મુકબિલ તિલંગી (શાસનકાળ ઈ. સ. 1339થી 1345) : ગુજરાતનો નાઝિમ (સૂબો). દિલ્હીના સુલતાન મહંમદશાહ તુગલુકે ઈ. સ. 1339(હિજરી સંવત 740)માં ગુજરાતના નાઝિમ તરીકે મલેક મુકબિલ તિલંગીને વહીવટ સોંપ્યો હતો.
મુકબિલ તિલંગી જન્મે હિન્દુ હતો. પરંતુ ઇસ્લામના સિદ્ધાંતો અને શાસકધર્મના પ્રભાવ તળે તેણે ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. તે હલકી જાતિનો હતો, જેથી દિલ્હીના બાદશાહે તેને ગુજરાતનો સૂબો બનાવ્યો ત્યારે અનેક અમીરઉમરાવો નારાજ થયા હતા. તેનું મૂળ નામ ‘કન્નુ’ હતું. મુસ્લિમ બન્યા પછી મુકબિલ-ઉલ-તિલંગી નામ ધારણ કર્યું અને બાદશાહે તેને ‘ખાને જહાન નાયબ બખ્ત્યાર’નો ખિતાબ એનાયત કર્યો.
મુકબિલ તિલંગીના શાસનકાળમાં ગુજરાતમાં થયેલ બળવો તેના સમયનો નોંધપાત્ર બનાવ હતો. ખંભાતનો હાકેમ ઇબ્નુલ કોલમી દિલ્હીના બાદશાહને કીમતી ભેટો મોકલતો. તેથી બાદશાહ તેનાથી પ્રસન્ન રહેતા. પરિણામે તે ઉદ્દંડ બનતો ગયો. તેણે ગુજરાતના સૂબા મુકબિલ તિલંગીને મહેસૂલ અંગે જવાબ આપવાનું બંધ કર્યું. મુકબિલે તેની પાસે જ્યારે મહેસૂલની ઉઘરાણી કરી ત્યારે ઇબ્નુલ કોલમીએ તે આપવાનો ઇન્કાર કરી, સંદેશો મોકલ્યો કે ‘હું પોતે મહેસૂલની રકમ દિલ્હી પહોંચાડી દઈશ’. આ જવાબ ગુજરાતના સૂબા મુકબિલ તિલંગીને અપમાનજનક લાગ્યો. તેણે વજીરે ખાન જહાનને દિલ્હીમાં ફરિયાદ કરી. વજીરે ખાન જહાને તો મલેક મુક્બિલને સામે ઠપકો આપ્યો, ‘તમે મહેસૂલ ઉઘરાવી શકવા માટે પણ લાયક નથી.’
આથી મુકબિલ તિલંગી ક્રોધે ભરાયો અને તેણે ઇબ્નુલ કોલમી પર આક્રમણ કર્યું અને તેને હરાવ્યો. ઇબ્નુલ કોલમી ખંભાતમાં સંતાઈ ગયો. અંતે આ ઝઘડાનો નિકાલ કરવા દિલ્હીના બાદશાહે પોતાના સાળા મલેક હુકમાને ગુજરાત મોકલ્યો. પણ તે આ ઝઘડાનો નિકાલ આણે તે પહેલાં દખ્ખણ તથા ગુજરાત સિવાયના પ્રદેશોમાં બળવો ફાટી નીકળ્યો. ગુજરાતમાં પણ બળવા પહેલાંની શાંતિ પ્રવર્તતી હતી.
દિલ્હીના સુલતાને ગુજરાતમાં બળવો ન થાય તે માટે મુકબિલ તિલંગીને સતેજ કર્યો. આમ છતાં ગુજરાતમાં પણ બળવો ફાટી નીકળ્યો.
પરદેશી અમીરોના વધની વાતની ડભોઈ અને વડોદરાના અમીરોને ખબર પડતાં એમણે ગુજરાતમાં બળવાની શરૂઆત કરી; જ્યાં જ્યાં આ જાતના અમીરો હતા તે બધા બળવામાં જોડાયા. મલિક મુકબિલ જે આ સમયે ગુજરાતનો સૂબો હતો, તે દેશનું મહેસૂલ અને બાદશાહી ઉપયોગને માટે ઘોડા લઈ વડોદરાને રસ્તે દિલ્હી જઈ રહ્યો હતો. તેના રક્ષણ નીચે કેટલાક વેપારીઓ પણ માલ સાથે જતા હતા. અમીરોએ હુમલો કરી મલિક મુકબિલ પાસેથી ખજાનો અને ઘોડા લૂંટી લીધા, અને વેપારીઓનો માલ પણ લૂંટી લીધો. મલિક મુકબિલ પાટણ પાછો ફર્યો. અમીરોને આ લૂંટનું દ્રવ્ય મળવાથી જોર આવ્યું અને એમણે લશ્કર ભેગું કરી મોટા બળવાની તૈયારી કરી, ખંભાત તરફ કૂચ કરી. આ બળવાના સમાચાર આખા ગુજરાતમાં પ્રસરતાં ખળભળાટ મચી ગયો, અને ગુજરાતભરમાં ગભરાટ અને અવ્યવસ્થા પ્રસરી ગયાં.
હિજરી સન 745ના રમઝાન માસ(ફેબ્રુઆરી, 1345)માં બાદશાહ મહંમદ તુગલુકને મુકબિલ લૂંટાયાની જાણ થઈ. તેમણે લાવલશ્કર સાથે ગુજરાત તરફ કૂચ કરી. પણ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું. ગુજરાતનો સૂબો મુકબિલ-ઉલ-તિલંગી ઈ. સ. 1345ના જાન્યુઆરીની 31મી તારીખે બળવામાં માર્યો ગયો હતો.
મહેબૂબ દેસાઈ