રંગમંડળ (1939) : અમદાવાદમાં જાણીતા મરાઠી નાટ્યકાર મામા વરેરકરની પ્રેરણાથી એલિસબ્રિજ આરોગ્ય સમિતિ દ્વારા સ્થપાયેલી નાટ્યસંસ્થા. રંગમંડળ ગુજરાતમાં અવેતન રંગભૂમિની ઇમારતની પાયાની ઈંટ બન્યું, એમાં જાણીતા સામાજિક કાર્યકર હીરાલાલ ભગવતી પત્રકાર નીરુભાઈ દેસાઈ, લેખક ગિરીશ ભચેચ, નટ-દિગ્દર્શક ધનંજય ઠાકર અને અરુણ ઠાકોર વગેરે સંકળાયેલા હતા. તેઓએ શરૂઆતમાં એકાંકીઓ (‘સોયનું નાકું’, ‘મુકુંદરાય’, ‘એળે નહીં તો બેળે’, ‘પિયરનો પડોશી’ વગેરે), અનેકાંકીઓ (‘વસંતસેના’, ‘મૃચ્છકટિક’, ‘ચકરડાનું ચોરસ’ વગેરે) ભજવ્યાં. આ નાટ્યસંસ્થા જયંતી પટેલ જેવા અનેક નટો, દિગ્દર્શકો અને લેખકોનું પારણું બની રહી. આ સંસ્થાએ વાર્ષિક સભ્યો નોંધી વર્ષના બાર નાટ્યપ્રયોગોની રજૂઆતની યોજના સાથે ‘ડ્રૉઇંગ રૂમ-થિયેટર’નો વિચાર અમલમાં મૂક્યો હતો. આરોગ્ય સમિતિના મકાનમાં જ એક નાનું કામચલાઉ પ્રોસેનિયમ થિયેટર બાંધી નટ-દિગ્દર્શક રાજુ પટેલે અનેક વર્ષો સુધી નાટ્ય-પ્રસ્તુતિઓ કરી હતી. આ થિયેટર અત્યારે જયંતી દલાલના નામ સાથે સંકળાયેલું છે. સંસ્થા દ્વારા અનેક નૃત્યનાટિકાઓ પણ ભજવાઈ છે.

આ નાટ્યસંસ્થાને સમાંતર ચાલતી નટમંડળ, જવનિકા, નૅશનલ થિયેટર અને રૂપકસંઘ જેવી સંસ્થાઓએ અમદાવાદનો બે-ત્રણ દાયકાનો ગાળો નિયમિત અવેતન સંસ્થાના કામથી મહત્વનો બની રહે એ રીતની પ્રવૃત્તિઓ કરી. ગુજરાતી રંગભૂમિના અનેક મહારથીઓ આ સંસ્થામાં તાલીમ પામ્યા; એટલું જ નહિ, આ સંસ્થાઓએ પણ અનેક નાટ્યપ્રયોગો કર્યા, જેમાં નાટ્યતાલીમ અને નાટ્યસામયિકોના પ્રકાશનનો પણ સમાવેશ થાય છે.

હસમુખ બારાડી