રંગવિકાર (pleochroism) : ખનિજછેદોમાં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ. ખનિજછેદોની પરખ માટેના ગુણધર્મો પૈકી વિશ્લેષક-(analyser)ની અસર હેઠળ જોવા મળતી રંગફેરફારની પ્રકાશીય ઘટના. અમુક ખનિજોના છેદો સાદા ધ્રુવીભૂત પ્રકાશમાં જે કોઈ રંગ દર્શાવતા હોય તે સૂક્ષ્મદર્શકની પીઠિકાને ફેરવતા જઈને જોવામાં આવે ત્યારે રંગફેરફારની ઘટના બતાવે છે; જેમ કે, પીળો કથ્થાઈમાં, આછો લીલો ઘેરા લીલામાં કે બદામી આછા/ઘેરા કથ્થાઈમાં ફેરવાતો જાય છે. આ ઘટનાને રંગવિકાર અને ખનિજને રંગવિકારી ખનિજ કહે છે. શ્ર્વેત રંગનાં આપાતકિરણો પારગત પ્રકાશમાં જ્યારે ખનિજછેદમાંથી પસાર થાય છે ત્યારે અમુક તરંગલંબાઈનાં રંગકિરણોનું શોષણ થઈ જાય છે અને બાકીના રંગ દેખાતા હોય છે. રંગવિકારની આ પ્રકારની ઘટનાને કંપનદિશા(vibration direction)ના સંદર્ભમાં મૂલવવામાં આવે છે; જેમ કે હૉર્નબ્લેન્ડના અમુક છેદોમાં X = ભૂરો-લીલો, Y = પીળો-લીલો અને Z = લીલો-કથ્થાઈ રંગ રજૂ થાય છે. હૉર્નબ્લેન્ડ, બાયોટાઇટ, હાઇપરસ્થીન, ટુર્મેલિન, ઍન્ડેલ્યુસાઇટ જેવાં ખનિજો રંગવિકારી હોય છે. રંગવિકારની ઘટના જે તે ખનિજને પરખી આપવામાં સહાયભૂત નીવડે છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે સમદિગ્ધર્મી (isotropic) ખનિજો રંગવિકારી હોતાં નથી.

ગિરીશભાઈ પંડ્યા