મીડિયા : ઉત્તર ઈરાનમાં આવેલ પ્રાચીન દેશ. વાયવ્ય ઈરાનમાં આઝરબૈજાન, કુર્દિસ્તાન પ્રાંતો આવેલા છે. ત્યાં મીડીઝ લોકો રહેતા હતા. મીડીઝ લોકો ઇન્ડો-યુરોપિયન હતા. તેઓ ઈ. સ. પૂ. 1200 પછી ઈરાનમાં પ્રવેશ્યા હતા. તે વખતે તેઓ અસિરિયન રાજાઓની સત્તા હેઠળ હતા. અસિરિયન રાજા શાલમનસેર ત્રીજાએ મીડિયા પર ઈ. સ. પૂ. 836માં આક્રમણ કર્યું, ત્યારથી મીડીઝ લોકોનો ઇતિહાસ મળે છે. તે પછી અસિરિયનોએ મીડિયા પર અનેક આક્રમણો કર્યાં હતાં. સાયેક્સેરીઝના સમયમાં મીડીઝ સત્તા તેની પરાકાષ્ઠાએ પહોંચી. તેણે ઈ. સ. પૂ. 625થી 585 પર્યંત રાજ્ય કર્યું. સાયેક્સેરીઝે અસિરિયા પર આક્રમણ કરી નિનેવાનો નાશ કરી તે બધા પ્રદેશ પર વિજય મેળવ્યો. તેણે સ્થાપેલા વિશાળ સામ્રાજ્યમાં હાલના તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પ્રદેશોનો સમાવેશ થતો હતો. તેણે મીડીઝ લોકોની જાતિઓને સંયુક્ત કરી. તેણે એકબટાનામાં રાજધાની રાખીને વિશાળ સામ્રાજ્ય પર સત્તા ભોગવી. સાયેક્સેરીઝનો પુત્ર ઍસ્ટાયેજીઝ છેલ્લો મીડિયન રાજા હતો. તેને ઈરાનના મહાન સાયરસે આશરે ઈ. સ. પૂ. 550માં હરાવ્યો. સાયરસે મીડિયાને ઈરાની સામ્રાજ્યનો એક પ્રાંત બનાવી દીધો. ઈ. સ. પૂ. 330માં સિકંદરે મીડિયા કબજે કરીને ત્યાં ક્ષત્રપ (સૂબો) નીમ્યો હતો.

રસેશ જમીનદાર