યૂસુફ નાઝિમ

January, 2003

યૂસુફ નાઝિમ (જ. 7 નવેમ્બર 1918, જાલના, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક સૈયદ મોહમ્મદ યૂસુફ નાઝિમ. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ. એ. . તેમણે નિવૃત્તિ પર્યંત સરકારી નોકરીમાં ફરજ બજાવી, સાથોસાથ સાહિત્યસર્જન પણ કર્યું.

તેમણે રાજ્ય ઉર્દૂ અકાદમીના સભ્યસચિવ અને અંજુમને તરક્કીએ ઉર્દૂ(મહારાષ્ટ્ર)ના જનરલ સેક્રેટરી તરીકે કારકિર્દી શરૂ કરી. તેમણે ઉર્દૂમાં 17 ગ્રંથો આપ્યા છે. તેમાં નિબંધસંગ્રહોમાં ‘કૈફ-ઓ-કૂન’; ‘અલબત્તા’ (1981); ‘ફિલફૌરા’; ‘બિલ્કુલિયાત’ (1984); ‘ફિલહાલ’; ‘ફિલ હકીકત’ અને ‘ફીઝમાના’ (તમામ નિબંધસંગ્રહો) તથા વિનોદકથાઓમાં ‘સાયે હમસાયે’ (1975) અને ‘ઝિક્રે ખૈર’ (1982) ઉલ્લેખનીય છે.

તેમની આ સાહિત્યોપાસના બદલ તેમને આંધ્ર પ્રદેશ, બંગાળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર ઉર્દૂ અકાદમીઓ તરફથી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે. 1984માં તેમને ગાલિબ ઍવૉર્ડ મળ્યો હતો. વળી હરિયાણા અકાદમી ઍવૉર્ડ પણ તેમને પ્રાપ્ત થયો છે.

બળદેવભાઈ કનીજિયા