રંગમંડપ : ગુજરાતનાં સોલંકીકાલીન મંદિરોમાં ગર્ભગૃહની સંમુખ કરાતો સ્તંભાવલિયુક્ત મંડપ. તેને ‘સભામંડપ’ને નામે પણ ઓળખવામાં આવે છે. મહામંદિરોમાં મંડપને ચારેય બાજુ પૂર્ણ દીવાલોથી આચ્છાદિત કરવામાં આવે ત્યારે તેને ‘ગૂઢમંડપ’ કહે છે. પ્રદક્ષિણાપથને અનુરૂપ, મંડપના તલમાન(ground plan)માં ત્રણે બાજુ વિસ્તાર કરવામાં આવે ત્યારે તેને ‘મહામંડપ’ કહે છે. તલમાનની દૃષ્ટિએ મંડપની દીવાલ પર ‘ભદ્ર’ અને ‘પ્રતિરથ’ નામના નિર્ગમિત ભાગો કરવાને કારણે તારાકાર રચાય છે. આમાં જ્યાં કેવળ ભદ્ર નિર્ગમ રચાયો હોય તેવા મંડપને ‘એકનાસિક’ કે ‘એકરથ’ અને ભદ્ર ઉપરાંત પ્રતિરથ નિર્ગમની રચના હોય તો તેને ‘ત્રિનાસિક’ કે ‘ત્રિરથ’ પ્રકારના કહેવામાં આવે છે. હરસિદ્ધ માતા (મિયાણી), રુદ્રમાળ (સિદ્ધપુર), વિમલવસહિ અને લૂણવસહિ (આબુ) વગેરે મંદિરો એકનાસિક પ્રકારનાં છે, જ્યારે સૂર્યમંદિર (મોઢેરા), અજિતનાથ મંદિર (તારંગા), નવલખા મંદિર (સેજકપુર) વગેરે ત્રિનાસિક પ્રકારના મંડપો ધરાવે છે.

મંડપની રચના ગર્ભગૃહની પહોળાઈને અનુરૂપ સાધારણ રીતે પોણા બે કે બેગણી વધારે રાખવામાં આવતી. ‘અપરાજિત પૃચ્છા’ જેવા તત્કાલીન વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં મંડપ અને ગર્ભગૃહના તલમાનનું પ્રમાણ 1 : 1, 3 : 3, 7 : 4, 3 : 2, 2 : 1, 9 : 4 અને 5 : 2નું અપાયું છે. સોલંકીકાલનાં મંદિરોમાં આ બધાં પ્રમાણો પ્રયોજાયાં હોવાનું પ્રતીત થાય છે; જેમ કે, નવલખામંદિર(સેજકપુર)માં 3 : 2, હરસિદ્ધ મંદિર(મિયાણી)માં 2 : 1 અને મુનસર(વીરમગામ)માં 9 : 4નું પ્રમાણ પ્રયોજાયું છે.

મંડપના ઊર્ધ્વદર્શન(elevation)માં પીઠ પર ઉભડક અંગો આવેલાં છે. તેમાં ભિત્તિ, સ્તંભ, તોરણ કે કમાન, પાટ, સંવરણા, સામરણ કે વિતાન અને ચંદ્રાવલોકન કે ઝરૂખા તેમ જ કક્ષાસન નોંધપાત્ર છે. કેટલાંક મહામંદિરોના મંડપના છેડા પરની સ્તંભાવલિ તથા પ્રદક્ષિણાપથની ધાર પર આવેલી ચોતરફની સ્તંભાવલિ પર કક્ષાસન અને વેદિકા(ટેકાવાળી બેઠક)ની રચના જોવા મળે છે. આવી વેદિકાઓ પર નાના કદના ‘વામન-સ્તંભો’ની રચના દૃષ્ટિગોચર થાય છે. મોઢેરાનું સૂર્યમંદિર આનું ઉત્તમ દૃષ્ટાંત છે.

ગૂઢમંડપમાં અંદરની બાજુએ દીવાલો સાથે સંલગ્ન અર્ધમૂર્ત (ભીંતા) સ્તંભો અને મધ્યમાં છૂટા સ્તંભોની રચના હોય છે. રંગમંડપ ચારેય બાજુથી ખુલ્લો હોઈ તેની માંડણી સ્તંભો પર આધારિત હોય છે. મંડપના કેન્દ્રસ્થ અષ્ટકોણાકાર પર વિશાળ અર્ધગોળાકાર ઘૂમટની રચના કરાય છે. આ ઘૂમટની મધ્યમાં ઊંધી પદ્મશિલા મૂકવામાં આવે છે. તેથી ઘૂમટની મનોહારિતામાં ભારે વધારો થાય છે. ઘૂમટને બહારથી સાદા અથવા ક્યારેક દાદરી કે પિરામિડ ઘાટનાં ‘સંવરણા’ કે ‘સામરણ’થી સજાવવામાં આવે છે.

સોલંકીકાલ અને તે પછી આ શૈલીએ બંધાયેલાં દ્વારકા, સોમનાથ, શત્રુંજય, અમદાવાદ, ડાકોર, અંબાજી વગેરે મોટાભાગનાં મહામંદિરોમાં આ રચના નજરે પડે છે.

પ્રવીણચંદ્ર પરીખ