ઇન્દિરાબેટીજી (જીજી) (જ. 3 સપ્ટેમ્બર 1939, સૂરત; અ. 1 ઑક્ટોબર 2016, વડોદરા) : પુષ્ટિમાર્ગીય પ્રસિદ્ધ કથાકાર અને સંનિષ્ઠ સમાજસેવિકા. પુષ્ટિસંપ્રદાયના સંસ્થાપક શ્રી વલ્લભાચાર્યની સોળમી પેઢીનું તેઓ સંતાન છે. તેમના વડવાઓ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા છે. સૂરતના સુપ્રસિદ્ધ લાલજી મહારાજ (વ્રજરત્નલાલજી) તેમના દાદાજી થાય. તેમના પિતા મધુસૂદનલાલજી પુષ્ટિસંપ્રદાયના વિદ્વાન હતા. માતા ચંદ્રપ્રભાવહુજી વૈષ્ણવી આચારવિચારનાં ચુસ્ત સમર્થક હતાં. પરિવારના સંસ્કાર જ એવા હતા કે ઇન્દિરાબેટીજી નાનપણથી જ આધ્યાત્મિક રસરુચિ ધરાવતાં થયાં. તેમણે દાદાજી શ્રી વ્રજરત્નલાલજી પાસે બ્રહ્મસંબંધ લીધેલો. તેમણે વડોદરાની એસ.એન.ડી.ટી. મહિલા કૉલેજમાંથી સંસ્કૃત મુખ્ય વિષય સાથે બી.એ.માં પ્રથમ આવી દક્ષિણા ફેલોશિપ મેળવી હતી. વળી ત્યાંની જ એમ. એસ. યુનિવર્સિટીમાં ઉત્તમ નિબંધ રજૂ કરીને એમ.એ.ની પદવી મેળવવા સાથે ટોડરમલ પ્રાઇઝ પણ તેમણે પ્રાપ્ત કર્યું હતું. તેમણે સંસ્કૃતમાં પારંગતતા મેળવવા સાથે દર્શન-ગ્રંથોનું અધ્યયન કરી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી ‘આચાર્ય’ની પદવી પણ મેળવી. શ્રી નરહરિ મહારાજ તથા શ્રી નાગરદાસ બાંભણિયાના ઉત્તમ માર્ગદર્શન હેઠળ તેમણે વેદ-ઉપનિષદ-ભાગવત આદિ ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. ઈ. સ. 1971ની સાલથી તેમણે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો પ્રારંભ કર્યો અને ત્યારથી ભારતમાં અને વિદેશોમાં તેઓ સતત ભાગવતધર્મના પ્રચાર દ્વારા સંસ્કારસેવા ને સમાજસેવાનું ઉમદા કાર્ય કરતાં રહ્યાં છે. ૦૨

ઇન્દિરાબેટીજી (જીજી)

ઇન્દિરાબેટીજી (જીજી)

ઇન્દિરાબેટીજીએ શ્રીમદ્ વલ્લભાચાર્યના તત્વજ્ઞાન અને ધર્મસાહિત્યના સંશોધન-સંપાદન તથા પ્રસાર માટે શ્રીમદ્ વલ્લભાચાર્ય રિસર્ચ એકૅડેમી(SVARA)ની સ્થાપના કરી છે. આ ઉપરાંત આનંદમંગલ ટ્રસ્ટ, અનુગ્રહ ટ્રસ્ટ જેવાં અન્ય અનેક ટ્રસ્ટો દ્વારા માનવસમાજની તેમજ સંપ્રદાયની અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ તેઓ ચલાવતાં રહ્યાં છે. દેશમાં વલ્લભાચાર્યજીની કેટલીક બેઠકોના નવનિર્માણમાં તેમજ દેશવિદેશમાં પુષ્ટિમાર્ગીય મંદિરોની પ્રતિષ્ઠા તેમજ વૈષ્ણવ-મંડળોની સ્થાપનામાં પણ તેઓ ઊંડો રસ લેતાં રહ્યાં છે. ઈ. સ. 1980ના જુલાઈમાં લંડનની પ્રથમ વિદેશયાત્રા પછી તેઓ વિશ્વના બધા ખંડોમાં કથા-પ્રવચનો નિમિત્તે ઘૂમતાં રહ્યાં છે.

ઇન્દિરાબેટીજીએ અમેરિકા તથા ઇંગ્લૅન્ડમાં ‘HELP’ (Human Enrichment by Love and Peace) નામની સંસ્થા સ્થાપી તેના સંચાલનમાં પણ પોતાનો ઉમદા સહયોગ આપ્યો છે. તેઓ અંધકારને અભિશાપવા કરતાં અંધકાર સામે દીવો કરી દેવામાં માને છે. એ રીતે તેઓ વિવિધ પ્રકારે સાંસ્કૃતિક-ધાર્મિક અને સામાજિક, કલાકીય અને વિદ્યાકીય પ્રવૃત્તિઓને તન-મન-ધનથી શક્ય તેટલી મદદ કરતાં રહ્યાં છે. ધરતીકંપ, વાવાઝોડાં, અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો વખતે ધર્મ કે નાતજાતના ભેદભાવ વિના સૌને રાહત થાય એવા કાર્યક્રમો ચલાવવામાં તેઓ અગ્રેસર રહે છે. તેઓ સમાજના નબળા વર્ગને જરૂરી તબીબી સવલતો ને આરોગ્યસેવાઓ મળતી રહે એવા શિબિરાદિના કાર્યક્રમો ગોઠવતાં રહે છે. નિ:સ્વાર્થભાવે જનસેવા કરતાં પ્રભુસેવા થાય એવી એમની સુર્દઢ ભાવના રહી છે. પરમ પુષ્ટિ-પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ માનવસેવા ને માનવવિકાસ સુધી સતત વિસ્તરતો રહે એ માટે કથાકીર્તનનો પણ ઉદાર ભાવે સમાશ્રય લેતાં રહે છે.

ઇન્દિરાબેટીજી એમના વિશાળ ભક્તમંડળમાં ‘જીજી’ના નામે ઓળખાય છે. કવિતાના ક્ષેત્રે તેમણે પોતાનું ઉપનામ ‘શ્રાવણી શ્યામકિંકર’ રાખ્યું છે. તેમની કવિતામાં કૃષ્ણપ્રીતિની માધુરી સાથે કલ્પનાની રમણીય ઉડાણો પણ જોવા મળે છે. તેમની સર્જકતાનું દર્શન તેમના ‘મોગરાનો સ્વાદ’ તથા ‘સાંવરિયા કી શેઠની’ જેવા કાવ્યસંગ્રહોમાંથી સાંપડે છે. તેમના ‘કૃષ્ણને કરવું હોય તે કરે’ તથા ‘ગોપીગીત’ જેવાં પુસ્તકો વૈષ્ણવ સમાજમાં સારો આવકાર પામ્યાં છે. શ્રીકૃષ્ણને વરેલાં ઇન્દિરાબેટીજી સાંસારિક ર્દષ્ટિએ તો અવિવાહિત જ રહ્યાં છે. ગુજરાતમાં ને ભારતમાં મહિલા કથાકારોમાં તેમનું નામકામ ઘણું સ્વાગત પામ્યું છે.

ચન્દ્રકાન્ત શેઠ