ષેત્રના ઉલ્લેખનીય ગ્રંથો છે. હર્બર્ટ મારક્યૂઝની ‘ઍન એસે ઑન લિબરેશન’(1969)માં રાજ્ય અંગેનો કલ્પનાવાદ રજૂઆત પામ્યો છે.
પૌરસ્ત્ય વિચારોમાં અને ભારતીય સંદર્ભમાં આવી કલ્પના ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીએ પણ વ્યક્ત કરી છે. તેમણે આદર્શ રાજ્યની વિભાવના રૂપે રામરાજ્યની કલ્પના કરી છે. આ રામરાજ્ય એ કોઈ હિંદુ રાજા કે દશરથનંદન રામની વાત કરતાં ઘણું વધારે ઊંચું રાજ્ય હતું. રામરાજ્યની તેમની વિભાવના આદર્શ શાસકના ઉત્તમોત્તમ રાજ્યની છે, જે રાજ્ય ન્યાય અને નીતિ પર આધારિત અને દુ:ખરહિત હોય. સામાન્ય જનસમૂહ આ વિભાવના સરળતાથી સમજી શકે માટે તેમણે ‘રામરાજ્ય’ શબ્દપ્રયોગ કર્યો હોય એ સંભવિત છે. આ સંદર્ભમાં તેમણે છેક 1946માં ‘હરિજન’માં જણાવેલું કે ‘હું સીમાપ્રાન્તમાં જાઉં કે મુસલમાન શ્રોતાઓ સમક્ષ બોલતો હોઉં તો એને હું ખુદાઈ રાજ્ય કહું અને ઈસાઈ શ્રોતાઓને સંબોધતો હોઉં તો એને પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય કહું.’ આવું રાજ્ય સમાનતા અને ન્યાય ને સત્ય અને અહિંસાને વરેલું હોય. રાજ્યશાસ્ત્રીય પરિભાષામાં તેને અભિવ્યક્ત કરીએ તો આદર્શ અથવા આધ્યાત્મિક લોકશાહીની રચના કરવી.
આમ માનવસ્વભાવમાં આદર્શ, ઉત્તમ, સર્વશ્રેષ્ઠને પામવાની ઝંખના વણાયેલી છે. ઑસ્કર વાઇલ્ડ આ વિચારને બખૂબી રજૂ કરતાં જણાવે છે કે ‘કાલ્પનિક સમાજનો સમાવેશ કર્યા વિનાનો જગતનો નકશો જોવાલાયક નથી.’ આથી આદર્શ રાજ્યને પામવાની મથામણ જારી રહે છે.
રક્ષા મ. વ્યાસ