યૂસુફ હુસેનખાન

January, 2003

યૂસુફ હુસેનખાન (જ. 1902, હૈદરાબાદ; અ. 1979) : ઉર્દૂના લેખક, ઇતિહાસકાર, વિદ્વાન અને વિવેચક. તેમના પુસ્તક ‘હાફિઝ ઔર ઇકબાલ’(1976)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકિર હુસેનના તેઓ નાના ભાઈ.

ઇટાવા ખાતે શાળાકીય શિક્ષણ; જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી બી.એ.. 1926માં પૅરિસ ગયા. 1930માં ઇતિહાસ વિષયમાં ડી. લિટ્.ની ડિગ્રી મેળવી ભારત પાછા ફર્યા. 1930માં નામાંકિત વિદ્વાન મૌલવી અબ્દુલ હકને ઇંગ્લિશ-ઉર્દૂ ડિક્શનરીના ભગીરથ કાર્યમાં સહાય કરવા તેમની સાથે જોડાયા. ઉર્દૂમાં વિજ્ઞાનની પરિભાષાનું કાર્ય પણ તેમની સાથે સંભાળ્યું. 1930ના ઉત્તરાર્ધમાં ઓસ્માનિયા યુનિવર્સિટી ખાતે અધ્યાપક તરીકે જોડાયા અને 1957માં પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. ત્યાં 10 વર્ષ સુધી ઇતિહાસવિષયક સંશોધન-વિભાગના ક્યૂરેટર તથા સલાહકાર તરીકે અંશકાલીન કામગીરી સંભાળી. એ દરમિયાન પુરાતત્વીય મહત્વના અસલ અરબી દસ્તાવેજોના મૂળ પાઠ તથા તેના અંગ્રેજી સારાંશ અને સમજૂતી ધરાવતા 6 ગ્રંથો તૈયાર કર્યા.

ઓસ્માનિયા ખાતે સાનુકૂળ વાતાવરણ તથા પુષ્કળ નવરાશ મળવાથી તેમના લેખનકાર્યને વેગ મળ્યો. અહીં તેમણે ‘દારુલ-તર્જુમા : તારીખે હિંદ’, ‘તારીખે દક્કન’ તથા ‘મુખદીએ ઉમરાનિયત’ (ફ્રેન્ચમાંથી ભાષાંતર) – એ ઉર્દૂ પુસ્તકો આપ્યાં. એ ઉપરાંત તેમણે ‘નિઝામુલ મુલ્ક-1’ (અંગ્રેજીમાં), ઇકબાલના વ્યક્તિત્વ તથા કાવ્યનાં વિવિધ પાસાં અંગે ‘રૂહે ઇકબાલ’, 1950 સુધીની ગઝલોનાં વિવેચન-વિવરણનો ગ્રંથ ‘ઉર્દૂ ગઝલ’, ‘હસરત કી શાયરી’ અને ફ્રેન્ચ ભાષા અને સાહિત્યના મહત્વના ગાળાના અગ્રણી સર્જકોના વિવેચનાત્મક પૃથક્કરણનો ગ્રંથ ‘ફ્રાન્સિસી અદબ’ પુસ્તકો પણ આપ્યાં.

ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા પછી તેમણે 1965 સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રો-વાઇસ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો. ત્યારબાદ 1971 સુધી તેમણે સિમલા ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍડ્વાન્સ્ડ સ્ટડીઝમાં રિસર્ચ ફેલો તરીકે કામ કર્યું.

એ પછીના ગાળાના 4 મહત્વના બૃહદ ગ્રંથો તે ‘ગાલિબ ઔર આહંગે ગાલિબ’ (1971), ‘હાફિઝ ઔર ઇકબાલ’ (1976), ‘ઉર્દૂ ગઝલ્સ ઑવ્ ગાલિબ’ (1975) તથા ‘પર્શિયન ગઝલ્સ ઑવ્ ગાલિબ’ (1976). છેલ્લી 2 કૃતિઓમાં ગાલિબની ઉર્દૂ તથા ફારસી ગઝલોના અંગ્રેજી અનુવાદ અને તેમના મૂળ પાઠ આપવામાં આવ્યા છે. આ રીતે એક મહાન ગઝલ-પ્રતિભાનો તેમણે યુરોપના સાહિત્ય-જગતને પરિચય કરાવવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું.

તેમને લખનઉની ઉર્દૂ અકાદમી તથા દિલ્હીની સાહિત્ય કલા પરિષદના ઍવૉર્ડ પણ મળ્યા હતા. તેઓ ઑલ ઇન્ડિયા અંજુમન તરક્કીએ ઉર્દૂના ઉપપ્રમુખ હતા. સાહિત્ય અને ઇતિહાસક્ષેત્રના પ્રદાન બદલ તેમને ‘પદ્મભૂષણ’નું સન્માન પણ અપાયું હતું.

મહેશ ચોકસી