રાગ વૈશાખી : બોયી ભિમન્ના કૃત તેલુગુ ભાષાનું કાવ્ય. તેની વિશેષતા એ છે કે તે પ્રેમપત્રો રૂપે લખાયેલું છે. તેલુગુ ભાષાનું એ એક લાક્ષણિક કાવ્ય ગણાય છે. તે સૌપ્રથમ 1966માં પ્રગટ થયું અને વાચકો આશ્ર્ચર્યમુગ્ધ બની ગયા, કારણ કે તેમાં પ્રણયના મનોભાવો – લાગણીઓનું સ્વેચ્છાચારી નિરૂપણ થયું હતું. કેટલાક વિવેચકોએ તો તેને બીભત્સ અને અશ્ર્લીલ પણ ગણાવ્યું હતું.
જોકે ભિમન્નાને મન પ્રણય એ સર્વોચ્ચ મનોભાવ હતો અને પોતાની વિચારધારા ‘રસાદ્વૈત’ના આધારે પ્રયોજી હતી. સ્ત્રીને તે કરુણા અને પ્રણયના મૂર્તિમંત સ્વરૂપ લેખે નિહાળે છે; તેના વિના ‘શૃંગાર’ શક્ય નથી અને ‘શૃંગાર’ વિના ‘રસ’ નથી અને ‘રસ’ વિના નથી ભાવજગત કે નથી જીવન.
પુસ્તકમાં 10 પ્રકરણો છે અને ‘શ્રાવણી’થી માંડીને ‘વૈશાખ’ સુધી તેનું ઋતુવાર ક્રમબદ્ધ આલેખન થયું છે. તેમનું ઋતુવર્ણન મનોહર છે અને પ્રણયભાવો રસપ્રદ છે. શૈલી સાદ્યન્ત ચિત્તાકર્ષક રહી છે.
મહેશ ચોકસી