રઇસખાં (જ. 4 નવેમ્બર 1939) : પાકિસ્તાનના અગ્રણી સિતારવાદક. તેઓ મૂળ ભારતના વતની હતા; પરંતુ પાછળથી તેમણે પાકિસ્તાનનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું. પિતા ઉસ્તાદ મુહમ્મદખાં ઉચ્ચ કક્ષાના સિતારવાદક હતા. બાળપણમાં પિતા પાસેથી સિતાર વગાડવાની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેઓ માત્ર અઢી વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને એક નાની સિતાર આપી હતી, જેના પર તેઓ રમતમાં સ્વર વગાડવાનો પ્રયાસ કરતા. તેઓ માત્ર પાંચ વર્ષના હતા ત્યારથી તેમણે કાર્યક્રમ આપવાની શરૂઆત કરી અને ‘ચાઇલ્ડ પ્રૉડિજી’ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. અગિયાર વર્ષની વય સુધી તેઓ માત્ર બે જ રાગ યમન અને કેદાર વગાડવાનું શીખ્યા હતા. બાલ્યાવસ્થામાં પોલૅન્ડના પાટનગર વૉરસો ખાતેના એક થિયેટરમાં ઉત્તમ પ્રકારનું સિતારવાદન કરવા માટે તેમણે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. 1953માં સુરસિંગાર સંસદના વાર્ષિક સમારોહમાં તેમણે બેનમૂન સિતારવાદન કર્યું અને ત્યારપછી તેમને અવારનવાર કાર્યક્રમો આપવા માટે આમંત્રણો મળવા લાગ્યાં.
મીંડ તથા કણ સ્વરો પર તેઓ અસાધારણ કાબૂ ધરાવે છે. ગઝલની ગાયનશૈલી પર પણ તેઓ પ્રભુત્વ ધરાવે છે અને ક્યારેક ક્યારેક તેઓ સિતારવાદનની વચ્ચે કંઠ-સંગીત પણ રજૂ કરતા હોય છે. આ તેમની લાક્ષણિકતા ગણાય છે.
તેમના પરિવારમાં ખૂબ જાણીતા સંગીતકારો થઈ ગયા છે અને તેમાં ઉસ્તાદ રજબઅલીખાં, ઉસ્તાદ અમાનતખાં, ઉસ્તાદ વજીરખાં, ઉસ્તાદ લતીફખાં અને ઉસ્તાદ નઝીરખાંનો સમાવેશ થાય છે. તેમના માતૃપક્ષે પણ ઉસ્તાદ ઇમદાદખાં, ઉસ્તાદ ઇનાયતખાં, ઉસ્તાદ વિલાયતખાં તથા ઉસ્તાદ ઇમરતખાં જેવા અગ્રણી સિતારવાદકો થઈ ગયા છે.
ભારતના સંગીતકારો પ્રત્યે તેઓ વિશેષ આત્મીયતા ધરાવે છે.
બટુક દીવાનજી