રતનજોત : દ્વિદળી વર્ગમાં આવેલા યુફર્બિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jatropha curcas Linn. (સં. ભદ્રદંતિકા; મ. થોરદાંતી, મોગલી એરંડ, પારસા એરંડ, વિલાયતી એરંડ; હિં. બડી દંતી, જંગલી એરંડી, મુંગલાઈ એરંડ; ક. દોકદંતી, ભરઔકલ, ગુવૌડલવ; ત. કાલામતાક; મલ. કાટ્ટામાકુ; ગુ. રતનજોત, મોગલી એરંડો; અં. ફિઝિક નટ) છે. તે 3થી 4 મી.ની ઊંચાઈ ધરાવતો વિશાળ ક્ષુપ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનો મૂલનિવાસી છે. તે સમગ્ર ભારતમાં અને આંદામાનના ટાપુઓમાં થાય છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિક, અરોમિલ 10 થી 15 સેમી. × 7.5થી 12.5 સેમી. પહોળાં, અંડાકાર, હૃદયાકાર, તીક્ષ્ણ અને સામાન્યત: 3થી 5-ખંડી હોય છે. પુષ્પવિન્યાસ શિથિલ, પરિમિત. લઘુપુષ્પગુચ્છી (panicle) પ્રકારનો હોય છે. પુષ્પો પીળાશ પડતાં લીલાં અને 7.0 મિમી. જેટલા વ્યાસવાળાં હોય છે. ફળ 2.5 સેમી. લાંબું, અંડાકાર અને કાળા રંગનું હોય છે અને તેનું ત્રણ દ્વિકપાટીય (two-valved) વેશ્મ (cocci) દ્વારા સ્ફોટન થાય છે. બીજ અંડાકાર-લંબચોરસ અને આછાં બદામી-કાળાં હોય છે.
પૉર્ટુગીઝો દ્વારા આ વનસ્પતિનો એશિયા અને આફ્રિકામાં પ્રવેશ થયો છે. કેપ વર્ડના ટાપુઓમાં તેલીબિયાંના પાક તરીકે કેટલાક પ્રમાણમાં તે વાવવામાં આવે છે. તેનું 140 કિગ્રા.થી 400 કિગ્રા. પ્રતિ એકરે ઉત્પાદન થાય છે. માડાગાસ્કર અને ફ્રેન્ચ-પશ્ચિમ આફ્રિકામાં ‘વેનિલા’ નામની વનસ્પતિના આધાર માટે ઉગાડાય છે. તેલના નિષ્કર્ષણ માટે તેનાં બીજની ફ્રાન્સમાં નિકાસ કરવામાં આવે છે. ભારતમાં ગામડાંઓ નજીક, ખેતરોના શેઢે તેમજ રેતાળ પ્રદેશોમાં તે અર્ધવન્ય (semi-wild) સ્થિતિમાં થાય છે.
મહારાષ્ટ્રમાં અમરાવતીની આસપાસના અમુક જિલ્લાઓમાં ખેડૂતોએ પોતાની હલકી ખેતરાઉ જમીનમાં રતનજોતનાં વિશાળ પાયા ઉપર વાવેતર હાથ ધર્યાં છે અને તે માટે રાજ્ય વનવિકાસ નિગમ પણ તેમને પ્રોત્સાહિત કરે છે. ગુજરાતમાં કચ્છમાં આવા પ્રયત્નો થયા હતા, પરંતુ તેનું જોઈએ એટલું વિસ્તરણ થયું જણાતું નથી.
તેનું પ્રસર્જન બીજ અને કટકારોપણ દ્વારા સહેલાઈથી થાય છે. 2.0થી 2.5 સેમી. જાડી અને 15થી 20 સેમી. લાંબી શાખાના જાડા છેડે ત્રાંસો કાપ આપી તેને વરસાદ અથવા પિયત પછીની ભીની જમીનમાં અર્ધે સુધી ખોસી દેવાથી તેમાંથી નવી ફૂટ નીકળે છે. તે ઝડપથી વૃદ્ધિ પામે છે અને શુષ્ક પરિસ્થિતિ માટે સહિષ્ણુ હોય છે. તેને બકરાં કે ઢોર ચરતાં નથી. તેનું કોઈ પણ ઇચ્છિત ઊંચાઈએ શાખા-કર્તન (lopping) કરી શકાય છે. તે વાડ બનાવવા માટે અત્યંત અનુકૂળ છે. તેનું પુષ્પનિર્માણ ઉનાળા અને ચોમાસાની ઋતુમાં થાય છે અને ફળનિર્માણ પર્ણવિહીન સ્થિતિમાં શિયાળામાં થાય છે.
તેનાં બીજ એરંડીનાં બીજ સાથે સામ્ય ધરાવે છે, પરંતુ તે કદમાં નાનાં (વજન 0.5થી 0.7 ગ્રા., લંબાઈ 1થી 2 સેમી.) અને રંગે ઘેરાં બદામી હોય છે. એના બીજનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 6.62 %, પ્રોટીન 18.2 %, લિપિડ 38 %, કાર્બોદિતો 17.98 %, રેસો 15.5 % અને ભસ્મ 4.5 %. તે સ્ટાર્ચ, સુક્રોઝ, ટેક્સટ્રોઝ, ગ્લુટેન અને સક્રિય લિપેઝ ધરાવે છે.
બીજ ઝેરી, કૃમિહર અને રેચક ગુણધર્મો ધરાવે છે. તેનો રેચક તરીકે ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે. 3થી 5, સહેજ ભૂંજેલાં અને બીજાવરણ વિનાનાં બીજ સક્રિય વિરેચન (catharsis) માટે પૂરતાં ગણાય છે. તેનાથી ભાગ્યે જ ઊબકા આવે છે કે ઊલટી થાય છે, પરંતુ જઠરમાં બળતરા થાય છે. તે બે ઝેરી ઘટકો ક્યુર્સિન અથવા ક્યુર્કેસિન, રિસિનને મળતું આવતું એક ટૉક્સલાબ્યુમિન અને એક રાળ-પદાર્થ (resinous substance) ધરાવે છે. ગેબોનમાં તાડના તેલમાં તેને દળીને તેનો ઉંદરના ઝેર તરીકે ઉપયોગ થાય છે. જઠરના દુખાવા માટે તળેલા બીજનો પાઉડર ચાસણી સાથે આપવામાં આવે છે. વિષાક્તન(poisoning)માં તે વિષઘ્ન (antidote) તરીકે ઉપયોગમાં લેવાય છે.
બીજમાં 60 %થી 68 % જેટલો ભાગ મીંજ(kernal)નો હોય છે અને તે તૈલી (મીંજના વજનના 46 %થી 58 %, બીજના વજનના 30 %થી 40 %) હોય છે. તેનું તાજું કાઢેલું તેલ રંગવિહીન અને વાસરહિત હોય છે; પરંતુ સમય જતાં તે આછા પીળા કે પીળાશ પડતા બદામી રંગનું અને અણગમતી વાસવાળું બને છે. આ તેલને ‘ક્યુર્કાસ તેલ’ કહે છે. આ તેલની ઘટ્ટતા એરંડિયાના તેલ કરતાં ઓછી હોય છે. તે આલ્કોહૉલમાં અલ્પદ્રાવ્ય છે, પરંતુ પેટ્રોલિયમમાં સહેલાઈથી ભળી જાય છે અને ધ્રુવણ-અઘૂર્ણક (optically inactive) છે. તેનો ઝેરી ઘટક આલ્કોહૉલ-દ્રાવ્ય અંશ(fraction)માં હોય છે, જેનું સાબુનીકરણ (saponification) કરતાં મેદીય અમ્લો, એક પ્રકારનો ફાઇટોસ્ટેરૉલ અને એક પ્રકારની રાળ ઉત્પન્ન થાય છે. તેનું અલગ પરીક્ષણ કરતાં તે વિષરહિત જણાયું છે.
તે અંશ-શુષ્કન (semi-drying) તેલ છે અને અશુષ્કન (non-drying) કે અંશ-શુષ્કન ઍલ્કિડ (alkyd) બનાવવામાં વપરાય છે. આ અખાદ્ય તેલ મીણબત્તી, સાબુ, વાર્નિશ વગેરે ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગી ગણાય છે. તેની સ્નિગ્ધતા ઘણી હોવાથી તે સંચાકામમાં ઊંજણ (lubricant) તરીકે વપરાય છે. આ તેલ બળતાં ઘણો ઓછો અવશેષ બાકી રહેતો હોવાથી તેનો પ્રદીપક (illuminant) તરીકે ઉપયોગ થાય છે. તે ઊન-કાંતણમાં વપરાય છે. મગફળીના તેલમાં તેનો અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્વચાના રોગો અને વામાં તે લગાડવામાં આવે છે. તે વાળની વૃદ્ધિ માટે ઉત્તેજક અને ગર્ભપાતકારક (abortifacient) છે અને જલોદર (dropsy), રાંઝણ (sciatica) અને લકવામાં પણ અસરકારક છે. ઢોરોને દાહ (sore) થતો હોય તો તે ઉપર તે લગાડવામાં આવે છે. આ તેલમાં ઉષ્માશક્તિ સારી હોવાથી મોટર ગાડીના ઇંધન તરીકે વાપરવા માટેની પણ ઊજળી તકો છે.
બીજના ખોળમાં ઝેરી ઘટકો હોવાથી ઢોરોના ખાણ તરીકે તેનો ઉપયોગ થતો નથી. તે નાઇટ્રોજન અને ફૉસ્ફરસ (N 3.2 %, P2O5 1.4 % અને K2O 1.2 %) વિપુલ પ્રમાણમાં ધરાવે છે અને ખાતર તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. ખોળના પ્રોટીનનો પ્લાસ્ટિક અને સંશ્લેષિત રેસાઓ માટે કાચા માલ તરીકે ઉપયોગ કરી શકાય.
વનસ્પતિનાં બધાં અંગો ચીકણા, દૂધિયા (opalescent), કડવા અને સંકોચક (astringent) ક્ષીરરસ(latex)નો સ્રાવ કરે છે જેમાં રાળયુક્ત પદાર્થો આવેલા હોય છે. ગંઠાયેલા ક્ષીરરસમાં તેનું પ્રમાણ 14.6 % જેટલું હોય છે. તે સુકાતાં તેનું લાખ જેવા ચળકતા, રતાશ પડતા બદામી અને બરડ પદાર્થમાં રૂપાંતર થાય છે. તેનો નિશાની કરવાની શાહી તરીકે અને શણના કાપડને રંગવામાં ઉપયોગ થાય છે.
છાલમાં ટૅનિન (37 %, શુષ્ક વજનને આધારે), મીણ, રાળ, સૅપોનિન, અપચાયક (reducing) શર્કરાઓ અને અતિઅલ્પ પ્રમાણમાં બાષ્પશીલ તેલ હોય છે. તે ઘેરો વાદળી રંગ ઉત્પન્ન કરે છે, જેનો કાપડ અને માછલી પકડવાની જાળને રંગવામાં ઉપયોગ થાય છે. તેનો રસ ખરજવું, દાદર અને ખસ જેવા ત્વચારોગોમાં ઉપયોગી છે.
તેની કુમળી ડાળીઓ દાંત સાફ કરવા માટે વાપરવામાં આવે છે. તેનો રસ દાંતના દુખાવામાં રાહત આપે છે અને પેઢાં મજબૂત કરે છે. તેની તરુણ શાખાઓ અને પર્ણો નાળિયેરીનાં વૃક્ષો માટે ખાતર તરીકે વપરાય છે. જાવા અને મલેશિયામાં કુમળાં પર્ણો રાંધીને ખવાય છે. આસામમાં તેનાં પર્ણો ‘એરી’ રેશમના કીડાના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે.
તેનો રસ રેચક અને રક્તસ્તંભક (haemostatic) છે. પર્ણો રક્તિમાકર (rubefacient), સ્તન્યવર્ધક (lactogogue) અને કીટનાશક (insecticidal) ગુણધર્મો ધરાવે છે. ઘાનામાં માંકડને મારવા તેનાં પર્ણોનો ધુમાડો ઘરમાં કરવામાં આવે છે. પર્ણોનો રસ હરસ-મસા ઉપર અને નાનાં બાળકોની જીભ ઉપર આવતા સોજા ઉપર લગાડાય છે. ડાળીનો રસ સ્તંભક (styptic) ગણાય છે અને ઘા અને ચાંદાં રૂઝવવા માટે લગાડાય છે. બેન્ઝાઇલ બેન્ઝોએટ સાથેનું તેના રસનું પાયસ (emulsion) ખસ, ભીનું ખરજવું અને ત્વચાશોથમાં ઉપયોગી છે. અતિસાર(diarrhoea)માં પર્ણો અને મૂળનો ક્વાથ આપવામાં આવે છે. મૂળમાંથી પીળા રંગનું તેલ નીકળે છે, જે તીવ્ર કૃમિહર (anthelmintic) પ્રક્રિયા દર્શાવે છે. મૂળની છાલ વ્રણ ઉપર લગાડવામાં આવે છે. હિંગ સાથે તેની છાલનો ઘસારો અને છાલ અજીર્ણ (dyspepsia) અને અતિસારમાં અને છાલનો ક્વાથ વા અને કુષ્ઠ(leprosy)માં અપાય છે.
આયુર્વેદ અનુસાર તેનાં બીજ રસકાળે અને પાકકાળે ગુરુ, સ્નિગ્ધ, વૃષ્ય, મધુર, બૃંહણ, બલકર, કફકર, પિત્તલ અને વાંતિકારક છે અને વાયુ, ગુલ્મ, વિષ, ઉધરસ, રક્તદોષ, સોજો, ક્ષતક્ષય અને વાયુનો નાશ કરનાર છે. તેનું દૂધ રક્તસંગ્રાહક અને વ્રણરોપણ છે. તેનો ઉપયોગ ઊલટી અને જુલાબ બંધ કરવા; વીંછીના વિષ ઉપર; કૉલેરા, પેટપીડ, વાતરક્ત, ભગંદર અને દંતરોગ ઉપર તથા ઢોરોને હરક લાગે તે ઉપર થાય છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ
બળદેવભાઈ પટેલ