ઇલેક્ટ્રમ : ઈસવી સન પૂર્વેના સમયમાં સિક્કા પાડવા માટે સૌપ્રથમ વપરાયેલી સુવર્ણની મિશ્ર ધાતુ. એશિયા માઇનોરમાં આ મિશ્ર ધાતુ મળી આવતી. તેથી કુદરતી રીતે મળતા અનિયમિત આકારના તેના ટુકડાઓ ઉપર છાપ (seal) મારીને ઈ. સ. પૂ. સાતમી સદીમાં લિડિયામાં સૌપ્રથમ સિક્કાઓ ચલણમાં મૂકવામાં આવ્યા હતા. કુદરતી રીતે મળતી આ મિશ્ર ધાતુનું સંઘટન (composition) સ્થળ પ્રમાણે બદલાતું. સામાન્ય રીતે સુવર્ણ અને ચાંદી ઉપરાંત તાંબું, લોહ, પેલેડિયમ, બિસ્મથ વગેરે અશુદ્ધિઓ તેમાં ભળેલી હોય છે. તૈયાર કરેલ ઇલેક્ટ્રમમાં ચાંદીની લઘુતમ માત્રા ગ્રીક તત્વવેત્તા પ્લિનીએ 20 ટકા નક્કી કરી હતી. શરૂઆતમાં ગ્રીકોએ પણ આ મિશ્ર ધાતુ પદ્ધતિ અપનાવી હતી, પણ પાછળથી ચોક્કસ પ્રમાણ અનુસાર બનાવેલ મિશ્ર ધાતુ ઉપયોગમાં લેવામાં આવતી.
જયંતિલાલ જટાશંકર ત્રિવેદી