મુખરજી, શારદા (જ. 24 ફેબ્રુઆરી 1919, મુંબઈ;) : સામાજિક કાર્યકર, લોકસભાનાં પૂર્વ સદસ્ય તથા ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલ. પિતા પ્રતાપ સીતારામ પંડિત, માતાનું નામ સરસ્વતી. તેમનો પરિવાર વર્ષો સુધી સૌરાષ્ટ્રના રાજકોટ નગરમાં વસવાટ કરતો હતો.

શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી અને ત્યારબાદ કાયદાશાસ્ત્રની કૉલેજમાં દાખલ થયાં. ભારતીય હવાઈ દળના અધિકારી સુબ્રતો મુખરજી સાથે વિવાહ. 1955–75 દરમિયાન ભારતનાં સશસ્ત્ર દળોની મહિલા કલ્યાણ સમિતિનાં પ્રમુખ રહ્યાં. ભારતીય હવાઈ દળમાં એર ચીફ માર્શલનો હોદ્દો ધરાવનારા એમના પતિનું 1961માં ટૉકિયો ખાતે શાહી ભોજન-સમારંભમાં આકસ્મિક અવસાન થતાં તેઓ કૉંગ્રેસ પક્ષમાં જોડાયાં અને મહારાષ્ટ્રના રત્નાગિરી મતદાર મંડળમાંથી લોકસભા માટે ચૂંટાયાં (1962–67). 1967માં તે જ મતદાર મંડળમાંથી ફરી વાર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભા માટે ચૂંટાયાં (1967–71); પરંતુ 1971ની સામાન્ય ચૂંટણીમાં તેમનો પરાજય થયો. 1977–78 દરમિયાન આંધ્રપ્રદેશના રાજ્યપાલ અને 1978–83 દરમિયાન ગુજરાતનાં રાજ્યપાલ તરીકે સેવાઓ આપી. બંને રાજ્યોમાં પ્રથમ મહિલા રાજ્યપાલ અને કુશળ વહીવટ માટે તેમણે ખૂબ લોકપ્રિયતા સંપાદન કરી.

શારદા મુખરજી

લોકસભાના સભ્યપદે હતાં ત્યારે પશ્ચિમ જર્મની, ઇંગ્લૅન્ડ અને સેનેગલમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળના નેતા તરીકે મુલાકાતો લીધી. તેમણે નૅશનલ શિપિંગ બૉર્ડ, રાષ્ટ્રીય નાની બચત યોજનાના સલાહકાર મંડળ તથા ભારતીય હવાઈ દળની કલ્યાણ સમિતિની કારોબારીનાં સદસ્ય તરીકે તેમજ ‘ચેતના’નાં પ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે