મિશેલ, આર્થર (જ. 27 માર્ચ 1934, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના અશ્વેત નર્તક, નૃત્યનિયોજક અને નિર્દેશક. તેમણે સ્કૂલ ઑવ્ અમેરિકન બૅલેમાં તાલીમ લીધી હતી. 1956માં તેઓ ન્યૂયૉર્ક સિટી બૅલેમાં જોડાયા. 1959માં તેઓ એ મંડળીના મુખ્ય નર્તક બની રહ્યા. અમેરિકાની એક મહત્વની બૅલે કંપનીમાં આવું સન્માન – આવો હોદ્દો મેળવનાર તેઓ સર્વપ્રથમ અશ્વેત વ્યક્તિ હતા અને એ રીતે તેઓ આંતરરાષ્ટ્રીય નામના પામ્યા હતા. આ વર્ષો (1956–’71) દરમિયાન તેઓ જ્યૉર્જ બૅલનચીનની બૅલે-રજૂઆતો(‘ઍગોન’, 1957; ‘એ મિડસમરનાઇટ્સ ડ્રીમ’, 1962)માં નર્તક તરીકે ભાગ લેતા રહ્યા. આ ઉપરાંત તેમણે પોતાના નૃત્યનિયોજનવાળી જાઝ તથા માનવવંશની કથાને લગતી બૅલે રચના ‘રિધમેટ્રૉન’ પણ પ્રસ્તુત કરી; તેમાં ક્રિયાકાંડ તથા જાઝમાં પ્રચલિત બનેલી પદાવલિઓ (steps) પ્રશિષ્ટ શૈલીના બૅલેમાં ગૂંથીને નવું પ્રસ્થાન કર્યું.
મિશેલને પોતાનું આગવું નર્તકજૂથ કે મંડળી સ્થાપવાનું એક સપનું હતું, જેથી તેઓ પોતાના અશ્વેત સાથી નર્તકો માટે ભૂમિકા અને તક ઊભી કરી શકે. તેમણે એક દેવળના ભોંયતળિયે નૃત્યવર્ગો ચલાવવાનો આરંભ કર્યો અને છેવટે 1971માં ‘ડાન્સ થિયેટર ઑવ્ હાર્લેમ’ની સ્થાપના કરી અને આ સંસ્થાને એવી અપૂર્વ સફળતા સાંપડી કે ટૂંકા ગાળામાં જ તે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતી નર્તક-સંસ્થા બની રહી.
તેમણે બૅલનચીનના સહયોગ વડે ‘કૉન્સર્ટો ફૉર જાઝ બૅન્ડ ઍન્ડ ઑરકેસ્ટ્રા’ પ્રસ્તુત કર્યું; તેમાં ન્યૂયૉર્ક સિટી બૅલે તથા ડાન્સ થિયેટર ઑવ્ હાર્લેમના નર્તકોએ ભેગાં મળીને બૅલેની રજૂઆત કરી. ડાન્સ થિયેટર ઑવ્ હાર્લેમના ઉપક્રમે બૅલનચીનની બૅલે-યાદીમાં નવાં બૅલે તથા પ્રશિષ્ટ કૃતિઓનું ઉમેરણ પણ કર્યું અને કેટલાંક બૅલેનું તેમણે સફળતાપૂર્વક નૃત્યનિયોજન પણ કર્યું.
મહેશ ચોકસી