રાજકીય આજ્ઞાધીનતા : રાજ્ય અને શાસકોની સત્તા તથા આદેશોનું પાલન. રાજ્યશાસ્ત્રનું કેન્દ્રબિંદુ સત્તા છે. આ સત્તાનો ઉપયોગ પ્રજા કે આમજનતા માટે કરવામાં આવે છે. એટલે કે રાજ્યની આજ્ઞાઓનું પાલન રાજકીય જીવનની અનિવાર્યતા છે. રાજકીય આજ્ઞાપાલન કે આજ્ઞાધીનતા વિના પ્રજાવ્યવહારને ગોઠવી ન શકાય યા કાયદો અને વ્યવસ્થા સ્થાપી શકાય નહીં. આથી રાજ્યના સંદર્ભમાં આજ્ઞાપાલન કેમ અને શાથી થાય છે તેનો વિચાર આવદૃશ્યક છે. રાજકીય આજ્ઞાધીનતા માટે નીચેનાં કારણો રજૂ કરવામાં આવે છે :

(1) સંમતિ (consent) : મનુષ્યો આજ્ઞાનું પાલન કરે છે. કારણ કે અમુક વ્યક્તિઓની ઇચ્છા ઘણી વ્યક્તિઓની ઇચ્છા ગણાય છે. સંમતિ રાજ્યનો પાયો છે. બીજા શબ્દોમાં કહીએ તો આજ્ઞાઓનું પાલન એટલા માટે કરવામાં આવે છે કે તે આજ્ઞાઓમાં પ્રજાની સંમતિ રહેલી હોય છે. ઇંગ્લૅન્ડના ઉદારમતવાદી ચિંતક ટી. એચ. ગ્રીને યોગ્ય જ કહ્યું છે કે ‘સત્તા નહીં, પરંતુ ઇચ્છા એ રાજ્યનો પાયો છે.’

(2) ડર (fear) : ઘણા વિચારકો જણાવે છે કે આજ્ઞાપાલન શિક્ષાના ડરથી થાય છે. સત્તાધારી પાસે સત્તા હોઈ એની આજ્ઞાઓનું પાલન ન કરનારને તે શિક્ષા કરી શકે છે. ખાસ કરીને હૉબ્ઝ તથા ઑસ્ટિને રજૂ કરેલ વિચારમાંથી આ બાબત ફલિત થાય છે. આજ્ઞાધીનતાનું પ્રસ્તુત કારણ મહદ્અંશે વાજબી હોવા છતાં પણ તેને જ મુખ્ય કારણ ગણી શકાય નહીં.

(3) ટેવ (habit) : આજ્ઞાપાલનની વૃત્તિ મનુષ્યમાં રહેલી જ છે. બાળક સમજણો થતાં જ તે કુટુંબના સભ્યોની આજ્ઞા પાળે છે. અભ્યાસકાળ દરમિયાન આ ટેવ વિવિધ રીતે પોષાય છે. આમ આજ્ઞા પાળવાની ટેવ તેનામાં એટલી બધી રૂઢ થઈ જાય છે કે સાહજિક રીતે જ તે રાજ્યની આજ્ઞાઓનું પાલન કરે છે. એ રીતે સર હેનરી મેઈન આજ્ઞાધીનતા માટે ટેવને કારણભૂત ગણે છે.

(4) ઉપયોગિતા (utility) : મનુષ્ય જે આજ્ઞાનું પાલન કરે છે તેની પાછળની તેની ભાવના તપાસતાં જણાય છે કે તેમાં ઉપયોગિતાનો ભાવ મહત્વનો બની રહેતો હોય છે. જ્યારે રાજ્ય આજ્ઞા આપે છે ત્યારે તે આજ્ઞાનું પાલન ઉપયોગી થશે કે નહીં તે પ્રશ્ર્ન આજ્ઞાપાલકના મનમાં ઉપસ્થિત થાય છે. જ્યારે રાજ્યની અમુક આજ્ઞા નુકસાનકારક જણાય છે ત્યારે પ્રજા તેનો સખત વિરોધ કરે છે. આ વિરોધની ક્રિયા બતાવે છે કે રાજ્યની જે આજ્ઞાનો વિરોધ થયો તે પ્રજાને બિનઉપયોગી લાગી છે. બેન્થામે ઉપયોગિતાના સિદ્ધાંતને દરેક કાર્યના માપદંડ તરીકે રજૂ કર્યો છે. તેમના મંતવ્ય પ્રમાણે રાજ્ય કોઈ પણ કાર્ય કરે ત્યારે તે કેટલાક અંશે તે ઉપયોગી છે. તે વિચારવું જરૂરી છે. જો તે અત્યંત ઉપયોગી હશે તો વ્યાપક રીતે તેનો સ્વીકાર કરવામાં આવશે. આજ્ઞાધીનતાના સંદર્ભમાં પણ આ જ માપદંડ અપનાવવામાં આવે છે.

(5) ધાર્મિક માન્યતા (religious belief) : પ્રાચીન સમયમાં રાજા ઈશ્વરનો અવતાર છે – ઈશ્વરનો પ્રતિનિધિ છે  તેવો વિચાર પ્રવર્તતો હતો. તેથી તેની આજ્ઞાઓનું ચુસ્ત રીતે પાલન થતું હતું; કેમ કે, તેની આજ્ઞાનો ભંગ કરવો તે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા બરાબર ગણાતું હતું. આ પ્રમાણે ધાર્મિક માન્યતાને પણ આજ્ઞાધીનતાનું કારણ ગણવામાં આવે છે.

આ બધાં કારણો જુદા જુદા સમયે રજૂ થયાં છે અને એવું સ્વીકારવામાં આવ્યું છે કે મનુષ્ય આજ્ઞાઓનું પાલન સંજોગો પ્રમાણે કરે છે અને ઉપર જણાવેલ કોઈ પણ એક કે વધુ કારણો તેને આજ્ઞા પાળવા માટે પ્રેરે છે. તેમ છતાં પણ એમ કહી શકાય કે આજ્ઞાપાલન માટે ટેવ વધુ જવાબદાર છે. આજ્ઞા પાળવાની ટેવને લીધે જ ઘણી વખત વધુ વિચાર કર્યા સિવાય મોટાભાગના લોકો આજ્ઞાપાલન કરતા હોય છે.

સરમણ ઝાલા