મિન્ડાનાઓ : પૅસિફિક મહાસાગરમાં આવેલા ફિલિપાઇન્સ ટાપુસમૂહ પૈકીનો લ્યુઝોન પછીનો બીજા ક્રમે આવતો મોટો ટાપુ. ફિલિપાઇન્સ ટાપુસમૂહના છેક અગ્નિ છેડા પર તે આવેલો છે. ભૌગોલિક સ્થાન : આ ટાપુ 8° 00´ ઉ. અ. અને 125° 00´ પૂ. રે.ની આજુબાજુનો (આશરે 5° થી 10° ઉ. અ. અને 120°થી 127° પૂ. રે. વચ્ચેનો) 94,630 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ પૅસિફિક મહાસાગર, દક્ષિણે સેલિબિસ સમુદ્ર, પશ્ચિમે સુલુ સમુદ્ર અને ઉત્તરે મધ્યફિલિપાઇન્સના ટાપુઓ આવેલા છે. આ ટાપુ પર ફિલિપાઇન્સના ઊંચામાં ઊંચા પર્વતો આવેલા છે. તે પૈકીના ઘણાખરા તો સક્રિય જ્વાળામુખીઓ છે. તે ફિલિપાઇન્સની કુલ વસ્તીનો લગભગ 20 % જેટલો ભાગ થાય છે. અહીં મુસ્લિમોની વસ્તી વધુ પ્રમાણમાં છે.
આ ટાપુ ચાર વહીવટી વિભાગોથી બનેલો છે : (1) ઉત્તર મિન્ડાનાઓ : તે ફળદ્રૂપ અગુસન ખીણ-વિભાગને આવરી લે છે. અહીં આદર્શ ગણી શકાય એવાં ખેતરો આવેલાં છે. ખેતી, જંગલકાર્ય અને માછીમારી અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિઓ છે. અહીં લોહ અને નિકલના અયસ્કના પુષ્કળ જથ્થા આવેલા હોવાથી ખાણકાર્ય પણ મોટા પાયા પર થાય છે. (2) દક્ષિણ મિન્ડાનાઓ : આ વિભાગમાં દુનિયાના જુદા જુદા ભાગોના વિવિધ જાતિના લોકો વસે છે. બીજા વિશ્વયુદ્ધ પછીથી ફિલિપાઇન્સના લ્યુઝોન અને વિસાયા ટાપુઓ પરથી ઘણા લોકો સ્થળાંતર કરીને અહીં આવીને વસ્યા છે. આ કારણે અહીંનું દાવાઓ સિટી ઝડપથી વિકસ્યું છે; એટલું જ નહિ, તે આ વિસ્તારનું મહત્વનું વેપારી-મથક પણ બની ગયું છે. અહીંની મુખ્ય પેદાશોમાં અબાકા (મનિલા શણ બનાવવા માટેનો એક પ્રકારનો છોડ), ફળો, મકાઈ, ડાંગર, લાકડાં અને માછલીનો સમાવેશ થાય છે. (3) મધ્ય મિન્ડાનાઓ : આ વિભાગ તેના લાનાઓ સરોવર માટે જાણીતો છે.
તેમાંથી અગુસ નદી નીકળે છે અને ઉત્તર તરફ વહીને ઇલિગનના ઉપસાગરને જઈ મળે છે. તે વચ્ચેના ભાગમાં સીધી કરાડ પરથી નીચે ખાબકે છે અને મારિયા ક્રિસ્ટીના ધોધની રચના કરે છે. આ નદી દેશની જળવિદ્યુત માટે મોટામાં મોટો સ્રોત ગણાય છે. અહીંના મુખ્ય પાકોમાં અબાકા, કેકાઓ, કૉફી, મકાઈ, ડાંગર, લાકડાં અને ફળનો સમાવેશ થાય છે. (4) પશ્ચિમ મિન્ડાનાઓ : આ વિભાગમાં સુલુ દ્વીપસમૂહનો સમાવેશ થાય છે. આ ટાપુઓ ચૂનાખડકના ખરાબાઓની કિનારીઓ ધરાવતા જ્વાળામુખી શંકુઓથી બનેલા છે. અહીંના મોટાભાગના નિવાસીઓ માછીમારી, ખાણકાર્ય, ખેતી તથા જંગલોમાં કામ કરે છે. આ દ્વીપસમૂહ બૉર્નિયોના ટાપુથી તદ્દન નજીક આવેલો છે. આ ટાપુસમૂહની 2013 મુજબ 1,82,62,611 વસ્તી છે.
ગિરીશભાઈ પંડ્યા