મિશિમા, યુકિયો (જ. 14 જાન્યુઆરી 1925, ટોકિયો; અ. 25 નવેમ્બર 1970, ટોકિયો) : વિપુલ નવલકથાલેખન કરનાર પ્રભાવક સાહિત્યકાર  જાપાની નવલકથાકાર અને ચલચિત્રના લેખક, દિગ્દર્શક અને અભિનેતા. મૂળ નામ હિરોકા કિમિતાકે. પશ્ચિમની અસર તળે જાપાનની પરંપરાગત સંસ્કૃતિનાં મૂલ્યો અને ગૌરવનો હ્રાસ તેમના સર્જન પછવાડેની અંતર્વેદના છે. સનદી અધિકારીના પુત્ર. ટોકિયોની આંતરરાષ્ટ્રીય ખ્યાતિવાળી પિયર્સ સ્કૂલમાં શિક્ષણ લીધું. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે શારીરિક કસોટીમાં સફળ નહિ થવાથી લશ્કરમાં ભરતી થઈ શક્યા નહિ. જોકે વિમાનો બનાવવાના કારખાનામાં કર્મચારી તરીકે જોડાઈ શક્યા. યુદ્ધની સમાપ્તિ પછી યુનિવર્સિટી ઑવ્ ટોકિયોમાં કાયદાશાસ્ત્રની શાખામાં અભ્યાસ કર્યો. 1948–49માં જાપાન સરકારના નાણાખાતાની બૅંકિંગ શાખામાં નોકરી કરી.

યુકિયો મિશિમા

મિશિમાની પ્રથમ નવલકથા ‘કામેન નો કોકુહાકુ’ (1949; ‘કનફેશન્સ ઑવ્ અ માસ્ક’ 1958)માં સજાતીય સંબંધની વાત છે. આ નવલકથાએ તેમને રાતોરાત ખ્યાતિ બક્ષી. આથી પ્રોત્સાહિત થતાં પોતાનો સંપૂર્ણ સમય કલમને ખોળે ધરવાની હિંમત તેમનામાં આવી. લોહીની સગાઈ, મૃત્યુ, આત્મહત્યા અને આધુનિક જીવનશૈલીની નીરસતા વગેરે તેમના સર્જનના વિષયો છે. ભૌતિક અને માનસિક સંદિગ્ધ સવાલોથી ભર્યાભર્યા, એમની વાર્તાઓના નાયકો પરંપરાથી ભિન્ન છે. ‘કિકાકુજી’ (1956, ‘ધ ટેમ્પલ ઑવ્ ધ ગોલ્ડન પેવેલિયન’ 1958)માં બુદ્ધમંદિરના એક અનુચરની વિચિત્ર વાત છે. તે પોતાના સુંદર ઘરને આગ લગાડે છે, કારણ કે તેના સૌંદર્યને તે જીરવી શકતો નથી. ‘ધ સેઇલર હૂ ફેલ ફ્રૉમ ગ્રેસ વિથ ધ સી’ (1965) ગધ્ધાપચીશીની વયમાં ભયંકર ઈર્ષ્યાના અગ્નિમાં શેકાતા યુવાનની કથા છે. ‘તેયો તો તેત્સુ’ (1968, ‘સન ઍન્ડ સ્ટીલ’ 1970) દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનની હાર અને શરણાગતિ સૌથી મોટી શરમની વાત છે અને પ્રત્યેક જાપાની યુવક અને યુવતીએ શરીરસૌષ્ઠવ માટે સભાન થવું જોઈએ – એ બે વિષયો લઈને ચાલે છે. અહીં મોત પર મનન પણ થયું છે. તેમની છેલ્લી કૃતિ ‘હૉજો નો ઉમિ’ (1965–70, ‘સી ઑવ્ ફર્ટિલિટી’, 1971–74) ચાર ગ્રંથોમાં પ્રસરતું મહાકાવ્ય છે. આનો વિષય જાપાનનું આધુનિકીકરણ અને તેના પરિણામે ઊખર અને વાંઝિયો–શક્તિહીન જાપાની સમાજ છે. આ દરિયો પાણી વગરનો અને ઉજ્જડ છે, જે સાંપ્રત જાપાનના પ્રતીક તરીકે યોજાયો છે. આ ચાર ગ્રંથો તે ‘હારુ નો યુકી’ (‘સ્પ્રિંગ શો’); ‘હોમા’ (‘રન-વે હૉર્સિઝ’); ‘અકાત્સુકી નો તેરા’ (‘ધ ટેમ્પલ ઑવ્ ડૉન’) અને ‘તે નિન ગોસુઇ’ (‘ધ ડિકે ઑવ્ ધી એન્જલ’) છે.

‘પેટ્રિયૉટિઝમ’ નોંધપાત્ર ટૂંકી વાર્તા છે. ‘ડેથ ઇન મિડસમર ઍન્ડ અધર સ્ટૉરિઝ’ (1966) ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. આમાંની એક વાર્તા પરથી ‘યાકોકુ’ ચલચિત્ર (1966) બનાવાયેલું. આમાં મિશિમાએ દિગ્દર્શક અને અભિનેતા – ઉભય તરીકે કાર્ય કરેલું. અહીં પરંપરાગત ‘સેપ્પુકુ’ – હારાકિરી કે આત્મહત્યા, જે જાપાનના લડાયક નીતિશાસ્ત્રનો નિયમ છે તેનું વિધેયાત્મક બયાન છે. ચલચિત્રો માટેની કથાઓ ઉપરાંત તેમણે ‘કાબુકી’ અને ‘નો થિયેટર’ માટે નાટકો લખ્યાં છે. એમનાં નોંધપાત્ર નાટકોમાં ‘કિન્દાઇ નૉગાકુ શુ’ (1956; ‘ફાઇવ મૉડર્ન નોહ પ્લેઝ’, 1957) અને ‘સાદ કૉશાકુ ફ્યુજીન’ (‘માદામ દ સાદ’, 1967) છે.

સમકાલીન પાશ્ચાત્ય જાપાન અને પ્રાચીન સમુરાઈ લશ્કરી પરંપરા વચ્ચે મિશિમા જીવનભર વલોવાયા છે. એમની રહેણીકરણી પશ્ચિમની ઢબની હતી. પશ્ચિમની સંસ્કૃતિ વિશે તેમની સૂઝ ગજબની હતી; છતાંય જાપાન માત્ર પશ્ચિમનું આંધળું અનુકરણ કરે તેની વિરુદ્ધ તેમની વિચારસરણી હતી. જાપાનના ‘કરાટે’ અને ‘તલવારબાજી’ના કૌશલ્યનો તેમણે ભારે પ્રચાર કર્યો. તેમણે આ પ્રકારની તાલીમમાંથી કહો કે, એક પ્રકારનું ખાનગી લશ્કર ઊભું કર્યું. તેમણે ‘તાતેનોકાઇ’-(‘શીલ્ડ સોસાયટી’)ની સ્થાપના કરી. આ એક એવા વિચારને લઈને ચાલતી સંસ્થા છે; જેમાં બળવાન શરીર, લશ્કરી તાલીમ અને આત્મહત્યાની આચારપદ્ધતિનો સમાવેશ થાય છે. એમનું માનવું હતું કે અણધારી આપત્તિમાં આ પ્રકારની તાલીમ પામેલા માણસો જ દેશના ડાબેરીઓ કે સામ્યવાદી હુમલાને શિકસ્ત આપી શકે.

મિશિમાનું મૃત્યુ એમની શ્રદ્ધાનું ધિંગું રૂપ છે. સ્વમાનપૂર્વક પારંપરિક આત્મહત્યા કરવી એનો અર્થ ચાલુ રહેણીકરણી સામે બંડ પોકારવું તેમ થતો હતો. 25 નવેમ્બર, 1970ના રોજ ચાર અનુગામીઓ સાથે તેમણે લશ્કરના કમાંડિંગ જનરલના મુખ્ય મથક પર હુમલો કર્યો અને તેનો કબજો મેળવી લીધો. ત્યાં અટારીમાં ઊભા રહીને, નીચે ઊભેલા હજારો માણસો સમક્ષ માત્ર 10 મિનિટનું ટૂંકું વક્તવ્ય આપ્યું. તેમણે વિશ્વયુદ્ધ પછીના જાપાનના બંધારણની નબળાઈઓને ઉઘાડી પાડી. તે જાપાનના લશ્કરીકરણના વિરુદ્ધ છે. પછી એમણે ‘સેપ્પુકુ’ કર્યું, જેમાં પ્રાચીન પ્રણાલિકાને અનુલક્ષી પોતાની જાતે તલવારથી પોતાનાં આંતરડાં કાઢી અનુયાયીને હાથે પોતાનો શિરચ્છેદ કરાવ્યો. કહે છે કે આત્મહત્યાને દિવસે તેમણે ‘હૉજો નો ઉમિ’ની છેલ્લી પંક્તિઓ લખીને આ મહાકાવ્યની પૂર્ણાહુતિ કરેલી.

વિ. પ્ર. ત્રિવેદી