રસ્ટ, મૅથિયાસ

January, 2003

રસ્ટ, મૅથિયાસ (જ. 1968) : જર્મનીના નિષ્ણાત વૈમાનિક. મે, 1987માં મૉસ્કોના હૃદય સમા રેડ સ્ક્વેર વિસ્તારમાં પોતાના હળવા વિમાનનું ઉતરાણ કરીને તેમણે વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી હતી. તેમણે ફિનલૅન્ડથી ઉડ્ડયન કર્યું ત્યારથી માંડીને મૉસ્કો સુધીમાં તેમનું વિમાન કોઈની નજરે સુધ્ધાં પડ્યું ન હતું અને તે પણ આટઆટલી સાધન-સજ્જતા હોવા છતાં !

તેમના આ સાહસને પરિણામે રશિયાના સંરક્ષણપ્રધાન માર્શલ સર્જી સૉકૉલૉવને તાત્કાલિક રુખસદ અપાઈ હતી. રસ્ટને 4 વર્ષની કેદની સજા કરવામાં આવી, પરંતુ ગૉર્બાચોવના વહીવટી તંત્રે માનવતાવાદી શુભ ચેષ્ટા રૂપે તેમને ઑગસ્ટ, 1988માં જેલમુક્ત કર્યા હતા અને તેમને તેમના વતન સુધીના વિમાન-પ્રવાસની સગવડ આપી હતી.

મહેશ ચોકસી