રસ્કિન, જૉન (જ. 8 ફેબ્રુઆરી 1819, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 20 જાન્યુઆરી 1900, કોનિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર. ‘ગૉથિક રિવાઇવલ’ ચળવળના પુરસ્કર્તા. માતા માર્ગારેટ અને પિતા જૉન જેમ્સના એકમાત્ર પુત્ર. પિતા દારૂના મોટા વેપારી. વારસામાં મળેલી મિલકતનો મોટો હિસ્સો રસ્કિને જરૂરતમંદોને વહેંચી દીધેલો. માતાએ પુત્રને બાઇબલના સંસ્કારનો વારસો આપેલો. તેઓ બાળપણમાં કુદરતી દેખાવોનાં ચિત્રો દોરતા. ડલ્વીચ કૉલેજ પિક્ચર આર્ટ ગૅલરીમાં ચિત્રો જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. જળરંગી ચિત્રકાર કૉપ્લે ફીલ્ડિંગ પાસેથી 12 વર્ષની વયે ચિત્રકળાની તાલીમ મેળવી. રાજ્યશાસ્ત્ર, રાજકારણ, અર્થશાસ્ત્ર અને સાહિત્યના તેઓ શોખીન હતા. છ વર્ષ સુધી ક્રાઇસ્ટ ચર્ચ, ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું. અભ્યાસ દરમિયાન ‘ન્યૂડિગેટ પ્રાઇઝ’ મેળવ્યું. બ્રિટન અને યુરોપનાં અનેક સ્થળોના, માતાપિતા સાથે કરેલા પ્રવાસોમાંથી અનુભવનું શિક્ષણ મેળવ્યું. ફ્રાન્સના બિશપના પરગણાનાં દેવળો, આલ્પ્સ પર્વતમાળા અને ઇટાલીની સાંભરણો તેમના જીવનમાં હંમેશની સાથી બની રહી. આલ્પ્સ પર્વતમાળાની સુંદરતા અને ભવ્યતા જોઈ તેમની કલ્પનાશક્તિ ઉત્તેજિત થઈ. 21 વર્ષની ઉંમરે ઇટાલી-યાત્રા દરમિયાન તેમણે ઘણાં ત્વરાલેખનો (sketches) કર્યાં.
શરૂઆતમાં લંડનના સામયિક ‘મૅગેઝીન ઑવ્ નૅચરલ હિસ્ટરી’માં તેમણે લેખો લખ્યા. તેમનાં લખાણો ‘ધ પોઍટ્રી ઑવ્ આર્કિટેક્ચર’, ‘ફ્રેન્ડશિપ્સ ઑફરિંગ’ વગેરેમાં પણ પ્રસિદ્ધ થતાં. ચિત્રકામ કરતાં કરતાં તેમણે કૉપ્લે ફીલ્ડિંગ, જે. ડી. હાર્ડિગ, ક્લાર્કસન સ્ટૅનફીલ્ડ, જેમ્સ હોલૅન્ડ, ડેવિડ રોબર્ટ્સ, સૅમ્યુઅલ પ્રાઉટ જેવા કલાકારોનાં ચિત્રોનું સૌંદર્યદર્શન કર્યું. જોકે મહાન ચિત્રકાર ટર્નરના તેઓ આશક હતા. તેઓ આ બધા ચિત્રકારોને તેમનાં ચિત્રો ખરીદી પ્રોત્સાહન કરતા હતા. ‘મૉડર્ન પેઇન્ટર્સ’ (1834 અને 1846, 1856) 4 ખંડોમાં લખાયેલા શ્રેણીબદ્ધ ગ્રંથો છે. એ સમયે ટર્નરનાં નિસર્ગચિત્રોને લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટે હસી કાઢીને ફગાવી દીધાં હતાં. રસ્કિને ટર્નરની કલાનો બચાવ કરતાં લંડનની નૅશનલ ગૅલરીમાં બેસી જે પુસ્તક લખવાનું શરૂ કર્યું તે ‘મૉડર્ન પેઇન્ટર્સ ભાગ-1’ રૂપે પ્રસિદ્ધ થયું. રસ્કિનના મતે ત્યાર લગીના સર્વ નિસર્ગ-ચિત્રકારોમાં ટર્નર શ્રેષ્ઠ હતો. યુરોપનાં મધ્યકાલીન સ્થાપત્યો બેદરકારી, પુન:પ્રસ્થાપના, ઔદ્યોગિક ક્રાન્તિ અને બળવાઓમાં સમૂળગાં નાશ પામે તે પહેલાં તેમના વિષે પણ લખવા માંડ્યું. ગૉથિક સ્થાપત્યની તરફેણ કરતાં ‘ધ સેવન લૅમ્પ્સ ઑવ્ આર્કિટેક્ચર’ (1849) અને ‘ધ સ્ટોન્સ ઑવ્ વેનિસ’ (1851-53) લખ્યાં ત્યારે તેઓ યુફેમિયા ચાલ્મર્સ ગ્રે સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. ‘ધ કિંગ ઑવ્ ધ ગોલ્ડન રિવર’ (1851) તેમણે પોતાની પત્નીને આપેલ મોટી ભેટ હતી. સાત વર્ષમાં જ તેમનો લગ્નવિચ્છેદ થયેલો. યુફેમિયાએ ચિત્રકાર મિલાઇસ સાથે પુનર્લગ્ન કરેલું. જોકે મિલાઇસ અને પ્રિ-રફાયેલાઇટની ચિત્રકલાનું તેમણે રસદર્શન કરેલું. બ્રિટિશ ચિત્રકારોના ‘ધ પ્રિ-રફાયેલાઇટ બ્રધરહૂડ’ નામે ઓળખાતા જૂથને ટેકો આપતા લેખો તેમણે લખ્યા. તેમણે આ જૂથના ચિત્રકાર-કવિ ડાન્ટે ગેબ્રિયલ રોઝૅટ્ટી સાથે ચિત્રકાર જૉન એવેરેસ્ટ મિલાઇસ અને ચિત્રકાર એડવર્ડ બર્ન જોન્સ સાથે મૈત્રી કરી. ‘નોટ્સ ઑન ધ રૉયલ એકૅડેમી’(1855-59 અને 1875)માં લોકોની ચિત્રકામ અંગેની રુચિ કેળવવાનું કામ કર્યું. ‘લેક્ચર્સ ઑન આર્કિટેક્ચર ઍન્ડ પેઇન્ટિંગ’ (1854) અને ‘ધ ટૂ પાથ્સ’ (1859) તેમનાં નોંધપાત્ર પ્રકાશનો છે. જોકે તેમનાં સંખ્યાબંધ વિધાનોથી ભાવકોને ખોટું પણ લાગતું. ‘ધ પૉલિટિકલ ઇકૉનૉમી ઑવ્ આર્ટ’(1857)માં તેમણે અર્થશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો સાથે પોતાની અસંમતિ પ્રગટ કરી છે. ‘મૉડર્ન પેઇન્ટર્સ’ (1860)ના છેલ્લા ગ્રંથમાં તેમણે અંગ્રેજોની લોભવૃત્તિની ભર્ત્સના કરી છે. જે. એસ. મિલ્ડ અને રિકાર્ડોના અર્થશાસ્ત્ર અંગેના નિયમો અંગે પણ ‘અનટુ ધિસ લાસ્ટ’ (1860) અને ‘એસેઝ ઑન પૉલિટિકલ ઇકૉનૉમી’(1862-63)માં તેમણે પોતાના આગવા ખ્યાલ રજૂ કર્યા છે. મહાત્મા ગાંધીએ ‘અનટુ ધિસ લાસ્ટ’નો ભાવાનુવાદ ‘સર્વોદય’ નામથી કર્યો છે. હરીફાઈ અને સ્વાર્થની વાતો સિદ્ધ કરતા ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓની વિરુદ્ધ તેમણે નવા આદર્શો આપ્યા. ‘ધ સીસેમ ઍન્ડ લિલિઝ’ (1865), ‘ધ સૅસ્ટસ ઑવ્ એગ્લૅઇઆ’ (1865-66), ‘ધી એથિક્સ ઑવ્ ધ ડસ્ટ’ (1866), ‘ધ ક્વીન ઑવ્ ધી ઍર’ (1869) તેમના નોંધપાત્ર નિબંધોનાં પુસ્તકો છે. ‘ધ ક્રાઉન ઑવ્ વાઇલ્ડ ઑલિવ’(1866)માં તેમણે યુદ્ધ, શ્રમ, વેપાર અને સ્ત્રી વગેરે વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ‘ટાઇમ ઍન્ડ ટાઇડ’(1867)માં શ્રમજીવીને ઉદ્દેશીને લખાયેલા પત્રો છે. એમાં રસ્ક્ધિા પત્રલેખક તરીકે ખીલી ઊઠે છે. તેમણે ઇતિહાસ, ચિત્રકલા અને પ્રવાસ-વિષયક લેખન પણ કર્યું છે. ‘ફોર્સ ક્લેવિજિરા’(1871-72)માં તેમણે લોકમત કેળવવાનો પ્રયત્ન કર્યો છે. ‘ગિલ્ડ ઑવ્ સેંટ જ્યૉર્જ’ તેમની કલ્પનાના સુખી સમાજનું ચિત્રણ કરે છે. આ સમાજની સ્થાપના તેમણે 1871માં કરેલી.
1870માં રસ્કિનની નિમણૂક ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘સ્લેડ પ્રોફેસર’ તરીકે થઈ હતી. જુદા જુદા અભ્યાસક્રમો માટે તેમણે વ્યાખ્યાનો આપ્યાં. તેમાં શ્રોતાવૃંદ મોટી સંખ્યામાં હતું. આ વક્તવ્યો ગ્રંથરૂપે ‘લેક્ચર્સ ઑન આર્ટ’ના નામે પ્રસિદ્ધ થયાં હતાં. ‘આરેટ્રા પેન્ટેલિસી’, ‘ધ રિલેશન બીટવિન માઇકલૅન્જેલો ઍન્ડ રિટોરેટ’, ‘ધી ઇગલ્સ નેસ્ટ’ (બધાંય 1872), ‘લવ્ઝ મીની’ (1873-1881), ‘ઍરિસૅડની ફિયોરૅન્ટિના’ (1873-76) તેમનાં કલાવિષયક લખાણો છે. તેઓ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતાં કદી અચકાતા નહોતા. યુનિવર્સિટીના પ્રાધ્યાપકો એમનાં કેટલાંક વિધાનોથી ચોંકી ઊઠેલા. પરિણામે રસ્કિને સ્વેચ્છાએ પોતાના પદેથી 1878માં નિવૃત્ત લીધી હતી. જોકે રસ્કિન આ પછી પુન: યુનિવર્સિટીમાં જોડાઈને 188385 દરમિયાન વ્યાખ્યાનો આપેલાં, પણ વળી પાછા તેઓ એ સેવાથી અળગા થઈ ગયા હતા.
રસ્કિનની કેટલીક તરંગી યોજનાઓમાં સર હેન્રી ઑકલૅન્ડ અને કાર્લાઇલને કોઈ શ્રદ્ધા ન હતી. એક ઍન્ગ્લો-આઇરિશ 11 વર્ષની કન્યા રોઝ લા ટચી માટે રસ્કિનને ભલી લાગણી હતી. તે 18 વર્ષની થઈ ત્યારે 47 વર્ષના રસ્કિને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તે રોઝના ઇવૅન્જેલિકલ સંપ્રદાયના મતવાળાં માતાપિતાએ મંજૂર ન રાખ્યો. 1875માં તે 28 વર્ષની વયે અસ્થિર મગજની હાલતમાં મૃત્યુ પામી. ‘પ્રેટેરિટા’ નામની આત્મકથામાં રસ્કિન રોઝ વિશે લખ્યું હોત, પણ જ્યાં આત્મકથા જ અધૂરી રહી ગઈ ત્યાં એ મુદ્દો ઉપસ્થિત જ થતો નથી. રસ્કિનનું અવસાન કોનિસ્ટન વૉટરવાળા ઘરમાં થયું ત્યારે એમનો ભત્રીજો જૉન સેવર્ન લાંબો સમય તેમની શુશ્રૂષામાં રહ્યો હતો.
‘કલાને ખાતર કલા’ને બદલે ‘નીતિને ખાતર કલા’માં શ્રદ્ધા ધરાવનાર રસ્કિનનો ફાળો વિક્ટોરિયન જમાનામાં ગૉથિક શૈલીના સ્થાપત્યને પુનર્જીવિત કરવામાં પણ નોંધપાત્ર છે. રૂઢ વલણો ફગાવીને નિસર્ગનું વાસ્તવદર્શી નિરૂપણ કરતા ટર્નરને બિરદાવવામાં મોખરે રહીને રસ્કિને કલામાં પ્રભાવવાદ(ipressionism)ના વૈતાલિકનું કામ કરેલું.
અમિતાભ મડિયા
વિ. પ્ર. ત્રિવેદી