મિથિલીન ક્લોરાઇડ (મિથિલીન ડાઇક્લોરાઇડ; ડાઇક્લોરો-મિથેન) : બે ક્લોરિન પરમાણુ ધરાવતું કાર્બનિક સંયોજન. અણુસૂત્ર, CH2Cl2. તે રંગવિહીન, બાષ્પશીલ; અજ્વલનશીલ (nonflammable), ઈથર જેવી તીક્ષ્ણ (penetrating) વાસવાળું પ્રવાહી છે. પાણી કરતાં ભારે છે. પાણીમાં અલ્પદ્રાવ્ય; જ્યારે આલ્કોહૉલ તથા ઈથરમાં દ્રાવ્ય પ્રવાહી છે. તેનું ઉ. બિં. 40° સે. અને ઘનતા 1.335 (15/4C) છે.
ઔદ્યોગિક ક્ષેત્રે, મિથેનનું પ્રકાશની હાજરીમાં ક્લોરિન વડે ક્લોરિનીકરણ કરતાં મિથાઈલ ક્લોરાઇડ, ક્લૉરોફૉર્મ અને કાર્બનટેટ્રાક્લોરાઇડની સાથે સાથે મિથિલીન ક્લોરાઇડ પણ બને છે, આ સંયોજનોને નિસ્યંદન વિધિથી અલગ પાડવામાં આવે છે.
તે ચરબી, તેલ, ગ્રીઝ (grease), બહુલકો વગેરે માટે અસરકારક દ્રાવક ગણાય છે. તે પેઇન્ટ દૂર કરવા માટે, દ્રાવક-નિષ્કર્ષણમાં, સેલ્યુલોઝ એસિટેટ માટે દ્રાવક તરીકે, ફીણમાં ધમનકારક (blowing agent in foam) તરીકે તથા વાયુ-વિલયી નોદક (aerosol propellant) રૂપે ઉપયોગી છે. પ્લાસ્ટિક પ્રક્રમણમાં પણ તે ઉપયોગી છે. ઓછી વિષાલુતા (low toxicity), નીચી જ્વલનશીલતા (low flammability), ઊંચી સ્થાયિતા તેમજ પુનર્વપરાશ માટે સરળતાથી પુન:પ્રાપ્ત હોઈ તે વપરાશ માટે વધુ પસંદ થાય છે.
પ્રહલાદ બે. પટેલ