ઇન્દિરા-એમ. કે.
January, 2002
ઇન્દિરા, એમ. કે. (જ. 5 જાન્યુઆરી 1917, તીર્થહળ્ળિ, જિ. શિમોગા, કર્ણાટક; અ. 15 માર્ચ 1994) : કન્નડ ભાષાનાં મહિલા નવલકથાકાર. 7 ધોરણ સુધીનો અભ્યાસ. પછી હિંદી શીખ્યાં. પાછળથી નામાંકિત નવલકથાકાર નીવડેલા ત્રિવેણીના પરિચયથી લેખનકાર્ય માટે પ્રેરાયાં. જોકે લેખન શરૂ થયું ઉત્તરાવસ્થામાં. પ્રથમ નવલ ‘તુંગભદ્રા’ને સારો આવકાર અને બહોળી ખ્યાતિ સાંપડ્યાં. ત્યારબાદ 54 નવલકથાઓ, ટૂંકી વાર્તાના 8 સંગ્રહો અને એક નિબંધસંગ્રહ – એમ સંખ્યાબંધ કૃતિઓ આપી. એક વારાંગનાની પુત્રીની કરુણાસભર કથા આલેખતી ‘ગેજે પુજે’ તથા રૂઢિચુસ્ત કુટુંબની એક યુવાન વિધવાની વ્યથા આલેખતી ‘ફણિયમ્મા’ જેવી નવલકથાઓથી તેઓ ખૂબ પ્રસિદ્ધિ પામ્યાં. આ બે ઉપરાંત ‘હૂબના’ પરથી ચલચિત્રોનું નિર્માણ પણ થયું છે. ‘ફલિયમ્મા’ પરથી બનેલ ચલચિત્ર(15 માર્ચ, 1994)ને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મળેલ છે.
ત્યાંના ‘માલમદ’ એટલે કે પહાડી પ્રદેશના જનજીવનનું સમભાવપૂર્વક તથા જીવંત-વાસ્તવિક ચિત્રણ કરવામાં તેમણે પ્રશંસનીય કૌશલ્ય દાખવ્યું છે. તેમાં ત્યાંની તળપદી લોકભાષાનો પણ ઔચિત્યપૂર્વક ઉપયોગ કર્યો છે. તેમણે નારી-પાત્રો આલેખવામાં વિશેષ અભિરુચિ દાખવી છે. આ નારી-પાત્રો ત્યાગ, ધૈર્ય તથા સ્વસ્થતા જેવા ગુણોથી આનંદ-પ્રેમ સર્જી બતાવે છે. અંધશ્રદ્ધાથી થતા નુકસાનનું તેમજ નારીની અવસ્થાનું આલેખન પણ તેમનો મનપસંદ વિષય રહ્યો છે; જોકે એ સામેનો તેમનો વિરોધનો સૂર પ્રમાણમાં સૌમ્ય છે. તેમણે કુશળ-કસબી વાર્તાકારની પ્રતીતિ કરાવી છે. તેમનું ‘ચિત્રબ્રહ્મા’ જેવું આત્મકથનાત્મક લખાણ પણ જાણીતું છે.
કર્ણાટક સાહિત્ય અકાદમી તરફથી તેમનું સન્માન કરાયું હતું. તેમની નવલકથા ‘સદાનંદ’ તથા ‘ફણિયમ્મા’ અને વાર્તાસંગ્રહ ‘નવરત્ન’ને રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
એચ. એસ. પાર્વતી