રમાબાઈ (‘પંડિતા’, ‘સરસ્વતી’) (જ. 23 એપ્રિલ 1858, ગંગામૂળ, આંધ્રપ્રદેશ; અ. 5 એપ્રિલ 1922) : પ્રખર સમાજસુધારક અને મહિલા-ઉત્કર્ષનાં પુરસ્કર્તા. પિતા અનંતશાસ્ત્રી ડોંગરે. માતા લક્ષ્મીબાઈ ડોંગરે. તેમના પિતા વેદાંતના વિદ્વાન હતા. તેમણે તે જમાનામાં રમાબાઈનાં માતાને શિક્ષણ આપ્યું હતું અને તે કારણસર જ્ઞાતિએ તેમની વિરુદ્ધ કામ ચલાવી તેમને તરછોડ્યા હતા. આથી તેમણે પોતાનું મૂળ વતન મૅંગલોર છોડ્યું અને આંધ્રપ્રદેશના ગંગામૂળની ટેકરીઓમાં આશ્રમ સ્થાપ્યો, જ્યાં રમાબાઈનો જન્મ થયો. થોડા સમય બાદ સમગ્ર કુટુંબે યાત્રાનો આરંભ કર્યો. આ યાત્રા દરમિયાન માતા લક્ષ્મીબાઈએ પુત્રી રમાના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી સંસ્કૃત વ્યાકરણ અને સાહિત્યનું પાકું જ્ઞાન આપ્યું. તેઓ 18,000 શ્લોકોનું સતત ગાન કરવાની મેધાવી શક્તિ ધરાવતાં હતાં. યાત્રામાં બચતનાં તમામ નાણાં વપરાઈ જતાં કુટુંબે ભૂખમરાનો તથા પારાવાર ગરીબીનો સામનો કરવાનો સમય આવ્યો. જુલાઈ 1874માં તેમના પિતા, ઑગસ્ટ 1874માં માતા અને તેના બેએક માસ બાદ બહેન કૃષ્ણા અવસાન પામ્યાં. નાની ઉંમરે સ્વજનોના અવસાનના કારમા આઘાત સહન કરી તેમણે માતાના શબને કાંધ દીધેલી. ત્યારબાદ તેમણે અને ભાઈ શ્રીનિવાસે 4,000 માઈલની પગપાળા યાત્રા કરી. યાત્રા દરમિયાન પવિત્ર સ્થળોનાં દર્શન કરતાં પુરાણો અંગેની કથા કરી તેઓ ખપજોગું કમાઈ લેતાં તો ક્યારેક ભૂખમરો પણ વેઠી લેતાં. 1878માં તેઓ કોલકાતા આવ્યાં. સુપ્રસિદ્ધ ટાગોર કુટુંબ અને કેશવચંદ્ર સેન સાથે તેમનો સંપર્ક થયો. કેશવચંદ્ર સેન તેમના સંસ્કૃતના જ્ઞાનથી વિશેષ પ્રભાવિત થયા. આથી જાહેરમાં તેમનાં વ્યાખ્યાનો યોજાયાં, જે વિદ્વત્તાપૂર્ણ રહ્યાં અને તેમને ભારે પ્રસિદ્ધિ સાથે ‘પંડિતા’ અને ‘સરસ્વતી’નાં બિરુદ સાંપડ્યાં. ક્રમશ: તેમની વિદ્વત્તાને કારણે તેઓ ભારતભરમાં પ્રતિષ્ઠા પામ્યાં. એ સમયમાં સ્ત્રીઓને વેદાભ્યાસની મનાઈ હતી, પરંતુ કેશવચંદ્ર સેનના પ્રોત્સાહનથી તેમને ગુરુ માની રમાબાઈએ વેદ અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો.
16 વર્ષ સુધીના દીર્ઘ અને એકધારા પ્રવાસે તેમની દૃષ્ટિને વિશાળ બનાવી હતી. આ પ્રવાસમાં તેમણે 9 વર્ષની બાલિકાને સતી બનતી અટકાવી લોકોનો ખોફ વહોર્યો; પરંતુ ભ્રષ્ટ સામાજિક નીતિરીતિઓથી તેઓ સુમાહિતગાર બન્યાં ત્યારે તેમનું મન ભાંગી ગયું. ભ્રષ્ટ સામાજિક વ્યવહારમાંથી અને ધર્મની જડ નીતિરીતિઓમાંથી તેમનો વિશ્વાસ ઊઠવા લાગ્યો.
1880માં એકમાત્ર ભાઈ શ્રીનિવાસનું અવસાન થતાં એકલાં પડેલાં રમાબાઈએ વિદ્વાન વકીલ બિપિન બિહારી દાસ મેધાવી સાથે લગ્ન કર્યાં, જેઓ જાતિએ શૂદ્ર હતા. લગ્નજીવન દરમિયાન પુત્રી મનોરમાના જન્મ બાદ 1882માં 19 મહિનાના અત્યંત ટૂંકા લગ્નજીવન બાદ પતિનું અવસાન થતાં તેઓ વિધવા બન્યાં. પુત્રીને લઈને તેમણે ભારતભ્રમણ કર્યું અને પુણે ખાતે સ્થિર થયાં. એ પછી સ્વામી દયાનંદ સરસ્વતીને મળ્યાં અને મહિલા-સન્માનની નવી દૃષ્ટિ પામ્યાં.
આ અનુભવભાથાને અંતે તેમણે સામાજિક અન્યાય વિરુદ્ધ માથું ઊંચક્યું. પુણેના પ્રગતિશીલ જૂથે તેમને આવકાર્યાં તો રૂઢિચુસ્તોએ તેમના માર્ગમાં રોડાં નાંખ્યાં. પુણે ખાતે તેમણે સૌપ્રથમ આર્ય મહિલા સમાજની સ્થાપના કરી અને અહમદનગર, શોલાપુર, થાણા અને મુંબઈમાં તેની શાખાઓ સ્થાપી. આ પ્રવૃત્તિ પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ મહિલા-ઉત્કર્ષનો અને ભારતમાં પરાપૂર્વથી પ્રણાલિકા અને રૂઢિ-રિવાજોને કારણે મહિલાઓ સાથે થતો બદવ્યવહાર રોકવાનો હતો. વેદની ઋચાઓ ટાંકી દ્રૌપદી, દેવકી, સત્યભામા અને સાવિત્રીનાં ર્દષ્ટાંતો દ્વારા તેઓ મહિલા-શિક્ષણ અને સમાન અધિકારોની વાત કરતાં. તેમણે નિરાધાર વિધવાઓ માટે શારદા-સદનનો આરંભ કરી ભરતગૂંથણ, સિલાઈકામ, સુથારીકામ, માટીકામ, બાગકામ અને નેતરકામ જેવા વિવિધ હુન્નરો દ્વારા સ્વયંનિર્ભર થવાનો માર્ગ ચીંધ્યો; વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું. વિધવા ગોકુબાઈ(લગ્ન બાદ આનંદીબાઈ)નાં પુનર્લગ્ન સમાજસુધારક અણ્ણાસાહેબ કર્વે સાથે કરાવીને સમાજમાં દાખલો બેસાડ્યો. તેમની પ્રેરણાથી આનંદીબાઈએ વિધવાઓ અને કન્યાઓ માટે શાળાઓ ખોલી, જે મહર્ષિ કર્વેની પ્રેરણાથી ક્રમશ: મહિલા યુનિવર્સિટી રૂપે વિસ્તરી.
1882માં હંટર કમિશન સમક્ષ પુરાવાઓ રજૂ કરી ભારતીય મહિલાઓને શિક્ષણ અને વિશેષે તબીબી સહાય માટેના કેસની તેમણે રજૂઆત કરી. તેમની મરાઠી ભાષામાં કરાયેલી આ સીધી ને સ્પષ્ટ રજૂઆતથી હંટર પ્રભાવિત થયા અને તેમની રજૂઆતને વ્યાપક પ્રસિદ્ધિ સાંપડી. એના અનુસંધાનમાં હંટરે ઇંગ્લૅન્ડમાં ‘રમાબાઈ ઍન્ડ હર વર્ક’ વિશે પ્રવચનો આપ્યાં. આ જ વર્ષે અંગ્રેજી ભાષામાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી પુત્રી મનોરમા સાથે ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો અને ત્યાંની સેંટ મેરી સંસ્થામાં આશ્રય લીધો. પીડિત મહિલાઓ અંગેના ખ્રિસ્તી અભિગમથી પ્રભાવિત થઈ તેમણે ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન મેળવ્યું. હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા તેમને કઠતી હતી અને અન્ય વિકલ્પની શોધમાં હતાં ત્યારે આ ઘટનાએ તેમને ધર્મપરિવર્તન કરવા પ્રેર્યાં અને 29 સપ્ટેમ્બર, 1883માં તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો.
તેમણે 1886માં અમેરિકાનો પ્રવાસ કર્યો. ત્યાં ફ્રૉબેલની (Froebel’s) પ્રાથમિક શિક્ષણની પદ્ધતિનો અભ્યાસ કર્યો, જેના આધારે પ્રાથમિક શિક્ષણની પુસ્તિકાઓની એક અસાધારણ શ્રેણી તેમણે મરાઠીમાં તૈયાર કરી. ‘ધ હાઈ કાસ્ટ હિંદુ વિમેન’નો તેમનો ગ્રંથ અમેરિકામાં ભારે આવકાર પામ્યો. ભારતની ઉચ્ચ જ્ઞાતિની બાળવિધવાઓને શિક્ષણ આપવાના હેતુથી 13 ડિસેમ્બર, 1887માં અમેરિકાના બૉસ્ટન ખાતે રમાબાઈ ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી. આ સંગઠન દસ વર્ષ સુધી સુવ્યવસ્થિત અને કાર્યરત રહ્યું.
ભારત પાછાં ફરીને 1 માર્ચ, 1889માં તેમણે વિધવાઓ માટે શારદાસદનની સ્થાપના કરી, જે સંસ્થા વિસ્તરતાં તેમાં કન્યાઓ અને મહિલાઓને પણ સ્થાન મળવા લાગ્યું. એક વર્ષ પછી શારદાસદન મુંબઈથી પુણે ખાતે સ્થાનાંતરિત થયું. મોડેથી તેની જવાબદારી તેમણે સુંદરબાઈ પવારને સોંપી. આ સંસ્થા મહિલાઓનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવવા માટે કામ કરે છે તેવા આરોપ છતાં તેઓ વિચલિત ન થયાં. આવા જ આરોપસર 1891માં ‘કેસરી’ દ્વારા લોકમાન્ય ટિળકે તેમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. તેમણે પોતાની વાત ટિળકને સમજાવી અને લડત જારી રાખી. જોકે પુણેમાં પ્લેગ ફેલાયો ત્યારે બંનેએ પ્લેગપીડિત પરિવારોની સહાય માટે કામ કર્યું.
1897માં પુણેથી 33 માઈલ દૂર કેડગાંવ ખાતે મહિલા સંસ્થા ઊભી કરી મહિલા-ઉત્કર્ષની કામગીરી હાથ ધરી, જે પાછળથી રમાબાઈ મુક્તિ મિશન બન્યું. 1900ના દુષ્કાળ સમયે અનેક પીડિત મહિલાઓએ ત્યાં આશ્રય મેળવ્યો હતો.
આમ તેઓ પોતાના સમયથી અત્યંત આગળ હતાં. તેમને શ્રદ્ધાંજલિ આપતાં સરોજિની નાયડુએ જણાવેલું કે ‘સંતોની યાદીમાં સમાવેશ પામી શકે તેવું માતબર નામ રમાબાઈ ધરાવે છે.’
રક્ષા મ. વ્યાસ