મુખરજી, વિનોદવિહારી (જ. 7 ફેબ્રુઆરી 1904, બેહલા, પશ્ચિમ બંગાળ; અ. 11 નવેમ્બર 1980, દિલ્હી) : બંગાળ શૈલીના કલાકાર. બંગાળી કુટુંબમાં જન્મ અને ઉછેર. બચપણ બીમારીઓમાં વીત્યું. 1917માં શાંતિનિકેતન આવ્યા અને 1919માં અહીં કલાનો અભ્યાસ શરૂ કર્યો; થોડા જ વખતમાં કલા ગુરુ નંદલાલ બોઝના પટ્ટશિષ્ય બની શક્યા. અભ્યાસ પૂરો કર્યા પછી 1925થી શાંતિનિકેતનમાં અધ્યાપન કર્યું. 1937–38માં તેમણે જાપાનયાત્રા કરી અને ત્યાંના સેસ્સુ તથા સોતાત્સુ નામના બે ચિત્રકારોની શૈલીનો પ્રભાવ ઝીલ્યો. 1949માં શાંતિનિકેતનમાંથી નિવૃત્તિ મેળવી નેપાળ ગયા અને નેપાળ સરકારના શિક્ષણવિભાગના સલાહકાર તરીકે તથા નેપાળના રાષ્ટ્રીય સંગ્રહાલયના વડા અધિકારી તરીકે એમ બેવડી જવાબદારી સંભાળી. 1952માં ભારત પાછા ફરી રાજસ્થાનની વનસ્થળી વિદ્યાપીઠમાં અધ્યાપન કર્યું. 1953માં તે ઉત્તર પ્રદેશમાં મસૂરી જઈ વસ્યા અને કલાશાળા તથા બાલવિદ્યાલયની સ્થાપના કરી. 1954માં તે પટણાની કલાશાળાના અધ્યક્ષ બન્યા. તેમની આંખો નબળી પડતી ગઈ અને 1956માં શસ્ત્રક્રિયા કરાવ્યા પછી તેમની બંને આંખે દેખાતું બંધ થયું. 1958થી 1970 દરમિયાન તેમણે શાંતિનિકેતનમાં સૌંદર્યશાસ્ત્ર તથા કલાના અન્ય સિદ્ધાંતોનું અધ્યાપન કર્યું. 1970માં લલિતકલા અકાદમીના ફેલો ચૂંટાયા. 1972માં ‘આધુનિક શિલ્પશિક્ષા’ તથા 1981માં (મરણોત્તર) ‘ચિત્રકાર’ નામનાં તેમનાં બે પુસ્તકોનું પ્રકાશન થયું. તેમનાં આ બે કલાવિષયક પુસ્તકો અને અન્ય લખાણો ભારતીય કલાના સંદર્ભમાં ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે.

જળરંગો, ટેમ્પરા તથા ભીંતચિત્રો વિનોદવિહારીની કલાનાં મુખ્ય માધ્યમો છે. ચીની નિસર્ગચિત્રો તથા જાપાની કલાનો અને જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રોનો નંદલાલ બોઝની કલા પર ઊંડો પ્રભાવ છે. 1923થી ભીંતચિત્રો તેમની અભિવ્યક્તિનું મુખ્ય અંગ છે. શાંતિનિકેતનના કલાભવનના છાત્રાલયની છતો પર કરેલાં ભીંતચિત્રો (1940 અને 1942) તથા શાંતિનિકેતનના હિંદીભવન પરનું ‘હિંદી સંતો’ નામનું ભીંતચિત્ર તેમની કલાના (1947) શ્રેષ્ઠ નમૂના લેખાય છે.

જળરંગો અને ટેમ્પરા ચિત્રોનાં તેમનાં વૈયક્તિક પ્રદર્શનો કૉલકાતા, મુંબઈ, મસૂરી અને ટોકિયોમાં યોજાયેલ છે. નવી દિલ્હીની ‘નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ’ તથા શાંતિનિકેતનમાં તેમનાં ચિત્રો કાયમી સ્થાન પામ્યાં છે.

અમિતાભ મડિયા