મુખરજી, આશુતોષ, સર (જ. 29 જૂન 1864, કૉલકાતા; અ. 25 મે 1924, કૉલકાતા) : અગ્રણી કેળવણીકાર, કૉલકાતાની વડી અદાલતના ન્યાયમૂર્તિ અને કેન્દ્રની ધારાસમિતિના સભ્ય. આશુતોષનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગંગાપ્રસાદ ડૉક્ટરનો વ્યવસાય કરતા અને વૈદકીય સાહિત્ય વિશે પ્રાદેશિક ભાષામાં લખતા હતા. સાઉથ સબર્બન સ્કૂલમાં અભ્યાસ કરીને 1879માં તેમણે પ્રવેશ-પરીક્ષા પસાર કરી. પ્રેસિડન્સી કૉલેજમાંથી 1884માં ગણિતશાસ્ત્ર સાથે આશુતોષ બી.એ.માં પ્રથમ આવ્યા અને 1886માં એમ.એ. થયા. 1888માં તેઓ બી.એલ. થઈને વકીલ બન્યા. વિદ્યાર્થીજીવન દરમિયાન દેશનેતા સુરેન્દ્રનાથ બૅનરજીને થયેલી કેદની સજાના વિરોધમાં થયેલા દેખાવોમાં રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને તેમણે આગેવાની લીધી હતી.

સર આશુતોષ મુખરજી

તેઓ હિંદુ પરંપરાઓમાં માનતા હતા; તે સાથે અસ્પૃશ્યતાનિવારણ અને સામાજિક સુધારાઓના પુરસ્કર્તા પણ હતા. પાશ્ચાત્ય સંસ્કૃતિનો સ્વીકાર કરવા સહિત આપણા મહાન વારસાને જાળવી રાખવાનો તેઓ વિદ્યાર્થીઓને બોધ આપતા હતા. રૂઢિચુસ્તોના વિરોધ વચ્ચે પણ 1908માં પોતાની બાળવિધવા દીકરીનાં પુનર્લગ્ન તેમણે કરાવ્યાં હતાં. પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓ હોવા છતાં દેશભક્તિ અને રાષ્ટ્રીયતા તેમનાં મુખ્ય પ્રેરક પરિબળો હતાં. પોતાને બઢતીમાં અન્યાય થવાથી, પ્રારંભિક કારકિર્દીમાં તેમણે શિક્ષણખાતાની નોકરી છોડી દીધી હતી. 1906માં સ્વદેશી ચળવળ ચાલતી હતી ત્યારે કલકત્તા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે પૂર્વબંગાળના લેફ્ટેનન્ટ ગવર્નરે સૂચવવા છતાં, વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

કૉલકાતાની યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડિકેટમાં 1889માં તેઓ ચૂંટાયા. 1891માં તેમાં રજૂઆત કરી કે બી.એ. અને એમ.એ.ના અભ્યાસક્રમોમાં બંગાળી, હિંદી, ઉર્દૂ વગેરે ભારતીય ભાષાઓનો સમાવેશ કરવો જોઈએ. લૉર્ડ કર્ઝનના ઇન્ડિયન યુનિવર્સિટિઝ ઍક્ટનો 1904માં તેમણે વિરોધ કર્યો હતો. તેમને 1906માં કલકત્તા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે નીમવામાં આવ્યા. આ હોદ્દો તેમણે 1914 સુધી સંભાળ્યો. આ સમય દરમિયાન તેમણે આ યુનિવર્સિટીને માત્ર પરીક્ષા લેનાર સંસ્થામાંથી શિક્ષણ આપતી સંસ્થા બનાવી. તેમાં નવા વિષયો શરૂ કર્યા. અનુસ્નાતક-કક્ષાએ તેમણે સંશોધનને મહત્ત્વ આપ્યું. ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓને વિજ્ઞાનની વિવિધ શાખાઓની તાલીમ માટે પરદેશ મોકલવાની વ્યવસ્થા કરી. તેમણે ઔષધશાસ્ત્ર, કાયદો વગેરેના શિક્ષણમાં સુધારા કર્યા તથા પુસ્તકાલયો સમૃદ્ધ બનાવ્યાં. ફરી વાર 1921માં વાઇસ-ચાન્સેલર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. આ વખતે તેમણે અનુસ્નાતક-કક્ષાએ આધુનિક ભારતીય ભાષાઓનો અભ્યાસક્રમ શરૂ કર્યો. યુનિવર્સિટીની સ્વાયત્તતા કચડી નાખવાના સરકારના પ્રયાસના વિરોધમાં 1923માં તેમણે વાઇસ-ચાન્સેલરના હોદ્દાનું રાજીનામું આપી દીધું. તેઓ કૉલકાતાની વડી અદાલતમાં વીસ વર્ષ સુધી ન્યાયમૂર્તિ પણ રહ્યા હતા. આ દરમિયાનના તેમના ચુકાદા તેમની વિદ્વત્તા અને સ્વતંત્રતા માટેનો તેમનો સદભાવ દર્શાવે છે. 1899થી 1903 દરમિયાન બંગાળ લેજિસ્લેટિવ કાઉન્સિલ તથા ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના તેઓ સભ્ય રહ્યા હતા.

તે સમયે દેશના વિદ્યાક્ષેત્રમાં તેમનું સ્થાન ઘણું ઊંચું હતું. તેમણે કેટલાંક વર્ષ કૉલકાતાની એશિયાટિક સોસાયટીના પ્રમુખ તરીકે, લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીના સભ્ય તરીકે, પૅરિસની મૅથેમૅટિકલ સોસાયટીના સભ્ય તરીકે તેમજ ઇન્ડિયન મ્યુઝિયમના બૉર્ડ ઑવ્ ટ્રસ્ટીઝના અધ્યક્ષ, ઇમ્પીરિયલ (હવે નૅશનલ) લાઇબ્રેરીના તથા સંસ્કૃત ઍસોસિયેશનના અધ્યક્ષ તરીકે કીમતી સેવાઓ આપી છે. તેમની શ્રેષ્ઠ સેવાની કદર કરીને તેમને અનેક માનસન્માનો મળ્યાં હતાં, જેમ કે ‘નાઇટ’ (‘સર’નો ઇલકાબ) અને સી. એસ. આઇ. (Companion of the Order of the Star of India)ના ઇલકાબ, લંડન અને પૅરિસની એશિયાટિક સોસાયટીની ફેલોશિપ, સંસ્કૃત સોસાયટી તરફથી ‘સરસ્વતી’, બુદ્ધિસ્ટ સંઘ ઑવ્ ઇન્ડિયા તરફથી ‘સમબુદ્ધગમચક્રવર્તી’ વગેરે સન્માનો. વડી અદાલતના ચુકાદાઓ, યુનિવર્સિટીઓ તથા અન્ય શિક્ષણ-સંસ્થાઓમાં અભ્યાસપૂર્ણ સંબોધનો તથા જર્નલોમાં વિદ્વત્તાપૂર્ણ લેખોના પ્રદાન ઉપરાંત તેમણે ‘જ્યૉમેટ્રી ઑવ્ કૉનિક્સ’ (1892), ‘લૉ ઑવ્ પરપેચ્યુઇટિઝ’ (1899), ‘ઍરિથમૅટિક ફૉર સ્કૂલ્સ’ (1901) અને બંગાળીમાં ‘જાતીય સાહિત્ય’ નામના ગ્રંથો આપ્યા છે.

જયકુમાર ર. શુક્લ