મુખસંવૃતતા, તંતુમય (submucosal fibrosis) : મોઢાની અંદરની દીવાલની અક્કડતાને કારણે મોઢું ન ખોલી શકવાનો વિકાર. પાન-સોપારી-તમાકુ તથા તમાકુ-મસાલા (માવો) કે ગુટકા ખાનારાઓમાં ઘણી વખત આ વિકાર ઉદભવે છે. તેથી વ્યક્તિ પોતાનું મોઢું પૂરેપૂરું ખોલી શકતી નથી. ભારતમાં થતા મોઢાના કૅન્સરથી પીડાતા આશરે 30 %થી 50 % દર્દીઓમાં તે જોવા મળે છે. સૂક્ષ્મદર્શક સાધન વડે તપાસતાં જોવા મળે છે કે શરૂઆતમાં ગલોફામાં પ્રવાહી ભરેલી પોટલીઓ જેવી સજલ પુટિકાઓ (vesicles) થાય છે અથવા તંતુમય પટ્ટા ઉદભવે છે. ઘણી વખતે તે હોઠની પાછળની દીવાલ પર હોય છે અને તે ભાગ ગાઢા રંગનો થયેલો હોય છે. પાછળથી મોંની અંદરની દીવાલ અક્કડ બને છે અને મોં પૂરેપૂરું ખૂલતું નથી. મોંમાંની શ્લેષ્મકલા (mucosa) સામાન્ય પ્રકારની કે ક્ષીણતા(atrophy)વાળી થાય છે. શ્લેષ્મકલાની સપાટી પરના કોષોના સ્તરને અધિચ્છદ (epithelium) કહે છે. તેની નીચે અવઅધિચ્છદીય પેશી (subepithelial tissue) આવેલી છે. તેમાં પટ્ટા જેવી પેશી વિકસે છે. તેને અવઅધિચ્છદીય ઈયોસિનરાગી પટ્ટ (subepithelial eosinophilic band) કહે છે. તે અધિચ્છદની બરાબર નીચે હોય છે. અધિચ્છદની નજીકની સંયોજી પેશી(connective tissue)ને અધિચ્છદસમીપી (juxta-epithelial) સંયોજી પેશી કહે છે. તે અપરૂપી (amorphous) અને ગંડિકામય હોય છે. અધિચ્છદની નીચે થતા આવા ફેરફારોને અવશ્લેષ્મીય તંતુતા (submucosal fibrosis) કહે છે. તેને કારણે ગલોફાની દીવાલ અક્કડ બને છે અને મોઢું પૂરેપૂરું ખૂલતું નથી. મોઢું ખોલવા માટે મોઢાની કસરત કરવાનું સૂચવાય છે. મોઢું પૂરતું ખૂલતું ન હોવાથી મોઢાની સફાઈ બરાબર થઈ શકતી નથી તથા દર્દીને ઘન પદાર્થ ખાવામાં પણ મુશ્કેલી પડે છે. મુખસંવૃતતાવાળા દર્દીને મોઢામાં કૅન્સર કે કોઈ અન્ય રોગ થાય તો તેના નિદાન તથા સારવારમાં પણ મુશ્કેલી પડે છે.
શિલીન નં. શુક્લ
મનોજ શં. ટાંક