ઇબ્રાહીમનો રોજો : બીજાપુરના સુલતાન ઇબ્રાહીમ બીજાનો રોજો. તુર્ક અને ઈરાની મૂળ વંશના આદિલશાહી રાજવીઓએ આગવી સ્થાપત્યશૈલીની તેમના પાટનગર બીજાપુરની આજુબાજુ બંધાવેલ ઇમારતોમાં આ ઇમારત આગવી ભાત પાડે છે. એક બગીચાની અંદર બંધાવેલ ઇબ્રાહીમ બીજાની કબર અને મસ્જિદની ઇમારતો આ આગવી શૈલીનાં સુંદર ઉદાહરણો છે. નાના સ્તંભો પર કમાનો રચાયેલ છે. તેના પરના નાના ઘુમ્મટ કઠેડાઓની ઉપર રચાયેલા છે. દીવાલમાંથી ઉદભવતા સુંદર ટેકાઓ દ્વારા મકાનની ચારે બાજુ છાપરાં આખી ઇમારતને ઢાંકે છે.
લગભગ પોણા ભાગના ઘુમ્મટો કમળાકાર પાત્રોમાં, અને નાના નાના ઘુમ્મટો કળશ સાથે અને મિનારાઓની વચ્ચે ખૂણાઓ ઉપર આ ઇમારતને સુશોભિત કરે છે. આખી ઇમારત પર અત્યંત કલાત્મક લીંપણકામ ઉપર ઉત્કીર્ણ લેખો, રેખાચિત્રો અને વર્તુળાકાર સુશોભનો કરવામાં આવ્યાં છે.
રવીન્દ્ર વસાવડા