ઇલેક્ટ્રા (ઈ. સ. પૂ. 413) : ગ્રીક કરુણાંત નાટક. અગ્રિમ ગ્રીક નાટ્યકાર યુરિપિડિસે જટિલ માનસશાસ્ત્રીય ભૂમિકાએ વૈરપ્રદીપ્ત નારીના માનસનું સૂક્ષ્મ આલેખન કર્યું છે. ઇલેક્ટ્રાના પાત્રને કેન્દ્રમાં રાખીને ઇસ્કિલસ અને સોફોકલિસે પણ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. યુરિપિડિસે ઇસ્કિલસની જેમ નાટકમાં કાર્યવેગને મહત્વ ન આપતાં સોફોકલિસની જેમ પાત્રાલેખનને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ઇલેક્ટ્રા એગામેમ્નનની દીકરી છે. એગામેમ્નન 10 વર્ષ સુધી ટ્રૉયના યુદ્ધમાં ગ્રીક સૈન્યના મહાસેનાની તરીકે ટ્રોજનો સામે યુદ્ધરત રહ્યો. આ દરમિયાન એગામેમ્નનની પત્ની ક્લાઇટેમ્નેસ્ટ્રા એજિસ્થસ સાથે શૈયાસુખ માણે છે, એટલું જ નહિ પણ પતિ એગામેમ્નન યુદ્ધમાંથી પાછો ફરે છે ત્યારે છળથી તેની હત્યા પોતાને હાથે કરી એજિસ્થસ સાથે લગ્ન કરે છે. માતા ક્લાઇટેમ્નેસ્ટ્રાના ઘાતકી પાપકૃત્યની ઇલેક્ટ્રા મૂક સાક્ષી ન રહેતાં ભાઈ ઓરેસ્ટિસને આ નિર્ઘૃણ હત્યાનો બદલો લેવા ઉશ્કેરે છે.

ઇલેક્ટ્રાના પાત્રમાં એટ્રિયસના શાપિત ગૃહનો ભયાવહ ઓળો તીવ્રતાથી ઝઝૂમતો રહી ઇલેક્ટ્રાના સમગ્ર આંતરતંત્રને છિન્નભિન્ન કરી નાખે છે. અહીં દૈવ નિર્ણાયક બળ ન રહેતાં વ્યક્તિ સ્વયં પોતાના અંતનું નિર્માણ કરે છે. ઇલેક્ટ્રા અને તેનો ભાઈ ઓરેસ્ટિસ આધિભૌતિક તત્વોથી પ્રેરિત નહિ પણ પોતાની અદમ્ય વૃત્તિઓના આવેશનો ભોગ બને છે. ઇસ્કિલસમાં નિયતિ અને આધિભૌતિક તત્વો નિર્ણાયક ભૂમિકા ભજવે છે જ્યારે યુરિપિડિસમાં વ્યક્તિ જ પોતાના વિનિપાતનું કારણ બને છે. ઇલેક્ટ્રાનું અસંતુલિત ચિત્ત વૈરપ્રદીપ્ત આવેશનું પરિણામ છે તે ખરું, પણ તેનો અહં ઘવાયો છે. તેની માતા ક્લાઇટેમ્નેસ્ટ્રાએ તેને નિમ્ન કુળમાં ગરીબ ખેડૂત સાથે પરણાવી છે. સૌંદર્યવતી માતાનાં સુખ, સમૃદ્ધિ અને સત્તા તરછોડાયેલી દીકરી ઇલેક્ટ્રાની ઈર્ષ્યાનું કારણ બને છે. આની સામે ઓરેસ્ટિસના પાત્રમાં તીવ્ર આત્મમંથન જોવા મળે છે. માતા પ્રત્યેનો પ્રેમ અને કુટિલ પતિઘાતક માતાના કામાચાર પ્રત્યેનો રોષ તે અનુભવે છે. ક્લાઇટેમ્નેસ્ટ્રા અને એજિસ્થસ બંનેની હત્યા કર્યા પછી ઇલેક્ટ્રા અને ઓરેસ્ટિસ પાપના પશ્ચાત્તાપમાં તવાતાં તવાતાં અસંખ્ય રઝળપાટને અંતે દૈવકૃપાથી મુક્તિ પામે છે.

નલિન રાવળ